ઑગસ્ટ 24, 2013

માય નેમ ઈઝ શીલા....



માય નેમ ઈઝ શીલા.... શીલા કી જવાની....

મિત્રો, આ ગીત સાંભળતા જ તમને મનમાં સૌપ્રથમ શો ખ્યાલ આવે? (મોટાભાગના મિત્રોના માનસપટલ પર કેટરીના કૈફની કમનીય કાયા ઊભરી આવે.) કેટલાક મિત્રોને ફિલ્મનું કે ગાયિકા કે સંગીતકારનું નામ યાદ આવે. (ગીતકારના નામનો ઉલ્લેખ તો જાતજાતના એવોર્ડ ફંકશનમાં નોમિનેશનમાં જ સાંભળવા મળે છે. એટલે એ તો યાદ આવવાનો સવાલ જ નથી.)


પણ જો તમે સંગીતના રસિયા હશો અને એથી યે વધુ, હિંદી ફિલ્મ સંગીતના ચાહક હશો, તો તમને આ ગીત સાંભળીને એક વાતનો હર્ષ થયા વિના નહીં રહે. એક અરસા બાદ, હિંદી ફિલ્મના કોઈ (કુ)ખ્યાત ગીતમાં હાર્મોનિયમનો આટલો સુંદર ઉપયોગ થયેલો જોવા મળે છે. ગીતની શરૂઆત સાંભળો કે બે અંતરાની વચ્ચેના અંતરાલમાં વાગતું સંગીત સાંભળો. સંગીતકાર વિશાલ શેખરે આ ગીતમાં સજેલા હાર્મોનિયમના મીઠા સૂર તમને આકર્ષ્યા વિના નહીં રહે.

આમ તો ફિલ્મી સંગીતમાં હાર્મોનિયમનો ઉપયોગ મહદ્દઅંશે મુજરા, કવ્વાલી કે પછી ભિખારી દ્વારા ગવાતા ગીતોમાં થયેલો જોવા મળે છે. આજે ભલે સિન્થેસાઈઝરના જમાનામાં આ સુંદર વાદ્યનો ઉપયોગ બહુ જ ઓછો થતો જોવા મળે છે. પણ એક સમય હતો કે આપણા મોટાભાગના સંગીતકારોએ આ વાદ્યનો ઉપયોગ કરીને ખૂબ જ કર્ણપ્રિય ગીતો આપ્યા છે.

હુસ્નલાલ-ભગતરામની જોડીએ તૈયાર કરેલું ફિલ્મ બડી બહનનું ગીત - ચૂપ ચૂપ ખડે હો, જરૂર કોઈ બાત હૈ... સાંભળીને ખ્યાલ આવે કે કઈ રીતે હાર્મોનિયમના ઉપયોગથી હિંદુસ્તાની ગ્રામિણ વાતાવરણ આ ગીતમાં ઊભું થાય છે!

ઓર એક સંગીતકાર કે જેમણે પોતાના સંગીતમાં હાર્મોનિયમનો ઉપયોગ સુપેરે કર્યો છે, તે છે ઓ પી નૈયર સાહેબ. તેમણે તૈયાર કરેલા આ ગીતો આજે પણ આપણને એક અજબ મીઠાશનો અનુભવ કરાવે છે... લે કે પહેલા પહેલા પ્યાર(સી આઈ ડી), કજરા મહોબ્બતવાલા અખિયોં મેં ઐસા ડાલા(કિસ્મત), તેરા નિખરા નિખરા ચહેરા(સી આઈ ડી 909), સુભાનલ્લા હાય, હંસી ચહેરા હાય(કશ્મીર કી કલી) - આ યાદી તો બહુ લાંબી થાય એમ છે, એટલે એ વાત ફરી ક્યારેક.


એલ પી યાને કે લક્ષ્મીકાંત-પ્યારેલાલજી એ હાર્મોનિયમનો ઉપયોગ બહુ ઓછો કર્યો છે, પણ જ્યાં જ્યાં કર્યો છે, ત્યાં શું લાજવાબ કર્યો છે! પાયલ કી ઝકાર રસ્તે રસ્તે, ઢૂંઢે તેરા પ્યાર(મેરે લાલ)... કોઈ શહેરી બાબુ દિલ લહેરી બાબુ હાય રે(લોફર).

આ ઉપરાંત, કોઈ જબ રાહ ન પાયે(દોસ્તી), આદમી મુસાફિર હૈ(અપનાપન), ઐ મેરી જોહરાજબી(વક્ત), હમેં તો લૂંટ લિયા મિલ કે હુશ્નવાલોં ને(અલ હિલાલ), રિમઝિમ ગિરે સાવન(મંઝિલ), રંગ બરસે ભીગે ચુનરવાલી(સિલસિલા), સા રે ગા મા(ચૂપકે ચૂપકે), જો વાદા કિયા વો નિભાના પડેગા(તાજમહલ), બહુત શુક્રિયા બડી મહેરબાની(એક મુસાફિર એક હસીના), દીવાને હૈ દીવાનોં કો ન ઘર ચાહિયે(જંજીર) - આવા કેટલાય ગીતોની યાદી અહીં ઉમેરી શકાય.

પણ મારી પસંદનું ગીત હોય તો સંગીતકાર જયદેવે હાર્મોનિયમનો અફલાતૂન ઉપયોગ કરીને બનાવેલું ફિલ્મ 'મુઝે જીને દો' નું આ ગીત- રાત ભી હૈ કુછ ભીગી ભીગી... ચાંદ ભી હૈ કુછ મધ્ધમ મધ્ધમ... આ ગીતનો શરૂઆતનો હિસ્સો સાંભળો કે પછી અંતરામાં જલતરંગ અને તબલાં સાથેનો અદ્ભૂત ટુકડો સાંભળો - મન ખુશખુશાલ થઈ જશે! અને એથીયે વધીને, બીજા અંતરાની પહેલી લાઈન પૂરી થાય અને લતાજી ગાય છે, તપતે દિલ પર યું ગિરતી હૈ... અને આ સાથે જ હાર્મોનિયમના દિલકશ સૂરો બજી ઊઠે છે... ને લતાજી પોતાના મધમીઠા અવાજે બાકીની પંક્તિઓ ગાય છે...

તપતે દિલ પર યું ગિરતી હૈ... તેરી નજર સે પ્યાર કી શબનમ...
જલતે હુએ જંગલ પર જૈસે બરખા બરસે રૂક રૂક થમ થમ....
છમછમ.. છમછમ... છમછમ... છમછમ...

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો