માર્ચ 24, 2018

અફસાના લિખ રહી હૂં...



હનુમાન મંદિરમાં ફિલ્મી ગીત???

જાડા માણસો માટે એવું કહેવાતું હોય છે કે, સ્વભાવના રમૂજી હોય, સરળ સ્વભાવના હોય ને કોઈ વાતે ઝટ દઈને માઠું ન લગાડતા હોય! ને ક્યારેક કોઈ વાતે ઝાઝું વિચારતા પણ ન હોય! ને પાછા આવા લોકો એમના ક્ષેત્રમાં સફળ હોય કે ન હોય પણ પ્રખ્યાત તો હોય જ. એમાં પણ હાસ્યના ક્ષેત્રે તો આવા વજનદાર લોકોના અનેક ઉદાહરણ મળી આવે. ફિલ્મ જગતની વાત કરીએ તો ટુનટુનનું નામ હૈયે આવ્યા વિના ન રહે.

ટુનટુન... આ નામ સંભાળતા જ મનમાં હાસ્યનો ફુવારો ઉડ્યા વગર ન રહે. આમ જોઈએ તો ટુનટુનનાં ભાગે આવેલા મોટા ભાગના પાત્રો એક જાડી, ભદ્દી, ગમાર, તોછડી, તુંડમિજાજી સ્ત્રીને પડદા પર રજૂ કરતા હતા. તેમ છતાં, પ્રેક્ષકો સહેલાઈથી તેમણે ભજવેલા પાત્ર સાથે ‘કનેક્ટ’ થઇ શકતા. એની પાછળ કદાચ ટુનટુને ભજવેલા પાત્રોની વાસ્તવિકતા અને સહજતા કારણભૂત હોઈ શકે.

ટુનટુન... જેનું બાળપણ અનાથ તરીકે વીત્યું, એમનું બાળપણનું નામ ઉમાદેવી ખત્રી. કહેવાતા પાલક સગાવહાલાઓને આ બાળકીના ઉછેરમાં કોઈ રસ ન હતો. બે ટંક ખાવાના બદલામાં ચોવીસ કલાક વૈતરું કૂટતી કિશોરીના જીવનની એકમાત્ર ખુશી કામ કરતા કરતા ગીતો ગણગણતા રહેવામાં હતી. ફિલ્મમાં ગીત ગાવા મળે તો સગાઓના ત્રાસમાંથી છૂટી શકાય, એ વિચારે માત્ર તેર વર્ષની ઉમરે ઉમાદેવી મુંબઈ ભાગી આવ્યા. પાર્શ્વગાયન માટે તક આપવા માટે એમની બેધડક રજૂઆતથી અંજાયેલા નૌશાદે તેમની આગામી ફિલ્મ ‘દર્દ’ માટે એક નહિ, ચાર ચાર ગીત ગાવાની તક આપી. જેમાં ત્રણ સોલો અને એક ગાયિકા સુરૈયા સાથેનું યુગલ ગીત હતું.

‘દર્દ’ ફિલ્મનું ઉમાદેવીએ ગાયેલું ગીત ‘અફસાના લિખ રહી હૂં...’ એટલું તો પ્રખ્યાત થયું કે દેશના ખૂણે ખૂણે લોકજીભે રમતું થઇ ગયું! આ ગીતની લોકપ્રિયતા વિષે એક મજેદાર કિસ્સો છે. સાઠના દશકની શરૂઆતમાં જ્યારે ગુરુ દત્ત અને ગીતા દત્તનું લગ્નજીવન સાવ તૂટી જવાની અણી પર હતું ત્યારે, ગમે તેમ કરીને આ સંબંધ બચાવી લેવા માટે ગીતા દત્ત મરણિયા પ્રયાસ કરી રહ્યાં હતા. કોઈએ એમને સૂચવ્યું કે મથુરાના કોઈ હનુમાન મંદિર ખાતે એક પ્રકાંડ જ્યોતિષી પુજારી છે, જે કોઈ ઉપાય સૂચવી શકે એમ છે. ગીતા દત્ત એ પુજારીને મળવા ઉપડ્યા. સાથે ટુનટુનને પણ લીધા. થયું એવું કે, મંદિરના પટાંગણમાં એકથી થયેલી ભાવિકોની ભીડ આ બંને સન્નારીઓને ઓળખી ગઈ. પછી તો પૂછવું જ શું હતું. લોકોએ એમના અવાજમાં ગીત સંભળાવવા માટે આગ્રહ કરવા માંડ્યો.

ગીતા દત્ત પહેલા તો જરા અસમંજસમાં પડી ગયા કે મંદિરના આંગણમાં ફિલ્મી ગીત કઈ રીતે ગાવું. પરંતુ પુજારીએ ખુદ તેમણે લોકોનો અનુરોધ પૂર્ણ કરવા આગ્રહ કર્યો. અને ગીતાજી એ ગાયું....’મેરા સુંદર સપના બીત ગયા....’ હવે વારો હતો ટુનટુનનો. ટુનટુન માટે હવે ઝાઝું વિચારવા જેવું યે ક્યાં હતું? ખીચોખીચ જામેલી મેદની સામે જોતા જોતા તેમણે ગાવા માંડ્યું.... અફસાના લિખ રહી હૂં... દિલે બેકરાર કા.... આંખોમેં રંગ ભર કે તેરે ઇન્તઝાર કા...’

ખેર... એ સમય અલગ હતો. લોકો સ્વભાવે સરળ હતા. ખરા અર્થમાં સહિષ્ણુ હતા અને ફિલ્મસંગીતના એટલા રસિયા પણ હતા કે મંદિરમાં પણ ફિલ્મગીતની મઝા માણી શકતા હતા!

માર્ચ 20, 2018

મોહિની... માધુરી...


"એક... દો... તીન..... ચાર..પાંચ..છહ..સાત..આઠ..નૌ..દસ..ગ્યારહ..બારા..તેરા... "

વર્ષો અગાઉ, સંગીતકાર રવિએ તેમની પ્રથમ ફિલ્મ 'વચન'ના એક ગીત, 'ચંદામામા દૂર કે, પુએ પકાએ બુર કે....'ની ધૂન બનાવતી વખતે ઇન્ટરલ્યૂડમાં, મહારાષ્ટ્રના  તહેવાર ગણેશોત્સવની ઉજવણી વખતે સાર્વજનિક રીતે વગાડવામાં આવતી એક લોકપ્રિય ધૂનનો ઉપયોગ કર્યો હતો. એ ગીત વિશે આજની પેઢી કદાચ સાવ અજાણ હોય એવું બને, પરંતુ વર્ષો પછી સંગીતકાર બેલડી  લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે એ જ સુમધુર ધૂનનો ઉપયોગ કરીને એક ગીત રચ્યું, જે હિંદી ફિલ્મજગતમાં સ્વયં એક ઇતિહાસ બની ગયું! ગીત વિશે વાત કરીએ એ પહેલા થોડીક રસપ્રદ વાત, એ ગીત કઈ રીતે બન્યું એ વિશે કરીએ. 

ફિલ્મજગતમાં સામાન્ય શિરસ્તો એ છે કે કોઈ પણ ગીતની ધૂન પહેલા તૈયાર કરી લેવામાં આવે છે. ત્યારબાદ ગીતકાર-સંગીતકાર એકસાથે બેસીને ફિલ્મની વાર્તાની માંગ મુજબ એ ધૂન પર કેવા શબ્દો બંધબેસતા થશે એની ચર્ચા કરે છે અને ત્યારબાદ ગીતકાર પોતાની કલ્પનાના રંગો ભરીને આખુંયે ગીત તૈયાર કરે છે. વાત છે 1988ની. યુવા નિર્દેશક એન. ચંદ્રાની ફિલ્મ માટે એલપી એટલે કે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સંગીત તૈયાર કરી રહ્યાં હતા. ફિલ્મના ગીતકાર જાવેદ અખ્તરને એલપીએ એક ધૂન સંભળાવી. એક, દો, તીન.... લા..લા...લા...

તૈયાર ધૂન પર બેસાડેલા આવા 'ડમી' શબ્દોને પકડીને ગીતકાર જાવેદે મથામણ આદરી. એક... દો.... તીન... ચાર.... પાંચ.... છે.... સાત.... ગીતની ધૂન ડમી શબ્દો વડે ગણગણતા જાવેદ અખ્તરને અચાનક શું સૂઝયું તો આ ગણતરી આગળને આગળ વધારી. એક મહિનાના ત્રીસ દિવસ અને આ ત્રીસ દિવસમાંથી કેટલાયે દિવસો નાયિકા, નાયકની પ્રતીક્ષામાં વીતાવે છે. એ વિચારને પકડીને એક જબરજસ્ત ગીત જાવેદ અખ્તરની કલમે અક્ષરદેહ ધારણ કરી ચૂક્યું. ધૂન તો અફલાતૂન હતી જ. એ સમયની નવીસવી ગાયિકા અલકા યાગ્નિકના તાજગીભર્યા સ્વરમાં આ ગીત રેકોર્ડ થયું. હવે બધો દારોમદાર નૃત્યનિર્દેશક અને અભિનેત્રી પર હતો. ફિલ્મની વાર્તા મુજબ, નાયિકા આ ગીતમાં  સ્ટેજ પર ઉત્તેજક નૃત્ય કરે છે. કોરિયોગ્રાફર સરોજખાનને શંકા હતી કે કથ્થક નૃત્યમાં નિપુણ એવી આ નવીસવી  "છોકરી" બોલીવુડ સ્ટાઇલમાં લટકાઝટકા કરી શકશે કે કેમ.

કારણ કે, આ નવીસવી છોકરીની એન. ચંદ્રાની આ ફિલ્મમાં એન્ટ્રી થઇ એ અગાઉ કોઈ ખાસ ઓળખ ન હતી. બન્યું એવું કે 1984ની સાલમાં રાજશ્રી પ્રોડક્શનના નેજા હેઠળ નવોદિત કલાકારોને લઈને બનેલી અને સરિયામ નિષ્ફળ રહેલી એવી ફિલ્મ  'અબોધ'માં  ભલીભોળી, અત્યંત માસૂમ દેખાતી આ નવીસવી છોકરીએ ફિલ્મજગતના ઘણા લોકોનું  ધ્યાન પોતાના  તરફ  ખેંચ્યું હતું. 'અબોધ' બાદ બે ચાર ફિલ્મોમાં કામ પણ કર્યું પણ સફળતાનો સ્વાદ હજુ ચાખવા મળ્યો ન હતો. સંઘર્ષના એ દિવસોમાં, 'અંકુશ' અને 'પ્રતિઘાત' જેવી ફિલ્મો થકી પોતાની આગવી ઓળખ ઊભી કરનારા નિર્માતા-નિર્દેશક એન.ચંદ્રાને પોતાની આગામી ફિલ્મ 'તેઝાબ'માં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવવા માટે એક નવા, તાજગીભર્યા ચહેરાની તલાશ હતી  મનમોહક સ્મિત અને સહજ સુંદરતાના બળે અભિનયની દુનિયામાં પા પા પગલી ભરતી બબલી એટલે કે માધુરી દીક્ષિત એમની આંખોમાં વસી ગઈ! 

ખેર...  લગાતાર રિહર્સલો અને દિવસરાતની મહેનત પછી જે પરિણામ આવ્યું તે આભૂતપૂર્વ હતું! ફિલ્મ રજૂ થયાના પહેલા જ દિવસથી ટિકિટબારી પર ટંકશાળ પડી! 'એક, દો, તીન, ચાર...'ગીતમાં મુક્તમને નાચતી ફિલ્મની નાયિકા 'મોહિની' માધુરી દીક્ષિતની લોકપ્રિયતાનો જુવાળ એવો તો ઉમટયો કે આબાલવૃધ્ધ સૌ કોઈ તેના દિવાના બની ગયા! આ ગીત અને આ ફિલ્મે માધુરી માટે પાયાના પથ્થરનું કામ કર્યું, જેના પર એક સુદીર્ઘ, સફળ, ઝાકઝમાળ ભરી કારકિર્દીની એવી એક મજબૂત ઇમારત ખડી થઈ કે જેણે હિંદી ફિલ્મ જગતના ઇતિહાસમાં એક નવા જ યુગનો પ્રારંભ કર્યો.

(પૂરા ઓગણત્રીસ વર્ષ બાદ ફરી એક વાર ફિલ્મ "તેઝાબ'નું આ સુપરડુપર ગીત નવા રૂપરંગ સાથે ધમાલ મચાવવા આવી રહ્યું છે. ફિલ્મ બાગી 2 માટે શ્રીલંકન સુંદરી જેક્વેલીન ફર્નાન્ડીઝ પર ફિલ્માવાયેલા આ ગીતમાં લગભગ બધું જ મૂળ ગીતની કોપી જેવું છે. હા, મૂળ ગીતની મઝા છે કે નહીં એ સૌની અલગ પસંદગીનો વિષય છે.)

માર્ચ 10, 2018

એને પડછાયાની હતી લગન....


'એક દર્દ થા
જો સિગરેટ કી તરહ
મૈને ચૂપચાપ પિયા હૈ
સિર્ફ કુછ નજ્મેં હૈ-
જો સિગરેટ સે મૈને
રાખ કી તરહ ઝાડી હૈ...'

આસમાનમાં ઊડતા કો' સ્વૈરવિહારી પંખી જેવા મુક્ત વિચારો ધરાવતી, હિંદી અને પંજાબી સાહિત્યની અત્યંત સંવેદનશીલ  સાહિત્યકાર અમૃતા પ્રીતમનું નામ ભારતીય મહિલા સાહિત્યકારોની સૂચિમાં આજે પણ અગ્રિમ હરોળમાં લેવાય છે. જેટલી સુંદરતા ઈશ્વરે એમને બક્ષી હતી એનાથી અનેકગણા સુંદર અને ભાવપૂર્ણ હતા એના શબ્દો. કાચી ઉંમરે જ પોતાના મનોભાવોને, પોતાના સ્વપ્નોને કાવ્ય સ્વરૂપે રજૂ કરવાની કળા હસ્તગત કરી લેનાર અમૃતાને કાવ્ય લેખન એ પિતા તરફથી વારસામાં મળેલી આ અનન્ય ભેટ હતી.

હાલ પાકિસ્તાનમાં આવેલા પંજાબના ગુજરાવાલાંમાં માતા રાજ બીબી અને પિતા શ્યામ સાધુને ત્યાં જન્મનાર અમૃતા ના પિતા પોતે પણ 'પિયૂષ' ઉપનામથી કવિતાઓ લખતાં હતા. ખૂબ જ નાની વયે માતાને ગુમાવી દેનાર અમૃતાનો  ઈશ્વર ઉપરથી વિશ્વાસ ઊડી ગયેલો. ધાર્મિક કવિતા લખતા પિતાની જાણબહાર તેમણે રોમેન્ટિક કવિતાઓ લખવાની શરૂ કરી દીધેલી. સોળ વર્ષની વયે તેમનો પ્રથમ કાવ્ય સંગ્રહ 'અમૃત લહરેં' પ્રગટ થયો તે પછી તેમની સત્યાસી વર્ષની લાંબી જીવન સફર દરમિયાન તેમણે અઠ્ઠાવીસ જેટલી નવલકથાઓ, અઢાર કાવ્ય સંકલન, કેટલીયે લઘુકથાઓ, આત્મકથા અને જીવન સંસ્મરણો લખ્યાં.

અમૃતા   એવા પ્રથમ મહિલા હતાં કે જેમને સાહિત્ય અકાદમી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. 1957માં તેમની કૃતિ 'સુનહરે' માટે તેમને આ ગૌરવ પ્રાપ્ત થયું. તો ૧૯૮૨માં 'કાગઝ કે કૈનવસ' માટે તેમને ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ આપવામાં આવ્યો. તદ્દઉપરાંત 1961માં પદ્મશ્રી અને ૨૦૦૪માં પદ્મવિભૂષણ જેવા સન્માન વડે તેમને નવાજવામાં આવ્યાં. આ ઉપરાંત, શાંતિનિકેતન સહિત અન્ય કેટલીયે પ્રસિદ્ધ યુનિવર્સિટીઓ દ્વારા તેમને ડી. લિટરેચરની માનદ્ ડીગ્રી પ્રાપ્ત થઈ!

આ બધા જ માન-સન્માન, ઈનામ અકરામથી પરે, અમૃતાજીની ભીતર એક બેહદ સંવેદનશીલ સ્ત્રી જીવતી હતી જે એક સ્ત્રીના મનોભાવોને બખૂબી સમજતી હતી, એટલું જ નહીં, તેને સુપેરે પોતાની કલમના સહારે પોતાની રચનાઓમાં વ્યકત  કરી શકતી હતી.

વાત અમૃતા પ્રીતમની થાય અને સાહિર લુધિયાનવીનો ઉલ્લેખ ન થાય તે શક્ય નથી. પોતાના પતિ સરદાર પ્રીતમ સિંઘ સાથેના લગ્નથી બે સંતાનના માતા બનેલાં અમૃતાના લગ્ન જીવનમાં,  સાહિરને મળ્યા અગાઉ જ  તિરાડો પડી ચૂકી હતી. સાહિર લુધિયાનવી સાથેના તેમના પ્રેમસંબંધની શરૂઆત તેમની પ્રથમ મુલાકાત દરમિયાન જ થઈ ચૂકી હતી. જો કે, આ પ્રેમ કયારેય સંપૂર્ણ થવાનો ન હતો, જેના એંધાણ પણ અમૃતાજીને આ પહેલી મુલાકાતમાં જ મળી ચૂકયા હતા.

'જિંદગી ભર નહીં ભૂલેગી વો બરસાત કી રાત....'

સાહિર સાહેબનું લખેલું આ ગીત એક કવિની કલ્પનામાત્ર નહીં પણ અમૃતા સાથેની તેમની પ્રથમ મુલાકાતનું  યાદગાર કાવ્યમય વર્ણન છે. ૧૯૪૪ની આસપાસ, લાહોર અને અમૃતસરની વચ્ચે આવેલા એક ગામ પ્રીત નગર મુકામે પંજાબી અને ઉર્દૂ શાયરોનો એક મુશાયરો યોજાયો હતો, જેમાં ભાગ લેવા આવેલા સાહિરની શાયરી સાંભળીને અમૃતાને તેમના તરફ અદમ્ય આકર્ષણ થયું.  આ મુલાકાત વિશે અમૃતાજીએ લખ્યું: 'મુઝે પતા નહીં, યહ ઉનકે શબ્દોં કા જાદૂ થા યા ફિર ઉનકી ખામોશ નજરોં કા, જો લગાતાર મુઝે દેખે ચલી જા રહી થીં... બાત ચાહે જો ભી હો... મૈં ઉન પર પૂરી તરહ સે મોહિત હો ચૂકી થી..'

અર્ધી રાત પાછી મુશાયરો સમાપ્ત થયો. સૌ માટે ત્યાં જ રાત્રિ રોકાણની વ્યવસ્થા કરાઈ હતી. બીજે દિવસે બાજુના એક નાનકડા ગામ લોપોકી સુધી સૌએ પગપાળા જવાનું હતું, જ્યાંથી લાહોર જવા માટે બસની વ્યવસ્થા  કરવામાં આવી હતી.

રાત ભર વરસાદ વરસવાને લીધે લોપોકી જવા માટેનો કાચો રસ્તો કાદવકીચડ ભર્યો અને અત્યંત  લપસણો  થઈ ચૂકયો હતો. પણ અમૃતાજી ને મન તો આમા પણ દૈવનો કોઈ હાથ હોય એમ લાગતું હતું જે  આ શબ્દ્સ્વરૂપે નિખરે છે: 'જબ જબ મૈં ઉસ રાત કે બારે મૈં સોચતી હૂં, તો મુઝે લગતા હૈ કિ તકદીર ને મેરે દિલ મૈં મોહબ્બત કે બીજ બો દિએ થે, જિનમેં બારિશ કે કારન કોંપલ નિકલ આઈ થી...!'

વરસાદને કારણે લપસણા થયેલા રસ્તા પર સૌ સંભાળી સંભાળીને ચાલી રહ્યાં હતા. આ ઘટનાને અમૃતાજી અત્યંત સુંદર રીતે  વર્ણવી છે, 'સાહિર સે કુછ કદમ પીછે ચલતે હુએ મૈંને ગૌર કિયા કિ સડક પર સાહિર કા જો સાયા પડ રહા થા, મૈં પૂરી તરહ સે ઉસમેં ખોતી ચલી જા રહી થી.. ઉસ વક્ત નહીં જાનતી થી કિ બાદ કી જિંદગી કે કિતને હી તપતે હુએ સાલ મુઝે ઈસી સાયે મૈં ચલતે હુએ કાટને હોંગે યા કભી કભી થક કર અપને હી અક્ષરોં કી છાયા મૈં બૈઠના હોગા...'  આ વાતને સૈફ પાલનપુરીના  શબ્દોમાં કહીએ તો... 'એને પડછાયાની હતી લગન, એને પગરવ સાથે પ્રીત હતી....' 

જીવનભર એકમેકને ભરપૂર પ્રેમ કરવા છતાં, આજીવન તેમની વચ્ચે ચૂપકીદીની એક ઊંડી ખાઈ  હંમેશા મોજૂદ રહી. આ ચૂપકીદીનો ઉલ્લેખ અમૃતાજીની કવિતાઓમાં પણ વારંવાર કળાય છે. તો પોતાની આત્મકથા 'રસીદી ટિકિટ'માં આ અજબ પ્રેમની ગજબ કહાણી વિશે લખતા અમૃતાજી કહે છે: 'જબ સાહિર મુઝસે લાહૌર મિલને આતે થે, તો મુઝે લગતા થા કિ મેરે પાસ વાલી કુર્સી પર મેરી હી ખામોશી બૈઠી હુઈ થી ઔર ફિર વો વહાં સે ચલી ગઈ!'

આ ખામોશ સંબંધને નિભાવતા સાહિર કારકિર્દીના અવ્વલ મુકામે પહોંચ્યા તો અમૃતાએ પણ પોતાની શ્રેષ્ઠતમ રચનાઓ આપી. પણ તેમના નસીબમાં મિલનનું સુખ કયારેય ન હતું. આ વિશે અમૃતાજી પોતાની એક રચનામાં કહે છે:

'આસમાન જબ ભી રાત કા
ઔર રૌશની કા રિશ્તા જોડતે હૈ
સિતારે મુબારકબાદ દેતે હૈં
ક્યોં સોચતી હૂં મૈં
અગર કહીં...
*
*
*
મૈં, જો તેરી કુછ નહીં લગતી...' 

માર્ચ 08, 2018

મૈં પલ દો પલ કા શાયર હૂં'



''ઔરતને જનમ દિયા મરદોં કો, મરદોંને ઉસે બાઝાર દિયા...
જબ જી ચાહા, મસલા-કૂચલા... જબ જી ચાહા ધૂતકાર દિયા...''

દર વર્ષે આઠ માર્ચે ઊજવાતા ''વુમન્સ ડે'' નિમિત્તે ફેસબુક, વોટ્સ અપ જેવી સોશ્યલ સાઈટ્સ પર ઠલવાતા ઢગલોએક શુભેચ્છા સંદેશાઓ વચ્ચે 1958ની ફિલ્મ 'સાધના'ના એક ગીતની આ પંકિતઓ થોડી અપ્રસ્તુત લાગે પણ આજના સમયના સંદર્ભમાં પણ ક્યાંક ને ક્યાંક આ પંકિતઓ કોઈક ને કોઈક સ્વરૂપે સાચી પડતી હોય એવું નથી લાગતું? સંયોગની વાત જુઓ કે સામાજિક મુદ્દા પર આવી અનોખી રચના આપનાર શાયર સાહિર લુધિયાનવીનો જન્મદિવસ પણ આ જ દિવસે આવે છે. આજે આ અનોખા શાયર-ગીતકાર વિશે થોડી વાતો કરીએ.

8 માર્ચ, 1921ના રોજ લુધિયાનાના એક અત્યંત ધનાઢય જમીનદાર પરિવારમાં જન્મેલા સાહિરનું મૂળ નામ અબ્દુલ હયી હતું. બાર પત્નિઓ હોવા છતાં અય્યાશ જીવન જીવતા પતિની અય્યાશી અને વિચિત્ર સ્વભાવથી  કંટાળી જઈને અબ્દુલની માતા સરદાર બેગમે એ જમાનામાં ક્રાંતિકારી કહેવાય એવો, એક મુસ્લિમ મહિલા તરીકે  સામેથી પોતાના પતિ  પાસેથી તલાક લેવાનો નિર્ણય કર્યો.મામલો કોર્ટમાં પહોંચ્યો. ચાર વર્ષના માસૂમ અબ્દુલે ભરી કચેરીમાં માતાની સાથે રહેવાની ઈચ્છા વ્યકત કરી. દોલતમંદ અય્યાશ પિતાની સાથે રહીને અભણ ને  ગમાર બને તેના કરતા ગરીબ છતાં ખુદ્દાર માતાની પાસે રહીને ભણીગણીને એક સમજદાર નાગરિક બને એ માટે નામદાર જજસાહેબે બાળ અબ્દુલનો કબજો તેની માતાને આપ્યો. અને ત્યાંથી શરૂ થયેલી કાંટાળી સફરનો આખરી પડાવ મોહમયી મુંબઈની જાદૂભરી સિનેસૃષ્ટિ હશે, એવી ત્યારે કોઈને કયાં ખબર હતી?

મોસાળ જાલંધરમાં મા અને મામાની સતત દેખરેખ નીચે ઉછરી રહેલા  અબ્દુલની માતાને સતત એ ડર રહેતો કે કયાંક અબ્દુલના પિતા તેને ઉઠાવી ન જાય. ચોવીસ કલાક કોઈને કોઈ અબ્દુલની સાથે ને સાથે જ રહેતું. અસલામતીના વાતાવરણમાં ઉછરતા બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય એ સ્વાભાવિક હતું. જો કે, પરિવારના એક હિતેચ્છુની સમજાવટથી અબ્દુલને શાળામાં દાખલ કરવામાં આવ્યો. એ સમયે ન તો અબ્દુલને  પોતાના મુસ્લિમ હોવા વિશે સમજ હતી કે ન તો ઈસ્લામનું કોઈ જ્ઞાન એમને આપવામાં આવેલું. શાળામાં અને ત્યારબાદ કૉલેજમાં પણ મોટાભાગે શીખ અને હિંદુ સહાધ્યાયીઓ સાથે તેમની ગાઢ દોસ્તી હતી. ("અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ..." જેવી રચના તેમની કલમે પ્રસવી તેનું બીજ કદાચ અહીં જ રોપાયુ હશે!)

દીકરાને ભણાવીગણાવીને જજ કે સિવિલ સર્જન બનાવવાના સ્વપ્ન જોતી માતાને જો કે, એવો અણસાર સુદ્ધાં  નહોતો કે દીકરો મોટો થઈને નામી શાયર બનશે. શાળામાં  અબ્દુલને ઉર્દુ અને ફારસી ભણાવનાર શિક્ષકે તેમની સાહિત્ય પ્રત્યેની  રૂચિ પારખીને શાયરી કરવા માટે પ્રોત્સાહન   આપ્યું એટલું જ નહીં, એ સમયના નામી શાયરોની રચનાઓનો રસાસ્વાદ પણ કરાવ્યો. મેટ્રિકની પરીક્ષા આવતા સુધીમાં તો અબ્દુલના મનમાં કોળાયેલા શાયરીના બીજ પર કૂંપળો ફૂટવા માંડેલી.

અબ્દુલ હયીનું 'સાહિર લુધિયાનવી'માં કઈ રીતે રૂપાંતર થયું? મેટ્રિકની પરીક્ષાની તૈયારી કરી રહેલા અબ્દુલનું ધ્યાન,  પાઠ્યપુસ્તકમાં છપાયેલી સુપ્રસિદ્ધ શાયર ઈકબાલની એક નજમ પર પડયું, જે તેમણે ઓગણીસમી સદીના મહાન શાયર દાગ દહેલવીની પ્રશંસામાં લખેલી. તેમાંનો એક શબ્દ 'સાહિર' કે જેનો શાબ્દિક અર્થ થાય છે 'જાદુગર', તે અબ્દુલને પોતાના ઉપનામ તરીકે ખૂબ જ ગમી ગયો. શાયરીમાં પોતાના પ્રેરણાસ્રોત એવા મઝાઝ લખનવી, જોશ મલિહાબાદી તેમજ શાયરીની શિક્ષા આપનાર શિક્ષક ફૈયાઝ હરિયાનવી - આ બધા નામોથી પ્રેરાઈને અબ્દુલે  'સાહિર' સાથે જન્મસ્થળ લુધિયાનાનું નામ જોડી દઈને 'સાહિર લુધિયાનવી' તરીકે પોતાનું  નવું નામકરણ કર્યું. અને આ સાથે જ જાણે કે એક નવા જ વ્યક્તિત્વનો તેમનામાં આવિર્ભાવ થયો. તેજાબી કલમના આ શાયરે ડર, અપમાન અને અવહેલનામાં વીતેલા પોતાના બાળપણની પીડાને બંડખોર, ઉગ્ર શબ્દોનું રૂપ આપ્યું. મૂડીવાદી સામંતશાહી સમાજ દ્વારા, ગરીબ અને લાચાર લોકો પર થતા અત્યાચાર પર સાહિરની શાયરીના શબ્દોરૂપી કોરડા ધડાધડ વીંઝાવા લાગ્યા.

કોલેજમાં દર્શનશાસ્ત્ર અને ઇતિહાસનો અભ્યાસ કરતા કરતા સાહિરની રૂચિ રાજનીતિ તેમજ અર્થશાસ્ત્ર જેવા વિષયો પરત્વે વધવા માંડી. ક્રાંતિકારી વિચારો ધરાવતા આ જલદતેજાબી શાયરની કલમના પરચા અંગ્રેજ સરકારને પણ મળવા લાગ્યા. રાજનીતિક પ્રવૃત્તિઓમાં નિર્ણયાત્મક ભાગ ભજવવા બદલ કોલેજમાં એમને છેલ્લા વર્ષની પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહીં. માતાની લાખ ઈચ્છા હોવા છતાં સાહિર ગ્રેજ્યુએટ થઈ શકયા નહીં. જો કે, માત્ર ત્રેવીસ વર્ષની ઉમરે તેમની શાયરીનું સંકલન  'તલ્ખિયાં' પ્રસિદ્ધ થઈ ચૂકેલું, એ કોઈ નાનીસૂની સિદ્ધિ ન હતી. સાહિરના જીવનકાળ દરમિયાન જ 'તલ્ખિયાં'ની પચ્ચીસ આવૃતિ બહાર પડેલી! એ સમયે એવું કહેવાતું કે કોઈ પણ નવું પ્રકાશન ગૃહ શરૂ થાય તો એ પહેલવહેલા 'તલ્ખિયાં' છાપે, પછી બીજા પુસ્તકો બહાર પાડે! જો કે પ્રસિદ્ધિથી પેટ કયાં ભરાય છે? એકાદ સાહિત્યિક પત્રિકાના સંપાદન માટે ચાલીસ રૂપિયાના પગારે કામ કરતા સાહિરે આખરે 1946માં મુંબઈની વાટ પકડી અને ફિલ્મગીતલેખન ક્ષેત્રે પા પા પગલી માંડી.

એક તરફ એમની કલમે કંઈ કેટલાય ગીતોમાં રોમાન્સના રંગ ભર્યા, તો સામાજિક મુદ્દાઓ પર પણ એમની કલમ જોરશોરથી ચાલી.. હિન્દી ફિલ્મોના માળખામાં આવું જવલ્લે જ બને છે. એક રોમેન્ટિક શાયર તરીકે સાહિરના ગીતોના બે-ચાર ઉદાહરણ જોઈએ તો, 'છૂ લેને દો નાઝુક હોંઠોં કો...', 'યે ઝુલ્ફ અગર ખૂલ કે બિખર જાયે તો અચ્છા.....' જેવા 'કાજલ'ના ગીતો હોય કે પછી 'પ્યાસા' નું યાદગાર ગીત 'આજ સજન મોહે અંગ લગા લે...' કે પછી ફિલ્મ 'શગુન'નું 'તુમ અપના રંજો ગમ, અપની પરેશાની મુઝે દે દો....' કે પછી 'બહુરાની'નું અત્યંત પ્રેમભર્યુ ગીત 'ઉમ્ર હૂઈ તુમસે મિલે, ફિર ભી જાને ક્યૂં ઐસા લગતા હૈ, જૈસે પહેલી બાર મિલે હૈ...'

સાહિરમાં છૂપાયેલા એક અત્યંત સંવેદનશીલ પ્રેમીને દુનિયા સમક્ષ રજૂ કરી દેતા આ બધા ગીતો ની સામે, 'ફિર સુબહ હોગી'નું ગીત 'રહેને કો ઘર નહીં હે, સારા જહાં હમારા...' હોય કે 'પ્યાસા'નું જ ઓર એક ગીત 'યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હે?' હોય કે પછી કોમી રમખાણો પર આધારિત ફિલ્મ 'ધર્મપુત્ર'ના ગીતો 'યે કિસ કા લહુ હૈ, કૌન મરા...' અને 'યે મસ્જિદ હૈ વો બુતખાના' હોય. તો અન્ય એક કિસ્સામાં,   સામાજિક બુરાઈઓ પર કોરડા વિંઝતી એમની તેજાબી કલમ 'ધૂલ કા ફૂલ'માં અત્યંત મર્મસ્પર્શી શબ્દોમાં લખે...'તુ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ, ઈન્સાન બનેગા....'

સાહિરની એક યાદગાર નજમ 'કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ, કિ ઝિંદગી તેરી ઝૂલ્ફોં કે નર્મ સાયે મેં ગુઝર જાતી તો શાદાબ હો સક્તી થી...' નો ઉપયોગ થોડા ફેરફાર સાથે ફિલ્મ 'કભી કભી'ના ટાઈટલ સોંગમાં કરવામાં આવેલો. આ જ ફિલ્મનું ઓર એક ગીત 'મૈં પલ દો પલ કા શાયર હૂં' એ સાહિરની ખુદની જિંદગીનું બયાન છે. આ બંને રચનાઓ 'તલ્ખિયાં'માંથી લેવામાં આવી હતી.

માનવીય સંબંધોની નાજુક અભિવ્યક્તિની સંવેદનશીલ રજૂઆત કરતા અનેક ગીતો હિન્દી ફિલ્મોને આપનાર શાયર સાહિર લુધિયાનવીને જન્મજયંતિએ શત શત નમન સહ સ્મરણાંજલિ..