માર્ચ 24, 2018

અફસાના લિખ રહી હૂં...



હનુમાન મંદિરમાં ફિલ્મી ગીત???

જાડા માણસો માટે એવું કહેવાતું હોય છે કે, સ્વભાવના રમૂજી હોય, સરળ સ્વભાવના હોય ને કોઈ વાતે ઝટ દઈને માઠું ન લગાડતા હોય! ને ક્યારેક કોઈ વાતે ઝાઝું વિચારતા પણ ન હોય! ને પાછા આવા લોકો એમના ક્ષેત્રમાં સફળ હોય કે ન હોય પણ પ્રખ્યાત તો હોય જ. એમાં પણ હાસ્યના ક્ષેત્રે તો આવા વજનદાર લોકોના અનેક ઉદાહરણ મળી આવે. ફિલ્મ જગતની વાત કરીએ તો ટુનટુનનું નામ હૈયે આવ્યા વિના ન રહે.

ટુનટુન... આ નામ સંભાળતા જ મનમાં હાસ્યનો ફુવારો ઉડ્યા વગર ન રહે. આમ જોઈએ તો ટુનટુનનાં ભાગે આવેલા મોટા ભાગના પાત્રો એક જાડી, ભદ્દી, ગમાર, તોછડી, તુંડમિજાજી સ્ત્રીને પડદા પર રજૂ કરતા હતા. તેમ છતાં, પ્રેક્ષકો સહેલાઈથી તેમણે ભજવેલા પાત્ર સાથે ‘કનેક્ટ’ થઇ શકતા. એની પાછળ કદાચ ટુનટુને ભજવેલા પાત્રોની વાસ્તવિકતા અને સહજતા કારણભૂત હોઈ શકે.

ટુનટુન... જેનું બાળપણ અનાથ તરીકે વીત્યું, એમનું બાળપણનું નામ ઉમાદેવી ખત્રી. કહેવાતા પાલક સગાવહાલાઓને આ બાળકીના ઉછેરમાં કોઈ રસ ન હતો. બે ટંક ખાવાના બદલામાં ચોવીસ કલાક વૈતરું કૂટતી કિશોરીના જીવનની એકમાત્ર ખુશી કામ કરતા કરતા ગીતો ગણગણતા રહેવામાં હતી. ફિલ્મમાં ગીત ગાવા મળે તો સગાઓના ત્રાસમાંથી છૂટી શકાય, એ વિચારે માત્ર તેર વર્ષની ઉમરે ઉમાદેવી મુંબઈ ભાગી આવ્યા. પાર્શ્વગાયન માટે તક આપવા માટે એમની બેધડક રજૂઆતથી અંજાયેલા નૌશાદે તેમની આગામી ફિલ્મ ‘દર્દ’ માટે એક નહિ, ચાર ચાર ગીત ગાવાની તક આપી. જેમાં ત્રણ સોલો અને એક ગાયિકા સુરૈયા સાથેનું યુગલ ગીત હતું.

‘દર્દ’ ફિલ્મનું ઉમાદેવીએ ગાયેલું ગીત ‘અફસાના લિખ રહી હૂં...’ એટલું તો પ્રખ્યાત થયું કે દેશના ખૂણે ખૂણે લોકજીભે રમતું થઇ ગયું! આ ગીતની લોકપ્રિયતા વિષે એક મજેદાર કિસ્સો છે. સાઠના દશકની શરૂઆતમાં જ્યારે ગુરુ દત્ત અને ગીતા દત્તનું લગ્નજીવન સાવ તૂટી જવાની અણી પર હતું ત્યારે, ગમે તેમ કરીને આ સંબંધ બચાવી લેવા માટે ગીતા દત્ત મરણિયા પ્રયાસ કરી રહ્યાં હતા. કોઈએ એમને સૂચવ્યું કે મથુરાના કોઈ હનુમાન મંદિર ખાતે એક પ્રકાંડ જ્યોતિષી પુજારી છે, જે કોઈ ઉપાય સૂચવી શકે એમ છે. ગીતા દત્ત એ પુજારીને મળવા ઉપડ્યા. સાથે ટુનટુનને પણ લીધા. થયું એવું કે, મંદિરના પટાંગણમાં એકથી થયેલી ભાવિકોની ભીડ આ બંને સન્નારીઓને ઓળખી ગઈ. પછી તો પૂછવું જ શું હતું. લોકોએ એમના અવાજમાં ગીત સંભળાવવા માટે આગ્રહ કરવા માંડ્યો.

ગીતા દત્ત પહેલા તો જરા અસમંજસમાં પડી ગયા કે મંદિરના આંગણમાં ફિલ્મી ગીત કઈ રીતે ગાવું. પરંતુ પુજારીએ ખુદ તેમણે લોકોનો અનુરોધ પૂર્ણ કરવા આગ્રહ કર્યો. અને ગીતાજી એ ગાયું....’મેરા સુંદર સપના બીત ગયા....’ હવે વારો હતો ટુનટુનનો. ટુનટુન માટે હવે ઝાઝું વિચારવા જેવું યે ક્યાં હતું? ખીચોખીચ જામેલી મેદની સામે જોતા જોતા તેમણે ગાવા માંડ્યું.... અફસાના લિખ રહી હૂં... દિલે બેકરાર કા.... આંખોમેં રંગ ભર કે તેરે ઇન્તઝાર કા...’

ખેર... એ સમય અલગ હતો. લોકો સ્વભાવે સરળ હતા. ખરા અર્થમાં સહિષ્ણુ હતા અને ફિલ્મસંગીતના એટલા રસિયા પણ હતા કે મંદિરમાં પણ ફિલ્મગીતની મઝા માણી શકતા હતા!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો