જૂન 16, 2013

હિન્દી ફિલ્મોમાં શુદ્ધ હિન્દી ગીતો!




'પ્રિય પ્રાણેશ્વરી.... હ્રદયેશ્વરી.... યદી આપ હમે આદેશ કરે તો પ્રેમ કા હમ શ્રીગણેશ કરે.......'

ફિલ્મ 'હમ, તુમ ઔર વો'નું કિશોર કુમારે ગાયેલું આ કોમેડી ગીત વર્મા મલિકે લખેલું. શુદ્ધ હિંદી ભાષામાં લખાયેલું આ આખું યે ગીત સાંભળતા ક્યાંય એમ ન લાગે કે શુદ્ધ હિંદીમાં હોવા છતાં કોઈ પણ શબ્દ સમજવો અઘરો છે. 

હિંદી ફિલ્મોના ગીત મહદ્દઅંશે હિંદી-ઉર્દૂ મિશ્રિત જબાનમાં જ હોય છે. (આજકાલ તો હિંદી-ઉર્દૂ-પંજાબી-અંગ્રેજી-ગુજરાતી અને ન જાણે કેટકેટલી યે ભાષાની ભેળપુરી કરીને ગીતો બને છે!) બહુ જ જૂજ પ્રમાણમાં એવા ગીતો લખાયા છે કે જેનું સ્વરૂપ શુદ્ધ હિંદી ભાષાનું છે, એમ કહી શકાય. એક ઈન્ટરવ્યૂમાં લતાજી એ કહેલું: ''આજકાલના ગીતો માત્ર રિધમના આધારે બને છે અને એમાં સૂર તો બસ, તાલની ચાલને બાંધવા પૂરતા જ હોય છે. પછી એમાં શબ્દોનું તો મહત્વ જ ક્યાં રહ્યું?''
-સાચી વાત છે. કદાચ એટલે જ આજકાલના ગીતોની આવરદા એટલી લાંબી નથી હોતી, જેટલી જૂના ફિલ્મી ગીતોની હોય છે.

ચાલીસ-પચાસ-સાઠના દશકના ગીતોમાં શબ્દ, સૂર અને તાલ- આ ત્રણેય ઘટકો સરખાં મહત્વપૂર્ણ રહેતા. અને આ ગીતો પણ કેવાં? ગહન સાહિત્યિક મૂલ્ય ધરાવતાં હ્રદયસ્પર્શી ગીતો. કદાચ એટલે જ આજે પણ આપણને એ અર્થસભર મીઠા મધુર ગીતો સાંભળવા ગમે છે.

આમ તો આપણે ત્યાં હિંદી ફિલ્મગીત લેખનમાં સાહિર લુધિયાનવી, હસરત જયપુરી, મજરૂહ સુલ્તાનપુરી, નિદા ફાઝલી, કૈફી આઝમી, રાજા મહેંદી અલી ખાન, કમર જલાલાબાબાદી, અંજાન, નક્શ લાયલપુરી, જાંનિસાર અખ્તર, શકીલ બદાયૂની, શહરિયાર, ગુલશન બાવરા,  જાવેદ અખ્તર, ગુલઝાર જેવા શાયરોનો દબદબો રહ્યો છે. બેશક, એમણે મોટાભાગે હિંદી-ઉર્દૂ મિશ્રિત જબાનમાં અણમોલ કહી શકાય એવાં ગીતો આપણને આપ્યાં છે. પરંતુ કેટલાક નામો એવાં છે, જેમણે શુદ્ધ હિંદી ભાષામાં ગીતો લખીને આપણને એક અત્યંત મહામૂલો કહેવાય એવો સાહિત્યિક ખજાનો વારસામાં આપ્યો છે. પં. નરેન્દ્ર શર્મા, ભરત વ્યાસ, કવિ પ્રદીપજી, જી. એસ. નેપાળી, શૈલેન્દ્ર, ગોપાલદાસ 'નીરજ', યોગેશ - આ બધા ગીતકારો એ સુંદર અર્થ સભર ગીતો આપ્યાં અને એ પણ શુદ્ધ હિંદીમાં.

૧૯૬૧માં આવેલી ફિલ્મ ''ભાભી કી ચૂડીયાં''ના પંડિત નરેન્દ્ર શર્માજીએ લખેલાં બે ગીતો - 'જયોતિ કલશ છલકે''  અને ''લૌ લગાતી ગીત ગાતી...''   - લતાજીના કંઠે ગવાયેલા આ અત્યંત મધુર અને  શુદ્ધ, સરળ હિંદીમાં લખાયેલા ગીતો છે.  તો મન્ના ડે એ ગાયેલું અને દુર્લભ કહી શકાય એવું ગીત, 'ક્યૂં પ્યાલા છલકતા હૈ' -ફિર ભી(૧૯૭૧) પણ પંડિતજીની જ દેણ. આ યાદીમાં જે અન્ય ગીત યાદ આવે છે, એ છે, ૧૯૬૭ની ફિલ્મ 'બૂંદ જો બન ગઈ મોતી' નું ભરત વ્યાસજીએ લખેલું ગીત... 'હરી હરી વસુંધરા પે નીલા નીલા યે ગગન... યે કૌન ચિત્રકાર હૈ.... ‘ (આ ગીત સાંભળતા આપણા કવિશ્રી જયન્ત પાઠકનું કાવ્ય 'ચિતારો' યાદ આવી જાય.. 'અજબ મિલાવટ કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી...')  ભરત વ્યાસજીની આવી જ અન્ય સુંદર રચનાઓ જોઈએ તો, 'તુમ ગગન કે ચંદ્રમા હો, મૈ ધરા કી ધૂલ હું' - 'સતી સાવિત્રી'(૧૯૬૪),  'સૂર ના સજે...' - 'બસંત બહાર'(૧૯૫૧) અને  'આજ મધુવતાસ ડોલે રે....' - 'સ્ત્રી'(૧૯૬૧)ને લઈ શકાય.

અન્ય એક આવું જ સુંદર ગીત, ૧૯૫૦ની ફિલ્મ 'મશાલ' નું છે, જે કવિ પ્રદીપજીએ લખેલું અને મન્ના ડે એ ગાયેલું છે. જે આજે પણ મન્ના ડે દ્વારા ગવાયેલા શ્રેષ્ઠ ગીતોની યાદીમાં સ્થાન પામે છે. ગીતના શબ્દો છે, - 'ઉપર ગગન વિશાલ'.

શૈલેન્દ્રનું લખેલું, રફીસાહેબના મખમલી અવાજમાં ગવાયેલું ૧૯૬૫ની ફિલ્મ 'ગાઈડ'નું મધુર ગીત, 'દિન ઢલ જાયે, હાયે! રાત ન જાય...' કેમ ભૂલાય? શૈલેન્દ્રનું જ લખેલું 'ગાઈડ'નું જ અન્ય એક ગીત એટલે, 'પિયા તો સે નૈના લાગે રે...' લતાજીના જ અવાજમાં શૈલેન્દ્રની અન્ય ખૂબસુરત રચનાઓ એટલે, ૧૯૬૬ની ફિલ્મ 'આમ્રપાલી' ના એ અત્યંત મધુર ગીતો.... 'નીલ ગગન કી છાંવ મેં', 'જાઓ રે જોગી તુમ જાઓ રે' અને 'તડપ યે દિન રાત કી' કેમ ભૂલાય? શૈલેન્દ્ર માટે આમેય એવું કહેવાય છે કે, તેમના જેટલી કાવ્યતત્વની સૂઝ અન્ય કોઈપણ ગીતકારને ન હતી. સરળતમ શબ્દોમા ગહન વિચારને શૈલેન્દ્ર બખૂબી રજૂ કરી શકતાં. કદાચ એટલે જ તેઓ હિંદી ફિલ્મી ગીતકારોમાં સૌથી શ્રેષ્ઠ ગણાય છે. રફીસાહેબના અવાજમાં ફિલ્મ 'ગાઈડ'ના અન્ય એક ગીત 'મેરા મન તેરા પ્યાસા' અને લતાજીના અવાજમાં 'રંગીલા રે....' -'પ્રેમપુજારી'(૧૯૭૦), 'મેઘા છાયે આધી રાત' - 'શર્મિલી'(૧૯૭૧), 'જૈસે રાધાને માલા જપી શામ કી' - 'તેરે મેરે સપને'(૧૯૭૧) જેવા સદાબહાર ગીતો માટે અહીં 'લિવિંગ લેજન્ડ' ગોપાલદાસ 'નીરજ'ને યાદ કરવા પડે.







વરસાદની ઋતુ આવે અને 'રિમઝિમ ગિરે સાવન' ગીત યાદ ન આવે એવું બને? 'મંઝિલ'(૧૯૭૯)નું આ કર્ણમધુર ગીત લખ્યું છે, યોગેશજીએ. તો 'રજનીગંધા'(૧૯૭૩)ના બે ગીતો,  'કઈ બાર યું હી દેખા હૈ, યહ જો મન કી સીમારેખા હૈ' અને 'રજનીગંધા ફૂલ તુમ્હારે, મહેકે યું હી જીવનમેં' તેમજ ફિલ્મ 'આનંદ'(૧૯૭૧)ના બે ગીતો,  'કહીં દૂર જબ દિન ઢલ જાયે' અને 'જીયા લાગે ના' તેમજ 'ઝિંદગી કૈસી હૈ પહેલી હાયે' - આ બધા જ સુમધુર ગીતો યોગેશજીની કલમેથી પ્રગટ્યાં  છે.








તાજેતરના સમયમાં સંગીતકાર-ગીતકાર રવીન્દ્ર જૈને કર્ણપ્રિય ગીતો લખ્યાં છે જેમાં ઉર્દુ શબ્દોનો ઉપયોગ નથી. ‘ચિતચોર’(૧૯૭૬) ના ગીતો ‘ગોરી તેરા ગાંવ’, ‘જબ દીપ જલે આના’, ‘તુ જો મેરે સુર મેં’ આજે પણ એટલા જ કર્ણપ્રિય છે. એમણે રાજશ્રી ફિલ્મ્સ ના બેનર હેઠળ પણ સુંદર ગીતો લખ્યાં. ‘ગીત ગાતા ચલ’(૧૯૭૫), ‘દુલ્હન વહી જો...’(૧૯૭૭), ‘અખિયોં કે ઝરોખો સે’(૧૯૭૮) યાદ આવ્યા વગર ન રહે.

અહીં જેનો ઉલ્લેખ કર્યો છે, એ ઉપરાંત બીજા કેટલાંયે એવાં શુદ્ધ હિંદીમાં લખાયેલા ફિલ્મી ગીતો છે, જે ફિલ્મી ગીત હોવાં છતાં યે સાહિત્યિક સ્પર્શ ધરાવે છે અને જેમાં કવિતાનું લાલિત્ય ભારોભાર પડેલું છે. સાંભળનારને ભાવુક કરી દે એવાં આ ગીતો પૈકીનાં મોટાભાગના ખાસ્સાં લોકપ્રિય થયાં હતાં. પણ અહીં કેટલાંક એવાં ગીતોનો ઉલ્લેખ કર્યા વિના આ લેખ અધૂરો ગણાશે, જે ગીતો કદાચ લોકપ્રિય ન હોય, પણ  શુદ્ધ હિંદીમાં લખાયેલાં હિંદી ફિલ્મી ગીતોના ઈતિહાસમાં આ ગીતો અદકેરું સ્થાન ધરાવે છે. આ ગીતો એટલે હિંદી સાહિત્યજગતના વિખ્યાત કવિઓની રચનાઓ, જેને સુવિખ્યાત ગાયકો-સંગીતકારોએ સૂર-સંગીતમાં પરોવીને આ અણમોલ રચનાઓને એક અનેરી ઊંચાઈ બક્ષી.

આવી અમર કૃતિઓની વાત કરીએ તો, ઉપર જેનો ઉલ્લેખ કર્યો, એ ૧૯૭૧ની ફિલ્મ 'ફિર ભી'નું જ ઓર એક ગીત, 'સાંઝ ખિલે, ભોર ઝરે, ફલ હરસિંગાર કે, રાત મહકતી રહી....' પંડિત રઘુનાથ શેઠના સંગીત નિર્દેશનમાં હેમંતકુમારના અવાજમાં ગવાયેલું આ ગીત ભાવકને કોઈ અલૌકિક દુનિયામાં લઈ જાય છે. આ ગીત માટે એવું કહેવાય છે કે ફિલ્મોમાં આવેલી ડો. હરિવંશરાય બચ્ચનની પ્રથમ રચના છે.

અન્ય એક ફિલ્મ 'આલાપ'(૧૯૭૭)નું ગીત, કે જેને યેસુદાસે સ્વર આપેલો. 'કોઈ ગાતા.. મેં સો જાતા...' અત્યંત ભાવપૂર્ણ એવી આ રચના પણ ડો. બચ્ચનની જ છે. ભાવવિભોર કરી મૂકે એવી આ રચનાની પંક્તિઓ જુઓ... ''આંખો મેં લેકર પ્યાર અમર... આશિષ હથેલી મેં ભર કર, કોઈ મેરા સિર ગોદી મેં રખ કર સહલાતા.... કોઈ ગાતા... મૈં સો જાતા...'' અદ્ભૂત પંકિતઓ અને એથી યે અદ્ભૂત ઊંડાણભર્યો યેસુદાસનો સ્વર! આ જ ફિલ્મ ના અન્ય બે ગીતો, 'ઝિંદગી કો સંવારના હોગા... દિલ મેં સૂરજ ઊતારના હોગા..' અને ચાંદ અકેલા જાયે સખી રી...' જયદેવના સંગીત નિર્દેશનમાં ડો. રાહી માસૂમ રઝાની લખેલી આ અદ્ભૂત રચનાઓને યેસુદાસ સિવાય કોણ ગાઈ શકે?  આ યાદીમાં આગળ વધીએ તો, ૧૯૭૫ની ફિલ્મ 'કાદમ્બરી'નું આ સુંદર ગીત.....  હિંદી ફિલ્મોમાં અમૃતા પ્રીતમ દ્વારા લખાયેલું આ એકમાત્ર ગીત છે. જેના સંગીતકાર છે ઉસ્તાદ વિલાયતઅલી ખાં. આશા ભોંસલેએ આ અનોખું ગીત ગાયું છે. ઓર એક અદ્ભૂત ગીત આશાજીના સ્વરમાં અને તે છે, ફિલ્મ 'ત્રિકોણ કા ચૌથા કોણ'નું ગીત. ૧૯૮૬માં આવેલી આ ફિલ્મનું સંગીત પણ જયદેલે આપ્યું હતું. 'કૈસે ઉન કો પાઉં અલી'  સુવિખ્યાત સાહિત્યકાર મહાદેવી વર્માની આ રચના છે.



મન્ના ડે નું જ ગાયેલું ઓર એક લાજવાબ ગીત એટલે, ૧૯૬૮ની ફિલ્મ 'મેરે હૂઝૂર'નું હસરત જયપુરીએ લખેલું ગીત 'ઝનક ઝનક તોરી બાજે પાયલિયા'. આપની સમક્ષ આવા  કેટલાક બેનમૂન હિંદી ફિલ્મી ગીતોની યાદી બનાવીને મૂકવાનો આ એક નમ્ર પ્રયાસ છે. જાણકાર મિત્રોને ભૂલચૂક પ્રત્યે ધ્યાન દોરવા અને અન્ય કોઈ આવા ગીતો આપના ધ્યાનમાં હોય તો તે કોમેન્ટમાં લખવા આમંત્રણ છે.

1 ટિપ્પણી: