ઑગસ્ટ 18, 2014

હેપ્પી બર્થડે, ગુલઝાર સાહેબ...



''અજીબ હૈ યે શાયર... ચાહે જિતના ભી ઉડેલે, ખાલી નહીં હોતા...''

ખુદ ગુલઝાર સાહેબના જ શબ્દો એમના વિશે સઘળું કહી જાય છે! રોજબરોજની જિંદગીની વાત આસાન શબ્દોમાં કહી દેવી એ આ નિરાળા શાયરની ખાસિયત છે. એમની આ વિશિષ્ટતા જ એમને અન્ય શાયરોથી અલગ અને સાંભળનાર માટે સહજ બનાવે છે. કીડી-મંકોડાથી લઈને ચાંદ-તારા સુધીના વિષયો પોતાની રચનાઓમાં સમાવી લેનારા ગુલઝાર સાહેબનું  સાહિત્યિક જગતમાં એક વિશિષ્ટ સ્થાન છે. ચૈતન્ય મહાપ્રભુજીના કૃષ્ણભક્તિના પદ સરીખી રચના 'મોરા ગોરા રંગ લઈ લે...'થી ગીતકાર તરીકે પદાર્પણ કરનારા ગુલઝાર, ગીતકાર શૈલેન્દ્રને પોતાના ગુરુ તરીકે માને છે. 60 વર્ષની લાંબી કારકિર્દીમાં ઉર્દૂ, હિંદુસ્તાની અને ખડીબોલી જેવી લોકભોગ્ય ભાષાઓમાં અવિસ્મરણીય રચનાઓ આપનાર ગુલઝારે અનેક ફિલ્મોના ગીતલેખન ઉપરાંત કથા, પટકથાલેખન અને દિગ્દર્શન જેવા વિવિધ ક્ષેત્રે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે ઉમરના આઠ દાયકા વિત્યા હોવા છતાં પોતાની લાજવાબ રચનાઓ અને ઉત્કૃષ્ટ ગઝલો થકી સાહિત્ય સંમેલનો ગજવતા રહે છે  ગુલઝાર સાહેબ. જરા વિચાર તો કરો.... જે પેઢી એમની 'લકડી કી કાઠી...' અને 'જંગલ જંગલ બાત ચલી હૈ...' જેવી રચનાઓ ગણગણતા મોટી થઈ છે, એ જ પેઢી એમના 'કજરારે...' અને 'જય હો...' જેવા ગીતો પર મસ્ત થઈને ઝૂમી ઊઠે છે. આપણે સૌ ચાહકો એવી કામના કરીએ કે શબ્દોના આ જાદૂગર દીર્ઘાયુ પ્રાપ્ત કરે અને આવનારી અનેક પેઢી તેમના સદાબહાર ગીતોનું આચમન કર્યા કરે..

ઑગસ્ટ 16, 2014

આકાશવાણીની સિગ્નેચર ટ્યૂન...

વરસોવરસ એક અવાજ સાંભળીને વહેલી સવારની તાજગીમાં અજબની મીઠાશ ભળી જતી હતી. એ અવાજ આજે વહેલી સવારે ફરી સાંભળવા મળ્યો... એ અવાજ હતો આકાશવાણીની ‘સિગ્નેચર ટયૂન’નો! એ પણ મોબાઈલના અલાર્મ ટોન તરીકે!જાતજાતના રીંગટોન પોતાના મોબાઈલ ફોનમાં ડાઉનલોડ કર્યા કરતા મારા દીકરાએ
ન જાણે ક્યારે આ ટોન મારા ફોનમાં અલાર્મ ટોન તરીકે સેટ કરી દીધો હશે! પણ મારા માટે આ સવાર સવારમાં મળેલું સુખદ આશ્ચર્ય હતું!

શોલે...




૧૯૭૫ના ઓગસ્ટ મહિનામાં એક ફિલ્મ રજુ થઇ જે તે સમયની સૌથી મોંઘી મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી. પહેલા અઠવાડિયે આ ફિલ્મ માટે દર્શકોમાં કોઈ જ ઉત્સાહ જોવા ન મળ્યો. અને દિગ્દર્શક-લેખક-કલાકારોએ ભેગા મળી નક્કી કર્યું કે આનું કારણ ફિલ્મનો અંત છે. બધાએ ભેગા થઇ અંત ભાગનું ફરી ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું. પરંતુ એમ થાય એ પહેલા તો ફિલ્મ થીયેટરોમાં હાઉસફુલ જવા માંડી. એટલું જ નહિ ત્યાર પછી તો આ ફિલ્મે હિન્દી ફિલ્મજગતમાં અનેક શિખરો સર કરી ઈતિહાસ રચ્યા.

ઑગસ્ટ 12, 2014

પ્રેમની પરિભાષા



સાયકલ પર ડબલ સવારી કરતા પ્રૌઢ શ્રમજીવી દંપતીનો ફોટો ઈન્ટરનેટ પર અનાયાસ જોવા મળી ગયો. સીધા કેમેરામાં જોતા પુરુષનો ખુશખુશાલ ચહેરો અને તેની આગળ બેઠેલી પત્નીનો કેમેરાથી સંતાવાની નાકામ કોશિશ કરતો શરમાતો ચહેરો - મારા દિમાગમાં અંકિત થઇ ગયાં! અને દિલમાંથી સીધી કાગળ પર ઉતરી આવી બે પંક્તિઓ!

પ્રેમની લાંબી લચક પરિભાષા કરતા કે મોટા મોટા થોથાઓ લખતાં જ્ઞાનીઓ ને કહેવાનું મન થાય છે કે આ ચહેરાઓ જુઓ અને પછી વિચારો કે તમે સમયનો કેવો દુર્વ્યય કર્યો!!

ભવની પિછાણ



લોક છો કહેતા ફરે, વિધિના વિધાન છે,
આ હસ્તરેખાઓને ક્યાં કશીયે જાણ છે,

તારી ને મારી વાતમાં પડનારને કહેજે,
આ આજકાલની નહીં, ભવની પિછાણ છે.

~દક્ષેશ કોન્ટ્રાક્ટર 'ચાતક'