નવેમ્બર 13, 2017

લખ ચોરાસી...


'જીવન-મરણના ફેરા.
કભી તેરા, કભી મેરા!'

પચાસેક કિલો વજન ભરેલું ખોખું લારીમાંથી ઉપાડીને સિત્તેરેક વર્ષના મજૂરે દુકાનના ત્રણ ફૂટ ઊંચા ઓટલા પર મહામહેનતે ચડાવ્યું. મેલાદાટ પહેરણથી કપાળ પરનો પરસેવો લૂછીને લેંઘાના ખિસ્સામાંથી ચલણ કાઢીને થડા પર બેઠેલા શેઠ સામે ધર્યુ.

"કેટલા દેવાના છે?" શેઠે ટિખળ કરતા હોય એમ પૂછયું.

"ચિઠ્ઠીમાં લયખુ છે. ઝટ સઈ કરો ને મને છૂટો કરો. હજુ આ ફેરો પતાવીને બીજા બે ફેરા નાખવાના છે."

મેલાઘેલા પહેરણની બાંય વડે કપાળ પરનો પરસેવો લૂછતા એણે જવાબ આપ્યો. લારીમાં એક પર એક ગોઠવેલા નાના મોટા પચીસ ત્રીસ ખોખા સામે જોતા જોતા શેઠે વીસની નોટ લંબાવી પણ મનોમન કશોક હિસાબ માંડી લીધો. ચલણમાં સહી કરતા એમણે પૂછી જ લીધું:

"રોજ કેટલા ફેરા થાય ?"

"કાંય નકકી નો 'ઓય! શેઠ જયાં લગી ક્યે ન્યાં લગી કયરા જ કરવાના...." વીસની નોટ અને ચલણને ગડી વાળીને ખિસ્સામાં મૂકતા, અર્ધા બોખા થઈ ગયેલા મોંએ જરા હસીને એણે લારી સામું ને પછી શેઠ સામું જોયું.

"આમ તો લખ ચોરાસી હોયને શેઠ... ખબર નૈ, કેટલા થ્યા ને કેટલા બાકી ર'યા.... બધી 'શેઠ'ને ખબર!"

ઉપર આકાશ તરફ હાથ કરી માથું હલાવતો એ લારી હંકારી ગયો!

નવેમ્બર 06, 2017

રામલાલ હીરા પન્ના...



કોઈ પણ ક્ષેત્રમાં સફળ થવા માટે શું જોઈએ? આવડત, મહેનત, લગન અને કદાચ નસીબ પણ. વ્યક્તિમાં આવડત હોય, મહેનત કરવાની તૈયારી હોય, કશુક કરી બતાવવા માટેની લગની પણ હોય, તો યે ઘણીવાર સફળતા હાથતાળી દઈને છટકી જતી હોય છે. એને માણસની કમનસીબી નહીં તો બીજું શું કહીશું? સંગીતકાર રામલાલની જ વાત લઇ લો ને.. રામલાલ? એ કોણ? સંગીત શોખીન વડીલ મિત્રો કદાચ રામલાલ હીરા પન્ના ને ઓળખતા હશે. જે મિત્રોએ વ્હી, શાંતારામની ફિલ્મ 'સેહરા' જોઈ હશે તેમને લતાજીએ ગાયેલું આ ફિલ્મનું મશહૂર ગીત 'પંખ હોતે તો ઊડ આતી રે રસિયા ઓ જાલિમા....' યાદ હશે જ. શાંતારામજીની જ ઓર એક ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોને' નું આશાજીએ ગાયેલું ગીત 'તેરે ખયાલો મેં હમ...' આજે પણ સાંભળીયે તો દિલનાં અરમાન જાગી ઉઠે છે! રામલાલ ચૌધરી ઉર્ફે રામલાલ હીરા પન્ના એ આ બંને ફિલ્મોના સંગીતકાર.

રામલાલ મૂળે શરણાઈ અને બાંસુરી વાદક. ઈ.સ. ૧૯૪૪માં તેમણે પૃથ્વી થિયેટર્સમાં જોડાઈને સંગીતકાર રામ ગાંગુલીના સહાયક તરીકે કારકીર્દીની શરૂઆત કરી. ફિલ્મ 'આગ'ના ગીતોમાં શરણાઈ અને બાંસુરીના સૂરો રેલાવીને તેમણે આ ગીતોને અવિસ્મરણીય બનાવી દીધા. નિર્માતા પી. એલ. સંતોષીએ તેમની પ્રતિભા પારખી અને ૧૯૫૦માં ફિલ્મ 'તાંગાવાલા'માં સૌપ્રથમવાર સ્વતંત્ર સંગીત નિર્દેશક તરીકે કામ કરવાનો મોકો આપ્યો. રાજ કપૂર અને વૈજયંતિમાલા જેવા કલાકારોને લઈને બની રહેલી આ ફિલ્મ માટે રામલાલે કુલ છ ગીતો બનાવ્યા. પણ કોઈ કારણવશ ફિલ્મ અધૂરી જ રહી અને ડબ્બામાં પૂરાઈ ગઈ. રામલાલ ફરી પાછા શરણાઈ અને બાંસુરીવાદન તરફ વળ્યા. ત્યારબાદ ૧૯૫૨મા 'હુસ્નાબાનો' નામની એક ફિલ્મમાં તેમણે સંગીત આપ્યું. ફિલ્મના બેએક ગીતો પણ પ્રસિદ્ધ થયા.

૧૯૫૯માં રિલીઝ થયેલી ફિલ્મ 'નવરંગ' રામલાલ માટે શુકનિયાળ સાબિત થઈ. આ ફિલ્મનું સંગીત ખૂબ વખણાયું. રામલાલે આ ફિલ્મમાં વગાડેલી શરણાઈના સૂર વ્હી. શાંતારામના ચિત્તતંત્રને ખળભળાવી ગયા. તેમણે આ પ્રતિભાશાળી સંગીતકારને પોતાની આગામી ફિલ્મ 'સેહરા'નું સંગીત આપવાનો મોકો આપ્યો. 'સેહરા'નું સંગીત ખૂબ વખણાયું. રામલાલને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ મળી. પ્રસિદ્ધ સંતૂર વાદક શિવકુમાર શર્માએ પણ 'સેહરા'માં રામલાલના નિર્દેશનમાં કામ કર્યું. ત્યારબાદ વ્હી. શાંતારામની જ ફિલ્મ 'ગીત ગાયા પથ્થરોને' માટે પણ રામલાલે સંગીત આપ્યું. 'ગીત ગાયા....' પણ ખૂબ જ સફળ રહી. આ ફિલ્મનું શીર્ષક શ્રી કિશોરી આમોનકરે ગાયું હતું. તો સી. એચ. આત્માએ ગાયેલુ આ ફિલ્મનું એક ગીત 'મંડવે તલે ગરીબ કે....' પણ અત્યંત પ્રસિદ્ધ થયું હતું. આ ફિલ્મ માટે વિખ્યાત બાંસુરીવાદક હરિપ્રસાદ ચૌરસિયાએ બાંસુરી વગાડી હતી. એમ તો લક્ષ્મી-પ્યારેએ 'માયા મચ્છીન્દર' અને કલ્યાણજી આનંદજીએ પણ 'નાગલોક' નામની ફિલ્મોમાં રામલાલના સહાયક તરીકે કામ કરેલું હતું. તદુપરાંત લતાજી, આશાજી, ઉષા મંગેશકર, રફી સાહેબ, મહેન્દ્ર કપૂર, સુમન કલ્યાણપુર, કિશોરી આમોનકર, સી. એચ. આત્મા, એસ. પી. બાલાસુબ્રમણ્યમ, યેસુદાસ અને હેમંત કુમાર જેવા ગાયકોએ રામલાલના સંગીત નિર્દેશનમાં ગીતો ગાયાં છે.

પણ વિધિની વક્રતા જુઓ. આટલી ઉચ્ચ કક્ષાની પ્રતિભા ધરાવતા સંગીતકારને ન જાણે કેમ ત્યારબાદ અન્ય કોઈ સારા બેનરની ફિલ્મોમાં કામ કરવા મળ્યું જ નહીં. અકળાયેલા રામલાલે પોતાના એક મિત્રની ભાગીદારીમાં ફિલ્મ નિર્માણમાં ઝંપલાવ્યું અને પોતાના બેનર 'પન્ના પિક્ચર્સ'નાં નેજા હેઠળ 'ત્યાગી' નામની ફિલ્મનું નિર્માણ હાથ ધર્યું. પણ ફિલ્મ પૂરી યે નહોતી થઇ અને ભાગીદારેતેમનો સાથ છોડી દીધો. 'સેહરા' તેમજ 'ગીત ગાયા પથ્થરોને' માંથી કમાયેલા પૈસા સહિત જિંદગીભરની મૂડી આ ફિલ્મનાં નિર્માણમાં લગાવી ચૂકેલા રામલાલ પાયમાલ થઇ ગયા.
'તકદીર કા ફસાના, જા કર કિસે સૂનાયે, ઇસ દિલ મેં જલ રહી હૈ અરમાન કી ચિતાયેં....' મોહમ્મદ રફી સાહેબના અવાજમાં આ અવિસ્મરણીય ગીતને સ્વરબદ્ધ કરતી વખતે એના સંગીતકારને કલ્પના હશે કે એક દિવસ આ શબ્દો ભૂતાવળ બનીને એમની જિંદગીને વળગશે?? પણ હકીકતમાં એવું જ બન્યું. સાહ્યબીનાં દિવસોમાં દક્ષિણ મુંબઈના કોલાબા જેવા ધનાઢય વિસ્તારમાં રહેતા, કાયમ પન્નાની વીંટી પહેરતા એક સમયના આ મશહૂર સંગીતકારે પોતાની જિંદગીના પાછલા વર્ષો ખેતવાડી વિસ્તારના એક નાનકડા મકાનમાં, મહારાષ્ટ્ર સરકાર તરફથી અપાતા ૭૦૦ રૂ. નાં માસિક ભથ્થા પર કઈ રીતે કાઢ્યા હશે એ તો રામ(લાલ) જ જાણે. કહેવાય છે કે ઉમરમાં પોતાનાથી પંદર સોળ વર્ષ નાની બ્રિટીશ મૂળની રીટાને તેઓ પરણેલા. આ રીટાને પાછલા વર્ષોમાં ઘરનું ગુજરાન ચલાવવા માટે કોઈ સખાવતી સંસ્થામાં કામ કરવાની ફરજ પડી હતી.

થોડા વર્ષો પહેલા રામલાલ આ ફાની દુનિયાને હંમેશા માટે છોડી ગયા. બહુ ઓછા અખબારોના એકાદ ખૂણે એમના મૃત્યુની નોંધ લેવાઈ, એટલું જ. બાકી આ સંગીતકાર વિષે ખાસ કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

નવેમ્બર 01, 2017

ગાતાં ખોવાઈ ગયું ગીત...


ગુજરાતી કવિતાને ચિરંજીવ બનાવનાર કેટલાંય મહાન નામોની યાદીમાં રમેશ પારેખનું નામ તદ્દન નોખી ભાત પાડે છે. મનના ઊંડાણમાંથી નિપજેલા શબ્દોના મોતી પરોવીને સર્જેલી એમની રચનાઓના અજવાસમાં ઝલમલતું કાવ્યત્વનું તેજ, ભાવકના મનોજગતમાં પણ પ્રકાશનો એક તેજલિસોટો પ્રસરાવ્યા વિના રહેતું નથી. અને એમાયે ફેસબુક પરના સુજ્ઞ મિત્ર શ્રી શ્રી મુકેશ દવે સાહેબ તેમની વિશિષ્ટ શૈલીમાં રમેશ પારેખના એક સદાબહાર ગીતનો આસ્વાદ કરાવે ત્યારે ગમતાનો ગુલાલ કર્યા વિના કઈ રીતે રહી શકાય?

ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
ઘેઘૂર ઉજાગરામાં ઊગે તે રાતને
આથમી ન જાય એમ રાખું
ભીડેલી પાંપણમાં કોણ જાણે કેમ
ફરી ઊઘડે પરોઢ તો ય ઝાંખું
આખું આકાશ પછી આવીને બેસતું પંખીના ખાલીખમ નીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં
આંગળીની ફૂંકથી ન ઓલવી શકાય
એવા પથ્થરમાં ઝળહળતા દીવા
પાણીથી ફાટફાટ છલકાતાં હોય તો ય
ચીતર્યાં તળાવ કેમ પીવાં
જંગલ તોડીને વહે ધસમસ લીલાશ અને ભીંજે નહીં તરણું યે બીડમાં
ગાતાં ખોવાઇ ગયું ગીત
કે ગીત હવે શોધું ક્યાં કલરવની ભીડમાં

– રમેશ પારેખ

આસ્વાદ- (By -મુકેશ દવે)
*******************************************************************************
રમેશ પારેખ આ છ અક્ષરનું નામ બોલીએ ત્યાં આખું મોં ગીતોથી ગળચટ્ટું થઈ જાય. શ્રી રમેશ પારેખ જાતને દોર બાંધી ઉડાડનાર અને કંઈક ભાળી ગયેલો સર્જક. કવિતાના દરેક સ્વરૂપમાં ખેડાણ કરનાર આ કવિના ગીત અનોખી ભાત પાડે છે.એમના ગીતોમાં સોરઠી લય, ગ્રામ પરિવેશ, તળપદા લહેકાની તાજગીથી રમેશાઈ ખીલી ઊઠે છે. એમના ગીતોમાં ભાવક અર્થને હડસેલી લયાન્વેષમાં રત થઈ જાય છે. આવા રમેશબ્રાંડ અનેક ગીતો લોકહૈયે સ્થાપિત થયાં છે જેમાંનું એક ગીત તે આ
"ગાતાં ખોવાઈ ગયું ગીત,"

શ્રી રમેશ પારેખનું આ નખશિખ સુંદર અને અનુભૂતિનું ગીત.એનો અર્થ કરવા બેસીએ તો અનર્થના અડાબીડ જંગલમાં ભટકી જવાનો ભય રહે. ભાષા અભિવ્યક્તિ, રૂપકપ્રયોજન અને લયથી લથબથ આ ગીત વાંચતા વેંત જ હૃદય સુધી પહોંચી જાય તેવું છે. શ્રી રમેશભાઈના સાથીદાર કવિ શ્રી અરવિંદભાઈ ભટ્ટ કહે છે કે આ ગીત કવિમુખે અનેકવાર સાંભળ્યું છે ને દરેક વખત આનંદ બસ આનંદ જ...... ગમ્યું એટલે બસ ગમ્યું, એના અર્થ વિસ્તારમાં પડવાનું ક્યારય મન જ ન થયું. એ આ ગીતની વિશેષતા.

પહેલાં તો આ ગીત વાંચતા કવિશ્રી ઉમાશંકર જોષીનું "ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જ્ડ્યું." યાદ આવી જાય. પરંતું બન્ને ગીત જુદાં જુદાે તાકે છે. કવિશ્રી ઉમાશંકરની રચના ગીત શોધવા પ્રકૃતિ પાસે જાય છે. જ્યારે શ્રી ર.પા.ની આ રચના ગીતની દયનીય સ્થિતિનો ચિતાર આપે છે.


કવિ ખૂબ સંવેદનશીલ છે. ગીત પ્રત્યેનો એમનો લગાવ એટલો બળુકો છે કે ગીત ગાયેલું હોવા છતાં એને ખોઈ નાખ્યાનો વસવસો અભિવ્યક્ત કરે છે. કવિનું ગીત ગાતાં ગાતાં ખોવાઈ ગયું છે એની શોધ કરવી છે અથવા નવું ગીત લખવાની સ્ફૂરણા પામવી છે. પ્રકૃતિમાં ગીતનું ભારોભાર અસ્તિત્વ રહેલું છે. ઝરણાંના ખળખળમાં ગીત, પવનની મંદ ગતિમાં ગીત, વૃક્ષોના લહેરાવામાં પણ અલગ ગીત..... પ્રકૃતિના આ તમામ ગીતો કાન દઈને તલ્લીન થઈને સાંભળો તો જ સંભળાય. પંખીઓનો કલરવ તો મીઠો હોય પણ અહીં કલરવની ભીડનો નિર્દેશ કાગડાના ક્રાઉંક્રાઉંને સામે લાવી મૂકે છે, જે કૃત્રિમતામાં અને માનવનિર્મિત ઘોંઘાટમાં આ ગીતો ખોવાઈ ગયાનો નિર્દેશ આ ગીત કરે છે.અને કવિની ગીતશોધનો પ્રારંભ થાય છે.

રાત્રિનું સૌંદર્ય અને એનું ગીત માણવા કવિ ઘેઘૂર ઉજાગરો કરે છે. એમને આ ગીત છટકી ન જાય એની ચિંતા છે ત્યાં પરોઢ થઈ જાય છે. અને ઉજાગરાનો ભાર આ પરોઢને ઝાંખું પાડી દે છે. એકાદા ગીતની સ્ફૂરણા માટે પંખીના માળામાં શોધવા જાય છે ત્યાં પણ ખાલી આકાશ છે. પંખી નથી તો ગીત કેમ સંભવે? માળામાં આકાશને બેસાડી શૂન્યવકાશ અને પ્રાકૃતિક અંગો અદૃશ્ય થયાનો નિર્દેશ અહીં સાંપડે છે.

કવિની દુર્દશા જુઓ કેવી સંદિગ્ધ છે? પ્રકૃતિનો નાશ કર્યા છતાં માણસ પ્રકૃતિનું સાન્નિધ્ય ઝંખે છે એટલે પથ્થર અને કાગળમાં તેને કંડારવાનો પ્રયાસ કરતો રહે છે. પણ આ કૃત્રિમતામાં કુદરતનું ગીત કેમ પ્રગટે ? પથ્થરમાં કંડારેલ દીવા આંગળીની ફૂંકથી ઓલવી ન શકાય, ચીતરેલાં તળાવ પાણીથી ગમે તેટલાં ફાટફાટ હોય પણ એ પી ન શકાય, દોરેલાં જંગલની લીલાશ અને ઝાકળ તરણાંને ભીંજવી ન શકે- જેવા અફલાતૂન રૂપકો દ્વારા કવિ આજની કૃત્રિમતામાં આ કુદરતી શાશ્વત ગીત ખોવાઈ ગયાનો નિર્દેશ કરે છે. જો એમ ના હોય તો કવિ કવિતાની વસૂકી ગયેલી પળને ફરી ઓધાનવતી કરી શકે.

આમ, ગીતની દયનીય સ્થિતિનું નિરૂપણ કરતું આ ગીત નવું જ સંવેદન અને નવી જ ચેતના આપી જાય છે. એમ છતાં આ ગીતને વિસ્તારવા જતાં – આસ્વાદવા જતાં ગીત મમળાવવાની મજા ઓગળી જતી હોય એવું આટલા આસ્વાદ પરથી લાગે છે. આ ગીતને ગાવાની અને પઠવાની મોજ આસ્વાદથી ક્યાંય આગળ નીકળી ચૂકી છે.આ કવિની કલમની તાકાતનો પરચો છે. કવિએ ગુજરાતી ગીતોને વેવલાવેડાંમાથી બહાર કાઢીને આવા ગીતો દ્વારા નવી દિશા આપી છે એ બદલ ગુજરાતી ગીત સદાય એમનું ઋણી રહેશે.

-મુકેશ દવે

ગાર્ગી વોરાના કંઠે આ અદભૂત ગીતની મજા અહીં માણો..