ડિસેમ્બર 22, 2014

વક્ત રુકતા નહિ કિસીકે લિયે....


મોટેભાગે એવું જ બનતું હોય છે કે કેટલીયે એવી અમર રચનાઓ કે જે આપણે વારંવાર સાંભળતા હોઈએ છીએ, ગણગણતા પણ હોઈએ છીએ, એના રચયિતા વિષે આપણને કશી પણ જાણકારી હોતી નથી. અરે એમનું નામ સુદ્ધાં જાણવાની તસ્દી આપણે ક્યારેય લેતા નથી. આપણે બસ, એ કવિતા, ગીત, ગઝલ સાંભળીએ છીએ ને મહદઅંશે તો ગાયકનાં નામથી જ એને યાદ રાખીએ છીએ.

નવેમ્બર 19, 2014

ધુમ્રસેર


રસ્તાની ધારે ઉગેલા બાવળ ના ઝૂંડ વચ્ચે થી પસાર થતી કેડી પરથી સાચવી ને નીચે ઉતાર્યો. આમ તો અહીંની ઈંચે-ઇંચ જમીનથી પરિચિત હતો. પણ આમ કેડી મારગ પર ઢોળાવ વાળા રસ્તે થઈને નીચે ઉતરવું હવે જરા દુષ્કર લાગતું હતું. ઉંમરનો તકાજો વળી, બીજું શું? અધવચ્ચે થોડી સમથલ જગ્યા જોઇને ઊભો રહી ગયો.

સપ્ટેમ્બર 24, 2014

Missing you.....


પ્રણયવેદના



એવું કેમ બનતું હશે કે પ્રેમમાં મિલનના આનંદને બદલે વિરહની વ્યથા જ વધુ અનુભવાતી હોય છે? જીવનમાં કોઈ વેળાએ કોઈ સાવ અજાણી વ્યક્તિ જોડે અચાનક જ મુલાકાત થઈ જાય અને પછી આ ઓળખાણ ગાઢ આત્મીયતામાં બદલાઈ જાય.... જાણે કે આ વ્યક્તિ આપણું પોતાનું સ્વજન જ ન હોય? પરંતુ પરસ્પર ઊંડી લાગણી હોવા છતાં આ વ્યક્તિને મળી શકાતું નથી. ‌સૂક્ષ્મ રીતે સાવ નજીક હોવા છતાં સ્થૂળ રીતે તો દૂર દૂર જ રહેવું પડે છે..આવા પ્રેમીજનોની પ્રણયવેદના પન્ના નાયક જેવા સંવેદનશીલ કવિયત્રી અત્યંત લાઘવમાં સચોટ રીતે આલેખે છે....

આપણે
આટલાં નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કરીએ છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
અને
તું
પસાર થતી ટ્રેનનો મુસાફર......

~ પન્ના નાયક

હું ફૂલોને જોઉં કે.....



વહેલી સવારે
સાવ તાજાં હજુ ઝાકળભીના
રંગબેરંગી ફૂલોને લઇ જતી કન્યાને જોઉં છું
ને હું મૂંઝવણમાં મુકાઈ જાઉં છું.
હું ફૂલોને જોઉં કે.....

~વિપિન પરીખ

You wanna go where everybody knows your name....



ફેસબુક પર એક મિત્રની પોસ્ટ ઉપર કોમેન્ટ લખતાં મન રવાડે ચડ્યું! માનવ સ્વભાવ પણ કેટલો જટિલ હોય છે! માનવીને એકલાં રહેવું ફાવતું જ નથી. આપણે પોતાના ઘરે કે કોઈ પણ સ્થળે જઈએ તો ત્યાં સ્વજનો કે કોઈ ઓળખીતું હોય એવી આશા રહે જ છે. ઘરે જતા પહેલા ઘરે કોઈક આપણી રાહ જોતું હશે એવા વિચારો અકળ ખુશી આપતા હોય છે. એકલા રહેતા લોકો ઘરે જાય અને પાલતું કુતરો દોડતો આવી ને વીંટળાય એમાં ય ખુશી પામે છે. તો પત્ની/પતિ, સંતાનો કે બાજુવાળી/બાજુવાળો બારીમાં રાહ જોતા હોય એ વિચાર આહ્લાદક જ નહિ અહંને પોષનાર પણ હોય છે.

આજ વિચારો વચ્ચે અજાણ્યે જ અંગ્રેજી સીટકોમ 'ચીયર્સ' નું થીમ સોંગ ગણગણી ઉઠી. જીવનની ગંભીર બાબતો ઘણીવાર બિલકુલ હળવા શબ્દોમાં પણ કહી શકાતી હોય છે, નહિ?

Making your way in the world today
Takes everything you've got;
Taking a break from all your worries
Sure would help a lot.
Wouldn't you like to get away?

All those night when you've got no lights,
The check is in the mail;
And your little angel
Hung the cat up by it's tail;
And your third fiance didn't show;

Sometimes you wanna go,
Where everybody knows your name,
And they're always glad you came;
You wanna be where you can see,
Our troubles are all the same;
You wanna be where everybody knows your name.

Roll out of bed, Mr. Coffee's dead;
The morning's looking bright;
And your shrink ran off to Europe,
And didn't even write;
And your husband wants to be a girl;

Be glad there's one place in the world
Where everybody knows your name,
And they're always glad you came;
You wanna go where people know,
People are all the same;
You wanna go where everybody knows your name.

તું જે છે, જેવો છે, એવો જ મને પસંદ છે...



ઘણીવાર અરીસામાં જોઈએ અને એક બીજો જ પરિચિત ચહેરો ઉભરી આવે! એવી એક ક્ષણે ઉભરેલી રચના....

જાનમ...

ગઈ કાલે રાત્રે મારી પથારીમાં વિખરાયેલી હતી તારી અગણિત યાદો... જાણે કેલિડોસ્કોપમાં વિખરાયેલા રંગબેરંગી કાચના ટુકડાઓ...  જે તરફ પડખું ફેરવું એ તરફ તારી યાદનો એક ટુકડો ખિલખિલ હસતો વિખેરાઈ જતો મારી આસપાસ.... ને જરા હાથ લંબાવીને યાદના એ ટુકડાને સ્પર્શવા જાઉં ત્યાં બીજી યાદ આવીને હસતી હસતી એને પકડીને લઇ જતી....

સપ્ટેમ્બર 11, 2014

અણગમાના પહાડની બીજી તરફ....


આપણી વચ્ચે હજુયે ઘણું બધું છે.... અણગમાના મોટા પહાડની બીજી તરફ
હા એ ખરું કે તારા સ્પર્શથી હવે મને કોઈ સંવેદન નથી થતું
એક પથારીમાં સૂતેલા આપણે ક્યાં એકબીજાની સાથે હોઈએ છીએ?

તું જા ને તારી લાંબી લાંબી બિઝનેસ ટૂર પર
કે તું ન હોય એ સમયે હું ખુદની કેટલી નજીક હોઉં છું!
તારા માટે સજવાનું છોડી દીધું છે મેં ક્યારનુંયે
તારી આંખે ખુદને જોવાનું યે છોડી દીધું છે હવે
કેટલી નવાઈની વાત છે, નહીં?
ધીરે ધીરે ખતમ થઇ રહેલો આ સંબંધ
ક્યારે સાવ પૂરો થઇ જશે એની ખબર પણ નહીં પડે આપણને

પણ તોયે....
તારી ગેરહાજરીમાં કોઈની યે બીમારીના ખબર મળે
તો તારા છાતીના દુ:ખાવાની ચિંતા થઇ આવે છે મને
કૈક એવું બને મારી આસપાસ
તો જલ્દીથી તને કહી દેવાની તલબ જાગે છે
કે જો ને, આ તું નથી અહીં ને કેવી જફા થઇ છે

એક તું જ તો છો
કે જેને કંઈ પણ કહેતા પહેલા હું કશું વિચારતી નથી કે આ વાત તને કરું કે ન કરું
મારી વાત પર તારી પ્રતિક્રિયાની મને ખબર જ હોય
જેટલો ઊંચો તારો અવાજ 
એટલાં જ વેગથી વહેતા મારા આંસુ
ને પછી તારું 'સોરી'
આ સોરીની છરીથી પેલો પહાડ જરા જરા વહેરાતો રહે

મને શ્વાસ ચડે ત્યારે
તારું વારે વારે મને ફોન કરીને ખબર પૂછવાનું
શરુ શરૂમાં તો આ મારું બહાનું જ હતું, તારું ધ્યાન ખેંચવાનું
પણ હવે  તો મને એની આદત પડી ગઈ છે!
મારો દવાનો પંપ કે જે ક્યારેય મારા હાથવગો નથી હોતો
એ રાતના ત્રણ વાગ્યે પણ તું ક્યાંથી શોધી કાઢે છે?!

એક તને જ ખબર છે કે મારાથી ઠંડી જરાય સહન નથી થતી
એક તને જ ખબર છે કે ચાય મને ઓલ્વેઝ ગરમાગરમ જ પીવા જોઈએ છે
એક તને જ ખબર છે કે આઈસક્રીમ જોઇને મારાથી કંટ્રોલ નથી રહેતો
મેં ફેંકેલા વાસણોનો ઘા કેમ ચૂકાવવો એ તને જ આવડે છે
ને પછી તારું પીઠ ધરીને ઊભા રહેવું
"મારી લે..."
ને પેલા પહાડમાં ઓર એક તિરાડ...

મારો ફોન એન્ગેજ આવે એ તને બિલકુલ પસંદ નથી
“ક્યાં ચોંટેલી? કલાકથી ફોન ટ્રાય કરું છું..”
“બોયફ્રેન્ડ જોડે વાત કરતી હતી... કયો એ ન પૂછતો..”
“આ વખતે કો’ક સારો મુરતિયો શોધજે... જુવાન અને પૈસાવાળો..”
“ડોહાની આદત પડેલી છે એનું શું?”
"એ તો તારી સાથે રહીને આમ પણ બહુ જલ્દીથી થઈ જ જશે...
મજા કર... પણ જમી લેજે સમયસર... 
હું ન આવવાનો હોઉં ત્યારે રસોઈ જ કરતી નથી..."

તારું આ ડ્રાઈવ કરતા કરતા ફોન પર વાત કરવાનું મને બિલકુલ પસંદ નથી
તું જ્યારે કહે છે કે 
‘તારે શાંતિ, હું જાઉં તો...’
ત્યારે જરાય ઓઝપાયા વિના હું કહું છું: 
'વિમાનાં પ્રીમીયમ તો ભરે છે ને?
પચાસેક લાખ બેન્કમાં પડ્યા હોય તો શાંતિથી જીવી શકાય બાકીની જિંદગી...'

અને પછી કેટલું હસીએ છીએ આપણે બેય
આપણું હાસ્ય પેલા પહાડ જોડે ટકરાઈને પડઘાશે

આમ મોતથી પણ નથી ડરતા આપણે
તો અણગમાથી શું ડરવાનું?
આ જે આપણી વચ્ચેનું ‘કમ્ફર્ટ લેવલ’ છે
એ કદાચ અણગમા પછી જ આવ્યું હોય એમ નથી લાગતું?

~ સૌમ્યા જોષી 

ઑગસ્ટ 18, 2014

હેપ્પી બર્થડે, ગુલઝાર સાહેબ...



''અજીબ હૈ યે શાયર... ચાહે જિતના ભી ઉડેલે, ખાલી નહીં હોતા...''

ખુદ ગુલઝાર સાહેબના જ શબ્દો એમના વિશે સઘળું કહી જાય છે! રોજબરોજની જિંદગીની વાત આસાન શબ્દોમાં કહી દેવી એ આ નિરાળા શાયરની ખાસિયત છે. એમની આ વિશિષ્ટતા જ એમને અન્ય શાયરોથી અલગ અને સાંભળનાર માટે સહજ બનાવે છે. કીડી-મંકોડાથી લઈને ચાંદ-તારા સુધીના વિષયો પોતાની રચનાઓમાં સમાવી લેનારા ગુલઝાર સાહેબનું  સાહિત્યિક જગતમાં એક વિશિષ્ટ સ્થાન છે. ચૈતન્ય મહાપ્રભુજીના કૃષ્ણભક્તિના પદ સરીખી રચના 'મોરા ગોરા રંગ લઈ લે...'થી ગીતકાર તરીકે પદાર્પણ કરનારા ગુલઝાર, ગીતકાર શૈલેન્દ્રને પોતાના ગુરુ તરીકે માને છે. 60 વર્ષની લાંબી કારકિર્દીમાં ઉર્દૂ, હિંદુસ્તાની અને ખડીબોલી જેવી લોકભોગ્ય ભાષાઓમાં અવિસ્મરણીય રચનાઓ આપનાર ગુલઝારે અનેક ફિલ્મોના ગીતલેખન ઉપરાંત કથા, પટકથાલેખન અને દિગ્દર્શન જેવા વિવિધ ક્ષેત્રે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે ઉમરના આઠ દાયકા વિત્યા હોવા છતાં પોતાની લાજવાબ રચનાઓ અને ઉત્કૃષ્ટ ગઝલો થકી સાહિત્ય સંમેલનો ગજવતા રહે છે  ગુલઝાર સાહેબ. જરા વિચાર તો કરો.... જે પેઢી એમની 'લકડી કી કાઠી...' અને 'જંગલ જંગલ બાત ચલી હૈ...' જેવી રચનાઓ ગણગણતા મોટી થઈ છે, એ જ પેઢી એમના 'કજરારે...' અને 'જય હો...' જેવા ગીતો પર મસ્ત થઈને ઝૂમી ઊઠે છે. આપણે સૌ ચાહકો એવી કામના કરીએ કે શબ્દોના આ જાદૂગર દીર્ઘાયુ પ્રાપ્ત કરે અને આવનારી અનેક પેઢી તેમના સદાબહાર ગીતોનું આચમન કર્યા કરે..

ઑગસ્ટ 16, 2014

આકાશવાણીની સિગ્નેચર ટ્યૂન...

વરસોવરસ એક અવાજ સાંભળીને વહેલી સવારની તાજગીમાં અજબની મીઠાશ ભળી જતી હતી. એ અવાજ આજે વહેલી સવારે ફરી સાંભળવા મળ્યો... એ અવાજ હતો આકાશવાણીની ‘સિગ્નેચર ટયૂન’નો! એ પણ મોબાઈલના અલાર્મ ટોન તરીકે!જાતજાતના રીંગટોન પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કર્યા કરતા મારા દીકરાએ
ન જાણે ક્યારે આ ટોન મારા ફોનમાં અલાર્મ ટોન તરીકે સેટ કરી દીધો હશે! પણ મારા માટે આ સવાર સવારમાં મળેલું સુખદ આશ્ચર્ય હતું!

શોલે...




૧૯૭૫ના ઓગસ્ટ મહિનામાં એક ફિલ્મ રજુ થઇ જે તે સમયની સૌથી મોંઘી મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી. પહેલા અઠવાડિયે આ ફિલ્મ માટે દર્શકોમાં કોઈ જ ઉત્સાહ જોવા ન મળ્યો. અને દિગ્દર્શક-લેખક-કલાકારોએ ભેગા મળી નક્કી કર્યું કે આનું કારણ ફિલ્મનો અંત છે. બધાએ ભેગા થઇ અંત ભાગનું ફરી ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું. પરંતુ એમ થાય એ પહેલા તો ફિલ્મ થીયેટરોમાં હાઉસફુલ જવા માંડી. એટલું જ નહિ ત્યાર પછી તો આ ફિલ્મે હિન્દી ફિલ્મજગતમાં અનેક શિખરો સર કરી ઈતિહાસ રચ્યા.

ઑગસ્ટ 12, 2014

પ્રેમની પરિભાષા



સાયકલ પર ડબલ સવારી કરતા પ્રૌઢ શ્રમજીવી દંપતીનો ફોટો ઈન્ટરનેટ પર અનાયાસ જોવા મળી ગયો. સીધા કેમેરામાં જોતા પુરુષનો ખુશખુશાલ ચહેરો અને તેની આગળ બેઠેલી પત્નીનો કેમેરાથી સંતાવાની નાકામ કોશિશ કરતો શરમાતો ચહેરો - મારા દિમાગમાં અંકિત થઇ ગયાં! અને દિલમાંથી સીધી કાગળ પર ઉતરી આવી બે પંક્તિઓ!

પ્રેમની લાંબી લચક પરિભાષા કરતા કે મોટા મોટા થોથાઓ લખતાં જ્ઞાનીઓ ને કહેવાનું મન થાય છે કે આ ચહેરાઓ જુઓ અને પછી વિચારો કે તમે સમયનો કેવો દુર્વ્યય કર્યો!!

ભવની પિછાણ



લોક છો કહેતા ફરે, વિધિના વિધાન છે,
આ હસ્તરેખાઓને ક્યાં કશીયે જાણ છે,

તારી ને મારી વાતમાં પડનારને કહેજે,
આ આજકાલની નહીં, ભવની પિછાણ છે.

~દક્ષેશ કોન્ટ્રાક્ટર 'ચાતક'

જુલાઈ 25, 2014

એક ગુમનામ ગાયક...




ગઈકાલે મેં પ્રખ્યાત નિર્દેશિકા સાંઈ પરાંજપેની અદ્ભૂત ફિલ્મ 'સાઝ'ના વરસાદી ગીત 'બાદલ ઘુમડ આયે' વિશેની પોસ્ટ મૂકી હતી. આ ફિલ્મ, આમ તો, સંગીતના ક્ષેત્રે એકબીજાને ટક્કર મારે એવી બે પ્રતિભાવંત બહેનોની કથા છે. સહજ છે કે, પહેલી નજરે આ કથા, પ્રખ્યાત મંગેશકર બહેનોની વાર્તા હોય એમ લાગે. પરંતુ ફિલ્મ જોઈને, ખાસ તો, 'બાદલ ઘુમડ આયે' ગીત અને રઘુવીર યાદવનું પાત્રાલેખન જોઈને ચોંકી જવાયું.

ફિલ્મમાં રઘુવીર યાદવનો એક સુખી પરિવાર છે- પત્ની અને બે દીકરીઓ. એ જાતે સંગીતકાર છે અને નાટક કંપનીમાં કામ કરે છે. બંને દીકરીઓ સંગીતમાં રસ ધરાવે છે.

જુલાઈ 24, 2014

એક વરસાદી ગીત.......



તનની સાથે મનને પણ ભીંજવી જતો હોય છે વરસાદ. અને એવી જ અસર કરે છે, વરસાદ પર આધારિત ગીતો. એમાંયે વર્ષાઋતુના ખાસ રાગ મિયાં કી મલ્હાર પર આધારિત ગીતની અસર તો અદ્ભૂત હોય છે. આવું જ એક ગીત આજે આપની સમક્ષ મૂકી રહી છું. સુરેશ વાડેકરની બેનમૂન ગાયકીનો પરિચય આપણને આ ગીતમાં મળે છે. સઈ પરાંજપેની આ ફિલ્મ 'સાઝ'નું સંગીત આમ તો ભૂપેન હઝારિકા, રાજકમલ અને યશવંત દેવે સંયુક્ત રીતે આપ્યું છે. પણ આ ગીતનું સંગીત યશવંત દેવે આપ્યું છે. આ ફિલ્મના ગીતો માટે જાવેદ અખ્તરને સર્વશ્રેષ્ઠ ગીતકારનો રાષ્ટ્રીય પુરસ્કાર એનાયત કરવામાં આવેલો.

બે સગી બહેનોની કથા કહેતી આ ફિલ્મની વાર્તા, લતાજી અને આશાજી પર આધારિત હોય એવું લાગે. પણ આ ગીતનું ફિલ્માંકન જોઈને કંઈક જૂદું જ પ્રતીત થાય છે.

આ ગીતને અહીં માણો....

જુલાઈ 20, 2014

ગીતા દત્ત...




ગીતા દત્ત - જન્મ: ૨૩ નવેમ્બર, ૧૯૩૦ - દેહવિલય: ૨૦ જુલાઈ, ૧૯૭૨

ગીતા દત્ત.... મસ્તીભર્યા તોફાની અંદાજમાં  ગાયેલા ગીતો વડે ભારતીય ફિલ્મસંગીતને પશ્ચિમી સૂરમાં ઢાળનારી આ ગાયિકા, લગભગ દરેક પ્રકારના ગીતો ગાવામાં કુશળ હતા. ભજન ગાયિકા તરીકે કારકિર્દીની શરુઆત કરનાર ગીતા દત્તે ફિલ્મ 'બાઝી'ના ગીતોમાં પોતાના માદક અવાજના કામણ વડે બાજી મારી લીધી અને રાતોરાત તે સમયની યુવા પેઢીની પ્રથમ પસંદગી બની ગઈ.

ચાહે ભજન હોય કે ક્લબ સોંગ, પ્રણયગીત હોય કે દર્દભરી રચના.... ગીતા દત્તના મદહોશ કરી દેનારા અવાજના જાદૂથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા..... આજે પણ થઈ જવાય છે. ગીતા દત્તના અવાજમાં રહેલો બંગાળી લહેકો તેમની સમકાલીન એવી અન્ય ગાયિકાઓથી અલગ કરી દે છે. સચિન દા એ તેમની આ ખાસિયતનો ઉપયોગ, દેવદાસ અને પ્યાસા જેવી ફિલ્મોના ગીતમાં બખૂબી કર્યો છે. પ્યાસાનું ગીત 'આજ સજન મોહે અંગ લગા લો... જનમ સફલ હો જાયે.....' સાંભળતા જ આ વાત સુપેરે સમજાય છે.

કહેવાય છે કે, પતિ ગુરુ દત્ત જ નહીં, દુનિયાએ પણ આ પ્રતિભાશાળી ગાયિકા અને અભિનેત્રીને જીવતેજીવ ખૂબ જ અન્યાય કર્યા હતા. આ એક નમૂનો જુઓ. ફિલ્મ 'સુજાતા'નું આ ગીત, 'તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર', સચિન દા એ આશા ભોંસલે અને ગીતા દત્ત એમ બંનેના અવાજમાં રેકોર્ડ કરેલું. છેલ્લી ઘડીએ ગીતા દત્તનો અવાજ ફાઈનલ થયો. પણ ગ્રામોફોન કંપનીના રેકોર્ડમાં આશા ભોંસલેનું નામ જતું રહેલું. કેટલાયે વર્ષો સુધી આ ગીત આશાજીના નામ સાથે જ સંભળાતું રહ્યું. આશરે સત્યાવીસ વર્ષ પછી એક વખત આશાજી જ્યારે અમેરિકાની ટૂર પર ગયેલા  ત્યારે ત્યાંના એક રેડિયો સ્ટેશન પર તેમનો ઈન્ટરવ્યૂ લેવાયો. એ સમયે અનાઉન્સરે તેમને આ ગીત સંભળાવીને ગાયિકાનું નામ પૂછ્યું. આશાજીએ જવાબ આપ્યો, 'ગીતા દત્ત'. (જો કે હજુ યે નેટ પર આ ગીત સર્ચ કરતા ગાયિકા તરીકે આશા જીનું નામ જ જોવા મળે છે.)

કૈસે કોઈ જીયે, ઝહર હૈ ઝીંદગી...(બાદબાન- ૧૯૫૪) જેવું  ગીત ગાનાર ગીતા દત્ત, ગુરુ દત્ત જેવા જીનીયસ સાથેના નિષ્ફળ લગ્નજીવન બાદ શરાબનું ઝેર રોજબરોજ ગળા નીચે ઉતારતી રહી અને આ જ કારણે માત્ર ૪૧ વર્ષની વયે આ ફાની દુનિયા છોડી ગઈ.

ગીતા દત્તે ગાયેલા મારી પસંદના કેટલાક સહાબહાર ગીતો:-

*ખયાલોં મેં કિસી કે, ઈસ તરહ આયા નહીં કરતે.. (બાવરે નૈન- ૧૯૫૦)
*સુનો ગજર ક્યા ગાયે (બાઝી- ૧૯૫૧)
*ન યે ચાંદ હોગા ન તારે રહેંગે મગર હમ હમેશા તુમ્હારે રહેંગે (શર્ત-૧૯૫૪)
*કૈસે કોઈ જીએ... ઝહર હૈ ઝિંદગી (બાદબાન-૧૯૫૪)
*જાને કહાં મેરા જિગર ગયા જી (મિ. એન્ડ મિસિસ૫૫-૧૯૫૫)
*જાતા કહાં હૈ દીવાને (સી આઈ ડી-૧૯૫૬)
*એ દિલ મુઝે બતા દે, તુ કિસ પે આ ગયા હૈ (ભાઈ ભાઈ- ૧૯૫૬)
*આજ સજન મોહે અંગ લગા લે... જનમ સફલ હો જાયે (પ્યાસા-૧૯૫૭)
*મેરા નામ ચિન ચિન ચૂ (હાવરા બ્રિજ-૧૯૫૮)

તારા વિના કશે મન લાગતું નથી....




કોઈ કાવ્ય વાંચો-સાંભળો અને એના શબ્દો-લાગણી-છંદ-પ્રાસ અપ્રતિમ હોય એટલે અત્યંત ગમી જાય. કોઈક વાર એવું યે થાય કે રચનામાં એવું કઈ ખાસ ન હોય છતાં પણ એ અનહદ ગમી જાય. એનું કારણ એ હોય છે કે એમાં કહેવાયેલી વાત આબેહૂબ આપણા દિલની વાત હોય. જાણે કોઈએ ચેહરા સામે આઈનો ધરી દીધો ન હોય!

મિત્રો, કહો તો જોઈએ કે ડૉ. મુકુલ ચોક્સીની આ રચના ક્યા પ્રકારની છે?!! :P

જુલાઈ 15, 2014

દેખો રુઠા ના કરો.....

Mount Fuji

“ઓહ.. તું છો....!!!” બેડ સાઈડ લેમ્પના ઝાંખા અજવાળામાં અર્ધમીંચી અધખુલ્લી ઊંઘરેટી આંખે એની સામું જોતા એ બોલી...

“તો રાતના અઢી વાગ્યે બેડરૂમમાં બીજું કોણ હોઈ શકે મારા સિવાય? એય...તું કોને એક્સ્પેક્ટ કરે છે????” કૈક ચીડાયેલા અવાજે એ બોલ્યો..

“રણબીર કપૂરને...” અડધી ઊંઘમાં પણ એ મજાક કરી શકી એનું પોતાને જ આશ્ચર્ય થયું!

જુલાઈ 11, 2014

અકેલે હૈં, ચલે આઓ....




પાંચમાં માળે આવેલા એપાર્ટમેન્ટના દરવાજાના કી હોલમાં ચાવી ફેરવી બારણે તાળું મારી અમલે પીઠ પર ભરાવેલો લેપટોપ બેગનો સ્ટ્રેપ સરખો કર્યો અને પગથિયાં ઉતરવા માંડ્યા. અપાર્ટમેન્ટમાં આમ તો લીફ્ટ હતી પણ કસરતના ભાગ રૂપે એ કાયમ પગથિયાં ચડી-ઉતરીને જ જતો. ચોથા માળ પર આવીને એ જરા અટક્યો. હાથમાં પકડેલા ફોન પરથી એણે એક નંબરનો ફાસ્ટ ડાયલ લગાડ્યો. 

જુલાઈ 07, 2014

એક સુફી નઝમ... ઓસમાણ મીર




થોડા દિવસ અગાઉ પોસ્ટ કરેલ વાર્તાનું શીર્ષક વિચારતી વખતે સુફી સંગીત અને કવ્વાલીના બેતાજ બાદશાહ નુસરત ફતેહ અલી ખાને ગાયેલ નઝમ 'મુઝે તુમ યાદ આતે હો....' મનમાં આવી ગઈ.

એક પ્રેમકાવ્ય.... વિપીન પરીખ



ચલો, એક દિવસ આપણે એમ વરતીએ

જાણે લગ્નનો પહેલો દિવસ છે.

તું કહેશે તો એ દિવસ હું ઑફિસ નહીં જાઉં.

જુલાઈ 05, 2014

મૃગતૃષ્ણા





આપણે ત્યાં નારી સૌંદર્યના અનેક  રૂપકો જોવા મળે છે. એ ચાહે મેનકા કે ઉર્વશી જેવી અપ્સરાઓનાં કલ્પનો હોય કે પછી પુરાતન સંસ્કૃતિના અવશેષોના ખોદકામ દરમિયાન મળી આવતી યક્ષિણીની મૂર્તિઓ હોય કે પછી અજંતા-ઈલોરાની ગુફાઓમાંની સદીઓ જૂની નારી પ્રતિમાઓ હોય કે જેને જોઇને આજે પણ અભિભૂત થઇ જવાય- 

વરસોનાં વરસ લાગે.... મનોજ ખંડેરિયા



ઘણીવાર એવું બને છે કે કવિ કરતા કવિની રચના એવી સશક્ત પુરવાર થઇ જાય કે પછી કવિ એ રચનાથી જ ઓળખાતા થઇ જાય. સ્વ. કવિ શ્રી મનોજ ખંડેરિયાના કિસ્સામાં પણ એવું જ બન્યું. પ્રસ્તુત ગઝલ વર્ષો પહેલા મુશાયરાઓમાં ન વંચાઈ હોય તો મુશાયરો અધુરો લાગે....

જુલાઈ 04, 2014

આજે તારો કાગળ મળ્યો....મુકેશ જોષી



મુકેશ જોષી પ્રિયતમામાં વસવાની વાત કરતા હોય કે ગામે એકલી રે'તી દાદીની કે વરસાદની, એમની કવિતાઓમાં પ્રેમની વાત હમેશા કાયમ હોય! ચેટીંગ અને ફેસબૂકના સમયમાં પણ કાગળ મળવાની વાત પણ સૌને પ્રિય લાગે એ ઘણી જ સુંદર વાત છે. કાગળ મળવાનું ગીત ગાયત્રી ભટ્ટ અને  રિષભ મહેતાની દંપતી-બેલડીએ એ ખુબ જ અદભૂત રીતે રજુ કર્યું છે. આવો ગીત અને સંગીત માણીએ....

http://www.youtube.com/watch?v=5YO90FcmRY8

જુલાઈ 03, 2014

वो जो हम में तुम में करार था... बेगम अख्तर


વો જો હમ મેં તુમ મેં કરાર થા.... તુમ્હેં યાદ હો કે ન યાદ હો....

ઓગણીસમી સદીના નામી શાયર મોમિન ખાં મોમિનની લખેલી આ મશહૂર ગઝલ, બડે ગુલામ અલી ખાં સાહેબ, બેગમ અખ્તર, ગુલામ અલી, મેહદી હસન, ચિત્રા સિંઘ, ફરીદા ખાનમ, પંકજ ઉધાસ, નૈયરા નૂર થી લઈને અનેક નામી અનામી ગાયકોએ પોતાના કંઠે ગાઈ છે. પણ બેગમ અખ્તરના સ્વરમાં જે વેદના છલકે છે, એ કદાચ બીજા કોઈ ગાયકના સ્વરમાં એટલી તીવ્રતાથી મહેસૂસ નથી કરી શકાતી.


ઓર એક વાત... ચાહે બેગમ અખ્તર હોય કે ગુલામ અલી કે પછી કોઈ અનામી ગાયક... જ્યારે પણ કોઈ ગઝલ સાંભળું ત્યારે મનમાં એક ખ્યાલ આવ્યા વિના રહેતો નથી કે દાગ, મોમિન, ઝોક કે પછી મીર કે ગાલિબ હોય કે કોઈ અજ્ઞાત શાયર... શાયરી કે કવિતાને સામાન્ય જન સુધી પહોંચાડવામાં આ ગાયકોનો કેટલો મોટો ફાળો છે! ફિલ્મસંગીતમાં તો કોઈ પણ ગીતને પ્રસિદ્ધિ અપાવવા માટે ગાયક/ગાયિકા ઉપરાંત સંગીતકાર, ફિલ્મના કલાકારો, ગીતનું ફિલ્માંકન, મીડિયામાં થયેલ પ્રચાર-પ્રસાર જેવા એકથી વધુ પરિબળો કામ કરતા હોય છે. જ્યારે સુગમ સંગીત કે ગઝલ ગાયકી ક્ષેત્રે, સફળતાનો બધો જ આધાર ગાયક/ગાયિકાની ગાયકી પર હોય છે. મોમિનબેશક મોટા ગજાના શાયર છે, પરંતુ સામાન્ય શ્રોતા તો ગાયકો થકી જ જે તે શાયરની રચનાને આસ્વાદે છે....




મુઝે તુમ યાદ આતે હો.....



શેખરે સાતમી વખત મીનાક્ષીનો ફોન ટ્રાય કર્યો... આજે શેખર ખૂબ જ ખુશ હતો અને આ ખુશાલી મીનાક્ષી સાથે ‘શેર’ કરવા તે ખૂબ જ આતુર હતો. પણ મીનાક્ષીનો ફોન સતત ‘એન્ગેજ’ જ આવ્યા કરતો હતો. આઠમી...નવમી...દસમી વખત શેખરે ફોન લગાડ્યો.   

“હાશ”..... ખાસ્સી અર્ધી કલાક ‘એન્ગેજ’ ટોન સાંભળ્યા પછી રીંગ વાગતી સાંભળીને શેખરે રાહતનો શ્વાસ લીધો. ખુશીના માર્યા જોર જોરથી ધડકી રહેલા પોતાના દિલ પર એક હાથ રાખીને ઉભેલા શેખરથી આ વિલંબ લેશ પણ સહન થતો ન હતો. સામે છેડે ફોનની રીંગ વાગતી રહી પણ કોઈ ફોન ઉપાડતું ન હતું.

જુલાઈ 02, 2014

હૈયામાં એક મોર... હિતેન આનંદપરા





મુંબઈ જેવા કદી ન ઊંઘતા શહેરમાં વસનાર કવિ જયારે હૈયામાં ટહુકતા મોરની કવિતા લખે ત્યારે એ કવિતા હૈયા સોંસરી જ ઉતરી જાય એવી જ હોય ને? સુરેશ દલાલે જેને 'ઘૂંટીને લખનાર' કવિ કહ્યા છે એવા હિતેન આનંદપરાની કવિતામાં છલકતો પ્રેમ યુવાન દિલને જેટલો સ્પર્શે છે એટલોજ વૃદ્ધને! એમની કવિતાઓમાં અદભૂત વૈવિધ્ય અને ભાષાની ભીનાશ જોવા મળે છે.

જુલાઈ 01, 2014

ગીતના ઘેઘૂર ગરમાળામાં ચૂમી છે તને... ડો. મુકુલ ચોકસી




ખ્યાતનામ કવિ શ્રી મુકુલ ચોકસી ગુજરાતના એક સફળ મનોચિકિત્સક અને  સેકસોલોજિસ્ટ પણ છે. પરંતુ એમનું સેકસોલોજિસ્ટ હોવું  એ ચુંબનની આવી ચોટદાર ગઝલ રચી શકવાનું કારણ નથી!

આ ગઝલનો મારો મનગમતો શે'ર પ્રેમીઓના મિલનની વિહ્વળતાનો તાદૃશ્ય ચિતાર આપે છે.

પાંપણો  મીંચાય  ને ઉઘડે એ  પલકારો થતાં,
વાર બહુ લાગી તો વચગાળામાં ચૂમી છે તને.

જૂન 30, 2014

હમેં તુમ સે પ્યાર કિતના...... પરવીન સુલતાના



"હમેં તુમ સે પ્યાર કિતના..યે હમ નહીં જાનતે.. મગર જી નહીં સકતે.. તુમ્હારે બીના.."

ફિલ્મ ‘કુદરત’નું આ બેહદ ખૂબસૂરત ગીત ગાનારી ગાયિકા પરવીન સુલતાના એટલે અત્યંત વિલક્ષણ પ્રતિભાશાળી શાસ્ત્રીય ગાયિકા, જેમને ૧૯૭૬માં માત્ર ૨૫ વર્ષની ઉમરે પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવેલો જે એક કીર્તિમાન છે. ઉપરાંત, તેમને ૧૯૭૨માં ‘ક્લીયોપેટ્રા ઓફ મ્યુઝિક’, ૧૯૮૦માં ‘ગૌરવ કલાનિધિ’, ૧૯૮૬માં ‘મિયાં તાનસેન’ તથા ૧૯૯૯માં સંગીત નાટક અકાદમી પુરસ્કાર ઉપરાંત નાનામોટા અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. હાલમાં જ એટલે કે ૨૦૧૪માં પદ્મભૂષણ સન્માનથી તેમને નવાજવામાં આવ્યા છે.

જૂન 29, 2014

હૂંફાળો માળો.... તુષાર શુક્લ




શ્રી તુષાર શુક્લ એક સિદ્ધહસ્ત કવિ અને લેખક હોવા સાથે કુશળ વક્તા અને કાર્યક્રમોના સંચાલક પણ છે. એમના સંચાલન હેઠળના કવિ સંમેલન અને બીજા સાહિત્ય વિષયક કાર્યક્રમો નીખરી ઉઠે છે. એમને સાંભળવા એ લ્હાવો છે.

જૂન 28, 2014

Pancham: The Fifth Note.....

Some men never die…..


રાહૂલ દેવ બર્મન એટલે કે પંચમ- હિન્દી ફિલ્મ જગતના એક મહાન સંગીતકાર અને ગાયક.. અત્યંત વિલક્ષણ પ્રતિભાશાળી એવા આ સંગીતકારે ભારતીય અને પશ્ચિમી સંગીતનું અફલાતૂન મિશ્રણ પોતાની ધૂનોમાં કર્યું અને લગભગ દોઢ દશક જેટલા સમયમાં વિવિધ ભાષાઓની ત્રણસોથી યે વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું. વ્યાપક વિવિધતાથી ભરપૂર તેમના ગીતોમાં અનેરી તાજગી રહેતી, જેને સંગીત ચાહકોનો એક વિશાલ વર્ગ આજે પણ ખૂબ જ પસંદ કરે છે.

જૂન 27, 2014

પંચમ-ગુલઝારની જોડીનું એક અનોખું ગીત...



એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને
તુને સાડી મેં ઉડસ લી હૈ મેરી ચાભિયાં ઘર કી
ઔર ચલી આઈ હૈ બસ યું હી મેરા હાથ પકડ કર
એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મૈને

જૂન 26, 2014

મદન મોહન




મદન મોહન કોહલી- (જન્મ: ૨૫ જૂન, ૧૯૨૪; દેહવિલય: ૧૪ જૂલાઈ, ૧૯૭૫)- બોમ્બે ટોકિઝ ફિલ્મ કંપનીના એક નિર્દેશક એવા રાયબહાદૂર ચુન્નીલાલ કોહલીના સુપુત્ર. હિન્દી ફિલ્મોના એક આલા દરજ્જાના સંગીતકાર. પોતાના જીવનકાળ દરમિયાન આશરે સો જેટલી ફિલ્મોમાં સર્વોત્કૃષ્ટ રચનાઓ આપીને પોતાના સમકાલીન સંગીતકારોની ભીડ વચ્ચે એક અલગ ઓળખ બનાવવામાં મદન મોહન જરૂર સફળ રહ્યાં. એ આપણી કમનસીબી છે કે તેમને વધારે અવસર ન મળ્યાં, નહીં તો હિન્દી ફિલ્મસંગીતના ઈતિહાસની  યશકલગીમાં કંઈ કેટલાય મધુર ગીતો રૂપી સોનેરી પીંછાં ઉમેરાયા હોત.

પૂછો કે પેનમાં.... રમેશ પારેખ




મારા પ્રિય કવિ રમેશ પારેખની અદભૂત રદીફ ધરાવતી ગઝલ.....

પૂછો કે પેનમાં ય ફરે ઝાંઝવા, તો હા
પૂછો કે હોય ત્યાં ય હરણ બહાવરા, તો હા

જૂન 23, 2014

સપનાનું ઘર... મુકુલ ચોકસી




પ્રેમમાં પડેલા મુગ્ધજનોના સપનાઓની સોહામણી કલ્પનાઓ મુકુલ ચોકસીની એક મજેદાર રચના દ્વારા તાદૃશ્ય થાય છે. આવો માણીએ!

સપનાનું ઘર હો, ભીંતોથી પર હો, છત ને છજાઓ, દિશાઓ વગર હો.
આંગણમાં ઝૂલો ને મઘમઘતાં ફુલો, નદીના કિનારાની ભીની અસર હો.

તારે જે કહેવું છે મને... વર્ષા બારોટ



તારે જે કહેવું છે મને,
એ જ
મારે કહેવું છે તને
અને
મારે જે કહેવું છે એ જ
કદાચ
તારે પણ મને...
પણ
શબ્દ એકેય મળતો નથી
અને
મૌન એવા આપણે
એકબીજાને
બતાવીએ છીએ -
સૂર્ય,
ફૂલો, પતંગિયાઓ, વૃક્ષો,
વેલી, નદી, તળાવ, ઝરણાંઓ,
ખેતરો, પહાડો, પંખીઓ,
દૂર ક્ષિતિજે
રેલાતા રંગો
અને
હસી પડતા
ચાંદ - તારાઓ.

*વર્ષા બારોટ

જૂન 22, 2014

મેં તો ઠાલાં દીધાં છે મારા બારણાં..... રમેશ પારેખ, અનિલ જોશી




ગુજરાતી સાહિત્યના બે મોટા ગજાના કવિઓએ સાથે મળીને કવિતા લખી હોય એવું કદાચ એક જ વાર બન્યું છે. અને એવા સંજોગોમાં એક ઉત્કૃષ્ટ રચના સર્જાય એમાં આશ્ચર્ય શેનું?

આજ ગીત રવીન નાયકના સ્વરમાં નીચેની લીંક પર સાંભળો.

http://grooveshark.com/s/Deli+E+Thi+Pachha/58PUIH 

જૂન 21, 2014

ચાલ સખી પાંદડીમાં..... ધ્રુવ ભટ્ટ



પ્રેમ એટલે ઝાકળના ટીપાને આંગળીના ટેરવાનો સ્પર્શ!
પ્રેમ એટલે છીપલાની હોડીમાં જીવનસાગર તરી જવાનું સાહસ!
પ્રેમ એટલે પૂનમની ચાંદનીમાં કરેલા પ્રેમાલાપની મીઠી યાદો!

કવિ શ્રી ધ્રુવ ભટ્ટની નવજાત બાળકના ગાલ જેવી મૃદુ કવિતા!
ચાલ સખી પાંદડીમાં.....

આ જ  ગીત ક્ષેમુ દિવેટીયાનાં સ્વરાંકન અને અમર ભટ્ટનાં સ્વરમાં સાંભળો....

http://tahuko.com/?p=650 

ઐસા હોતા તો નહીં..... ગુલઝાર...




દરેક માણસ બે રીતે વિચારતો હોય છે. એક દિમાગથી અને બીજું દિલથી. અને એમના બંનેની વચ્ચે સતત ઘર્ષણ થયા જ કરે. એવા જ વિચારો ને રજુ કરતુ ગુલઝારસા'બ નું આ ગીત દિલ અને દિમાગ બન્નેને સ્પર્શી ગયું! ૧૯૬૬માં રજુ થયેલી ફિલ્મ ' સન્નાટા' માટે એમણે લખેલું ગીત એમનું કવિત્વ એ ઉંમરે પણ કેવું પુખ્ત હતું એ દર્શાવે છે.

દિમાગ જ્યારે ખાતરીપૂર્વક નક્કી કરી લે છે કે 'પિયુના મિલનની કોઈ જ શક્યતા નથી.' ત્યારે દિલ હાવી થઇ જાય અને એટલી જ ખાતરી થી જાહેર કરે કે 'હોય કાંઈ? પિયુ ચોક્કસ મળશે, તું જોજે!'

https://www.youtube.com/watch?v=r-TYQJBVsoY 

આહ જગજીત... વાહ જાવેદ...




માનવ દિલમાં ઉઠતી પ્રેમની લાગણીઓ એક સહજ અને આહ્લાદક અનુભૂતિ છે. એનું વર્ણન કરવા શબ્દકોશના શબ્દો અને મહાગ્રંથો યે ઓછા પડે તો બીજી તરફ પ્રેમી દિલ થોડા સીધા સાદા શબ્દોમાં પણ ઘણું બધું સમજી જતાં હોય છે!

આવા જ થોડા સાદા શબ્દોને સથવારે જાવેદ અખ્તરે દિલના ઊંડાણ સુધી પહોંચે એવી વાત કહી છે અને એને જયારે જગજીતસિંહનો સ્વર મળે તો પછી સોને-પે-સોહાગા!!

http://www.youtube.com/watch?v=slZWv_EjuP8 

જૂન 20, 2014

એક ગુજરાતી ગીત.. યેસુદાસના સ્વરમાં....





કટ્ટાસારી જોસેફ યેસુદાસ- આશ્ચર્ય થાય કે ચોખ્ખા અને મધુર સ્વરના માલિક યેસુદાસ છેલ્લા પચાસ વર્ષથી ફિલ્મી સંગીતમાં કાર્યરત છે. સંગીતનું જ્ઞાન એમણે વારસામાં મળ્યું. શાસ્ત્રીય સંગીતની તાલીમ માટે પૈસા ન હોવા છતાં યેસુદાસે કર્ણાટકી સંગીતની તાલીમ મેળવી. નવાઈની વાત એ પણ છે કે શરૂઆતના દિવસોમાં આકાશવાણી ત્રીવેન્દ્રમે એમનો સ્વર ના-પસંદ કર્યો હતો!

હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી... તુષાર શુક્લ




એંશીના દસકાના પાછળના ભાગે આકાશવાણી (ગુજરાતી) પર એક કાર્યક્રમ ખુબ જ પ્રચલિત થયેલો. એનું નામ 'શાણાભાઈ-શકરાભાઈ'....

સાંપ્રત ઘટનાઓ અને સમસ્યાઓ વિષે નો એ કાર્યક્રમ રમુજી અને કટાક્ષપૂર્ણ સંવાદોને કારણે દરેક ઉંમરની વ્યક્તિઓમાં પ્રિય હતો. આ કાર્યક્રમનું સંચાલન ત્યારે શ્રી તુષાર શુક્લ કરતાં.

પૂછતી નહીં કેટલો પાગલ.... સુરેશ દલાલ






પ્રિયતમ પ્રત્યેના પ્રેમનું પ્રમાણ માપવાની વિજ્ઞાન શોધ કરે ત્યાં સુધી સુરેશ દલાલે જણાવેલ આ માપદંડ મને માન્ય છે. આપને?!!

જૂન 16, 2014

તારી આંખનો અફીણી.... વેણીભાઈ પુરોહિત



આજથી આશરે ૬૩ વર્ષ પહેલાં એક ગુજરાતી ગીતે ધૂમ મચાવી દીધી હતી. આ ગીત આજે પણ એટલું જ તાજું અને પ્રસ્તુત લાગે છે. ગુજરાતી ચલચિત્ર 'દીવાદાંડી' ના 'તારી આંખનો અફીણી...' ગીતના ગાયક હતા દિલીપ ધોળકિયા, ગીતકાર વેણીભાઈ પુરોહિત અને સંગીતકાર અજીત મરચન્ટ.

જૂન 15, 2014

એક સ્મરણાંજલિ.... સજ્જાદ હુસૈન....





અર્ધી રાતનો શુમાર હોય.... જેઠ મહિનાની આ કાળઝાળ ગરમીમાં શેકાયેલા તન પર, અગાસીએ ઝળૂંબતો ચંદ્ર, ચાંદનીનો શીતલ લેપ લગાડી રહ્યો હોય.... મંદ મંદ વહેતી હવામાં રેલાતા ’૫૦ થી ‘૬૦ના દશકના સદાબહાર સૂરીલા હિન્દી ફિલ્મી ગીતો  હોય.... વિતેલા જમાનાના લાજવાબ કલાકારોની અપાર મહેનત અને લગનથી સમૃદ્ધ એવો સંગીતનો આ અમૂલ્ય વારસો અને અને આ ખજાનામાંથી ચૂંટેલા મોતી  સમાન એક એક થી ચડિયાતા ગીતો વાગી રહ્યાં હોય અને દિવસભરનો થાક ન જાણે ક્યાં ગૂમ થઇ રહ્યો હોય... આવા માહૌલમાં એક એવા સંગીતકારે કમ્પોઝ કરેલા  ગીત હવામાં વહેતા થાય કે જે સંગીતકારે પોતાની સંપૂર્ણ કારકિર્દીમાં કેવળ ૧૪ ફિલ્મોમાં જ સંગીત આપ્યું હોય, જી હા, કેવળ ૧૪ જ ફિલ્મો... પણ આ ૧૪ ફિલ્મોના સંગીતમાં એમણે કૈક એવો જાદૂ ચલાવ્યો છે કે આજે સાઠ વર્ષ પછી પણ તેઓ સંગીત ચાહકોના દિલ પર રાજ કરે છે.. આ વાત છે વીતેલા જમાનાનાં મશહૂર સંગીતકાર સજ્જાદ હુસૈનની..

અલ્લાહ મેઘ દે....


એકાદ ચોમાસે વરસાદ હાથતાળી દઈ ગયો હોય ને જેમ તેમ કરીને વરસ વીત્યું હોય ને કાળઝાળ ગરમીમાં ચૈત્ર વૈશાખ મહિના પસાર થાય ને જેઠ-અષાઢના દિવસો પણ વગર વરસાદે વિતવા લાગે ને ત્યારે  ગરમીથી ત્રાહિમામ પોકારી ઊઠેલા માણસો જ નહીં, અબોલ પશુઓના મૂક હૈયાં પણ પોકારી ઊઠે....

'અલ્લાહ મેઘ દે!'

જગદીશ જોષી


જૂન 09, 2014

મૈને તેરે લિયે હી....





'મૈંને તેરે લિયે હી સાત રંગ કે...'

કેવું અજબનું ગીત છે! હું મારાથી બનતી સઘળી કોશિશ કરું તો યે આ ગીતના વિવરણને ન્યાય ન આપી શકું.

જાદૂ.... યુદ્ધ વિષયક ફિલ્મના સંગીતનો.....




આંગળીને વેઢે ગણી શકાય એટલી ઓછી સંખ્યામાં આપણે ત્યાં યુદ્ધવિષયક ફિલ્મો બની છે. પણ આજે પણ કોઈ એક આવી ફિલ્મનું નામ આપવાનું આવે તો મોટાભાગના લોકોને ૧૯૬૪માં રિલીઝ થયેલી ચેતન આનંદની ફિલ્મ 'હકીકત' યાદ આવ્યા વિના ન જ રહે.

જૂન 03, 2014

રમેશ પારેખ

 

કવિ તરીકે જાણીતા રમેશ પારેખે નાટક, નિબંધ, નવલિકા, અને બાળસાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર સર્જન કર્યુ છે. એમણે પોતાની કવિતા વિશે કહ્યું છે કે, મારી કવિતા વિશ્વનાં હોઠ પર કરેલું પ્રથમ ચુંબન છે. એટલે જ કદાચ રમેશ પારેખની કવિતામાં લય અને પ્રાસ મૃદુતાથી નિવાસ કરે છે! એમની આવી જ એક સુંદર રચના પ્રસ્તુત છે.

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું
આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં
જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં.

-રમેશ પારેખ

(નીચેની લિન્કમાં આજ ગીત ગાર્ગી વ્હોરાના સુંદર કંઠે માણો.)

http://www.youtube.com/watch?v=cxV38vKHwKY