જૂન 03, 2014

રમેશ પારેખ

 

કવિ તરીકે જાણીતા રમેશ પારેખે નાટક, નિબંધ, નવલિકા, અને બાળસાહિત્ય ક્ષેત્રે પણ નોંધપાત્ર સર્જન કર્યુ છે. એમણે પોતાની કવિતા વિશે કહ્યું છે કે, મારી કવિતા વિશ્વનાં હોઠ પર કરેલું પ્રથમ ચુંબન છે. એટલે જ કદાચ રમેશ પારેખની કવિતામાં લય અને પ્રાસ મૃદુતાથી નિવાસ કરે છે! એમની આવી જ એક સુંદર રચના પ્રસ્તુત છે.

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું
આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં
જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં.

-રમેશ પારેખ

(નીચેની લિન્કમાં આજ ગીત ગાર્ગી વ્હોરાના સુંદર કંઠે માણો.)

http://www.youtube.com/watch?v=cxV38vKHwKY

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો