ફેબ્રુઆરી 27, 2018

અભરામ ભગત



આજથી નવ દાયકા પહેલાની આ વાત. સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા ખોબા જેવડા ગામ નવાગઢમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલા બાળકને નામ મળ્યું ઈબ્રાહીમ કરીમ સુમરા. પોલીસખાતામાં મામૂલી નોકરી કરતા પિતાની ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ કરવું ય શક્ય ન હતું તો બાળકોને શિક્ષણ ક્યાંથી મળી શકે? માંડ એક ચોપડી સુધીનો અભ્યાસ કરીને ઈબ્રાહીમને શાળા છોડી દેવી પડી. થોડા વર્ષો બાદ કિશોર વયના ઈબ્રાહીમે મિલમજૂરની નોકરી કરવા માંડી. પણ તકદીરને એ ય મંજૂર ન હતું. એક દિવસ અકસ્માતે ઈબ્રાહીમનો પગ મશીનમાં આવી ગયો! તાત્કાલિક તેને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પણ ઘાનું ઝેર પગમાં ફેલાઈ ચૂક્યું હતું. પરિણામે આખો પગ કાપી નાખવો પડ્યો.

ગરીબી, નિરક્ષરતા, બેકારી અને ઉપરથી કાયમી પંગુતા... આવી હાલતમાં કોઈ શું કરી શકે? સંજોગોના ખેલ સામે લાચાર થઈ ચૂકેલા ઈબ્રાહીમને તેના કાકા પોતાને ઘેર નજીકના ખીરસરા ગામે લઈ આવ્યા. ત્યારે ખુદ તકદીરને પણ ક્યાં ખબર હતી કે ઈબ્રાહીમના જીવનમાં એ કેવો જબરજસ્ત વળાંક લેવાની છે! એવું તે શું થયું કે જમીન પર ચાલવાને અસમર્થ ઈબ્રાહીમનો સિતારો દેશ દુનિયાના ફલક પર બુલંદ થઈને ચમક્યો!

થયું એવું કે કાકાના ગામમાં દર પૂનમે આખી રાત ભજનનો કાર્યક્રમ થતો. ઈબ્રાહીમ ત્યાં જતો ને મંજીરા વગાડતો. ધીરે ધીરે નિયમિત રીતે સાંભળેલા ભજન તેને કંઠસ્થ થતા ગયા. હવે ક્યારેક ક્યારેક તેને ગાવાનો મોકો પણ મળવા લાગ્યો. મીઠી હલકથી કૃષ્ણ ભજન ગાતા ઈબ્રાહીમના અવાજની ખ્યાતિ ધૂપસળીની સુવાસની માફક આખાયે પંથકમાં પ્રસરી ગઈ. શિવરાત્રિએ ગિરનારની તળેટીમાં યોજાતા ભવનાથના પ્રસિદ્ધ મેળામાં ભજન ગાવા માટે ઈબ્રાહીમને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાં એકત્ર થયેલા હજારો લોકોની ભીડ આ નવોદિત ગાયકને સાંભળીને અભિભૂત થઈ ગઈ! ભવનાથની તળેટીમાંથી વહેતી થયેલી ભજનગંગાની આ  સરવાણી ધીરે ધીરે સૌરાષ્ટ્રના નાના મોટા ગામોમાં વહેતી થઈ!

પોતાના અલગારી સ્વભાવને કારણે 'ભગત' તરીકે ઓળખાતા  ઈબ્રાહીમના નામનો ઉચ્ચાર ગામઠી બોલીમાં લોકો 'અભરામ' તરીકે કરતા. આ રીતે ઈબ્રાહીમનું નવું નામકરણ થયું 'અભરામ ભગત'. ટૂંક સમયમાં જ ભજન ગાયક તરીકે અભરામ ભગતની કીર્તિ ચારેકોર પ્રસરી ગઈ. જેતપુર નજીકના વડિયા ગામના દરબાર ભગતના ખરા કદરદાન નીકળ્યા! તેમણે આપેલી જમીન પર મકાન બાંધીને ભગતે એક તરફ પત્ની હલીમાબાનુ સાથે  પોતાનો સંસાર વસાવ્યો, તો બીજી તરફ કૃષ્ણ ભજનો થકી વૈષ્ણવ સમાજમાં આગવી ઓળખ મેળવી. એટલું જ નહીં, યશવંત ભટ્ટ, મોહનલાલ રૈયાણી, કનુભાઈ બારોટ, દુલા ભગત જેવા એ સમયના ગુજરાતના  ખ્યાતનામ ભજન ગાયકોની વચ્ચે લોકચાહનાની દ્રષ્ટિએ
અગ્રીમ સ્થાન મેળવ્યું.

ભજન ઉપરાંત અભરામ ભગત 'આખ્યાન'ની કળામાં પણ માહેર હતા. નરસિંહ મહેતાનું  'કુંવરબાઈનું મામેરું' આખ્યાન તેમના કંઠે સાંભળવું એ અનેરો લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત કાવ્યપ્રકારની દ્રષ્ટિએ અલગ અલગ રીતે ગવાતી એવી  આરાધ, કટારી, પ્રભાતિયા, રામગરી જેવી ભજનની અનેકવિધ ગાયકીમાં તેમણે મહારત હાંસલ કરી હતી. જોતજોતામાં તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સૌરાષ્ટ્ર ગુજરાતના નાનામોટા શહેરોમાં તો ઠીક, મુંબઈમાં પણ તેમના શો હાઉસફુલ થવા લાગ્યા. કોલંબિયા અને એચએમવી જેવી નામી રેકોર્ડ કંપનીઓએ બહાર પાડેલી  તેમના ગાયેલા ગુજરાતી તેમજ હિંદી ભજનોની એલપી રેકર્ડ વિક્રમજનક સંખ્યામાં ચપોચપ વેચાઈ જવા લાગી!  તેમણે હિંદીમાં ગાયેલા સાંઈબાબા ભજનોની શ્રેણી એટલી પ્રખ્યાત થઈ કે લોકો એ જ હોટલમાં જવાનું પસંદ કરતાં કે જયાં તેમના ગાયેલા ભજનોની રેકર્ડ વાગતી હોય!

આપણને જાણીને નવાઈ લાગે કે અભરામ ભગતના અગણિત ચાહકોની યાદીમાં એક નોંધપાત્ર નામ મહાત્મા ગાંધીનું પણ હતું! પૂ. બાપુએ વ્યક્તિગત રીતે તેમને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો! એટલું જ નહીં, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાની સઘળી આવક પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપી દેનાર આ અલગારી ભગતને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખાસ આમંત્રણ આપીને દિલ્હી તેડાવ્યા હતા. ત્યાં તેમણે રજૂ કરેલા ભજન સાંભળીને પોતે અભિભૂત થઈ ગયા હતા એવું ખુદ શાસ્ત્રીજીએ તેમને લખેલા પત્રમાં જણાવ્યું હતું!

એક પગે અપંગ એવા અભરામ ભગત પ્રસિદ્ધિના એક પછી એક વણસ્પર્શ્યા  શિખર સર કર્યે જતા હતા.દેશવિદેશમાંથી તેમને ભજન ગાવા માટે આમંત્રણ મળી રહ્યા હતા.  એ 1973ની સાલ હતી. ભગતને 'અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ', 'સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ' જેવી સંસ્થાઓ તેમજ 'ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સીટી' ના શિક્ષણ વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. આખુંયે વર્ષ ચાલેલી આ યાત્રામાં ન્યુયોર્ક, વોશિંગ્ટન, શિકાગો સહિત અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાયેલા તેમના કાર્યક્રમોમાં શ્રોતાઓએ  ભરચક હાજરી આપી. અમેરિકા ઉપરાંત તેમણે કેનેડા, યુકે તેમજ પૂર્વ આફ્રિકા અને યુરોપના અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો. મજાની વાત એ હતી કે અક્ષરજ્ઞાનની દ્રષ્ટિએ તદ્દન અભણ એવા ભગતની આ સઘળી વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એમના દુભાષીયા તરીકે માહિતી  ખાતાના અધિકારી શ્રી પી. એલ. સાધુની નિમણૂંક કરાઈ હતી! નસીબની બલિહારી જુઓ! માંડ એક ચોપડી સુધી શાળાએ જઈ શકેલા ભગતે પોતાના પુત્ર માહિરને, એક સમયે જ્યાં રાજવી પરિવારના સંતાનોને જ પ્રવેશ અપાતો એવી રાજકોટની પ્રખ્યાત 'રાજકુમાર કોલેજ' માં ભણવા મૂકેલો!

નાણાંની અવિરત રેલમછેલ વચ્ચે પણ સાદું, સંયમિત જીવન જીવતા અભરામ ભગતે આજના જ દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી, 1988ના રોજ  કોઈ જાતની બીમારી વિના જ શાંતિથી આ જગતમાંથી વિદાય લીધી. એ સમયે બધા જ અખબારોએ તેમના દેહાવસાનની નોંધ લીધી હતી. "તાનપૂરાનો એક તાર તૂટી ગયો!"- આવી અદભૂત ભાવાંજલિ અખબારો દ્વારા તેમને આપવામાં આવેલી!

અભરામ ભગત આજે સ્થૂળ દેહે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમણે આપણને વારસામાં આપેલો ભજન સરવાણીનો અણમોલ ખજાનો સદાયે તેમની યાદ જીવંત રાખશે. તેમણે ગાયેલું એક અતિ પ્રાચીન લોકગીત કુંતા અભિમન્યુને બાંધે રાખડી રે લોલ.....  અહીં   માણો.. 

ફેબ્રુઆરી 26, 2018

'શાયર-એ-આઝમ' એસ. એચ. બિહારી



મૈં શાયદ તુમ્હારે લિએ અજનબી હૂં મગર ચાંદ તારે મુઝે જાનતે હૈ.....

સાચે જ, હિંદી ફિલ્મ સંગીતના ઈતિહાસમાં જેનો સમાવેશ 'ક્લાસિક'ની શ્રેણીમાં થાય છે, એવા ગીતો લખનારા ગીતકારોના નામ ઈતિહાસ બનીને સમયની કો' એવી ગર્તામાં સમાઈ જાય છે કે સાચે જ એ નામો આપણા માટે અજનબી સમા ભાસે છે. વિધિની વિચિત્રતા કહો કે સમયની બલિહારી... જેમના નામ આજે વિસરાઈ ગયા છે તેમની કલમે અવતરેલા  ગીતો, કાળની સીમાઓને પાર કરીને એ જ જૂના સુમધુર સ્વરુપમાં કે પછી ક્યારેક 'રિમિક્સ'ના વરવા જામા પહેરીને પણ સંગીત ચાહકોના કાને પડતા રહે છે. આવું જ એક સ્મૃતિશેષ થઈ ગયેલું નામ એટલે સ્વ. શમસુલ હુદા બિહારી.

પચાસ અને સાઠના દશકની ડઝનબંધ ફિલ્મોમાં એકએકથી ચડિયાતા સુપ રહીટ ગીત લખનારા એસ. એચ. બિહારીનો જન્મ ૧૯૨૨માં બિહારના આરા જિલ્લામાં થયો. કલકત્તાની પ્રેસિડેન્સી કોલેજમાંથી બીએની ડીગ્રી મેળવનાર બિહારી, હિંદી અને ઉર્દૂ ઉપરાંત બંગાળી ભાષા પર પણ પ્રભુત્વ મેળવવા ઉપરાંત ફૂટબોલની રમતમાં પણ એટલા પારંગત હતા કે સુવિખ્યાત મોહન બગાનની ટીમમાં પણ તેમનો સમાવેશ થયેલો! કોલેજકાળ દરમિયાન લાગેલા  સાહિત્ય અને શાયરીના શોખે તેમને ૧૯૪૭માં મોહમયી મુંબઈ નગરીના દ્વારે પહોંચાડી દીધા.

કાવ્યતત્વની અચ્છી સૂઝ ધરાવતા અનિલ બિશ્વાસે જ્યારે તેમની એક ગઝલ સાંભળી તો એનાથી પ્રભાવિત થઈને લાડલી(૧૯૪૯) માટે બે ગીતો લખવાનું કામ અપાવ્યું.  પણ બે ચાર  છૂટીછવાયી ફિલ્મોમાં ગીત લખવા સિવાય કોઈ નોંધપાત્ર સફળતા હાથ ન લાગી. પારાવાર સંઘર્ષના એ દિવસોમાં અનિલ બિશ્વાસ ઉપરાંત જ્ઞાન દત્ત, સી. રામચંદ્ર અને શ્યામસુંદર જેવા પ્રખ્યાત સંગીતકારો સાથે કામ કરવાનો મોકો મળવા છતાંયે કેટલીયે વાર ભૂખ્યા પેટે પણ સૂવાનો વારો આવ્યો. ૧૯૫૩માં ભગવાન દાદાની ફિલ્મ 'રંગીલા'માં અગિયાર પૈકી નવ ગીતો લખવાનો મોકો બિહારીને મળ્યો. તેમ છતાં, સફળતા હજુ દૂર જ હતી. ૧૯૫૪માં આવેલી ફિલ્મ 'શર્ત'ના ગીત 'ન યે ચાંદ હોગા, ન તારે રહેંગે, મગર હમ હમેશા તુમ્હારે રહેંગે...'એ બિહારીને એ સફળતાનો સ્વાદ ચખાડ્યો જેના માટે તેઓ ખરેખર લાયક હતા.

'શર્ત'ની સફળતા બાદ હેમંત કુમાર અને બિહારીની જોડીએ ત્રણ જ વર્ષના ટૂંકા ગાળામાં બાર ફિલ્મોમાં એંસી જેટલા ગીતો આપ્યા. એક બે અપવાદોને બાદ કરતાં બિહારીએ આ સમયગાળા દરમિયાન હેમંત કુમાર માટે જ ગીતો લખ્યાં. જો કે, પ્રથમ ફિલ્મ જેટલી સફળતા અન્ય કોઈ ફિલ્મ માટે આ જોડીને તો ન મળી, તેમ છતાં અનેક સફળ ગીતો આ જોડીએ આપ્યાં.  (૧૯૫૭માં આ જોડી તૂટ્યા બાદ છેક ૧૯૭૨માં બંનેએ ફરી એકવાર 'બીસ સાલ પેહલે' માં સાથે કામ કર્યું.)

હેમંત કુમાર બાદ બિહારીએ, એક સમયના તેમના સહાયક એવા રવિ સાથે જોડી જમાવી, અગિયાર ફિલ્મોમાં કુલ આડત્રીસ જેટલા ગીતો આપ્યાં. જેમાં એક તરફ 'ભલા કરને વાલે ભલાઈ કિયે જા' જેવું દાર્શનિક ગીત આપ્યું તો 'મુરલીરામ ઔર ભીંડીમલ કા નિકલ ગયા હૈ દીવાલા...'  સરીખું વ્યંગસભર ગીત પણ આપ્યું! જો કે, બિહારીની કારકિર્દીને વેગ મળ્યો સાઠના દશકમાં  ઓ. પી. નૈયર સાથે જોડાયા બાદ. આશા ભોંસલે- મોહમ્મદ રફી- ઓ. પી. નૈયર વત્તા  એસ. એચ. બિહારી એટલે ગીત-સંગીત જ નહીં, ફિલ્મની સફળતાની પણ ગેરંટી! એક મુસાફિર એક હસીના, યે રાત ફિર ન આયેગી, કિસ્મત, સાવન કી ઘટા, કશ્મીર કી કલી, પ્રાણ જાયે પર વચન ન જાયે, મુહબ્બત ઝીંદગી હૈ જેવી ફિલ્મોની સફળતા  આ વાતનો પુરાવો છે. નૈયર સાહેબ માટે બિહારીએ ચોવીસ ફિલ્મોમાં નેવ્યાસી જેટલાં ગીતો લખ્યાં.

નૈયર સાહેબે જેમને  'શાયર-એ-આઝમ'ના ખિતાબથી નવાજ્યા એ બિહારી,ફિલ્મીગીતોમાં  પ્રણયની અભિવ્યકતિની ઉત્કટતાને અપ્રતિમ ઊંચાઈએ લઈ ગયા. આ લખી રહી છું ત્યારે ફિલ્મ 'યે રાત ફિર ના આયેગી'નું ગીત, મેરા પ્યાર વો હૈ કે  મર કર ભી તુમકો...  કાનમાં ગૂંજી રહ્યું છે. ખુદા ભી અગર તુમસે આ કે મિલે તો, તુમ્હારી કસમ હૈ મેરા દિલ જલેગા...

વર્ષે ચૌદ ગીતની સરેરાશથી ટોપ ગિયરમાં દોડી રહેલી બિહારીની ગાડીને ૧૯૭૨માં જબ્બર બ્રેક લાગી ગઈ! આવનારા દસ વર્ષો માટે વર્ષે સરેરાશ પાંચથી યે ઓછા ગીત લખીને આ હોનહાર ગીતકાર ગુમનામીના અંધકારમાં ખોવાઈ જશે, એવી તો કોઈને કલ્પના ય ન હોય ને. પણ એંસીના દશકમાં બિહારીએ ફરી એકવાર પોતાના નામનો સિક્કો જમાવ્યો! ફિલ્મ   'પ્યાર ઝૂકતા નહીં' બનાવી રહેલા નિર્માતા કે. સી. બોકાડીયાએ ન કેવળ ગીતલેખન માટે, બલ્કે કથા-પટકથા-સંવાદલેખનની જવાબદારી પણ બિહારીને સોંપી. ૧૯૮૫માં રજૂ થયેલી આ ફિલ્મ ખૂબ જ સફળ રહી. લક્ષ્મીકાંત પ્યારેલાલની ધૂનો પર બિહારીએ લખેલાં મધુર ગીતો રાતોરાત લોકપ્રિય થઈ પડ્યાં. એ સમયે આનંદ બક્ષી જોડે જોડી જમાવીને કામ કરતા એલ પી માટે પણ બિહારીએ ત્રણેક વરસમાં સોળ જેટલી ફિલ્મો માટે ગીત લખ્યાં. જો કે, સફળતાના આ બીજા પડાવમાં, જિંદગીની સફર જ અણધારી સમાપ્ત થઈ જશે, એવી તો બિહારીને ખુદને પણ કલ્પના નહીં હોય. ૨૨ ફેબ્રુઆરી, ૧૯૮૭ના  રોજ હાર્ટએટેકથી બિહારી આ ફાની દુનિયા છોડીને ચાલ્યા ગયા.

ફેબ્રુઆરી 13, 2018

મુકુંદરાય પારાશર્ય



"બાઈ મારા આંબાને સપનું આવ્યું 
કે મ્હોરમાં ફાલી પડયો રે લોલ!
બાઈ મારા આંબાને આભ પડયું નાનું
કે દોરમાં ઝૂકી ઢળ્યો રે લોલ!"


જો હું પૂછું કે ગૂગલ કર્યા વિના કહો કે ઉપરોકત પંકતિઓ કયા કવિની હોઈ શકે? તો મોટાભાગના મિત્રોના મનમાં રમેશ પારેખ, મનોજ ખંડેરિયા કે પછી અનિલ જોશીનું નામ આવે. પણ ના, આમાના કોઈ જ નહીં. તો? આ મસ્તમિજાજી પંકતિઓ જેમણે રચી છે એ કવિ એટલે, પોતાના વૈવિધ્યસભર સર્જન થકી આપણી ભાષાને રળિયાત કરનાર કવિશ્રી મુકુંદરાય પારાશર્ય. 

આજથી બરાબર સો વર્ષ પહેલાં ૧૩-૨-૧૯૧૪ના રોજ મોરબીમાં જન્મેલા કવિએ રાજકોટ નજીક કોટડાસાંગાણી ગામની સંસ્કૃત પાઠશાળામાં થોડું શિક્ષણ લીધું. ત્યારબાદ રાજકોટમાં મેટ્રિક સુધીનો અભ્યાસ પૂર્ણ કરીને પરિવાર સમેત સિહોર મુકામે વસ્યા અને ભાવનગરની શામળદાસ કૉલેજમાંથી અર્થશાસ્ત્ર અને ઇતિહાસ સાથે બી.એ. કર્યું. 

તેમની સાહિત્ય સફરની શરૂઆત ૧૯૩૮માં થઈ. પ્રથમ કાવ્યસંગ્રહ 'અર્ચન' પછી ચોવીસ જેટલા પુસ્તકો પ્રગટ થયા. જેમાં કવિતા ઉપરાંત  નવલકથા, વિવેચનસંગ્રહ, વ્યક્તિચિત્ર, ભજનો, નિબંધો, ગીતો, પૌરાણિક કથાઓ જેવા વિવિધ વિષયોનો સમાવેશ થાય છે. તેમણે લખેલી 'સત્યકથાઓ' ખૂબ જ લોકપ્રિય થઈ હતી. માનવીના ચારિત્ર્ય ઘડતરમાં પાયારૂપ બાબતોને ઉજાગર કરતી અને તે સમયના સમાજજીવન પર પ્રકાશ પાડતી આ કથાઓ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. 

બહુમુખી વ્યક્તિત્વના સ્વામી એવા કવિને એમની જન્મજયંતિ પર સ્મરણ પુષ્પો ભેટ ચડાવીએ.


ફેબ્રુઆરી 08, 2018

હોંઠો સે છૂ લો તુમ!



હોંઠો સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો...
બન જાઓ મિત મેરે, મેરી પ્રીત અમર કર દો....

૮ ફેબ્રુઆરી એટલે પ્રપોઝ ડે. ૭ થી ૧૪ ફેબ્રુઆરી સુધી વેલેન્ટાઈન વીકની ઉજવણીમાં વ્યસ્ત રહેતા આજના યુવાન પ્રેમીજનો જાતજાતના તિકડમ કરીને પોતાના પ્રિયપાત્ર સુધી પોતાના મનની વાત પહોંચાડતા હશે, પણ ’૭૦નાં દશકમાં જન્મેલી પેઢીનાં કેટલાય લોકોનો અનુભવ હશે કે તેમણે પ્રિયપાત્ર સુધી પોતાના મનની લાગણી પહોંચતી કરવા ’૮૧માં રજૂ થયેલી ફિલ્મ ‘પ્રેમગીત’નું આ ગીત ગણગણ્યું જ હશે! મજાની વાત જુઓ! પ્રેમીઓ જેને પ્રપોઝ ડે તરીકે ઓળખાવે છે, એ જ દિવસે આ અવિસ્મરણીય પ્રેમગીતના ગાયકનો જન્મદિવસ! એ ગાયક એટલે કોણ એ કહેવાની જરૂર ખરી?

આમ તો માતાપિતાએ એનું નામ પાડેલું જગમોહન... ૮ ફેબ્રુઆરી, ૧૯૪૧મા રાજસ્થાનના શ્રી ગંગાનગરમાં શીખ પિતા સરદાર અમર સિંહ ધમાની અને માતા બચન કૌરને ત્યાં ચાર બહેનો અને ત્રણ ભાઈઓ વાળા પરિવારમાં જન્મેલા જગમોહનને સૌ કોઈ જીત કહીને બોલાવે. પોતાની પરિણીત મોટીબહેનને મળવા ગયેલા જગમોહને, ત્યાં પધારેલા એક સંત સમક્ષ શ્લોકોનું પઠન કર્યું. એ સાંભળીને ભાવવિભોર થઇ ગયેલા સંતે સૂચવ્યું કે આ છોકરાનું નામ ‘જગજીત’ રાખો, કારણકે એનામાં ક્ષમતા છે, પોતાના અદ્વિતીય અવાજ વડે આખી દુનિયાને જીતવાની....

જગજીત સિંહને સંગીતનો વારસો પોતાના પિતા તરફથી મળ્યો. તદુપરાંત નાનપણમાં ગંગાનગરમાં પંડિત છગનલાલ શર્મા પાસેથી તેમણે બે વર્ષ શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. ત્યારબાદ સેનિયા ઘરાણાના ઉસ્તાદ જમાલ ખાં પાસેથી તેમણે ખયાલ, ઠુમરી અને ધ્રુપદની બારીકીઓ શીખી, જેનો ભરપૂર ઉપયોગ તેમણે આગળ જતા ગઝલ ગાયકીના ક્ષેત્રે નવા નવા પ્રયોગો કરવામાં કર્યો. જો કે, સરકારી નોકરી કરતા પિતાની મહેચ્છા હતી કે એનો ગ્રેજ્યુએટ દીકરો પણ સરકારી નોકરીમાં જોડાઈને પોતાનું ભવિષ્ય ઉજળું કરે. પરંતુ દીકરાના દિલમાં તો સંગીતની દુનિયા સર કરવાના ખ્વાબ જાગી રહ્યા હતા. માર્ચ ૧૯૬૫માં ઘરે કોઈને પણ કહ્યા વિના એ દીકરાએ મુંબઈની વાટ પકડી.

 જગજીત સિંહના શરૂઆતના દિવસો ખાસ્સા સંઘર્ષમય રહ્યા. વિજ્ઞાપનોના જિંગલ્સ ગાઈને, લગ્ન તેમજ અન્ય માંગલિક સમારંભોમાં ગીત-ગઝલ ગાઈને તેમણે પોતાનું ગુજરાન ચલાવ્યું. જો કે, એક દાઢી મૂછ વાળા, પાઘડી પહેરેલા પંજાબી ગાયકને જલ્દીથી લોકો સ્વીકારી નહિ શકે એવું લાગતા તેમણે દુ:ખી મને આ બધા પ્રતિકોનો કાયમ માટે ત્યાગ કર્યો. જો કે, દાઢીમૂછ અને પાઘડી વિના અત્યંત સોહામણા લાગતા જગજીતને એ સમયે ફિલ્મોમાં  અભિનેતા બનવાની મહેચ્છા જાગી હતી. એવા સમયે અભિનેતા તરીકે એમને સૌથી પહેલો મોકો ગુજરાતી ફિલ્મ 'ધરતીના છોરું'માં મળ્યો હતો. ત્યારબાદ ગુજરાતી સંગીતકાર અજીત મર્ચન્ટે એમની પ્રતિભા પારખી અને ફિલ્મ 'બહુરૂપી'માં પાર્શ્વગાયક તરીકે પહેલો મોકો આપ્યો હતો. ત્યારબાદ ધીરે ધીરે એમણે સંગીત અને ગઝલોની દુનિયામાં કાઠું કાઢ્યું. જો કે સંઘર્ષના આ દિવસોમાં જ ૧૯૬૭માં તેમના જીવનમાં વસંતનું આગમન થયું. અત્યંત ખૂબસૂરત એવા બંગાળી મહિલા ચિત્રા દત્તા કે જે પોતાના વિસંગત લગ્નજીવનથી ત્રસ્ત મનોદશામાં પોતાની ગઝલ ગાયક તરીકેની ઓળખ જાળવી રાખવાની કોશિશ કરતા હતા, એમણે જગજીત સિંહે લંબાવેલા હાથમાં પોતાનો હાથ સોંપ્યો અને ૧૯૬૯માં ભૂતપૂર્વ પતિથી અલગ થઈને જગજીત સિંહ જોડે વિવાહ કર્યા.

જો કે વિવાહ બાદ પણ આ સંગીતબેલડીનો સંઘર્ષ ચાલતો રહયો. એ સમયે ગઝલ ગાયકીના ક્ષેત્રે હજુ યે દરબારી પરંપરા યથાવત હતી. ધનિકો, જમીનદારો અને અરબી-ફારસીના મિશ્રણ યુક્ત શિષ્ટ ઉર્દૂનાં જાણકાર લોકો જ ગઝલનો લૂત્ફ ઉઠાવી શકતા. જગજીત સિંહે ગઝલને જનસામાન્ય સુધી પહોંચતી કરવા પ્રયત્ન કર્યો. ગાલીબ, સુદર્શન ફાકિર, બશીર બદ્ર, નિદા ફાઝલી, ગુલઝાર જેવા જાણીતા શાયરોની સરળ, સહજ શબ્દોમાં લખાયેલી પરંતુ અત્યંત સૂક્ષ્મ ચોટદાર રચનાઓ વીણી વીણીને તેમણે સૂરોમાં પરોવી અને પોતાની મખમલી અવાજના જાદૂઈ સ્પર્શે શ્રોતાઓના અંતરમનમાં અમીટ છાપ છોડી. મિત્રોને યાદ હશે, એંસીના દાયકામાં જયારે સામાન્ય માનવી માટે સંગીત થકી મનોરંજનની વ્યાખ્યા રેડિયો પર વાગતા ગીતો કે બહુમાં બહુ તો ક્યાંક ક્યાંક પ્રાપ્ય એવા દૂરદર્શન પર અઠવાડિયે બે વાર રજૂ થતા ચિત્રહાર જેવા કાર્યક્રમો સુધી સીમિત હતી, ત્યારે આ બેલડી પોતાની યુવાન અને તરોતાઝા ગાયકી, શ્રેષ્ઠ ગઝલો-નઝ્મોના ચયન અને મધુર સંગીત થકી ગઝલ ગાયકીના આકાશમાં દૈદીપ્યમાન સૂરજની જેમ ઝળહળી ઉઠી. જૂની ગાયન શૈલીમાં પ્રચલિત એવી સારંગીના સ્થાને જગજીત સિંહે વાયોલિનને અપનાવ્યું. તેમણે ગઝલમાં ગિટાર અને સંતૂર જેવા વાદ્યોને પણ સ્થાન આપ્યું. ગઝલ ક્ષેત્રે અપ્રતિમ સફળતા હાંસલ કર્યા બાદ જ્યારે તેમણે ફિલ્મોમાં પાર્શ્વગાયનની શરૂઆત કરી તો તેમની આ સફરનો આરંભ અવિસ્મરણીય એવા આ ગીતથી થયો. “હોઠોં સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો....”

ઓર એક વાત, એંસીના દશકમાં હિન્દી ફિલ્મોમાં જ્યારે નર્યો શોર કહેવાય એવું સંગીત પીરસાઈ રહ્યું હતું ત્યારે જગજીતે ‘સાથ સાથ’ અને ‘અર્થ’ જેવી ફિલ્મોમાં અત્યંત કર્ણપ્રિય સંગીત આપ્યું.  ચાહે પ્રાઇવેટ આલ્બમો હોય કે કોન્સર્ટ, કે પછી ફિલ્મ સંગીત, જગજીત સિંઘે હંમેશા પોતાના શ્રેષ્ઠ સંગીત અને સ્વર થકી ગાલીબ, આમિર મીનાઈ, સુદર્શન ફાકિર, બશીર બદ્ર, નિદા ફાઝલી, ગુલઝાર જેવા કેટલાયે નામી અનામી શાયરોની કલમને સાર્થકતા બક્ષી. શ્રોતાઓ ગીતના શબ્દો પર ધ્યાન આપતા થયા તેનું શ્રેય પણ જગજીતને આપી શકાય. એમણે ચૂંટેલી રચનાઓ પરથી આપણને સહજ રીતે ખ્યાલ આવે કે તેમને કવિતાની કેટલી ઊંડી સૂઝ છે. જે સમયે તૈયાર ધૂન પર ગીતના બોલ લખાતા હોય ત્યારે, ચુનંદા ગીતો અને ગઝલોને, તેમનું કાવ્યત્વ જીવંત રહે, એટલું જ નહીં, શ્રોતાઓના હૃદયને સ્પર્શે એ રીતે સંગીતબદ્ધ કરીને લોકો સુધી પહોંચતા કરવામાં જગજીતનો અમૂલ્ય ફાળો છે, એટલું જ નહીં, પોતાના મખમલી અવાજથી કેટલાય લોકોના હૃદયને તેમણે શાતા પહોંચાડી છે તો તેમના હળવાફૂલ ગીતોએ અગણિત લોકોને ખુશ કર્યા છે.

માનવ મનનો કોઈ એવો અહેસાસ નથી કે જેને જગજીતે પોતાની ગઝલોમાં ન ઊતાર્યો હોય! ને એમાયે વૈવિધ્ય કેટલું! સેમી ક્લાસિકલ ગઝલ ગાનારા જગજીત જ્યારે મસ્તીભર્યા અંદાઝમાં પંજાબી ગીતો ગાય ત્યારે આખો શ્રોતાગણ ઝૂમતો હોય! અને આ જ જગજીત ભાવવાહી અવાજમાં ‘સબ સે ઊંચી પ્રેમ સગાઇ....’ ગાય ત્યારે સાંભળનારના અંતરમન ઝંકૃત થયા વિના ન રહે.બેનમૂન ગાયકી અને વિભિન્ન ભાષાઓ પર અચ્છી પકડ ઉપરાંત પોતે જે કઈ ગાય એ સીધા સરળ શબ્દોમાં હોય કે જેથી સાંભળનારને આસાનીથી એ સમજાય- આ જગજીતનું ઓર એક જમા પાસું કહી શકાય. ગમે તેટલી ગહન રચના હોય પણ શ્રોતાઓને ન સમજાય તો શું કામની? આ વાત સારી પેઠે સમજતા જગજીત, સદા સરળ શબ્દોમાં કહેવાયેલા ઉત્તમ વિચારને અત્યંત સાદગીપૂર્ણ રીતે, ઓછામાં ઓછા વાદ્યોના ઉપયોગથી સંગીતમય રૂપ આપતા. એટલે જ આજે પણ લોકો ફરીફરીને, વારંવાર એમને સાંભળતા રહે છે.