જુલાઈ 31, 2018

न फनकार तुझसा तेरे बाद आया, मोहम्मद रफी तू बहुत याद आया....


વર્ષો પહેલાની આ વાત. પંજાબના અમૃતસર જિલ્લાના મજીઠા ગામથી પાંચેક કિલોમીટર દૂર આવેલા એક નાનકડા ગામના પાદરમાં ઊભેલો ઘટાદાર આંબો અને એક તરફ આવેલા કૂવાનું ભાંગ્યું તૂટ્યું થાળું- આ બન્ને ય જાણે કે આંબાના ઝાડ નીચે એકબીજાને ગળે વળગીને રોઈ રહેલા બાર તેર વર્ષના ત્રણ કિશોરો- ફીકો, સિસ્સો અને લડ્ડનની સાથે રૂંવે રૂંવે રોઈ રહ્યા હતા. સાથે ભણતા, સાથે રમતા અને સાથે ધિંગામસ્તી કરતા આ જીગરજાન મિત્રોના તોફાનોથી એકસમયે ગૂંજતી રહેતી ગામની સાંકડી ગલીકૂંચી અને આ કિશોરોના નિર્દોષ હાસ્યથી પડઘાતા માટીના કાચાપાકા ઘરો સન્નાટામાં ગરક હતા.

જે આંબાની ખટમધુરી શાખોને તોડીને ચાવતા ચાવતા, કૂવાથાળે બેસીને ફીકોના દિમાગમાં ઉપજતી અવનવી તોફાની હરકતોને કઈ રીતે અમલમાં મૂકવી તેનું આબાદ આયોજન ત્રણેય ગોઠિયાઓ મળીને કરતા તે આંબાના થડ પર, 'મેરી યાદ આયે તબ યે દેખ લેના' - એમ કહેતા ફીકોએ અણીદાર પથ્થર વડે કોતરીને લખેલું પોતાનું નામ અને તે દિવસની તારીખ વિયોગની આ ગમગીન ક્ષણોની મૂક સાક્ષી બનીને ત્રણેય મિત્રોની વેદનાને ચૂપચાપ નિહાળી રહ્યાં. અરે, ગામની એ સીમ કે જ્યાં ફીકો પોતાની ગાયો ચરાવતી વેળાએ બુલંદ અવાજે ગીતો લલકારતો રહેતો એ સીમ પર પણ ઉદાસીના ગમગીન ઓળા ઊતરી આવ્યા હતા! કોઈને ક્યાં ખબર હતી કે મિત્રોને રોતા મૂકીને, ગામ, પાદર, સીમ સૂના કરીને, બહેતર જિંદગીની ઉમ્મીદ સાથે પરિવાર સમેત લાહોર જઈ રહેલો ફીકો તો અવનિ પર જનમ ધરીને આવેલો કોઈ શાપિત ગંધર્વ હતો, જે આગળ જતા પોતાના મધુર અવાજે ગાયેલાં અવિસ્મરણીય ગીતો થકી સૂરસંગીતના એવા અલૌકિક ભાવવિશ્વની રચના કરવાનો હતો કે જેનો વ્યાપ દેશ પરદેશની ભૌગોલિક સીમાઓને અતિક્રમીને વિશ્વભરના લાખો કરોડો સંગીતપ્રેમીઓના હ્રદય સુધી વિસ્તરવાનો હતો!

કોટલા સુલતાન સિંહ- અખંડ ભારતના નકશામાં એક સમયે કદાચ ક્યાંય શોધ્યું ન જડે એવું નાનું અમથું, ખેતી અને પશુપાલનના વ્યવસાય પર નભતું ગામ. કોને ખબર હતી કે આવા ગામના એક મધ્યમવર્ગીય મુસ્લિમ પરિવારમાં જન્મેલા ફીકોનું નામ, ભારતીય ફિલ્મ સંગીતના ઈતિહાસમાં સુવર્ણાક્ષરે લખાશે! 'અલ્લાહ કરે કિ તેરી યહ શહદ સી મીઠી આવાઝ સમૂચી દુનિયા મેં ગૂંજે....' ગામમાં આવેલા ફકીરોની ટોળીમાંના કોઈ ફકીરે ફીકોનું ગાયન સાંભળીને તેના માથે હાથ મૂકીને આવા આશીર્વચનો ઉચ્ચાર્યા હતા ત્યારે કોઈને સ્વપ્ને ય ખ્યાલ નહીં હોય કે કઈ બુલંદી પર જઈને આ સિતારો પોતાનું નામ રોશન કરશે! કોઈ ગુમનામ ફકીરની એક દુઆને, લાખો કરોડો ચાહકોની અસીમ લાગણી અને અગણિત દુઆઓની બેશુમાર દોલતમાં પલટાવીને બે હાથે ખોબલે ખોબલે ઉલેચનારા આ સૂરીલા ધ્રુવતારક કોઈ પરિચયના મોહતાજ નથી. અત્યંત મીઠાશ ભર્યું ગળું, બુલંદ અવાજ, સૂરોની અદભૂત સમજ, શબ્દોના સ્પષ્ટ ઉચ્ચારણ...આ બધા જ ગુણોનો સમન્વય એટલે મોહમ્મદ રફી.

૧૯૪૦થી ૧૯૮૦ સુધીની ચાળીસ વર્ષની સૂરોની સંગીતમય સફરમાં રફીસાહેબે હિન્દી ઉપરાંત આસામી, કન્નડ, ગુજરાતી, તેલુગુ, માગધી, મૈથિલી, ઉર્દૂ સહીત અંગ્રેજી, ફારસી, અરબી અને ડચ ભાષામાં પણ ગીતો ગાયા છે દિલીપકુમાર, દેવ આનંદ, પ્રદીપ કુમાર, ભારત ભૂષણ, ગુરુ દત્તથી લઈને મનોજ કુમાર, રાજેન્દ્રકુમાર, જોય મુખર્જી, વિશ્વજીત, ધર્મેન્દ્ર, જીતેન્દ્ર, સંજીવકુમાર, શમ્મી કપૂર અને ત્યાર પછીના અનેક નામી અનામી કલાકારો માટે પોતાનો અવાજ ઉછીનો આપ્યો. ભલે પાછળથી મુકેશજી રાજ કપૂરનો અવાજ બન્યા પણ પ્રારંભમાં તો રફી સાહેબે જ રાજ કપૂરના ગીતો ગાયેલા. અને એ જ રફી સાહેબે રાજ કપૂરના પુત્ર રિશી કપૂર માટે પણ અફલાતૂન ગીતો ગાયા. પોતાની કારકિર્દીના આરંભે, એ સમયે પ્રચલિત એવા મૃદુ સ્વરે ગવાતા ધીમી લયના ગીતોની સાથે સાથે તેમણે સાંભળનારને સ્તબ્ધ કરી મૂકે એવા બુલંદ અવાજે પણ ગીતો ગાયા. તો શમ્મી કપૂર જેવા કળાકાર માટે અત્યંત ધમાલિયા, રોમેન્ટિક ગીતો ગાયા. ચાલીસ વર્ષની તેમની કારકિર્દીમાં અભિનેતાઓની ત્રણેક પેઢી ફરી ગઈ હશે, શ્યામ સુંદર જેવા સંગીતકારથી ભપ્પી લહેરી સુધીના જેટલા પણ સંગીતકારો માટે તેમણે ગાયું. ફિલ્મના હીરોથી લઈને સામાન્ય કિરદાર સુધી, જેમના માટે પણ ગાયું, તે શ્રેષ્ઠ જ આપ્યું.

આજથી બરાબર આડત્રીસ વર્ષ પહેલા આજના જ દિવસે આ સૂરીલો ફકીર, લાખો કરોડો ચાહકોની અગણિત દુઆઓની અસીમ દોલત ઉસેટીને આ ફાની દુનિયા સ્થૂળદેહે ભલે છોડી ગયો હતો પણ લાખો કરોડો  ચાહકોના દિલમાં પોતાની બેજોડ ગાયકી અને સુમધુર અવાજ થકી આજે પણ રફીસાહેબ જીવંત છે. મિત્રો, આજે સંગીતના આ ઓલિયાની પુણ્યતિથિના અવસરે એમના વિષે વાંચવા કરતા, એમના ગાયેલા ગીતોના ખજાનામાંથી મનગમતા ગીતો સાંભળીએ અને સંભળાવીએ....