ઑગસ્ટ 16, 2014

શોલે...




૧૯૭૫ના ઓગસ્ટ મહિનામાં એક ફિલ્મ રજુ થઇ જે તે સમયની સૌથી મોંઘી મલ્ટી-સ્ટારર ફિલ્મ હતી. પહેલા અઠવાડિયે આ ફિલ્મ માટે દર્શકોમાં કોઈ જ ઉત્સાહ જોવા ન મળ્યો. અને દિગ્દર્શક-લેખક-કલાકારોએ ભેગા મળી નક્કી કર્યું કે આનું કારણ ફિલ્મનો અંત છે. બધાએ ભેગા થઇ અંત ભાગનું ફરી ફિલ્માંકન કરવાનું નક્કી કર્યું. પરંતુ એમ થાય એ પહેલા તો ફિલ્મ થીયેટરોમાં હાઉસફુલ જવા માંડી. એટલું જ નહિ ત્યાર પછી તો આ ફિલ્મે હિન્દી ફિલ્મજગતમાં અનેક શિખરો સર કરી ઈતિહાસ રચ્યા.


એ ફિલ્મ હતી જી.પી. સિપ્પી નિર્મિત અને રમેશ સિપ્પી દિગ્દર્શિત 'શોલે'! જ્યારે જ્યારે આ ફિલ્મની યાદ તાજી થાય ત્યારે ફરી ફરીને 'ગબ્બર' અમજદ ખાનનો ચહેરો નજર સામે તરવર્યા કરે છે. હિંદી ફિલ્મ જગતમાં આમ તો અનેક પાત્રોએ પોતપોતાના સમયમાં 'ચમત્કાર' સર્જ્યા છે. 'મિર્ઝા ગાલિબ'માં ભારત ભૂષણ, 'દેવદાસ'માં દિલીપ કુમાર અને 'તીસરી કસમ'માં રાજ કપૂર, 'પ્યાસા'માં ગુરુદત્ત - આ બધી  ક્યારેય પણ ન ભૂલી શકાય એવી યાદગાર ભૂમિકાઓ છે. જો કે, આ યાદી તો થોડી લાંબી થાય પરંતુ આજે જેની વાત કરવી છે એ 'શોલે'નો ગબ્બરસિંગ એ સમયની સાથે ક્યારેય ન વિસરાય એવું ચિરંજીવ પાત્ર છે. અતિશયોક્તિ વિના કહી શકાય કે, ગબ્બરનું પાત્ર, હિંદી સિનેમાના 'ક્લાસિક્સ'ની કક્ષામાં મૂકી શકાય. આ પાત્રને જો કોઈ પડકારી શકે તેવું હોય તો તે ફક્ત 'મુગલ-એ-આઝમ'માં અકબર બનતા પૃથ્વીરાજ કપૂર. હિંદી સિનેજગતના માત્ર આ બે જ પાત્રો પોતપોતાની રીતે બેમિસાલ છે. પૃથ્વીરાજ કપૂર બાદ ઘણા કલાકારોએ અકબરની ભૂમિકા ભજવી હશે, અમજદ ખાન પછી ઘણા કલાકારોએ ગબ્બર ટાઈપના પાત્રો ભજવ્યા હશે, પણ કોઈનામાં આ બે માંધાતાઓ જેવી વાત દેખાઈ નથી. હિન્દી ફિલ્મોના સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને ગબ્બરનું પાત્ર ભજવવાની ઘણી મહેચ્છા હતી જે રામ ગોપાલ વર્માની 'શોલે'ની નિષ્ફળ આવૃત્તિમાં પૂરી થઇ. છતાં અમિતાભ જેવા મહાન કલાકાર પણ ગબ્બરના મૂળ પાત્રને આંબી શક્યા નહિ.

આમ જોઈએ તો, કુદરતની એ વિશિષ્ટતા છે કે, જે કોઈ ઉત્કૃષ્ટ રચના સંભવે છે, તેના પર માનવ અધિકાર નથી હોતો. કહેવાનો અર્થ એ જ કે કોઈ પોતાની મરજીથી જો ઉત્કૃષ્ટતા હાંસલ કરી શક્તું હોત તો કોઈ પણ વ્યકિત, જિંદગીમાં બીજા ક્રમ પર રહેવાનું પસંદ ન કરત. અને કુદરતની આ જ તો બલિહારી છે કે, આવી વિશિષ્ટતા, આવા ચમત્કાર ક્યાંક ક્યાંક જ સંભવે છે. 'ગાલિબ'ની ગઝલ, ભીમસેન જોશીની ગાયકી, ટાગોરની કવિતા, લતા મંગેશકરનો અવાજ - આ બધું કુદરતની દેન છે. કોશિષ બધા જ કરે છે, મહેનત પણ બધા કરે છે, પણ કુદરત બધા પર એકસરખી મહેરબાન નથી હોતી.

'શોલે'માં અમિતાભ બચ્ચન, ધર્મેન્દ્ર અને સંજીવ કુમાર પણ હતા. આ બધા ઘડાયેલા કલાકારોની સરખામણીમાં અમજદ ખાન સાવ જ 'નવા  નિશાળિયા' હતા. એમની પાસે શું હતું? પોતાના પિતા જયંતનો અદાકારીનો વારસો, નાટ્યજગતનો અનુભવ અને દર્શનશાસ્ત્રમાં એમ. એ. ની ડીગ્રી. આ ત્રણ વિશિષ્ટતાઓએ પણ સંઘર્ષના સમયમાં એમનો સાથ ઓછો આપ્યો અને સંતાપ વધુ આપ્યો. પણ જ્યારે 'શોલે' માટે અમજદની પસંદગી થઈ ત્યારે ઈતિહાસ સર્જાઈ ગયો! ફિલ્મ રિલીઝ થયા બાદ દર્શકોએ ફિલ્મની સફળતાનો તાજ અમજદ ખાનના શિરે જ મૂક્યો. હિંદી સિને જગતની આ એવી પહેલવહેલી ફિલ્મ હતી કે જેણે ન કેવળ ટિકિટબારી પર અભૂતપૂર્વ રેકોર્ડ સર્જ્યો પરંતુ હિંદી ફિલ્મ જગતની પહેલવહેલી એવી ફિલ્મ બની કે જેના સંવાદોની રેકર્ડ બની અને આખાયે દેશમાં આ રેકર્ડઝનું ધરખમ વેચાણ થયું. આ લોકપ્રિયતામાં અમજદ ખાનના સંવાદોનું આકર્ષણ સવિશેષ હતું. બલ્કે એમ કહી શકાય કે ગબ્બરના સંવાદો ફરી ફરીને સાંભળવા માટે જ લોકો આ રેકર્ડઝ ખરીદતા હતા. મજાની વાત તો એ છે કે જ્યારે ફિલ્મ રિલીઝ નહોતી થઈ ત્યારે અમજદનો અવાજ ફિલ્મના યુનિટ માટે વિવાદનો વિષય બનેલો. અમજદનો અવાજ તે સમયના સામાન્ય  ફિલ્મી અવાજો કરતાં સાવ જ અલગ હતો. એટલે જ ફિલ્મ સાથે સંકળાયેલા મોટાભાગના લોકોનું માનવું હતું કે ગબ્બરના પાત્ર માટે કોઈ 'ભારેખમ' અવાજનો ઉપયોગ કરવામાં આવે. આ વિવાદ દિવસો સુધી ચાલ્યો. નવાસવા કલાકાર અમજદ આ વિવાદને લીધે ખાસ્સાં પરેશાન હતાં. પણ શું થાય? જે લોકો તેમના અવાજની વિરૂધ્ધમાં હતા તેઓના ખાતે કેટલીયે સફળ ફિલ્મો બોલતી હતી. પણ અહીં  કુદરત પોતાનો નિર્ણય લઈ ચૂકી હતી. ફિલ્મી ઈતિહાસના પાને ગબ્બરનું નામ સોનેરી અક્ષરે લખાઈ જવાનું નિર્માણ થઈ ચૂક્યું હતું. 'ગબ્બર' અમજદના 'ઓરિજીનલ' અવાજ સાથે જ ફિલ્મ રિલીઝ થઈ. અને પછી જે બન્યું એનો ઈતિહાસ સાક્ષી છે.

'શોલે' જ્યારે પ્રદર્શિત થઇ એ સમયગાળા દરમ્યાન ફિલ્મ એવોર્ડ સમારંભોમાં નકારાત્મક અને રમુજી ભૂમિકાઓને અલગ એવોર્ડ્સ આપવામાં આવતા નહિ પરંતુ એમનો સમાવેશ સહાયક અભિનેતા/અભિનેત્રીની કેટેગરીમાં કરવામાં આવતો. ૧૯૭૫ના ફિલ્મફેર એવોર્ડ્સમાં સહાયક અભિનેતાની કેટેગરીમાં ફિલ્મ 'મજબૂર'ના માઈકલ ડિસોઝાના પાત્રમાં પ્રાણ. ફિલ્મ 'અમાનુષ'ના માહિમ ઘોસાલના પાત્રમાં ઉત્પલ દત્ત અને 'શોલે'ના ગબ્બરસિંહના પાત્રમાં અમજદ ખાન વચ્ચે કાંટાની ટક્કર હતી. મોટા આશ્ચર્ય વચ્ચે ઇનામ ફિલ્મ 'દીવાર'ના રવિ વર્માના પાત્ર માટે શશી કપૂરને ફાળે ગયું હતું. એ સમયે હું સમજણી હોત તો મેં ચોક્કસ કહ્યું હોત કે "બહોત નાઇન્સાફી હૈ યે!!" હિંદી ફિલ્મોમાં એવું બનતું આવ્યું છે કે  કેટલીક ફિલ્મો, તેના બીજા બધા પાસા સબળ હોવા છતાં, કોઈ એક પાત્રના કારણે પ્રેક્ષકોના દિલોમાં વસી જાય. બેશક, 'શોલે' માટે એવું કહી શકાય કે અમજદ ખાન 'ગબ્બર'ના પાત્રમાં ન હોત તો ફિલ્મ આટલી સફળ ન થઈ હોત!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો