ઑક્ટોબર 07, 2017

"યે તેરી સાદગી.... યે તેરા બાંક્પન....."



આજથી આશરે સાઠ વર્ષ પહેલાની આ વાત. ગીતકાર ઇન્દીવર સતર વર્ષની યૌવનાને લઈને નિર્માતા શશધર મુખર્જીને મળ્યા. પાર્શ્વ ગાયિકા બનવાના સ્વપ્ના જોતી ઉષા નામની એ યૌવનાનું ગાયન સાંભળીને શશધર મુખર્જીએ તેના ઉત્સાહ પર એમ કહીને ઠંડુ પાણી રેડી દીધું કે શું તેણી લતા કે આશા કરતા પણ વધુ સારું ગાય છે? ઉષાના મોંએ આ પ્રશ્નના જવાબમાં  "ના" સાંભળીને મુખર્જીબાબુએ આગળ કશું કહેવાનું રહેતું ન હતું. પણ ઇન્દીવરે જ્યારે તેમને જણાવ્યું કે  તેણી સરસ સ્વરાંકન પણ કરી જાણે છે. હમણાં જ તેમણે જે ગીત સાંભળ્યું તેનું સ્વરાંકન તેણીએ જાતે જ તૈયાર કર્યું છે, ત્યારે આશ્ચર્યચકિત થઇ ગયેલા મુખર્જી બાબુ એ વાત માનવાને તૈયાર ન હતા! પોતાના પિતાની લખેલી રચનાને મધુર હલકે ગાઈ રહેલી ઉષાના ગાયનમાં ઓ. પી. નૈયરનાં સંગીતની  આછેરી ઝલક મુખર્જીબાબુને  દેખાઈ રહી હતી. તત્કાળ એક ઓર ગીતનું મુખડું ઉષાને આપવામાં આવ્યું અને તેની ધૂન તૈયાર કરવાનું કહેવામાં આવ્યું! એ તાજી ધૂન સાંભળીને મુખર્જીબાબુનાં મુખમાંથી વાહ નીકળી ગઈ!

"તારે તો સંગીતકાર બનવું જોઈએ!!"

ઘડીકવાર પહેલા જ ગાયિકા તરીકે નકારેલી ઉષાને સંગીતકાર બનવા માટે ફિલ્મ જગતના દિગ્ગજ નિર્માતા કહી રહ્યા હતા! જો કે, શશધર મુખર્જી માત્ર ઇજન આપીને  બેસી ન રહ્યા. તેમણે રોજ ઉષાને બે ગીત સ્વરબદ્ધ કરીને લાવવાનું કહ્યું. લગાતાર એક વર્ષ સુધી ઉષાએ સ્વરબદ્ધ કરેલા ગીતોની ધૂન શશધર મુખર્જી સાંભળતા રહ્યા અને તેમને ગમતી ધૂનો અલગથી સાચવીને રાખતા ગયા. અને આખરે એ દિવસ પણ આવ્યો કે જયારે હિન્દી ફિલ્મ સંગીતના ઇતિહાસમાં પુરષ સંગીતકારોના દબદબા વચ્ચે માત્ર અઢાર વર્ષની સંગીતકાર યુવતીએ પહેલી જ ફિલ્મથી તરખાટ મચાવી દીધો! કોઈક કારણોસર ઓ. પી. નૈયર માટે મુખર્જીબાબુની ફિલ્મનું સંગીત નિર્દેશન શક્ય ન હતું તો એક વર્ષથી લગાતાર જેની પરીક્ષા લેવાઈ રહી હતી તે ઉષાને પોતાની આગામી ફિલ્મના સંગીત માટે કરારબદ્ધ કરીને શશધર મુખર્જીએ ફિલ્મના નિર્માણ સાથે સંકળાયેલા સૌકોઈને જબરદસ્ત આંચકો આપ્યો. ૧૯૫૯માં રજૂ થયેલી આ ફિલ્મ 'દિલ દે કે દેખો'ના સંગીત દ્વારા હિન્દી ફિલ્મ જગતની સૌથી યુવાન વયની મહિલા સંગીતકાર તરીકેનું બહુમાન મેળવનાર ઉષા ખન્નાના નામથી ભાગ્યે જ કોઈ અપરિચિત હશે.

૭ ઓક્ટોબર ૧૯૪૧ના રોજ ગ્વાલિયરમાં જન્મેલા ઉષા ખન્નાએ સંગીતની કોઈ વિધિવત તાલીમ લીધી ન હોવા છતાં રાગ, સૂર અને તાલની સમજ તેમનામાં નૈસર્ગિક રીતે જ હતી. જો કે, ગ્વાલિયર સ્ટેટમાં ફરજ બજાવતા સંગીત વિશારદ પિતા મનોહર ખન્નાના  સંગીત અને શાયરી પ્રત્યેના અનન્ય  લગાવને કારણે ઘરમાં ગીતસંગીતનો માહોલ હંમેશા રહેતો. ૧૯૪૬માં કોઈ મુશાયરામાં મનોહર ખન્નાની શાયરી સાંભળીને પ્રભાવિત થયેલા સંગીતકાર જદ્દનબાઈએ તેમને ફિલ્મો માટે ગીત-ગઝલ લખવાની દરખાસ્ત કરી. ફિલ્મ 'રોમિયો જુલિયેટ' માટે 'જાવેદ અનવર'ના ઉપનામથી ત્રણ ગઝલ લખવા માટે મનોહર ખન્નાને એ જમાનામાં માતબર કહેવાય એવી ૮૦૦ રૂપિયાની રકમ ચૂકવાઈ. ગ્વાલિયર સ્ટેટમાં એ સમયે મહીને ૨૫૦ રુ. નો પગાર મેળવતા ખન્નાજીએ સપરિવાર મુંબઈની વાટ પકડી.  જાવેદ અનવર, કે. મનોહર, એમ. કે. જાવેદ જેવા ઉપનામોથી તેમણે ઘણી ફિલ્મોના ગીતો લખ્યા. જો કે, આ રીતે તેઓ ખાસ 'લાઈમ લાઈટ'માં આવ્યા નહીં. પરંતુ અવારનવાર તેમના ઘરે આવતા જતા રહેતા  ગીતકાર મિત્ર ઇન્દીવરની ચકોર નજરે, પિતાની રચનાઓને જાતે જ સ્વરબદ્ધ કરીને ગાતી રહેતી તો ક્યારેક ખુદ પણ મુખડા લખીને ગણગણતી રહેતી ઉષાનું કૌશલ્ય પારખી લીધું. તેમણે  દિગ્ગજ ફિલ્મ નિર્માતા શશધર મુખર્જી સમક્ષ ઉષાને રજૂ કરીને ઉષાને માટે સફળતાનાં દ્વાર તરફ જતી કેડી ચીંધી દીધી.

જો કે સફળતાની આ કેડીએ કઈ રીતે આગળ ચાલતા રહેવું એ પણ એક મોટી મથામણ હતી.  'ફિલ્માલય' જેવા મોટા બેનરની ફિલ્મથી ધમાકેદાર શરૂઆત કર્યા પછી આ જ બેનરની 'હમ હિન્દુસ્તાની' ફિલ્મમાં પણ યાદગાર સંગીત આપ્યા છતાં ઉષાને કોઈ સારી ઓફર મળતી ન હતી. આટલી નાની વયે કોઈ સ્ત્રી આટલું મધુર સંગીત સર્જી શકે એ બાબતે ફિલ્મી દિગ્ગજોના મનમાં અવઢવ ચાલતી રહેતી. નૌશાદ, ઓ. પી. નૈયર, એસ. ડી. બર્મન, શંકર જયકીશન જેવા દિગ્ગજ પુરુષ સંગીતકારોના વર્ચસ્વ વચ્ચે આ એકલ મહિલા સંગીતકારને મળેલી તકો બહુ જ ઓછી હતી. પિતાની સલાહ માનીને તેમણે મોટા બેનરની ફિલ્મોમાં તક મળવાની રાહ જોવાને બદલે જે અને જેવી ફિલ્મો મળી તે સ્વીકારી લીધી. તદ્દન બી અને સી ગ્રેડની ફિલ્મોમાં ય તેમણે સંગીત તો એ ગ્રેડની ફિલ્મોને છાજે તેવું જ આપ્યું, એટલું જ નહીં,  મુકેશ, મોહમ્મદ રફી, મન્ના ડે, લતા મંગેશકર, આશા ભોંસલે, કિશોર કુમાર, યેશુદાસ જેવા ટોચના ગાયકો જોડે તેમણે અનેક યાદગાર ગીતો ગવડાવ્યા. એટલું જ નહીં, હેમલતા, અનુપમા દેશપાંડે, શબ્બીર કુમાર, મોહમ્મદ અઝીઝ, પંકજ ઉધાસ, રૂપકુમાર રાઠોડ, સોનું નિગમ જેવી નવી પ્રતિભાઓને તક આપીને ફિલ્મ સંગીતને રળિયાત કર્યું.

દિલ દે કે દેખો, શબનમ, સાજન બીના સુહાગન, દાદા અને સૌતન જેવી સફળ ફિલ્મો અને હિન્દી ઉપરાંત પ્રાદેશિક ભાષાઓની કુલ મળીને ૨૫૦ જેટલી ફિલ્મોમાં સંગીતની રસલ્હાણ કરનાર ઉષા ખન્નાએ  દરેકે દરેક સમયના સમકાલીન સંગીતકારોને સમાંતર હરોળમાં રહીને કામ કર્યું. ફિલ્મ નિર્માતા, નિર્દેશક સાવનકુમાર ટાક સાથેના અલ્પજીવી લગ્નજીવનમાં ભંગાણ પડ્યા બાદ પણ તેમના માટે કામ કરવાનું ક્યારેય ન નકાર્યું. દિલ દે કે દેખો(૧૯૫૯) થી શરુ કરીને દિલ પરદેસી હો ગયા(૨૦૦૩) સુધીની સફરમાં તેમણે સફળતાના અનેક પડાવ સર કર્યા. પરંતુ મહિલા સંગીતકાર તરીકે ન તો તેમણે ક્યારેય કોઈ વિવાદનો સામનો કરવાનો વારો આવ્યો કે ન તો અન્ય કોઈ હરીફ મહિલા સંગીતકારનો મુકાબલો કરવાનો મોકો તેમને મળ્યો! તેમ છતાં, આ પ્રતિભાશાળી સંગીતકારની ફિલ્મ જગતમાં જોઈએ તેવી કદર ન થઇ. છેક ૧૯૮૩મ ફિલ્મ સૌતન માટે તેમણે શ્રેષ્ઠ સંગીતકારની શ્રેણીમાં નામાંકન મળ્યું એ જ. પણ એ વાત ઓછી મહત્વની નથી કે સંગીતકાર ઉષા ખન્નાના પ્રદાનની વિસ્તૃત નોંધ લીધા વિના હિન્દી ફિલ્મ જગતનો ઈતિહાસ આલેખવો શક્ય નથી.

*ચલતે ચલતે... ઓ.પી. નૈયરને જ્યારે મુખર્જીબાબુ દ્વારા ઉષા ખન્નાની ઓળખાણ કરાવવામાં આવી ત્યારે પહેલા તો 'દિલ દે કે દેખો'ના ગીતો એક પછી એક સંભળાવવામાં આવ્યા. 'આ ગીતો મેં ક્યારે બનાવ્યા' એવા વિચારે આશ્ચર્યચકિત થઈ ગયેલા ઓ. પી. ને પણ વિશ્વાસ નહોતો આવતો કે એઓ જે ગીતો સાંભળી રહ્યાં છે તે કોઈ અન્ય સંગીતકાર દ્વારા તૈયાર કરાયેલા છે! અને જ્યારે તેમને કહેવામાં આવ્યું કે સામે બેઠેલી દુબળી પાતળી યુવતીની આ કમાલ છે, તો હર્ષાન્વિત થઈને તેમણે ઉષાના માથે હાથ મૂકતા કહ્યું કે આ તો મારી પુત્રી પાઠશાલા છે! નૈયર પાપાજીની ચરણરજ માથે ચડાવીને ઉષાએ પણ તેમના આશીર્વાદ લીધા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો