સપ્ટેમ્બર 24, 2014

તું જે છે, જેવો છે, એવો જ મને પસંદ છે...



ઘણીવાર અરીસામાં જોઈએ અને એક બીજો જ પરિચિત ચહેરો ઉભરી આવે! એવી એક ક્ષણે ઉભરેલી રચના....

જાનમ...

ગઈ કાલે રાત્રે મારી પથારીમાં વિખરાયેલી હતી તારી અગણિત યાદો... જાણે કેલિડોસ્કોપમાં વિખરાયેલા રંગબેરંગી કાચના ટુકડાઓ...  જે તરફ પડખું ફેરવું એ તરફ તારી યાદનો એક ટુકડો ખિલખિલ હસતો વિખેરાઈ જતો મારી આસપાસ.... ને જરા હાથ લંબાવીને યાદના એ ટુકડાને સ્પર્શવા જાઉં ત્યાં બીજી યાદ આવીને હસતી હસતી એને પકડીને લઇ જતી....


ઉફ્ફ તારી આ યાદ પણ તારા જેવી જ છે – બદમાશ! બહુ પરેશાન કરી મૂકે છે મને... પણ તો યે બહુ જ વ્હાલી છે હો... કોઈ નાના બચ્ચાના માસૂમ તોફાન જેમ!

તને ખબર છે, તારી આ યાદો કેટલી બોલકણી છે! એક તું છે કે કંઈ બોલતો જ નથી હોતો... ને આ તારી યાદ છે કે ચૂપ જ નથી રહેતી... એક વાર શરુ થાય તો પછી..... (શું કહું? મારા પર જ ગઈ છે! :p )

માઝમ રાતે એવી તો વળગીને બેઠી’તી મને.. કે અચાનક કોઈ આવીને જુએ તો, ન કહેવાય ન સહેવાય એવી હાલત થઇ જાય!

તું તારે હસી લે... તારી ય કોઈક દિવસ આવી હાલત થશે, ત્યારે હું યે આવીને ગાઈશ...

છૂપાયે ન બને... બતાયે ન બને.....

હા બાબા... ગાલિબ જ સ્તો... ક્યાં મારા નામે ચડાવું છું! તારી જેમ શેર-ઓ-શાયરી મને ક્યાં યાદ રહે છે?

હશે, ચાલ.. વાત સાંભળ... કાલ રાત્રે મેં તારી યાદો સાથે કેટલીયે વાતો કરી ને તારી યાદોના સથવારે   સપનાંના કોઈ અણદીઠા મુલકમાં હું જઈ ચડી.... જ્યાં હતા માત્ર તું અને હું... ચાંદનીનું શીતળ અજવાળું અને ચોમેર ફેલાયેલી માદક ખૂશ્બૂ....

રજનીગંધા કે પછી રાતરાણી?

ના ના... આ તો એ મહેક હતી જે પહેલીવાર તારા આલિંગનમાં અનુભવી હતી.... એ પહેલીવારના સ્પર્શની અનેરી ખૂશ્બૂ.... હજુ યે મારું તનમન મહેક મહેક થાય છે...

તને ખબર છે? આજ વહેલી સવારના સપનામાં તને જોયો છે ત્યારથી એવી તો આનંદમાં છું કે જાણે કોઈ ખોવાયેલો ખજાનો ન મળી ગયો હોય! ‘પાગલ...’ એમ જ કહેશે તું મને.... ખબર છે મને... ને આમ કહેતા હસતો ખીલતો તારો ચહેરો... ઉફ્ફ! હાય મેં મર જાવાં!

“એય.. આમ હવામાં ન ઉડવા લાગ હો! હું કઈ કેસેનોવા નથી!” -

....હા મને ખબર છે તું આમ જ કહેશે.... તારા વખાણ  કરું એ તને ગમતું નથી. પણ તને કહી દઉં કે ભલે તું કેસેનોવા નથી, તું જે છે, જેવો છે, એવો જ મને પસંદ છે...

સરળ, સૌમ્ય, શાંત....

બિલકુલ મારા જેવો જ....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો