ઑગસ્ટ 04, 2018

ચલતે ચલતે મેરે યે ગીત યાદ રખના...




કોને ખબર હતી કે આજથી ૮૮ વર્ષ પહેલા એટલે કે 4 ઓગસ્ટ, 1929નાં દિવસે મધ્યપ્રદેશના નાનકડા શહેર ખંડવામાં વસતા એક બંગાળી પરિવારમાં જન્મ લેનાર બાળક ‘આભાસ’ ની આભા એવી તો ફેલાશે કે ભારતીય ફિલ્મસંગીતના ઇતિહાસમાં આ નામ ‘કિશોર કુમાર’ના નામે અમર થઈ જશે! ૧૯૪૮મા સંગીતકાર ખેમચંદ પ્રકાશના સંગીત નિર્દેશનમાં ફિલ્મ ‘ઝીદ્દી’માં ગાયેલા પોતાના સૌપ્રથમ ગીત ‘મરને કી દુઆએં ક્યૂં માંગુ...’ થી લઈને ૧૯૮૭માં ફિલ્મ ‘વક્ત કી આવાઝ’ માટે ગયેલા ગીત ‘ગુરુ ઓ ગુરુ...’ સુધીની ચાલીસ વર્ષ લાંબી સંગીત યાત્રામાં કરોડો સંગીતપ્રેમીઓના દિલ જીતી લેનાર ‘જીનીયસ’ ગાયક કિશોર કુમારનાં ગાયેલા અગણિત ગીતો આજે પણ હવામાં ગૂંજતા રહે છે! આજે તેમના જન્મદિવસે એમના વિષે થોડી વાતો કરીએ.

નાનપણથી જ સંગીતમાં રુચિ ધરાવતા કિશોર કુમાર, કે. એલ. સાયગલના ચાહક હતા. સાયગલને પોતાના ગુરુ માનતા કિશોર કુમાર પોતાની ગાયકીમાં પણ તેમનું અનુકરણ કરતા. એ સમયે ફિલ્મ જગતમાં અભિનેતા તરીકે પોતાનું સ્થાન જમાવી ચૂકેલા મોટા ભાઈ અશોક કુમારને મળવા માટે મુંબઈ આવ જા કરતા રહેતા કિશોર કુમારની અંતરંગ ઈચ્છા તો પોતાના આરાધ્ય સાયગલને મળવાની જ રહેતી. જ્યારે અશોક કુમાર પોતાના નાના ભાઈ કિશોરને અભિનેતા બનાવવાના ઉદ્દેશથી મુંબઈ લઈ આવ્યા ત્યારબાદ થોડા જ દિવસોમાં સાયગલનું અવસાન થઇ જતા તેમની આ મહેચ્છા અધૂરી જ રહી. અને ત્યાર પછી બહુ જલ્દી તેમની ગાયકીમાંથી સાયગલની અસર પણ નાબૂદ થઇ ગઈ. થયું એવું કે અશોક કુમારને મળવા તેમના નિવાસ સ્થાને આવેલા સંગીતકાર એસ. ડી. બર્મન આવેલા ત્યારે બાથરૂમમાં ગાઈ રહેલા કિશોર કુમારનો અવાજ સાંભળીને પ્રભાવિત થઇ ગયેલા દાદાએ કિશોર કુમારને એ જ સમયે પોતાની અલગ શૈલી વિકસાવવાની સલાહ આપી. આજે કિશોર કુમારના જે સૂરીલા અવાજના જાદૂથી લોકો હજુયે અભિભૂત છે તે અવાજની શૈલી વિકસાવવા માટે કિશોર કુમારને પ્રેરણા આપનાર બર્મન દાદા જ હતા. દાદાના સંગીતમાં બનેલી મુનીમજી, ટેક્સી ડ્રાઈવર, ફંટૂશ, નૌ દો ગ્યારહ, પેઈંગ ગેસ્ટ, ગાઈડ, જ્વેલ થીફ, પ્રેમ પુજારી, તેરે મેરે સપને જેવી ફિલ્મોમાં કિશોર કુમારે અવિસ્મરણીય ગીતો ગાયા.

રફી અને મુકેશ જેવા સમકાલીન ગાયકો વચ્ચે પોતાની આગવી ઓળખ ઉભી કરી શકનાર કિશોર કુમારે પોતાની સહજ ગાયકી થકી ફિલ્મી ગીતોને સામાન્ય જનતાના હોઠે રમતા મૂકી દીધા. ચાર દશક જેટલી લાંબી સંગીતયાત્રા દરમિયાન હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, ભોજપુરી, બંગાળી, ઉડિયા, આસામી, કન્નડ, તમિલ, મલયાલમ ફિલ્મોના ગીત ગાનાર કિશોર કુમારે સર્વશ્રેષ્ઠ પાર્શ્વગાયક તરીકે આઠ આઠ વખત ફિલ્મફેર પુરસ્કાર જીત્યા હતા. ’૪૮થી પાર્શ્વગાયનની શરૂઆત કરનાર કિશોર કુમારને પહેલો ફિલ્મફેર પુરસ્કાર મળ્યો છેક સાલ ૧૯૬૯મા ફિલ્મ ‘આરાધના’ના ગીત ‘મેરે સાપનો કી રાની...’ માટે! ‘આરાધના’થી કિશોર કુમારની કારકિર્દીને જબરજસ્ત વેગ મળ્યો. એક તરફ ‘શર્મીલી’ અને પ્રેમ પુજારી’નાં ગીતો ખૂબ પ્રખ્યાત થયા તો બીજી તરફ ‘આરાધના’ બાદ ‘કટી પતંગ’ અને ‘અમર પ્રેમ’ની અપાર સફળતામા મહત્વનું પરિબળ બનેલો અભિનેતા રાજેશ ખન્ના માટે કિશોર કુમારના અવાજનો જાદૂ લોકોના દિલોદિમાગ પર એ હદે છવાઈ ગયો કે રાજેશ ખન્ના માટે કિશોર કુમારનો અવાજ અનિવાર્ય બની ગયો! રાજેશ ખન્ના માટે ૯૨ ફિલ્મોમાં ૨૪૫ જેટલા ગીત કિશોર કુમારે ગાયા છે, જે એક વિક્રમ છે.

‘૭૦નો દશક કિશોર કુમારની કારકિર્દીનો સુવર્ણકાળ હતો. એસ. ડી. બર્મન ઉપરાંત પંચમ, કલ્યાણજી આણંદજી, લક્ષ્મીકાંત પ્યારેલાલ જેવા સંગીતકારો સાથે કિશોર કુમારે કેટલાયે અણમોલ ગીતો આ સમયમાં આપ્યા. બુઢ્ઢા મિલ ગયા, મેરે જીવનસાથી, પરિચય, અભિમાન, કોરા કાગઝ, મિલી, આંધી, ખુશ્બૂ જેવી ફિલ્મો માટે આ સમયગાળામાં કિશોર કુમારે ગયેલા ગીતો આજે પણ લોકપ્રિય છે. ‘રાત કલી એક ખ્વાબ મેં આયી...’ જેવું રોમાન્ટિક ગીત હોય કે પછી ‘ચલા જાતા હૂં કિસી કી ધૂન મેં...’ જેવું મસ્તીભર્યું ગીત હોય કે પછી ‘બડી સૂની સૂની હૈ...’ કે ‘આયે તુમ યાદ મુઝે....’ જેવા ધીર ગંભીર ગીતો હોય... કિશોર કુમારની બહુઆયામી પ્રતિભાના હરેક રંગને ઉપસાવતા ગીતો આ સમયમાં આવ્યા. અગાઉ દેવ આનંદ અને ત્યારબાદ રાજેશ ખન્ના માટે પાર્શ્વગાયન કરનારા કિશોર કુમાર પછીથી અમિતાભ બચ્ચનનાં અવાજનો પર્યાય બની ગયા. કિશોર કુમારની ખૂબી જ એ હતી કે અભિનેતાના અવાજ અનુસાર પોતાના અવાજને ઢાળી શકતા હતા.

કિશોર કુમારે ગયેલા અગણિત ગીતોમાંથી આપણી પસંદગીના દસ ગીતો પસંદ કરવા એ જરા અઘરું કામ છે. પણ આજે આપણે ખુદ કિશોર કુમારની પસંદગીના દસ ગીતો પર એક નજર કરીએ...

૧) દુઃખી મન મેરે સુન મેરા કહેના...(ફંટૂશ)
૨) જગમગ જગમગ કરતા નિકલા...(રીમઝીમ)
૩) હુસ્ન ભી હૈ ઉદાસ ઉદાસ...(ફરેબ)
૪) ચિનગારી કોઈ ભડકે...(અમર પ્રેમ)
૫) મેરે નૈના સાવન ભાદો....(મહબૂબા)
૬) કોઈ હમદમ ના રહા....(ઝૂમરુ)
૭) મેરે મહબૂબ કયામત હોગી...(મિસ્ટર એક્સ ઈન બોમ્બે)
૮) કોઈ હોતા જીસકો અપના...(મેરે અપને)
૯) વો શામ કુછ અજીબ થી....(ખામોશી)
૧૦) બડી સૂની સૂની હૈ....(મિલી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો