ઑગસ્ટ 18, 2014

હેપ્પી બર્થડે, ગુલઝાર સાહેબ...



''અજીબ હૈ યે શાયર... ચાહે જિતના ભી ઉડેલે, ખાલી નહીં હોતા...''

ખુદ ગુલઝાર સાહેબના જ શબ્દો એમના વિશે સઘળું કહી જાય છે! રોજબરોજની જિંદગીની વાત આસાન શબ્દોમાં કહી દેવી એ આ નિરાળા શાયરની ખાસિયત છે. એમની આ વિશિષ્ટતા જ એમને અન્ય શાયરોથી અલગ અને સાંભળનાર માટે સહજ બનાવે છે. કીડી-મંકોડાથી લઈને ચાંદ-તારા સુધીના વિષયો પોતાની રચનાઓમાં સમાવી લેનારા ગુલઝાર સાહેબનું  સાહિત્યિક જગતમાં એક વિશિષ્ટ સ્થાન છે. ચૈતન્ય મહાપ્રભુજીના કૃષ્ણભક્તિના પદ સરીખી રચના 'મોરા ગોરા રંગ લઈ લે...'થી ગીતકાર તરીકે પદાર્પણ કરનારા ગુલઝાર, ગીતકાર શૈલેન્દ્રને પોતાના ગુરુ તરીકે માને છે. 60 વર્ષની લાંબી કારકિર્દીમાં ઉર્દૂ, હિંદુસ્તાની અને ખડીબોલી જેવી લોકભોગ્ય ભાષાઓમાં અવિસ્મરણીય રચનાઓ આપનાર ગુલઝારે અનેક ફિલ્મોના ગીતલેખન ઉપરાંત કથા, પટકથાલેખન અને દિગ્દર્શન જેવા વિવિધ ક્ષેત્રે પોતાનું બહુમૂલ્ય યોગદાન આપ્યું છે. આજે ઉમરના આઠ દાયકા વિત્યા હોવા છતાં પોતાની લાજવાબ રચનાઓ અને ઉત્કૃષ્ટ ગઝલો થકી સાહિત્ય સંમેલનો ગજવતા રહે છે  ગુલઝાર સાહેબ. જરા વિચાર તો કરો.... જે પેઢી એમની 'લકડી કી કાઠી...' અને 'જંગલ જંગલ બાત ચલી હૈ...' જેવી રચનાઓ ગણગણતા મોટી થઈ છે, એ જ પેઢી એમના 'કજરારે...' અને 'જય હો...' જેવા ગીતો પર મસ્ત થઈને ઝૂમી ઊઠે છે. આપણે સૌ ચાહકો એવી કામના કરીએ કે શબ્દોના આ જાદૂગર દીર્ઘાયુ પ્રાપ્ત કરે અને આવનારી અનેક પેઢી તેમના સદાબહાર ગીતોનું આચમન કર્યા કરે..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો