જુલાઈ 11, 2014

અકેલે હૈં, ચલે આઓ....




પાંચમાં માળે આવેલા એપાર્ટમેન્ટના દરવાજાના કી હોલમાં ચાવી ફેરવી બારણે તાળું મારી અમલે પીઠ પર ભરાવેલો લેપટોપ બેગનો સ્ટ્રેપ સરખો કર્યો અને પગથિયાં ઉતરવા માંડ્યા. અપાર્ટમેન્ટમાં આમ તો લીફ્ટ હતી પણ કસરતના ભાગ રૂપે એ કાયમ પગથિયાં ચડી-ઉતરીને જ જતો. ચોથા માળ પર આવીને એ જરા અટક્યો. હાથમાં પકડેલા ફોન પરથી એણે એક નંબરનો ફાસ્ટ ડાયલ લગાડ્યો. 

“હાશ! રીંગ તો વાગે છે...” રાહતનો શ્વાસ લેતાં એ સામે છેડે ફોન ઉપાડાય એની રાહ જોતો ઉભો રહ્યો. ક્યાંય સુધી રીંગ વાગતી રહી. અધીરાઈપૂર્વક એ આજુબાજુ નજર માંડી રહ્યો પણ એને કશું ધ્યાનમાં નહોતું આવતું. હજુ બે દિવસ અગાઉ જ એ ગુજરાતના એક નાનકડા કસ્બામાંથી ટાટા ટીસીએસ જેવી ખ્યાતનામ કંપનીમાં મહીને એંસી હજારના પગારની નોકરી મળી જતાં અહીં બેંગ્લોરના મહાનગરમાં આવેલો. પિતાના જુના મિત્રની ઓળખાણે એને શહેરના આ શાંત વિસ્તારમાં આવેલા બેચલર ફ્લેટમાં એને રહેવા માટે જગ્યા મળી ગયેલી. આજે એની નોકરીનો પહેલો દિવસ હતો અને નોકરીએ જવા નીકળે એ પહેલા જ એણે મમ્મી-પપ્પા જોડે વાત કરી લેવી હતી. પણ સામે છેડે કોઈ ફોન ઉપાડતું ન હતું.

“મમ્મી તો ફોનની રીંગ સાંભળતી જ નથી.” કંટાળીને અમલે બીજા નંબર પર ફોન કર્યો. તરત બીજી જ ક્ષણે ફોન ઉપાડાયો અને પપ્પાનો અવાજ સાંભળીને એણે હાશ અનુભવી. "કેમ છે? નોકરીએ જવા નીકળ્યો?" જેવા અર્થવિહીન સવાલો ના એકાદ મિનીટ સુધી જવાબો આપીને અમલે મમ્મીને ફોન આપવા કહ્યું. સામે છેડે મમ્મી આવે ત્યાં સુધી એણે દાદરની પાળીની સામેની તરફ નજર કરી. હવે બધું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. સુઘડ આયોજનપૂર્વક બનેલી આ સોસાયટીમાં જે ઈમારતમાં અમલ ઉભો હતો એનાથી પચાસેક ફૂટ દૂર પાછળના ભાગે અને એ જ રીતે સામેની તરફ બીજી બે એમ કુલ ચાર બહુમાળી ઇમારતો ઉભી કરાઈ હતી. દરેક ઈમારતની વચ્ચે સિમેન્ટના બનેલા પાકા રસ્તા અને રસ્તાની બંને તરફ ઝાડ ઉગી શકે એવડા મોટા તોતિંગ કુંડાઓમાં વાવેલા રંગબેરંગી ફૂલછોડ. અમલ જ્યાં ઉભો હતો એ જગ્યાએથી સામેના ભાગે આવેલા બંને ફ્લેટની સૂમસાન ગેલેરીઓ અને બંધ બારીઓ દેખાતી હતી. જરા ઝૂકીને એણે જમણી તરફ દેખાતા મુખ્ય રસ્તા પર પડતા સોસાયટીના પ્રવેશદ્વાર તરફ જોયું. લોખંડના આકર્ષક ડીઝાઈનવાળા વિશાળ ઝાંપાની બંને તરફ વવાયેલા સીધા આસોપાલવના વ્રુક્ષોની મંદ મંદ પવનમાં ઝૂમી રહેલી શાખાઓ આગળના ભાગે આવેલા ફ્લેટની બાલ્કનીને સ્પર્શી જતી હતી. સહસા એનું ધ્યાન પડ્યું, ત્રીજા માળે આવેલા ફ્લેટની ઉઘાડી બારીમાંથી કોઈ સુંદર યુવતી પણ આસોપાલવની એ ઝૂલતી શાખાઓ તરફ એકનજરે જોઈ રહી હતી. જાણે કોઈએ સંમોહન કર્યું હોય એમ અમલ એ યુવતી તરફ જોઈ રહ્યો.

અચાનક અમલને ખ્યાલ આવ્યો કે ફોન પર મમ્મીનો અવાજ આવી રહ્યો છે. એણે ફોન પરની વાતચીતમાં ધ્યાન આપ્યું. ચાલતા ચાલતા ઝડપભેર વાતચીત પતાવીને એણે ફોન કટ કર્યો. મોં ફેરવી ફરી એક વાર એણે પેલી બારી તરફ નજર કરી. પણ હવે ત્યાં કોઈ દેખાતું ન હતું. અને એ સડસડાટ પગથિયાં ઉતરી ગયો. નીચે ઉતરીને પ્રવેશદ્વારને બહાર નીકળીને થોડે દૂર જઈને ચાલતા ચાલતા જ સહસા એણે પાછળ જોયું. પેલી બારીમાંથી ગુલાબી ડ્રેસ પહેરેલી એ યુવતી ફરી દેખાતી હોય એવું એને લાગ્યું. અચાનક એક કાર એની બાજુમાંથી પસાર થઇ ગઈ. એ જરા ચોંક્યો અને ફરી સીધું જોઇને ચાલવા લાગ્યો. આમેય હવે એ બારી કે બારીમાંની યુવતી એની દ્રષ્ટિરેખાની બહાર હતી.

નોકરીનો પહેલા દિવસે ખાસ કામ રહ્યું નહિ. મોટા ભાગનો સમય સાથીઓ સાથે ઓળખાણમાં જ વીત્યો. ઓફિસેથી નીકળી ઓફીસ અને ફ્લેટ માટેની થોડી ખરીદી કરી હોટલમાં જમવાનું પતાવ્યું ત્યાં સુધીમાં ઘણું મોડું થઇ ગયું હતું. પરત ફર્યો ત્યારે બધે જ અંધકાર છવાઈ ગયેલો. મોટાભાગના ફ્લેટની બારીઓમાં રોશની દેખાતી હતી પણ ગુલાબી ડ્રેસવાળી યુવતી જોઈ હતી એ ત્રીજા માળની બારીમાં નર્યો અંધકાર છવાયેલો હતો. અમલ પાસે અત્યારે એ યુવતી વિષે વિચારવાનો સમય ન હતો તેમ છતાં એ પોતાના મનને સવારનું દ્રશ્ય યાદ કરતાં રોકી શક્યો નહિ. જલ્દીથી થોડાક ઈમેઈલ કરીને એણે સૂઈ જવું હતું. ફ્લેટમાં ઘૂસીને એ ફટાફટ નહાયો, ફ્રેશ પજામાઝ પહેરીને લેપટોપ પર મેઈલ કરવા બેઠો. કલાકેકમાં કામ પતાવીને એણે સૂવા માટે પથારીમાં લંબાવ્યું. સુતાં પહેલા બેડસાઈડના અલાર્મ રેડીઓ પર એફ.એમ. રેડીઓ વગાડવાની કોશિશ કરી. બેંગલોરમાં એફ.એમ. રેડીઓ પર હિન્દી ગીત વાગતું સાંભળી એને આશ્ચર્ય થયું.

અકેલે હૈ, ચલે આઓ, જહાં હો......  

બીજે સવારે ઓફીસ જતા સમયે ફરી એક વાર અમલની નજર સામેના અપાર્ટમેન્ટના ત્રીજા માળની બારી તરફ આપોઆપ જ ખેંચાઈ ગઈ.  પેલી સુંદર યુવતી આજે પણ એજ ગુલાબી વસ્ત્રોમાં આસોપાલવના વ્રુક્ષોની ઝૂલતી શાખાઓ સામે જોતી દેખાઈ. ઘડીભર માટે એ રસ્તા પર જ ઉભો રહી ગયો. આજે એને લાગ્યું કે એ યુવતી એની સામું જોઇને હસી રહી છે. અમલ અપલક નેત્રે એની સામું જ જોઈ રહ્યો. અચાનક ફોનની રીંગ વાગી અને એનું ધ્યાન તૂટ્યું. એણે ફોનની સ્ક્રીનમાં જોયું તો ઘરેથી મમ્મીનો ફોન હતો. રાત્રે કેમ ફોન ન કર્યો? ઓફીસના લોકો કેવા છે? ફ્લેટમાં બધું બરાબર છે ને? એવા સવાલોના યંત્રવત જવાબો આપીને ફોન મૂકી દેતાં એણે ફરી પેલી બારી સામું જોયું. યુવતી અદ્રશ્ય થઇ ગઈ હતી. આમ પણ ઓફીસ જવાનું મોડું થતું હતું એટલે એણે ઉતાવળે કંપનીની બસના પીક અપ પોઈન્ટ તરફ ચાલવા માંડ્યું.

જેમ દિવસો વિતતા ગયા એમ હવે અમલનો આ કાયમનો ક્રમ બની ગયો. અમલ ઓફીસ જવા નીકળે ત્યારે પેલી યુવતી બારીમાં જ હોય. એને કાયમ લાગતું કે એ યુવતી એની સામું જોઇને સ્મિત કરતી હતી. એ પણ સ્મિત કરીને નીકળી જતો. અહીં એનું કોઈ ઓળખીતું ય ન હતું કે જેને એ આ યુવતી વિષે પૂછી શકે. અને આ એક સમયે જ એની ઝલક જોવા મળતી. બાકી તો રાત્રે જયારે એ ઘરે આવતો ત્યારે પેલી બારીમાં નર્યો અંધકાર જ જોવા મળતો.

એક રાત્રે અમલે ફેસબુક પર પોતાનો એકાઉન્ટ ખોલીને પ્રોફાઈલમાં પોતાના હાલના લોકેશનની વિગતો ઉમેરી અને જોયું તો એના આશ્ચર્ય વચ્ચે “People you may know”ના બટન નીચેના નામોની યાદીમાં એને પેલી યુવતીનો ફોટો જણાયો. આ એનો જ ફોટો છે એની ખાતરી કર્યાની સાથે એણે એનું નામ ચેક કર્યું. ફોટા નીચે નામ લખ્યું હતું “નિર્ઝરા શાસ્ત્રી”

અમલે એ નામ પર આતુરતાથી ક્લિક કર્યું. સેકન્ડોમાં પ્રોફાઈલ ખૂલ્યો અને પેલી યુવતીનો કોમળ ચહેરો સ્ક્રીન પર પ્રગટ થયો નામ: નિર્ઝરા શાસ્ત્રી. એ સિવાય બીજી કોઈ વિગતો દેખાતી ન હતી. પ્રોફાઈલ ફોટો પણ ખૂલતો ન હતો. “બધું જ ‘હાઈડ’ કરીને રાખ્યું લાગે છે...” અમલ મનોમન વિચારી રહ્યો. થોડી ક્ષણો એમ જ વીતી. એને બીજું કશું ન સૂઝતા ફ્રેન્ડ રીક્વેસ્ટ મોકલી દીધી. અને પછી થોડીવાર આમતેમ ફાંફા મારીને અંતે એ સૂઈ ગયો.

મહિનો વીતી ગયો. રોજ એ યુવતીને જોઇને, એના સ્મિતને ઝીલીને ઓફિસે જવાનો અમલનો ક્રમ થઇ ગયેલો. એ દિવસે રવિવાર હતો. આમ તો એ રવિવારના દિવસે સવારે મોડે સુધી ઊંઘ્યા જ કરતો. પણ અચાનક એ દિવસે એની ઊંઘ થોડી વહેલી જ ઉડી ગઈ. શું સૂઝ્યું તે ફટાફટ પથારીમાંથી બેઠા થઈને એણે બ્રશ કરીને મોં ધોયું. જીન્સ-ટીશર્ટ પહેર્યા. આંગળીઓ ફેરવીને જ વાળ ઠીકઠાક કર્યા. પગમાં સેન્ડલ્સ નાખ્યા અને દરવાજો લોક કરીને બહાર નીકળી ગયો. દાદરના રમણામાંથી પેલી બારી તરફ નજર કરી પણ કોઈ દેખાતું ન હતું. આમતેમ જોઇને એ નીચે ઉતર્યો. બહાર નીકળીને રસ્તાની સામેની તરફ જઈને ઉભો રહ્યો. હજુ એના ઓફીસ જવાના સમયને વાર હતી. કેમ જાણે એ સમયે જ પેલી યુવતી બારી પાસે આવતી હશે! પોતાના જ વિચાર પર એને મનોમન હસવું આવી ગયું. “શું યાર! કેવી છોકરીના ચક્કરમાં પડ્યો છે! આમ આટલે દૂરથી તારી સામું જોઇને એ હસે છે કે તારી મશ્કરી કરે છે એ પણ નક્કી નથી. અરે... એણે જે ગુલાબી ડ્રેસ પહેર્યો છે તે.....” સહસા એના મગજમાં ઝબકારો થયો..... “આ છોકરી..... રોજે રોજ ગુલાબી ડ્રેસ જ પહેરે છે! ગુલાબી રંગ એનો ફેવરીટ હશે....બીજું શું!” અમલને થયું કે એ ફક્ત ચહેરા સામું જ જુએ છે, એ યુવતીના ડ્રેસ સામું ક્યારેય એણે નીરખીને નથી જોયું.

“હશે.. એણે જે ગમતું હોય એ પહેરે..” જીન્સના બંને ખિસ્સામાં હાથ નાખીને એ જાણે કે ટહેલવા નીકળ્યો હોય એમ રસ્તા પર આમતેમ આંટા મારવા લાગ્યો. અચાનક એક ઓટો ત્યાં આવીને ઉભી રહી. સાઠેક વર્ષની એક સ્ત્રી એમાંથી નીચે ઉતરી. બે થેલીઓમાં ભરેલો સામાન ઓટોમાંથી ઉતારીને એ સ્ત્રીએ પર્સ ખોલીને ભાડું ચૂકવ્યું અને પર્સને ખભે લટકાવીને બંને હાથમાં થેલીઓ ઊંચકીને ચાલવા માંડ્યું. અમલ એ તરફ જોઈ રહ્યો. અચાનક એને પોતાની મમ્મી યાદ આવી ગઈ. એ પણ આમ જ ઘરની ચીજોની ખરીદી કરીને થેલાઓ ઊંચકીને હાંફતી ચાલતી આવતી. સત્વરે રસ્તો ઓળંગીને એ પેલી સ્ત્રીની લગોલગ આવી ગયો. એમને મદદ કરવા માટે કઈ રીતે પૂછવું એનો  એ વિચાર કરી જ રહ્યો હતો કે અચાનક પેલી સ્ત્રીના પગ લથડ્યા. ઉમરને હિસાબે હોય કે થાકના માર્યા, પણ એ સ્ત્રી ચક્કર ખાઈને પડી જવા જ આવેલી કે અમલે સત્વરે એમને પોતાના બંને હાથ વડે ટેકો આપીને સંભાળી લીધા. એ સ્ત્રીએ આભારવશ નજરે અમલ સામે જોયું અને અમલે એક હાથે એમને મજબૂતીથી પકડી રાખીને બીજા હાથે એમના બંને હાથમાંથી થેલીઓ લઇ લીધી. એણે ફ્લેટ તરફ જોયું કે કોઈ દેખાય તો મદદ માટે બોલાવી શકાય. પણ ત્યાં કોઈ જ ન હતું. એક હાથમાં થેલીઓ ઊંચકીને બીજે હાથે પોતાને ટેકો આપતા આ યુવાન સામે જોતા એ સ્ત્રીએ પણ ધીમે ધીમે ચાલવા માંડ્યું. આગળની વીંગમાં જ એમને જવાનું છે એમ જાણીને અમલે એ તરફ એમને સાવચેતીથી દોર્યા. લીફ્ટમાં દાખલ થઈને અમલે એ સ્ત્રી સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું. એનું હાંફવું હજુ ઓછુ થયું ન્હોતું તો ત્રણ આંગળીઓ દેખાડીને જ એણે ત્રીજા માળનો ઈશારો કર્યો. અમલે બટન દબાવતાં જ પળવારમાં જ બારણાં વસાયા અને લીફ્ટ ત્રીજા માળ તરફ સરી.

ત્રીજે માળે આવીને લીફ્ટ ઉભી રહેતાં જ અમલ પેલી સ્ત્રીને ટેકો આપીને બહાર લાવ્યો. એમણે ખભે લટકાવેલા પર્સમાંથી લાંબી ચાવી કાઢી. અમલ જરા અંતર રાખીને ઉભો રહ્યો. કેટલીક વાર ચાવી આમતેમ ફેરવીને એમણે દરવાજો ખોલ્યો. અંદરથી સુખડની અગરબત્તીની મહેક પ્રસરી.....

અમલે લીફ્ટમાંથી થેલીઓ લાવીને ફ્લેટની અંદર એક તરફ મૂકી. જવું કે ઉભા રહેવું એની અવઢવમાં એ ફ્લેટના દરવાજામાં જ ઉભો રહી ગયો. એ જે ફ્લેટમાં રહેતો હતો એના કરતા આ ફ્લેટ મોટો હોય એવું લાગતું હતું. એ પેલી સ્ત્રી સામે જોઈ રહ્યો. હોલમાં દરવાજાની સામે મૂકેલા સોફા પર બેસી પડેલી એ સ્ત્રીએ આભારવશ નજરે અમલ સામે જોઇને હાથના ઇશારા વડે જ અંદર આવીને બેસવા કહ્યું. અમલ અંદર આવીને બીજી તરફના સોફા પર કૈક ખમચાઈને બેઠો. થોડી મિનીટો એમ જ વીતી.

“હવે આપને કેમ લાગે છે? આઈ મીન, અબ આપકો કૈસા લગ રહા હૈ...? અમલે ચૂપકીદી તોડતા કહ્યું. એને લાગ્યું કે બેંગ્લોરમાં રહેતી આ સ્ત્રી દેખાવ પરથી દક્ષિણ ભારતીય તો નથી લાગતી. પણ ગુજરાતી હોય કે નોન ગુજરાતી, કેમ ખબર પડે? જો કે એના સવાલનો જવાબ પણ તરત જ મળ્યો. “હવે સારું લાગે છે બેટા...” એ સ્ત્રીના અવાજમાં હવે આનંદની લાગણી ઝળકતી હતી. પારકા મુલકમાં એક ગુજરાતીને બીજો ગુજરાતી મળે અને જે આનંદ થાય એ ઉભય પક્ષે દેખાઈ રહ્યો.

“અંદર જતા ડાબી તરફ કિચન છે.” અમલ તરફ જોઇને એ સ્ત્રીએ કહ્યું. અમલ સમજ્યો હોય એમ ઉભો થઈને અંદર જઈ પાણીનો ગ્લાસ ભરી લાવ્યો. સોફાને અડીને જ મુકાયેલા સાઈડ ટેબલ પર પડેલી એક ટ્રેમાંથી દવાની શીશી લઈને એક ગોળી કાઢીને એ સ્ત્રીએ પાણી સાથે ગળી લીધી. થોડીવાર રહીને એમણે અમલ સાથે વાતચીત શરુ કરી. એ ક્યાંનો છે, ક્યા રહે છે, અહીં શું કરે છે, એવી સામાન્ય વાતચીત. એમની દરેક પૃચ્છાના સંતોષકારક જવાબ આપીને અમલ રજા લેવાના ભાવ સાથે ઉભો થવા ગયો.

“ચાલો આંટીજી, રજા લઉં.”
“ઓકે બેટા.. આંટીનું જ ઘર છે એમ સમજીને મન થાય ત્યારે આવી રહેજે. તું આવશે તો મને પણ ગમશે.” બેઠે બેઠે જ એમણે કહ્યું.

“ઓક્કે.... બાય આંટીજી...” કહીને અમલ દાદર તરફ લપક્યો અને પળવારમાં ત્રણ દાદર ઉતરી ગયો. બહાર આવીને એણે ઉંચે જોયું. પેલી યુવતી દેખાતી ન હતી પણ બારી તો ઉઘાડી હતી. “પેલા આંટીને પૂછાય કે નહિ આ યુવતી વિષે...” અમલ મનમાં જ વિચારી રહ્યો.

“એમના જ ફ્લોર પર તો રહે છે આ યુવતી.....ઓહ...નો....” અમલે જોરથી માથું ધૂણાવ્યું. “અરે આ જ ફ્લેટમાં તો હું જઈને આવ્યો. અરે યાર... મને પહેલા કેમ ખ્યાલ ન આવ્યો!  હવે? પાછો જાઉં? શું કહું? કેમ પૂછું?” એકસાથે કેટલાયે પ્રશ્નો એના મનમાં તરવરી રહ્યા. અચાનક એણે ખ્યાલ આવ્યો કે એ એનો મોબાઈલ ઉપર જ ભૂલી આવ્યો છે. “હવે તો જવું જ પડશે...” લીફ્ટ માટે બટન દબાવતા એના હાથ ધ્રૂજતા હતા. અચાનક જ હૃદયના ધબકારા તેજ થઇ ગયા. ઉપર જઈને પેલી યુવતી વિષે કેમ શું પૂછવું એ કશું જ એ વિચારી શકતો ન હતો. લીફ્ટમાં સડસડાટ ત્રીજે માળે પહોંચી જઈને એણે જોયું કે ફલેટનો દરવાજો ખુલ્લો જ હતો. આંટી હજુ યે એમ જ સોફામાં બેઠેલા હતા.

“સોરી આન્ટી, મારો મોબાઈલ... ભૂલી ગયેલો...” પોતે જ્યાં બેઠેલો એ સોફામાં એક તરફ ખાંચામાં પડેલા ફોન તરફ હાથ લંબાવીને એ બોલ્યો.

“અરે આવને બેટા.. લઇ લે...” આંટીજીએ પ્રેમથી કહ્યું.
ફોન હાથમાં લઈને એ જરાવાર એમ જ ઉભો રહ્યો. કૈક ગડમથલ કરીને એણે પૂછ્યું...

“આંટીજી.. આપને ઠીક છે ને... ડોક્ટરની જરૂર હોય તો... કોઈ ઘરે ન હોય તો હું આવું સાથે. ફ્રી જ છું..... આઈ મીન.... કોઈ સંકોચ ન રાખશો.....”

“ઘરે તો કોઈ જ નથી... આઈ મીન હું અહીં એકલી જ રહું છું. અત્યારે તો ડોક્ટરની જરૂર નથી પણ સામેના ફ્લેટમાં જ ડોક્ટર રહે છે. પણ તેં કહ્યું એ મને ગમ્યું.” આંટીજીએ નિખાલસતાથી કહ્યું.

“ઓહ...” અમલ જરા વિચારમાં પડી ગયો પણ મો પર એણે દેખાવા ન દીધું.

“કોફી પીશે?” આંટીજીએ પૂછ્યું.

“હં.... હા... ચોક્કસ... પણ આજે નહીં. ફરી ક્યારેક. આજે આપને તકલીફ....”

“અરે અમને હવે સારું છે. તું બેસ.. બે જ મિનીટ થશે.’ કહેતા ઉભા થઇ ગયેલા આંટીજીએ અમલ કશું બોલે એ પહેલા જ સામે જ દેખાતા ડાઈનીંગ ટેબલ પાસે જઈને અમલને ત્યાં બેસવા ઇશારાથી જ આમંત્ર્યો. “મારા હાથની કોફી ન પીવે ત્યાં સુધી ‘એમની’ સવાર ન પડતી. ઓફીસ જાય તો પણ મારી બનાવેલી કોફીનો થર્મોસ જોડે લઇ જાય.... સાંજે પણ ઘરે આવીને.....” આંટીજી એમના સ્વર્ગવાસી પતિની વાત કરી રહ્યા છે એ અમલ સમજ્યો. ડાઈનીંગ ટેબલ  નજીક મૂકેલી ખુરશી ખસેડીને ત્યાં ગોઠવાયેલા અમલે આંટીજીની વાત સાંભળતા સાંભળતા સામેની તરફ ખૂલ્લા દેખાતા બેડરૂમ તરફ અછડતી નજર નાખી. એ રૂમની બારીમાંથી જ તો પેલી યુવતી ઉભેલી દેખાતી હતી.

વાતોમાં ને વાતોમાં જ કોફી ભરેલા બે મગ લઈને આંટીજીએ ટેબલ પર મૂક્યા. ટેબલ પર  જ સાઈડમાં પડેલો એક ફેન્સી ડબ્બો ખોલીને અલગ અલગ જાતની કૂકીઝ એક પ્લેટમાં કાઢીને અમલ તરફ એમને પ્લેટ સરકાવી. અમલે ગરમાગરમ કોફી ભરેલો મગ મોંએ માંડ્યો અને લિજ્જતદાર કોફી ધીરે ધીરે સીપ કરવા માંડી.

“આજે કેટલા સમયે કોફી પીધી.. એ પણ કોઈની કંપનીમાં...” સહસા આંટીજી બોલી ઉઠ્યા. “નિર્ઝરાને મન થાય તો બનાવું એના માટે ને હું પણ પીઉં પણ એનેય મારી જેમ ચા જ ભાવતી...” 

અમલના હાથમાંથી મગ પડતા પડતા રહી ગયો.

“નિર્ઝરા..... અમારી એકની એક દીકરી..... નાનપણથી જ એ અપંગ હતી. એક રેલ્વે અકસ્માતમાં એના બંને પગ કપાઈ ગયેલા...” આંટીજી બોલ્યે જતા હતા.. અમલને લાગતું હતું કે એનાં શરીરમાં ફરતું લોહી ધીરે ધીરે થીજી રહ્યું છે.

“દસ વર્ષની ઉમરે અપંગ થયેલી. આમ તો બધી રીતે નોર્મલ હતી. વ્હીલચેરમાં આખા ફ્લેટમાં ઘૂમી વળતી. ઘરે શિક્ષકો રાખીને અમે એને ભણાવેલી. એ સરસ ચિત્રો દોરતી સ્કેચબુકમાં. વ્હીલચેર લઈને નીચે જતી. ફ્લેટના બાળકો રમતા હોય એમની જોડે વાતો કરતી, બધા જોડે હળતીમળતી.”

બોલતા બોલતા થાક લાગ્યો હોય એમ આંટીજી જરાવાર થોભ્યાં. અમલ કશું પણ બોલ્યા વિના એમની સામું જોઈ રહ્યો.. “આમ તો અમારો ત્રણ વ્યક્તિનો જ પરિવાર. અને ચોથું એમાં સામેલ થાય એવી કોઈ શક્યતા ન હતી. બંને પગે અપંગ એવી મારી દીકરીનો કોઈ હાથ ઝાલે એવી અમને આશા ન હતી. અમારી બિનહયાતીમાં એનું શું થશે એની ચિંતા અમને બંને માબાપને દિવસરાત થયા કરતી. પણ જેનો કોઈ ઉપાય જ ના હતો એના વિષે કોઈ ઉકેલ કઈ રીતે લાવવો? બાવીસ વરસની નિર્ઝરાને મનમાં એક સામાન્ય યુવતીને હોય એવા અરમાન જાગે એ પણ સ્વાભાવિક હતું. પણ એ કોઈ રીતે બેચેન ન હતી. અમે એને માંગ્યા મોંએ વસ્તુઓ લાવી આપેલી. એણે થોડીક કવિતાઓ પણ લખેલી અને ફેસબુક પર પણ મૂકી હતી.”

અમલને નિર્ઝરાનો ફેસબુક એકાઉન્ટ પોતે જોયો હતો એ યાદ આવી ગયું.

“બે વર્ષ અગાઉ સામેના ફ્લેટમાં રહેતા કોઈ યુવાન પ્રત્યે એને આકર્ષણ થયેલું. પ્રેમ તો ન કહી શકાય. કારણકે પેલાને તો નિર્ઝરા પ્રત્યે આવી કોઈ લાગણી ન જ હોય એ સ્વાભાવિક હતું. એ રોજ સવારે બારી પાસે મૂકાવેલા એના પલંગ પર એના કપાયેલા પગ પર ઉંચી થઈને બારીના સળીયા પકડીને પેલા યુવાનને જતા આવતા જોઈ રહેતી. એને જોઇને એના મનમાં શા સ્પંદન જાગતા હશે એ હું સમજી શકતી હતી પણ કશું યે કરી શકવાને લાચાર હતી. બેય પગે વિકલાંગ જરૂર હતી મારી દીકરી, પણ એની બંને આંખોમાં સ્વપ્નો છલોછલ ભર્યા હતા. એક દિવસ એ યુવાનની સગાઇ થઇ ગઈ. ચટ મંગની પટ બ્યાહ જેવું થયેલું. એક જ અઠવાડિયામાં એના લગ્ન પણ નક્કી થઇ ગયેલા. ફ્લેટમાં બધાને ત્યાં મીઠાઈના બોક્ષ સાથે લગ્નનું આમંત્રણ કાર્ડ આવ્યું. એ દિવસે નિર્ઝરા એના રૂમમાં ચૂપચાપ ભરાઈ રહી આખો દિવસ. કશું જ બોલ્યા ચાલ્યા વિના ગૂમસૂમ પડી રહી. પેલાના લગ્ન થઇ ગયા એ પછીના દિવસે જ એણે ઊંઘની ગોળીઓનો ઓવરડોઝ લઈને આત્મહત્યા કરી લીધી. એના ગયા પછી બે મહિનામાં જ એના પાપા પણ હૃદયરોગના હુમલાને કારણે ગુજરી ગયા.”

આટલું બોલતા જ આંટીજી રડી પડ્યા. અમલ સ્તબ્ધ થઈને બેસી રહ્યો. એને સમજાતું ન હતું કે શું બોલવું? 

“આઈ એમ સો સોરી આંટીજી... મને ખ્યાલ ન હતો કે....” આગળ શું બોલવું એ અમલને સમજાયું નહીં. એ ઉભો થઈને કિચનમાં જઈને પાણીનો ગ્લાસ ભરી લાવ્યો અને આંટીજી સામે ધરીને ઉભો રહ્યો. એનું મન રાખવા આંટીજીએ પાણી પી લીધું. કોફીના મગ ઊંચકીને એ અંદર સિન્કમાં મૂકી આવ્યો.

“આંટીજી... હું જાઉં? ફરી ક્યારેક નિરાંતે સમય લઈને આવીશ.” આમ આ રીતે આ સંજોગોમાં એણે જવું ગમતું ન હતું પણ એના મગજમાં વિચારોનું તુમુલ યુદ્ધ જામ્યું હતું. એ દરવાજે પહોંચી ગયો ત્યાં જ એના કાને અવાજ સંભળાયો...

“બેટા.... તેં મારી દીકરીને.... બારીમાં ઉભેલી જોઈ હતી ને.....?”


7 ટિપ્પણીઓ:

  1. વાહ!! સરસ વાર્તા...પહેલા લાગ્યુકે તે દેખાતી છોકરી તે આન્ટી જ હશે.. અને પ્રેમનીલાગણીઓના સંબંધ માતૃત્વની મમતામાં બદલાઇ જશે ..પણ.. સરસ વાર્તા. (Y)

    જવાબ આપોકાઢી નાખો
  2. બાપ રે ....

    જીંદગી કેવા કેવા સંજોગો દેખાડે છે ...!!

    જવાબ આપોકાઢી નાખો
  3. વાહ છેલ્લે સુધી રહસ્ય જાળવી ને વાંચક ને એક સાથે પૂરી વાર્તા વાંચવા માટે જકડી રાખી ..તમે તમારા પ્રયાસ માં સફળ થયા છો....

    જવાબ આપોકાઢી નાખો
  4. Gami varta. ...'.roj ek j rang no gulabi dress' ee vanchi ne mane andaj aavi gayo hato ke. .....:)

    જવાબ આપોકાઢી નાખો