ઑક્ટોબર 31, 2017

મેરે સાજન હૈ ઉસ પાર...


વીસમી સદીની શરૂઆતનો એ સમય. અખંડ ભારતના પૂર્વીય પ્રાંતના એક હરિયાળા પ્રદેશમાં રહેતા બાર-તેર વર્ષના કિશોરોની એક ટોળકી, ઘરે જાણ કર્યા વિના ટ્રેઈનમાં બેસીને બાજુના ગામે ભરાયેલા મેળામાં જવાને નીકળી પડી. સમી સાંજનું અંધારું છવાય તે પહેલા જ વળતી ટ્રેઈનમાં પાછા ફરી જવાનો મનસૂબો કરીને મેળામાં મહાલી રહેલા એ કિશોરોને પરત ફરતા ખાસ્સું મોડું થયું. સ્ટેશનમાં દાખલ થતાં જ જોયું કે ગામ તરફ જતી એકમાત્ર ટ્રેઈન તો ધીરે ધીરે પ્લેટફોર્મ છોડી રહી હતી! પળવારનોય વિચાર કર્યા વિના સૌકોઈ દોડીને ચાલતી ટ્રેઈનમાં ચડી બેઠા! ઘરેથી કોઈને કહ્યા વિના મેળામાં ફર્યાનો આનંદ અને ટ્રેઈનમાં વગર ટીકીટે ચડી બેસવાના સાહસની ઉત્તેજના શમે ન શમે ત્યાં ઘર આંગણના હરિયાળા ખેતરો અંને તરફની બારીએથી લહેરાતા દેખાવા લાગ્યા! પણ સ્ટેશન પર ઉતરતા જ આ ‘ખુદાબક્ષ’ મુસાફરો આબાદ ઝડપાઈ ગયા! ગિન્નાયેલા સ્ટેશન માસ્તરે સજા રૂપે બધાને ઝાલીને સ્ટેશન પર જ એક ઓરડામાં પૂરી દીધા! ઘડીવાર પહેલાની આનદ અને ઉત્તેજનાની લાગણીએ હવે ગંભીર ચિંતાનું સ્વરૂપ ધારણ કર્યું! સાંજનું આછું અજવાળું તો ક્યારનું અંધકારની પછેડી ઓઢીને લપાઈ ગયેલું.  છેલ્લી ટ્રેઈન પસાર થઇ ગયા પછી સૂમસામ સ્ટેશન પર છવાયેલા સન્નાટા વચ્ચે, ‘ઘરના લોકોની શું પરિસ્થિતિ હશે! ઘરે પહોંચ્યા પછી સૌના શું હાલ થશે....’ એ વિષે વિચાર કરી કરીને થાકેલા સૌ નિરાશ થઈને બેઠેલા ત્યારે એક કિશોરે સમય પસાર કરવાના હેતુથી કે કોઈ એ વેરાન સ્ટેશન પર આવીને એમને છોડાવી જાય એવા વિચારે બુલંદ અવાજે કોઈ ભજન લલકારવા માંડ્યું!

મુક્ત કાંઠે વિહરતો, રાતના સન્નાટાને ચીરતો એ અવાજ, નજીકમાં જ આવેલા સ્ટેશન માસ્તરના આવાસ સુધી પહોંચીને સ્ટેશન માસ્તરની જૈફ વયની માતાના કાને પડ્યો! ધાર્મિક વૃતિના માજીએ આ કોણ ગઈ રહ્યું છે એવી સાહજિક પૃચ્છા કરી. માસ્તરે ચીડભર્યા સ્વરે વગર ટીકીટે પકડાયેલા કિશોરોની વાત માજીને જણાવી. બીજી જ પળે ઉભા થઇ ગયેલા માજીએ સ્ટેશન તરફ ચાલતી પકડી! દીકરાએ પૂરી રાખેલા એ કિશોરોને મુક્ત કરીને માજીએ ત્યાંથી જવા દીધા. ત્યારે તેમને કદાચ સ્વપ્ને પણ ખ્યાલ નહીં હોય કે અવાજની જે મીઠાશ હવાની લહેરો પર સવાર થઈને એમના કાન સુધી પહોંચી હતી એ મીઠાશ, આગળ જતા દુનિયાભરના સંગીત ચાહકોને મંત્રમુગ્ધ કરી દેશે એટલું જ નહીં, સૂરોનો આ જાદૂગર સંગીતના એવા એવા સૂર રેલાવશે કે આખી યે દુનિયામાં એના નામનો ડંકો વાગશે! એના બનાવેલા ગીતો, એના ગાયેલાં ગીતો પેઢી દર પેઢી સુધી ગૂંજતા રહેશે!

અલબત્ત, રાજવી પરિવારના ફરજંદ તરીકે જન્મેલા એ કિશોર માટે રાજસત્તા તો હાથવગી જ હતી. પરંતુ નિયતીએ તેમના માટે, એક પ્રાંતની સત્તા સંભાળવાને બદલે સંગીતના બેતાજ બાદશાહ બનીને દેશવિદેશના કરોડો ચાહકોના હૃદય પર શાસન કરવાની અદભૂત વિરાસત લખી હતી! ૧ ઓક્ટોબર, ૧૯૦૬ના  રોજ ત્રિપુરાના રાજવી ઇશાનચંદ્ર દેવ બર્મનના બીજા પુત્રને ત્યાં જન્મેલા કુમાર સચિન એટલે કે આપણા મહાન સંગીતકાર અને અદભૂત ગાયક એવા સચિન દેવ બર્મન વિષે આજે વાત કરીએ. પિતા નબદીપચંદ્ર દેવ બર્મનના નવ સંતાનો પૈકીના પાંચ પુત્રોમાં સૌથી નાના એવા  સચિન દેવ બર્મનને સંગીતની પ્રારંભિક તાલીમ તો અચ્છા સિતારવાદક અને ધ્રુપદ ગાયકીના ઉસ્તાદ એવા પિતા પાસેથી જ મળી હતી. ત્યારબાદ ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય અને ઉસ્તાદ બાદલ સરકાર જેવા સંગીતના પ્રકાંડ પંડિતો પાસેથી તેમને શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવી. પણ તેમનામાં જે સંગીત સહજ સ્ફૂર્યું તેનો સઘળો યશ તેઓ નાનપણમાં તેમણે આકંઠ સાંભળેલા ભટિયાલી લોકસંગીત અને બાઉલ ગીતોની અમીટ છાપ જે તેમના માનસપટ પર અંકિત થયેલી તેને જ આપે છે.

રાજવી પરિવારમાં જન્મ્યા હોવા છતાં તેમનો ઉછેર સામાન્ય રીતે જ થયો. કોમિલા કે જે હાલ બાંગ્લાદેશમાં સમાવિષ્ટ છે, ત્યાનાં હરિયાળા ખેતરો, ખળખળ વહેતી નદીઓ, ખેતમજૂરોના અને નાવિકોના કંઠે બુલંદ અવાજે ગવાતા લોકગીતો,  ફકીરો દ્વારા વિશિષ્ટ પ્રકારે ગવાતા બાઉલ ગીતો સાંભળીને મોટા થઇ રહેલા દાદાની ભીતરમાં વિકસી રહેલા સંગીત ઉપાસકને એક તરફ શાસ્ત્રીય સંગીતની તાલીમ મળી રહી હતી તો બીજી તરફ લોકસંગીતનો અણમોલ ખજાનો કે જે તેમને આવનારા વર્ષોમાં સંગીતના એક યુગ પ્રવર્તક તરીકે પ્રસ્થાપિત કરવામાં અપ્રતિમ ફાળો આપવાનો હતો તે તેમના અંતરતમમાં ખોબલે ખોબલે ઠલવાઈ રહ્યો હતો. એટલું જ નહીં, માધવ અને અનવર નામના મહેલના બે સેવકો દ્વારા કરાતા ધર્મગ્રંથોના સસ્વર પઠનના શ્રવણનો લાભ મળ્યો. રામચરિતમાનસની ચૂંટેલી ચોપાઈઓને હલક્ભેર ગઈ સંભળાવતા માધવ અને કુરાનની આયાતોનું પઠન કરતા અનવરે જાને અજાણે તેમનામાં ભક્તિસંગીત તેમજ સૂફી સંગીત પ્રત્યે અનુરાગ ઉત્પન્ન કર્યો.

જો કે, પિતા તેમજ પરિવારના અન્ય સભ્યોને દાદાનો સંગીત પ્રત્યેનો અનહદ લગાવ પસંદ ન હતો તેવું તો નહોતું પણ સંગીતને આજીવન સમર્પિત થઈને રહેવાની તેમની ઘેલછા જરાપણ પસંદ ન હતી. કોમિલામાં જ સ્નાતક થયા બાદ દાદાને  કલકત્તા મોકલવામાં આવ્યા.  રાજનીતિશાસ્ત્ર કે વકીલાતનું ઉચ્ચ શિક્ષણ મેળવ્યા બાદ રાજ્યના વહીવટી તંત્રમાં કોઈ મહત્વના હોદ્દા પર દીકરાને સ્થાન મળે તેવી તેમના પિતાની ખૂબ જ પ્રબળ ભાવના હતી. પણ તકદીરને કૈક બીજું જ મંજૂર હતું. ભણવા માટે કલકત્તા ગયેલા દાદાને કલકત્તાની ધરતી પર સંગીતની એક નવી જ દુનિયાનો પરિચય થયો. સુવિખ્યાત ગાયક કે. સી. ડે ની નિશ્રામાં તેમની સંગીત સાધના ચાલતી રહી. અભ્યાસથી દિનપ્રતિદિન વિમુખ બનતા જતા દાદા પર પિતાની સમજાવટભરી વિનવણીઓની કોઈ અસર ન થઇ. પણ ૧૯૩૧માં  પિતાના મૃત્યુ બાદ ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયેલા દાદાને જ્યારે રાજ્ય પ્રશાસન તરફથી પિતાના સ્થાને વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દો સંભાળી લેવાની દરખાસ્ત કરાઈ ત્યારે પણ તેઓએ સફળતા અને સ્થિરતા ભરેલી ચીલાચાલુ જિંદગીને બદલે પળેપળ નવા રંગ બદલતી, અનિશ્ચિતતા ભરી સંગીતની કારકિર્દી પસંદ કરી.

શરૂઆતમાં કલકત્તા રેડીઓ પર બંગાળી લોકસંગીતના કાર્યક્રમ રજૂ કરતા દાદાએ પહેલા બંગાળી ફિલ્મોમાં અને ત્યારબાદ હિન્દી ફિલ્મોમાં સંગીત આપવાની શરૂઆત કરી. બહુ જલ્દીથી તેમને એ ખ્યાલ આવ્યો કે આસાનીથી લોકજીભે ચડી જાય એ જ સાચી ધૂન. ઓછામાં ઓછા વાદ્યોની સહાયથી અત્યંત સૂરીલું સંગીત નિપજાવવાની કલામાં દાદા માહેર હતા. પોતાના ગીતોને અત્યંત ચોકસાઈપૂર્વક પસંદ કરતા દાદાએ ફિલ્મ સંગીત ક્ષેત્રે એક નવો પ્રવાહ વહેતો કર્યો. એ સમયે ફિલ્મની વાર્તાને અનુરૂપ ગીતો પહેલા લખાતા, જ્યારે ગીતની ધૂન પાછળથી તૈયાર કરવામાં આવતી. દાદાએ પહેલા ધૂનો સર્જી અને એ ધૂનોને અનુરૂપ શબ્દો ગીતકાર પાસે લખાવ્યા. તેમના સંગીતમાં માનવીય સંવેદનોની ઇન્દ્ર્ધનુષી આભા જોવા મળે છે. ક્યાંક તદ્દન રમતિયાળ, અલ્લડ યુવાનીની મસ્તીભર્યા રોમાંટિક ગીત તો ક્યાંક ઘેરા અવસાદની લાગણીભર્યા કરુણ ગીત. ક્યાંક જીવનની સચ્ચાઈને સ્પર્શતા વાસ્તવિકતા ભર્યા અર્થપૂર્ણ ગીત તો ક્યાંક બધું જ ભૂલીને ‘સ્વ’ની શોધમાં નીકળેલા પ્રવાસીને માર્ગ ચીંધતા આધ્યાત્મિક ગીત. દરેક ગીતનો આગવો મિજાજ અને એમાંથી છલકાતો દાદાનો નિરાળો અંદાજ. આશરે ત્રણ દાયકાની ફિલ્મી કારકિર્દીમાં ચૂંટી ચૂંટીને પસંદ કરેલી નેવું જેટલી ફિલ્મોમાં સંગીત આપનારા દાદાની ધૂનોમાં એવો તે કેવો પ્રભાવ હશે કે દાયકાઓ વીતવા છતાં આ ગીતોનો જાદૂ બરકરાર છે!

દાદાના કંઠે ગવાયેલા કેટલાક ભાવપૂર્ણ હિન્દી ગીતોની મજા અહીં માણો.. 

ઑક્ટોબર 28, 2017

હિન્દી ગીતોના રંગ અફઘાની ગાયિકાને સંગ...


થોડા સમય પહેલા ફેસબુક પર એક સખીની પોસ્ટ પર, કોઈ મિત્રની કોમેન્ટમાં એક નવું જ નામ વાંચ્યું.... 'નોઝીયા કરોમાતુલ્લો'. સમય મળતાં ગુગલદેવને પ્રશ્ન કર્યો કે આ નોઝીયા કરોમાતુલ્લો છે કોણ... તો જાણ્યું કે અફઘાનિસ્તાનની ઉત્તરે આવેલ દેશ તજીકીસ્તાનની આ પ્રસિદ્ધ  ગાયિકા  છે.  ઉંમર ફક્ત ૨૮ વર્ષ. વધુ ફંફોસતા યુટ્યુબ પર એના અગણિત વિડિયો જોવા મળ્યા.પર્શિયન છાંટવાળું આધુનિક ઢબનું સંગીત અને ગાયકી સાંભળતા જ ગમે એવા છે. પણ અહો આશ્ચર્યમ- નોઝીયા તેના કાર્યક્રમોમાં હિન્દી  ફિલ્મી ગીતો પણ ગાતી જોવા મળે છે! બીજે તો ઠીક પરંતુ તજીકીસ્તાનના રાષ્ટ્રીય દિવસના જાહેર કાર્યક્રમમાં પણ 'જબ તક હૈ જાં....' જેવા ગીતો ગાતી જોવા મળે છે. એક વિડીયો કે જેમાં રશિયન પ્રેસિડેન્ટ પુતિન અને ચીનના પ્રેસિડેન્ટ શી જીનપીંગ જેવા મહાનુભાવો શ્રોતાગણમાં બેઠા છે ત્યાં નોઝીયા 'સલામ-એ-ઇશ્ક મેરી જાં....' પોતાની સાથી નર્તકીઓ સાથે રજુ કરતી હોય તો ક્યા ભારતીયનું દિલ દેશપ્રેમથી ન ઉભરાય? દિલ્હીની સંગીત અકાદમીમાંથી ભારતીય શાસ્ત્રીય સંગીતની તાલીમ મેળવનાર નોઝીયા, કથ્થક નૃત્યશૈલીમાં પણ પારંગત છે.

મારા દેશની સંસ્કૃતિને વિશ્વફલક પર પ્રોત્સાહિત કરવા બદલ પરદેશી ભગિનીને તહ-એ-દિલથી શુક્રિયા!

નોઝીયાની આકર્ષક પ્રસ્તુતિ અહીં માણો! 

ઑક્ટોબર 26, 2017

'રીલ' લાઈફથી 'રીઅલ' લાઈફ....


પરબતોં કે પેડોં પર શામ કા બસેરા હૈ
સૂરમયી ઉજાલા હૈ, ચંપઈ અંધેરા હૈ...

નિતાંત કાવ્યતત્વથી ભરપૂર એવી સાહિર લુધિયાનવીની આ રચનાને સંગીતકાર ખય્યામસાહેબે અત્યંત મધુર તર્જમાં ઢાળીને રફીસાહેબ અને સુમન કલ્યાણપુરના અવાજમાં પ્રણયના નાજુક નિવેદનની અવિસ્મરણીય મિસાલ રજૂ કરી છે.

ફિલ્મ 'શગુન'નું આ ગીત પરદા પર જે કલાકાર યુગલ પર ફિલ્માવાયેલું હતું તેમાં અભિનેત્રી વહીદા રહેમાનને તો કદાચ આજની પેઢીના લબરમૂછિયા જવાનો પણ ઓળખી લે. પરંતુ પુરુષ કલાકારનું નામ પૂછો તો જુના જોગીઓ પણ માથું ખંજવાળવા માંડે!!  'કમલજિત સિંઘ' નામથી પોતે જ પ્રોડયુસ કરેલી આ ફિલ્મમાં વહીદા રહેમાન સાથે મુખ્ય ભૂમિકા ભજવતા આ પંજાબી કલાકારનું સાચું નામ શશી રેખી. 1964માં બનેલી ફિલ્મ 'શગુન' અગાઉ રેખીએ સન ઓફ ઈન્ડિયા(1962),  મિ. ઇન્ડિયા(1961) અને કિતના બદલ ગયા ઇન્સાન(1957) જેવી ફિલ્મોમાં નાનીનાની ભૂમિકાઓ ભજવેલી.

હીરો તરીકે ભારતીય સૌંદર્યની મૂર્તિમંત પ્રતિમા સમા વહીદા રહેમાન સાથે કામ કરવાનો શશીનો આ પહેલવહેલો અનુભવ! શાંત પ્રકૃતિના વહીદાજી બોલે પણ ખૂબ ઓછું. તો કમલજિત પણ પ્રકૃતિએ સાવ શરમાળ. પણ એક દિવસ અચાનક કમલજિતે વહીદાજીને દરખાસ્ત  કરી કે આપણે આ ફિલ્મમાં સાથે કામ કરી રહ્યાં છીએ. તો આપ કાંઈક વાતચીત કરો, થોડી ઓળખાણ વધારો તો ફિલ્મના દ્રશ્યો ભજવવામાં સરળતા રહે! આ વાતે જરા ઓઝપાઈ જઈને વહીદાજીએ ત્યારે તો માત્ર એટલું જ કહીને વાત વાળી લીધી કે આપ નિર્માતા છો ને આપ જ હીરો. આપ જ વાત કરોને, હું શું વાત કરું?

ખેર, ફિલ્મ તો બનીને રજૂ યે થઈ ગઈ અને ખાસ કાંઈ ચાલી નહીં. હા, ફિલ્મના બધા જ ગીતો ખૂબ વખણાયા. સિને જગતની ઝાકમઝોળ કમલજિતને માફક ન આવી અને તેમણે વ્યવસાય અર્થે કેનેડા ભણી પ્રયાણ કર્યું.

એ વાતને ખાસ્સો સમય વીત્યો. એક દિવસ નિર્માતા યશ જૉહરે વહીદાજીને ફોન કર્યો અને પોતે મળવા આવવા માંગે છે તેમ જણાવીને ઉમેર્યું કે તેમના એક મહેમાન પણ સાથે આવશે. બીજે દિવસે નિયત સમયે યશજી જોડે પોતાને ઘરે આવેલા એ મહેમાન તરીકે કમલજિતને  વહીદાજીએ સાનંદાશ્ચર્ય આવકાર આપ્યો. વાતવાતમાં યશજીએ જણાવ્યું કે રેખી કેનેડામાં ગારમેન્ટનો વ્યવસાય કરે છે અને હવે પેરિસમાં એક પંજાબી રેસ્ટોરન્ટ ખોલવા માંગે છે. જેના માટે રોકાણ કરી શકે એવા કોઈ ભાગીદારની શોધમાં છે..... બસ આમ જ વાતો ચાલતી રહી.

ત્યારબાદ રેખી કેનેડા પરત ફરીને પોતાના કારોબારમાં વ્યસ્ત થઈ ગયા. વહીદાજી પણ ફિલ્મોમાં પ્રવૃત થઈ ગયા. એક વરસ જેટલો સમય વીતી ગયા બાદ ફરી એક દિવસ અચાનક જ વહીદાજીને ત્યાં રેખીની 'એન્ટ્રી' થઈ. શરીરે થોડા સ્થૂળ થઈ ગયેલા રેખીને જોઈને વહીદાજી એ લાગલું જ પૂછી લીધું કે 'લગ્ન કર્યાં કે શું?' મને તો એવું લાગે છે કે તમારી પંજાબી પત્નીએ ખવરાવી ખવરાવીને તમને જાડા કરી દીધા છે! આ વાતે શરમાઈને રેખીએ ઇન્કાર કર્યો. દસેક દિવસ પછી રેખીએ વહીદાજીને ફોન કરીને, "મારે આપનુ થોડું જરૂરી કામ છે,"  એમ કહીને કૉફીહાઉસ મળવા માટે બોલાવ્યા.

ફોન મૂકતા જ વહીદાજીના દિમાગમાં વિચારોની ઉથલપાથલ શરૂ થઈ ગઈ. 'આને રેસ્ટોરન્ટ ખોલવા માટે પૈસાની જરૂર હોવી જોઈએ. એટલા માટે જ મને મળવા બોલાવી હશે! હું કયાંક ફસાઈ જઈશ તો? ના ના, એ પૈસા માંગે તો હું ચોખ્ખી ના કહી દઈશ કે મારી પાસે જરા પણ પૈસા નથી ને મારે ઇન્કમટેક્સ પણ ભરવાનો છે!'
આવા વિચારોમાં કૉફીહાઉસ પહોંચેલા વહીદાજીને અદબભેર આવકારીને ટેબલની  સામસામે ગોઠવાઈને રેખીએ મૃદુ અવાજે  કહયું,

"વહીદા"

"જી"

સહેજ નજર ઊંચી કરીને હોઠ ફફડાવીને વહીદાજીએ જવાબ આપ્યો.

"વિલ યુ મેરી મી?"

ધડકતા હ્રદયે વહીદાજીની આંખોમાં આંખો પરોવીને રેખીએ સીધું જ પૂછયું.

અને વહીદાજીએ શું જવાબ આપ્યો, જાણો છો?


"નો નો... આઈ કાન્ટ ડુ ધીસ. આઈ હેવ નો મની. મારે ઇન્કમટેક્સ પણ ભરવાનો છે. આઈ એમ સોરી. મને માફ કરો!"

વહીદાજીને શાંત પાડીને કમલજિત ઉર્ફે રેખીએ ફરી પોતાની  વાત દોહરાવી. આ પ્રસ્તાવથી અસમંજસમાં પડી ગયેલા વહીદાજીએ વિચાર કરવા માટે થોડો સમય આપવા કહયું. સાલસ રેખીએ એ વાત માન્ય રાખી અને એ મુલાકાત એમ જ પૂરી થઈ  પરંતુ બીજે જ દિવસે સવાર સવારમાં યશ જૉહરને ત્યાંથી વહીદાજી પર ફોન આવ્યો. યશજીએ ચિંતાતુર અવાજે કહયું કે "તે(વહીદાએ) આ રેખીને કહયું છે શું? હું નવમા માળે રહું છું અને  રેખીએ આખી રાત ટેરેસમાં આંટાફેરા કરીને વિતાવી છે. કાંઈક અણધાર્યુ બની જશે તો હું શું જવાબ આપવાનો?

વહીદાજીએ પોતાના મનમાં ચાલતી અવઢવ વિશે યશજીને વાત કરી અને તેમની સલાહ મુજબ રેખીનો પ્રસ્તાવ સ્વીકારી લઈને રેખી સાથે પ્રભુતામાં પગલાં માંડયા.
આમ, એક 'રીલ લાઈફ' જોડી, હંમેશને માટે 'રીઅલ લાઈફ' જોડીમાં બદલાઈ ગઈ!

ઑક્ટોબર 11, 2017

સહચરી....




ડેલીની સાંકળ ખખડવાનો અવાજ આવતા જ ઓસરીના પગથીયે, થાંભલીને અઢેલીને બેઠેલી સરોજ સફાળી ઊભી થઈ ગઈ.

"આવી ગયા?" ડેલીથી ઓસરીના પગથિયાં સુધી ઊભા પટ્ટે પાથરેલા પથ્થરની પગથાર પર અર્ધે લગી આવી જઈને, માથા પર ઓઢેલો સાડીનો છેડો સરખો કરતા એણે પૂછયું. ડેલીએથી આવતા પગલાંનો અવાજ પારખીને, ફળિયાની એક કોરે ક્યારીઓ કરીને વાવેલી જામફળી ને લીંબુડીના છાંયે જમીન પર દોડાદોડી કરતી બે ખિસકોલીઓ દોડતી થડ પર ચડીને ડાળીએ ડાળીએ કૂદતી, વંડીની પાળી પર સરકતી પેલી તરફ અદ્રશ્ય થઈ ગઈ!

બે પગથિયાં ચડીને ઓસરીમાં આવતા ય હાંફ ચડયો હોય એમ ટોપી ઉતારીને ઓસરીના પગથિયે ધબ્બ દઈને બેસી પડતા અનુમાસ્તરે ટોપી પડખે મૂકીને હાથમાં પકડેલી લાકડી પર બંને હાથ મૂકીને માથું ટેકવી દીધું.

"બહુ થાકી ગયા આજે? આજકાલના છોકરાઓ ય ભારે  ખેપાની થઈ ગયા છે. કોઈ કહેતા કોઈને ગાંઠે એવા નથી. મગજ ફેરવી નાખે ઘડીકમાં શોરબકોર કરી મૂકીને.... બળી આ નોકરી.... મૂકો ને  આવી નોકરીને. જિંદગી આખી આમાં ને આમાં ગઈ. હવે ઘરડે ઘડપણ તો શાંતિ લ્યો..." સરોજની વાક્ ધારા હંમેશની માફક  અવિરત વહેતી રહી.

 માસ્તરે ઓસરીની કોરે ભીંતમાં જડેલા  પાણીયારે જઈને પિત્તળનો કળશો ઉપાડીને માટલામાં નાખ્યો. મોઢે ઠંડા પાણીની છાલક મારીને બે ચાર કોગળા કરીને વધેલું પાણી બંને પગ પર વારાફરતી ઢોળી દઈને ફરી લોટો ભર્યો. અધૂકડા અટકાવેલા રસોડાના બારણાને હળવેકથી ધક્કો મારીને રસોડામાં દાખલ થતા એમની નજર રસોડાના એક ખૂણે બાઝેલા કરોળિયાના જાળાં તરફ ગઈ. "આ કુશલી હમણા ઝટ ઝટ જેમતેમ બધું સાફ કરીને ભાગે છે. મારું તો સાંભળતી નથી. તમે બે'ક શબ્દ કહેતા હો તો! પગાર તો પૂરો લે છે ને રજા તો પાર વગરની પાડે છે! તો ય તમને એનું જ કામ ગમે છે! ગામમાં બીજી કોઈ કામવાળી જ નથી મળતી કે શું?..." સરોજે ઉકળાટ ઠલવી નાખ્યો.

રસોડામાં એક ખૂણે ઢાળેલા પાટલા પર ઢાંકેલી થાળી સામે ગોઠવાયેલા માસ્તરના હાથ પળ બે પળ માટે જોડાઈ ગયા. પડખે આવીને ચૂપચાપ બેસી ગયેલી સરોજ, બંધ આંખે મૂક પ્રાર્થના કરી રહેલા પતિને નીરખી રહી.

થાળીમાંથી ચૂરમાના બે લાડુ કાઢીને પાટલા પર મૂકી દઈને માસ્તરે જમવા માંડ્યુ. "અર્ધોક લાડવો તો લ્યો! તમને ક્યાં ડાયાબિટીશ છે? ને રોજેરોજ ક્યાં મિઠાઈ ખાવાનો વારો આવે છે? આ તો બાજુવાળાની દીકરીને મહેમાન જોવા આવેલા તે સગપણ નક્કી થઈ ગયું એટલે વેવાઈના ઘરનાને જમાડીને જ મોકલ્યા. એનું પીરસણું આવ્યું છે. છોકરો ભારે દેખાવડો છે હો! હસે તો ગાલમાં ખંજન પડે! ને પાછો એન્જિનિયર થયેલો છે. શહેરમાં મોટા પગારની નોકરી કરે છે. પણ અભિમાન જરાય નહીં હો. મોઢા ઉપરથી જ ખબર પડી જાય કે કેટલો સંસ્કારી છોકરો છે......"

સરોજની અવિરત વહેતી વાક્ધારા સાથે અનુમાસ્તરનું જમવાનું ચાલતું રહ્યું.  ભોજન પૂરું કરીને હાથ ધોઈને થાળી બહાર ચોકડીમાં મૂકી અનુમાસ્તરે ફરી રસોડામાં જઈને લાડવા ખાલી ડબ્બામાં મૂકીને ઓસરીમાં આવીને એક કોરે ઢાળેલી પાટ પર લંબાવ્યું. "અંદરના ઓરડે પંખો ચાલુ કરીને આરામથી સૂતા હો તો... અહીં ઓસરીમાં ગરમીમાં પડ્યા રહો છો એના કરતા.... પણ તમે ક્યાં કોઈ દિવસ મારી વાત સાંભળો છો? મને ય રહેવાતું નથી તમારી જોડે વાત કર્યા વિના...." માસ્તરના પગ પાસે બેઠેલી સરોજ, રિસાઈ હોય એમ મોં ફેરવી ગઈ.

બરાબર એ જ સમયે, દીવાલ પર લટકતા, સુખડનો હાર ચડાવેલા ફોટામાં હસતો સરોજનો ચહેરો જોઈને માસ્તરની આંખના છેડેથી આંસુનું એક ટીપું ચૂપચાપ સરકી ગયું!

ઑક્ટોબર 10, 2017

बिछड़े सभी बारी बारी...


इक हाथ से देती हैं दुनियाँ... सौ हाथों से ले लेती हैं...
ये खेल है कब से जारी... बिछड़े सभी बारी बारी...

વાત છે 1954-55 આસપાસની. મહેબૂબ સ્ટુડીઓમાં લગાડેલા એક સેટ પર પહેલી સીનેમાસ્કોપ હિન્દી ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું હતું.  ફિલ્મના એક દૃશ્ય  માટે કેટલાક 'એક્સ્ટ્રા' તરીકે કામ કરે તેવા માણસોની જરૂરિયાત હતી. ફિલ્મના યુવાન દિગ્દર્શક સામે ઉભેલા ગુમનામ ચહેરાઓને ઝીણવટભરી નજરે  નીરખીને પોતાની ફિલ્મના પાત્રને અનુરૂપ વરણી કરતા હતા એ દરમિયાન,  આધેડ ઉંમરનો એક ચહેરો નજરો નીચી ઢાળીને કંઇક ક્ષોભપૂર્વક પોતાને કમ સે કમ એક દિવસની રોજીરોટી મળી જાય એ આશાએ ઉભો હતો. દિગ્દર્શક જ્યારે એ ચહેરાની સામે આવીને ઊભા ત્યારે શરમ અને સંકોચથી સાવ ઓઝપાઈ ગયેલા એ કરચલીયાળા ચહેરાની ઊંડી ઉતરી ગયેલી નિસ્તેજ આંખોમાંથી ટપકી રહેલી વેદનાની પેલે પારથી ડોકાઈ રહેલી એ માણસની ઓળખની સાવ ધૂંધળી છબી ક્ષણવારમાં જ એ દિગ્દર્શકના માનસપટ પર સ્પષ્ટપણે ઉભરી ગઈ! સેટ પર, તમામ લોકોની હાજરીમાં જ એ આધેડ વ્યક્તિના ચરણ સ્પર્શ કરી લઈને એ દિગ્દર્શકે અત્યંત માનપૂર્વક એ ગુમનામ વ્યક્તિને પોતાની એટલે કે દિગ્દર્શકની ખુરશી પર બેસાડ્યા.

આવું સન્માન મેળવીને ઓર છોભાઈ ગયેલા એ કલાકારને જ્યારે એ દિગ્દર્શકે કહ્યું કે તેણે હવેથી રોજ આ ફિલ્મના સેટ પર આવીને આમ જ આ ખુરશી પર બેસવાનું છે, ત્યારે લાગણીથી ગળગળા થઈ ગયેલા એ કલાકાર ના દિલોદિમાગ પર, 'પછી શું?' એવો ભારેભરખમ પ્રશ્ન તોળાઈ રહ્યો. પળવારમાં જ એના આ માનોભાવોને પામી જઈને દિગ્દર્શકે ચોખવટ કરતા કહ્યું કે 'આપે રોજ આ સેટ પર આવવાનું છે ને આ ખુરશી પર બેસવાનું છે. આ જ આપનું કામ છે અને આ કામ માટે જ આપને વેતન પણ ચૂકવવામાં આવશે!

ગુરુ દત્ત જેવી મહાન હસ્તીએ જેને આવું બહુમાન આપ્યું એ વ્યક્તિ એટલે હિન્દી ફિલ્મ જગતના સૌપ્રથમ 'સુપરસ્ટાર' જેને કહી શકાય એવા માસ્ટર નિસાર! ભલા કોણ માનશે કે એક સમયે અસ્ખલિત ઉર્દૂ જબાન અને હલકદાર સૂરીલો કંઠ ધરાવતા, બેહદ સોહામણા એવા માસ્ટર નિસાર, બોલતી ફિલ્મોના એક યુગપ્રવર્તક કલાકાર હતા! એ સમયે એમની લોકપ્રિયતાનો જુવાળ એટલો પ્રબળ હતો કે સ્ટુડીઓની બહાર એમની એક ઝલક જોવા લોકોના ટોળેટોળાં ઊમટતા! પૃથ્વીરાજ કપૂર, ઇ. બીલીમોરિયા, પ્રેમ નઝીર જેવા એ સમયના ખ્યાતનામ કલાકારો સાથે માસ્ટર નિસારનું નામ પણ અદબપૂર્વક લેવાતું. પણ કહેવાય છે ને કે સફળતાની ટોચે પહોંચ્યા પછી નીચે તો ઉતરવું જ પડે છે. પ્રારંભિક અસફળતા બાદ ધોધમાર સફળતાને પોતાની પાછળ પાછળ ખેંચી લાવેલું કુન્દનલાલ સાયગલ નામનું વિરાટ મોજું આવ્યું અને સફળતાની ટોચે બેઠેલા માસ્ટર નિસારને ગુમનામી અને પાયમલીના અંધકારમાં ગરક કરી ગયું. છૂટી છવાયી બે ચાર ફિલ્મોમાં એક્સ્ટ્રા કલાકાર તરીકે કામ મળ્યું પણ એ ય કેવું! પડદા પર ચહેરો દેખાય, ઓળખાય એ પહેલાં જ કેમેરો ફરી ગયો હોય! ભીંડીબજારની કોઈ ગુમનામ ખોલીમાં રહીને, હાજી અલી પર ભીખ માંગીને ગુજરાન ચલાવતા માસ્ટર નસીરે અત્યંત દયનિય હાલતમાં જીવનયાત્રા સમાપ્ત કરીને એક દિવસ ચૂપચાપ આ ફાની દુનિયા છોડી દીધી.

ઑક્ટોબર 07, 2017

"યે તેરી સાદગી.... યે તેરા બાંક્પન....."



આજથી આશરે સાઠ વર્ષ પહેલાની આ વાત. ગીતકાર ઇન્દીવર સતર વર્ષની યૌવનાને લઈને નિર્માતા શશધર મુખર્જીને મળ્યા. પાર્શ્વ ગાયિકા બનવાના સ્વપ્ના જોતી ઉષા નામની એ યૌવનાનું ગાયન સાંભળીને શશધર મુખર્જીએ તેના ઉત્સાહ પર એમ કહીને ઠંડુ પાણી રેડી દીધું કે શું તેણી લતા કે આશા કરતા પણ વધુ સારું ગાય છે? ઉષાના મોંએ આ પ્રશ્નના જવાબમાં  "ના" સાંભળીને મુખર્જીબાબુએ આગળ કશું કહેવાનું રહેતું ન હતું. પણ ઇન્દીવરે જ્યારે તેમને જણાવ્યું કે  તેણી સરસ સ્વરાંકન પણ કરી જાણે છે. હમણાં જ તેમણે જે ગીત સાંભળ્યું તેનું સ્વરાંકન તેણીએ જાતે જ તૈયાર કર્યું છે, ત્યારે આશ્ચર્યચકિત થઇ ગયેલા મુખર્જી બાબુ એ વાત માનવાને તૈયાર ન હતા! પોતાના પિતાની લખેલી રચનાને મધુર હલકે ગાઈ રહેલી ઉષાના ગાયનમાં ઓ. પી. નૈયરનાં સંગીતની  આછેરી ઝલક મુખર્જીબાબુને  દેખાઈ રહી હતી. તત્કાળ એક ઓર ગીતનું મુખડું ઉષાને આપવામાં આવ્યું અને તેની ધૂન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું! એ તાજી ધૂન સાંભળીને મુખર્જીબાબુનાં મુખમાંથી વાહ નીકળી ગઈ!

"તારે તો સંગીતકાર બનવું જોઈએ!!"

ઘડીકવાર પહેલા જ ગાયિકા તરીકે નકારેલી ઉષાને સંગીતકાર બનવા માટે ફિલ્મ જગતના દિગ્ગજ નિર્માતા કહી રહ્યા હતા! જો કે, શશધર મુખર્જી માત્ર ઇજન આપીને  બેસી ન રહ્યા. તેમણે રોજ ઉષાને બે ગીત સ્વરબદ્ધ કરીને લાવવાનું કહ્યું. લગાતાર એક વર્ષ સુધી ઉષાએ સ્વરબદ્ધ કરેલા ગીતોની ધૂન શશધર મુખર્જી સાંભળતા રહ્યા અને તેમને ગમતી ધૂનો અલગથી સાચવીને રાખતા ગયા. અને આખરે એ દિવસ પણ આવ્યો કે જયારે હિન્દી ફિલ્મ સંગીતના ઇતિહાસમાં પુરષ સંગીતકારોના દબદબા વચ્ચે માત્ર અઢાર વર્ષની સંગીતકાર યુવતીએ પહેલી જ ફિલ્મથી તરખાટ મચાવી દીધો! કોઈક કારણોસર ઓ. પી. નૈયર માટે મુખર્જીબાબુની ફિલ્મનું સંગીત નિર્દેશન શક્ય ન હતું તો એક વર્ષથી લગાતાર જેની પરીક્ષા લેવાઈ રહી હતી તે ઉષાને પોતાની આગામી ફિલ્મના સંગીત માટે કરારબદ્ધ કરીને શશધર મુખર્જીએ ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા સૌકોઈને જબરદસ્ત આંચકો આપ્યો. ૧૯૫૯માં રજૂ થયેલી આ ફિલ્મ 'દિલ દે કે દેખો'ના સંગીત દ્વારા હિન્દી ફિલ્મ જગતની સૌથી યુવાન વયની મહિલા સંગીતકાર તરીકેનું બહુમાન મેળવનાર ઉષા ખન્નાના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે.

૭ ઓક્ટોબર ૧૯૪૧ના રોજ ગ્વાલિયરમાં જન્મેલા ઉષા ખન્નાએ સંગીતની કોઈ વિધિવત તાલીમ લીધી ન હોવા છતાં રાગ, સૂર અને તાલની સમજ તેમનામાં નૈસર્ગિક રીતે જ હતી. જો કે, ગ્વાલિયર સ્ટેટમાં ફરજ બજાવતા સંગીત વિશારદ પિતા મનોહર ખન્નાના  સંગીત અને શાયરી પ્રત્યેના અનન્ય  લગાવને કારણે ઘરમાં ગીતસંગીતનો માહોલ હંમેશા રહેતો. ૧૯૪૬માં કોઈ મુશાયરામાં મનોહર ખન્નાની શાયરી સાંભળીને પ્રભાવિત થયેલા સંગીતકાર જદ્દનબાઈએ તેમને ફિલ્મો માટે ગીત-ગઝલ લખવાની દરખાસ્ત કરી. ફિલ્મ 'રોમિયો જુલિયેટ' માટે 'જાવેદ અનવર'ના ઉપનામથી ત્રણ ગઝલ લખવા માટે મનોહર ખન્નાને એ જમાનામાં માતબર કહેવાય એવી ૮૦૦ રૂપિયાની રકમ ચૂકવાઈ. ગ્વાલિયર સ્ટેટમાં એ સમયે મહીને ૨૫૦ રુ. નો પગાર મેળવતા ખન્નાજીએ સપરિવાર મુંબઈની વાટ પકડી.  જાવેદ અનવર, કે. મનોહર, એમ. કે. જાવેદ જેવા ઉપનામોથી તેમણે ઘણી ફિલ્મોના ગીતો લખ્યા. જો કે, આ રીતે તેઓ ખાસ 'લાઈમ લાઈટ'માં આવ્યા નહીં. પરંતુ અવારનવાર તેમના ઘરે આવતા જતા રહેતા  ગીતકાર મિત્ર ઇન્દીવરની ચકોર નજરે, પિતાની રચનાઓને જાતે જ સ્વરબદ્ધ કરીને ગાતી રહેતી તો ક્યારેક ખુદ પણ મુખડા લખીને ગણગણતી રહેતી ઉષાનું કૌશલ્ય પારખી લીધું. તેમણે  દિગ્ગજ ફિલ્મ નિર્માતા શશધર મુખર્જી સમક્ષ ઉષાને રજૂ કરીને ઉષાને માટે સફળતાનાં દ્વાર તરફ જતી કેડી ચીંધી દીધી.

જો કે સફળતાની આ કેડીએ કઈ રીતે આગળ ચાલતા રહેવું એ પણ એક મોટી મથામણ હતી.  'ફિલ્માલય' જેવા મોટા બેનરની ફિલ્મથી ધમાકેદાર શરૂઆત કર્યા પછી આ જ બેનરની 'હમ હિન્દુસ્તાની' ફિલ્મમાં પણ યાદગાર સંગીત આપ્યા છતાં ઉષાને કોઈ સારી ઓફર મળતી ન હતી. આટલી નાની વયે કોઈ સ્ત્રી આટલું મધુર સંગીત સર્જી શકે એ બાબતે ફિલ્મી દિગ્ગજોના મનમાં અવઢવ ચાલતી રહેતી. નૌશાદ, ઓ. પી. નૈયર, એસ. ડી. બર્મન, શંકર જયકીશન જેવા દિગ્ગજ પુરુષ સંગીતકારોના વર્ચસ્વ વચ્ચે આ એકલ મહિલા સંગીતકારને મળેલી તકો બહુ જ ઓછી હતી. પિતાની સલાહ માનીને તેમણે મોટા બેનરની ફિલ્મોમાં તક મળવાની રાહ જોવાને બદલે જે અને જેવી ફિલ્મો મળી તે સ્વીકારી લીધી. તદ્દન બી અને સી ગ્રેડની ફિલ્મોમાં ય તેમણે સંગીત તો એ ગ્રેડની ફિલ્મોને છાજે તેવું જ આપ્યું, એટલું જ નહીં,  મુકેશ, મોહમ્મદ રફી, મન્ના ડે, લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર, યેશુદાસ જેવા ટોચના ગાયકો જોડે તેમણે અનેક યાદગાર ગીતો ગવડાવ્યા. એટલું જ નહીં, હેમલતા, અનુપમા દેશપાંડે, શબ્બીર કુમાર, મોહમ્મદ અઝીઝ, પંકજ ઉધાસ, રૂપકુમાર રાઠોડ, સોનું નિગમ જેવી નવી પ્રતિભાઓને તક આપીને ફિલ્મ સંગીતને રળિયાત કર્યું.

દિલ દે કે દેખો, શબનમ, સાજન બીના સુહાગન, દાદા અને સૌતન જેવી સફળ ફિલ્મો અને હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓની કુલ મળીને ૨૫૦ જેટલી ફિલ્મોમાં સંગીતની રસલ્હાણ કરનાર ઉષા ખન્નાએ  દરેકે દરેક સમયના સમકાલીન સંગીતકારોને સમાંતર હરોળમાં રહીને કામ કર્યું. ફિલ્મ નિર્માતા, નિર્દેશક સાવનકુમાર ટાક સાથેના અલ્પજીવી લગ્નજીવનમાં ભંગાણ પડ્યા બાદ પણ તેમના માટે કામ કરવાનું ક્યારેય ન નકાર્યું. દિલ દે કે દેખો(૧૯૫૯) થી શરુ કરીને દિલ પરદેસી હો ગયા(૨૦૦૩) સુધીની સફરમાં તેમણે સફળતાના અનેક પડાવ સર કર્યા. પરંતુ મહિલા સંગીતકાર તરીકે ન તો તેમણે ક્યારેય કોઈ વિવાદનો સામનો કરવાનો વારો આવ્યો કે ન તો અન્ય કોઈ હરીફ મહિલા સંગીતકારનો મુકાબલો કરવાનો મોકો તેમને મળ્યો! તેમ છતાં, આ પ્રતિભાશાળી સંગીતકારની ફિલ્મ જગતમાં જોઈએ તેવી કદર ન થઇ. છેક ૧૯૮૩મ ફિલ્મ સૌતન માટે તેમણે શ્રેષ્ઠ સંગીતકારની શ્રેણીમાં નામાંકન મળ્યું એ જ. પણ એ વાત ઓછી મહત્વની નથી કે સંગીતકાર ઉષા ખન્નાના પ્રદાનની વિસ્તૃત નોંધ લીધા વિના હિન્દી ફિલ્મ જગતનો ઈતિહાસ આલેખવો શક્ય નથી.

*ચલતે ચલતે... ઓ.પી. નૈયરને જ્યારે મુખર્જીબાબુ દ્વારા ઉષા ખન્નાની ઓળખાણ કરાવવામાં આવી ત્યારે પહેલા તો 'દિલ દે કે દેખો'ના ગીતો એક પછી એક સંભળાવવામાં આવ્યા. 'આ ગીતો મેં ક્યારે બનાવ્યા' એવા વિચારે આશ્ચર્યચકિત થઈ ગયેલા ઓ. પી. ને પણ વિશ્વાસ નહોતો આવતો કે એઓ જે ગીતો સાંભળી રહ્યાં છે તે કોઈ અન્ય સંગીતકાર દ્વારા તૈયાર કરાયેલા છે! અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે સામે બેઠેલી દુબળી પાતળી યુવતીની આ કમાલ છે, તો હર્ષાન્વિત થઈને તેમણે ઉષાના માથે હાથ મૂકતા કહ્યું કે આ તો મારી પુત્રી પાઠશાલા છે! નૈયર પાપાજીની ચરણરજ માથે ચડાવીને ઉષાએ પણ તેમના આશીર્વાદ લીધા.