જૂન 03, 2014

પ્રાર્થના - સુરેશ દલાલ




પ્રાર્થના વિશે જેમ જેમ વિચારું છું કે અનુભવું છું તેમ તેમ, એક વાત સમજાતી જાય છે કે, કોઇ પણ પ્રાર્થના હોય, પણ જો એમાં જીવ મૂકીને પ્રાર્થના ન કરીએ તો એ કેવળ ખાલી પોલા, બોદા શબ્દો છે. જીભની રમત કરામત છે. જો જીવ મૂકીએ તો શબ્દ વિનાનું આપણું મૌન પણ પ્રાર્થના થઇ શકે. સમાજમાં મોટા ભાગના માણસો એમ માને છે કે, પ્રાર્થના એટલે આપણને જે જોઇએ છે એ માટેની ઇશ્વરને મૌખિક અરજી. લેવડ દેવડનો સંબંધ સ્થપાઇ જાય છે. મૂળ વસ્તુ ચાલી જાય છે, અને નકલી વસ્તુ રહી જાય છે. બધું વહેવારની ભૂમિકાએ ચાલે છે.

પ્રાર્થના એટલે ઇશ્વર સાથેની વાતચીત, એની સાથેનો સંવાદ, એની સાથેનો મનમેળ. આપણાં મનની એકાગ્રતા એ ઇશ્વરની પ્રાર્થના છે. સચ્ચાઇથી બોલાયેલો શબ્દ કે સચ્ચાઇથી કરાયેલું કામ ઇશ્વરની પ્રાર્થના છે. પ્રાર્થના આપમેળે થવી જોઇએ. પ્રાર્થના કરીએ એમાં આયાસ છે. પ્રાર્થનાનુ પરિણામ આવતું જ હોય છે, જો આપણી નજર પરિણામ તરફ ન હોય તો. ફૂલ એ બીજની પ્રાર્થનાનુ પ્રગટ સ્વરૂપ છે.

હરિજનને વહાલા ગાંધીજીએ એક સરસ વાત કહી હતી. એમને જ સૂઝે એવી વાત. પ્રાર્થના સાવરણી છે. આપણા મનના ઓરડામાં રોજ ને રોજ કચરો ભરાતો હોય છે. એને સાફ કરવા માટે નિત્ય, હર હંમેશ પ્રાર્થના કરવી જોઇએ.

- સુરેશ દલાલ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો