જૂન 28, 2014

Pancham: The Fifth Note.....

Some men never die…..


રાહૂલ દેવ બર્મન એટલે કે પંચમ- હિન્દી ફિલ્મ જગતના એક મહાન સંગીતકાર અને ગાયક.. અત્યંત વિલક્ષણ પ્રતિભાશાળી એવા આ સંગીતકારે ભારતીય અને પશ્ચિમી સંગીતનું અફલાતૂન મિશ્રણ પોતાની ધૂનોમાં કર્યું અને લગભગ દોઢ દશક જેટલા સમયમાં વિવિધ ભાષાઓની ત્રણસોથી યે વધુ ફિલ્મોમાં સંગીત આપ્યું. વ્યાપક વિવિધતાથી ભરપૂર તેમના ગીતોમાં અનેરી તાજગી રહેતી, જેને સંગીત ચાહકોનો એક વિશાલ વર્ગ આજે પણ ખૂબ જ પસંદ કરે છે.

પંચમ એવા સંગીતકાર હતા કે જેમણે ભારતીય શાસ્ત્રીય સંગીતનું આધુનિક પોપ અને રોક સાથે મિશ્રણ કરીને બનાવેલી કર્ણપ્રિય ધૂનો થકી માત્ર આધુનિક પાશ્ચાત્ય સંગીતમાં જ રસ દાખવતા યુવાનોને પણ હિન્દી ફિલ્મ સંગીત તરફ આકર્ષ્યા, એટલું જ નહીં, મોહમ્મદ રફી, લતા મંગેશકર, કિશોર કુમાર, આશા ભોંસલે જેવા દિગ્ગજ કલાકારો સાથે મળીને શાસ્ત્રીય રાગ આધારિત કેટલાય અમર ગીતો રચ્યાં, જે આજે પણ ચાહકોના દિલમાં અમર છે. 

પોતાની ધૂનોમાં નિત નવા પ્રયોગો કરવા માટે જાણીતા પંચમને નવા નવા અવાજો, નવા નવા વાદ્યો બહુ જ ગમતા. કેટલાયે વિદેશી વાદ્યોનો અભૂતપૂર્વ પ્રયોગ પંચમની અવિસ્મરણીય ધૂનોમાં થયેલો જોવા મળે છે. આવું જ એક ગીત આજે યાદ કરીએ તો, ૧૯૭૮મા બનેલી એક ફિલ્મ ‘ઘર’નું આ ગીત કોણે નહીં સાંભળ્યું હોય? ‘તેરે બિના જિયા જાયે ના......’ લતા મંગેશકરના મધુર સ્વરમાં ગુલઝારની આ રચના સાંભળો ત્યારે ખ્યાલ આવે કે ગીતની શરૂઆતમાં સ્પેનિશ ગિટારની ધૂન અને ત્યારબાદ નેપાળી વાદ્ય ‘માદલ’નો અનોખો તાલ.. અહાહાહા... શું મીઠાશ છે આ ગીતની.. 


કાંચાભાઈ
માદલ..... અન્ય પારંપરિક તાલ વાદ્ય જેવું જ લાગતું આ નેપાળી વાદ્ય મોટેભાગે નેપાળના પહાડી લોકસંગીતનો એક અભિન્ન હિસ્સો ગણાય છે. એમ તો ઉત્તર પૂર્વ ભારત અને ઉત્તર બંગાળના લોકસંગીતમાં પણ આ વાદ્યનો પ્રયોગ થતો જોવા મળે છે. ઢોલક અને પખાવજની જેમ જ માદલને બંને તરફથી વગાડી શકાય છે. પંચમને આ અનોખા વાદ્યનો પરિચય કરાવનાર વ્યક્તિ નેપાળના માદલવાદક રણજીત ગાજમેર હતા જેમને પંચમ પ્રેમથી ‘કાંચાભાઈ’ કહીને બોલાવતા. તેઓ પંચમના ઓરકેસ્ટ્રાના કાયમી સભ્ય હતા. 
અસલમાં જ્યારે ૭૦-૭૧માં પંચમે દેવ આનંદની ફિલ્મ ‘હરે રામા હરે ક્રિશ્ના’નું સંગીત તૈયાર કરવાનું હતું ત્યારે તેમણે જોયું કે આ ફિલ્મની કથા મોટાભાગે નેપાળની પૃષ્ઠભૂમિ પર આધારિત છે, તો સ્વાભાવિક જ તેમણે ફિલ્મનું સંગીત પણ એ રીતે જ રચ્યું કે જેમાં નેપાળના લોકસંગીતની ઝલક જોવા મળે. આ સમયે જ તેમનો પરિચય કાંચાભાઈ સાથે થયેલો અને કાંચાભાઈની સાથે સાથે માદલ પણ પંચમના સંગીત સાથે કાયમ માટે જોડાઈ ગયું. 

મિત્રો... પંચમ વિષે ઘણું લખાયું છે અને ઘણું કહેવાયું પણ છે... પણ બ્રહ્માનંદ એસ. સિંહે પોતાની ત્રણ વરસની મહેનત અને દોઢ હજાર કલાકના રેકોર્ડિંગનો નિચોડ બે કલાકની ડૉક્યુમેન્ટરીમાં આપ્યો છે. ક્યારેક સમય મળ્યે આ ડોક્યુમેન્ટરી ખાસ જોવા જેવી છે.. 



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો