સપ્ટેમ્બર 11, 2014

અણગમાના પહાડની બીજી તરફ....


આપણી વચ્ચે હજુયે ઘણું બધું છે.... અણગમાના મોટા પહાડની બીજી તરફ
હા એ ખરું કે તારા સ્પર્શથી હવે મને કોઈ સંવેદન નથી થતું
એક પથારીમાં સૂતેલા આપણે ક્યાં એકબીજાની સાથે હોઈએ છીએ?

તું જા ને તારી લાંબી લાંબી બિઝનેસ ટૂર પર
કે તું ન હોય એ સમયે હું ખુદની કેટલી નજીક હોઉં છું!
તારા માટે સજવાનું છોડી દીધું છે મેં ક્યારનુંયે
તારી આંખે ખુદને જોવાનું યે છોડી દીધું છે હવે
કેટલી નવાઈની વાત છે, નહીં?
ધીરે ધીરે ખતમ થઇ રહેલો આ સંબંધ
ક્યારે સાવ પૂરો થઇ જશે એની ખબર પણ નહીં પડે આપણને

પણ તોયે....
તારી ગેરહાજરીમાં કોઈની યે બીમારીના ખબર મળે
તો તારા છાતીના દુ:ખાવાની ચિંતા થઇ આવે છે મને
કૈક એવું બને મારી આસપાસ
તો જલ્દીથી તને કહી દેવાની તલબ જાગે છે
કે જો ને, આ તું નથી અહીં ને કેવી જફા થઇ છે

એક તું જ તો છો
કે જેને કંઈ પણ કહેતા પહેલા હું કશું વિચારતી નથી કે આ વાત તને કરું કે ન કરું
મારી વાત પર તારી પ્રતિક્રિયાની મને ખબર જ હોય
જેટલો ઊંચો તારો અવાજ 
એટલાં જ વેગથી વહેતા મારા આંસુ
ને પછી તારું 'સોરી'
આ સોરીની છરીથી પેલો પહાડ જરા જરા વહેરાતો રહે

મને શ્વાસ ચડે ત્યારે
તારું વારે વારે મને ફોન કરીને ખબર પૂછવાનું
શરુ શરૂમાં તો આ મારું બહાનું જ હતું, તારું ધ્યાન ખેંચવાનું
પણ હવે  તો મને એની આદત પડી ગઈ છે!
મારો દવાનો પંપ કે જે ક્યારેય મારા હાથવગો નથી હોતો
એ રાતના ત્રણ વાગ્યે પણ તું ક્યાંથી શોધી કાઢે છે?!

એક તને જ ખબર છે કે મારાથી ઠંડી જરાય સહન નથી થતી
એક તને જ ખબર છે કે ચાય મને ઓલ્વેઝ ગરમાગરમ જ પીવા જોઈએ છે
એક તને જ ખબર છે કે આઈસક્રીમ જોઇને મારાથી કંટ્રોલ નથી રહેતો
મેં ફેંકેલા વાસણોનો ઘા કેમ ચૂકાવવો એ તને જ આવડે છે
ને પછી તારું પીઠ ધરીને ઊભા રહેવું
"મારી લે..."
ને પેલા પહાડમાં ઓર એક તિરાડ...

મારો ફોન એન્ગેજ આવે એ તને બિલકુલ પસંદ નથી
“ક્યાં ચોંટેલી? કલાકથી ફોન ટ્રાય કરું છું..”
“બોયફ્રેન્ડ જોડે વાત કરતી હતી... કયો એ ન પૂછતો..”
“આ વખતે કો’ક સારો મુરતિયો શોધજે... જુવાન અને પૈસાવાળો..”
“ડોહાની આદત પડેલી છે એનું શું?”
"એ તો તારી સાથે રહીને આમ પણ બહુ જલ્દીથી થઈ જ જશે...
મજા કર... પણ જમી લેજે સમયસર... 
હું ન આવવાનો હોઉં ત્યારે રસોઈ જ કરતી નથી..."

તારું આ ડ્રાઈવ કરતા કરતા ફોન પર વાત કરવાનું મને બિલકુલ પસંદ નથી
તું જ્યારે કહે છે કે 
‘તારે શાંતિ, હું જાઉં તો...’
ત્યારે જરાય ઓઝપાયા વિના હું કહું છું: 
'વિમાનાં પ્રીમીયમ તો ભરે છે ને?
પચાસેક લાખ બેન્કમાં પડ્યા હોય તો શાંતિથી જીવી શકાય બાકીની જિંદગી...'

અને પછી કેટલું હસીએ છીએ આપણે બેય
આપણું હાસ્ય પેલા પહાડ જોડે ટકરાઈને પડઘાશે

આમ મોતથી પણ નથી ડરતા આપણે
તો અણગમાથી શું ડરવાનું?
આ જે આપણી વચ્ચેનું ‘કમ્ફર્ટ લેવલ’ છે
એ કદાચ અણગમા પછી જ આવ્યું હોય એમ નથી લાગતું?

~ સૌમ્યા જોષી 

3 ટિપ્પણીઓ: