મે 24, 2017

रहें ना रहें हम.....



કે. એલ. સાયગલ, દેવ આનંદ, શમ્મી કપૂર, રાજેશ ખન્ના, રિશી કપૂર, આમિર ખાન... આ બધા નામો વચ્ચે એક સામ્યતા શોધવાનું કોઈ કહે તો શું જવાબ મળે? બેશક બધા જ હિન્દી ફિલ્મ જગતના ખ્યાતનામ સિતારા છે. તેમજ સૌ જે તે સમયે ખાસ્સા સફળ અને લોકપ્રિય રહ્યાં છે. ને જરા ઝીણવટથી જોઈએ તો, આ બધા ની સફળતમ ફિલ્મોના ગીતો એક જ વ્યક્તિએ લખ્યાં છે. ને એ ગીતો ય કેવા?યુવા દિલોની ધડકન તેજ કરી દે તેવા,  હિલ્લોળા લેતા જોબનના ઉમંગ ઉત્સાહને ખુલ્લી આંખે કો' અનન્ય સ્વપ્નસૃષ્ટિની સફરે લઈ જાય તેવા. પણ મોટેભાગે બધા જ ગીતોમાં કાવ્ય તત્વ પોતાની અલૌકિક ઊંચાઈ પર હોય.

ફિલ્મી ગીતોમાં કાવ્ય તત્વની વાત થાય કે  શૈલેન્દ્ર, સાહિર લુધિયાનવી કે ગુલઝારનું નામ જ સૌપ્રથમ હૈયે આવી રહે. પણ આજે એ ગીતકારની વાત કરવી છે કે જેમણે પોતાની અર્ધી સદી જેટલી લાંબી કારકિર્દીમાં એકએકથી ચડિયાતા એવાં એવાં અઢળક ગીતો આપ્યા કે જેની યાદી કરવા બેસીએ તો એકએક ગીત ગણગણ્યા વિના ન રહી શકાય. સરળ, સહજ શબ્દોમાં હૃદય સોંસરવી ઉતરી જાય એવી યાદગાર રચનાઓ. ભલે કહેવાય ફિલ્મી ગીત, પરંતુ ભારોભાર કાવ્યાત્મક અભિવ્યક્તિના ઉત્કૃષ્ટ નમૂના જેવા આ ગીતો આપનાર શાયર એટલે જનાબ અસરાર-ઉલ-હસન ખાન ઉર્ફે મજરૂહ સુલ્તાનપુરી.


1 ઓકટોબર, 1919ના રોજ ઉત્તરપ્રદેશના સુલતાનપુર જિલ્લાના એક નાનકડા ગામમાં, સામાન્ય સબ ઇન્સ્પેક્ટર ને ઘેર જન્મેલા મજરૂહે અરબી, ઉર્દૂ અને ફારસી ભાષામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ લખનૌની કોલેજમાંથી યુનાની ચિકિત્સા પદ્ધતિનું જ્ઞાન મેળવીને હકીમ તરીકે કારકિર્દીની શરૂઆત કરી. પણ ઉર્દૂ શાયરીનો શોખ તેમને મુશાયરા ભણી ખેંચી ગયો. સુલ્તાનપુર મુકામે યોજાયેલા એક મુશાયરામાં તેમણે રજૂ કરેલી ગઝલ, શ્રોતાઓના દિલ ડોલાવી ગઈ! એ સમયે મળેલી વાહવાહીથી મજરૂહના મનમાં રમતા શાયરી પ્રત્યેના અદમ્ય ખેંચાણને પૂરજોશથી દિશા મળી ગઈ. હકીમ તરીકેની કારકિર્દીને કોરાણે મૂકીને મજરૂહ સંપૂર્ણપણે શાયરીને સમર્પિત થઈ ગયા. લોકોના દુઃખ દર્દ મટાડનાર હકીમે તખલ્લૂસ રાખ્યું - 'મજરૂહ'. જેનો અર્થ થાય છે 'જખમ'! બળતા હૃદય ને શાતા આપે એવા મધુર ગીતો આપનારા મજરૂહે પોતાના તખલ્લૂસ સાથે જોડી દઈને વતન સુલ્તાનપુરનું નામ પણ અમર કરી દીધું.

સુલ્તાનપુરથી શરૂ થયેલી પરંપરા આગળ પણ ચાલતી રહી. મજરૂહ જયાં પણ જતા, મુશાયરાની જાન બની જતા. આવા જ એક મુશાયરામાં તેમને શાયર જિગર મુરાદાબાદીનો પરિચય થયો. જે આગળ જતાં ગાઢ મિત્રતામાં ફેરવાયો. 1945માં મુંબઇ ખાતે યોજાયેલા એક મુશાયરામાં ફિલ્મ નિર્માતા એ. આર. કારદાર ની પારખુ નજરે તેમની શાયરીનું હીર માપી લીધું. તેમણે મજરૂહને ફિલ્મ માટે ગીતો લખવાની ઓફર આપી. પણ શાયરીને વરેલા મજરૂહે ફિલ્મી ગીત લેખનનો રાહ અપનાવવાની સ્પષ્ટ નારાજગી દર્શાવી. જો કે મિત્ર જિગર મુરાદાબાદીની વ્યવહારુ સલાહને માન આપીને સંગીતકાર નૌશાદને મળવા ગયેલા મજરૂહની કસોટી કરવા નૌશાદે એક તરજ તેમની સામે રમતી મૂકીને તેના પર કોઈ શબ્દો લખવા જણાવ્યું. જેના સમગ્ર અસ્તિત્વમાં શાયરી છલકાતી હતી એવા મજરૂહે પલકવારમાં શબ્દોની એક માળા ગૂંથી આપી.. 'જબ ઉસને ગેસૂં બિખરાયે, બાદલ આયે ઝૂમ કે...' અભિભૂત થઈ ગયેલા નૌશાદે એ જ ઘડીએ ફિલ્મ 'શાહજહાં'ના ગીતો લખવા માટે મજરૂહ પર પસંદગીની મહોર મારી દીધી! 'કર લિજીયે ચલ કે મેરી મહોબ્બત કે નઝારે...' અને 'જબ દિલ હી ટૂટ ગયા....' જેવા 'શાહજહાં'ના ગીતો અત્યંત સફળ થયા અને આબાલવૃદ્ધ સૌની જીભે રમતા થઈ ગયા. કે. એલ. સાયગલને પોતે ગાયેલું 'જબ દિલ હી તૂટ ગયા...' ગીત એટલું તો ગમ્યું કે પોતાની અંતિમયાત્રા વખતે એ ગીત વગાડવાની તેમણે જાહેરાત કરી દીધી!

'શાહજહાં' બાદ 'મહેંદી', 'અંદાઝ', 'આરઝૂ' જેવી ફિલ્મોમાં એક પછી એક સફળતાનાં શિખરો સર કરી રહેલા મજરૂહને તેમની ડાબેરી વિચારધારાના પગલે તત્કાલીન સરકારની ભારે ખફગી વહોરવી પડી. પોતાની એક ક્રાંતિકારી રચનામાં સરકારની હાંસી ઉડાવતા શબ્દો પ્રયોજવા બાદલ તેમને બે વર્ષની જેલની સજા થઈ! માફી માંગીને સજામાંથી છૂટવાને બદલે તેમણે પોતાની વિચારધારામાં અડગ રહીને સજાનો સ્વીકાર કર્યો. જેલમાંથી બહાર આવ્યા બાદ 'ફૂટપાથ' અને 'આરપાર' જેવી ફિલ્મો દ્વારા મજરૂહે ધમાકેદાર પુન:પ્રવેશ કર્યો. એક પછી એક સફળ ફિલ્મોની શૃંખલા રચાતી ગઈ. એ બધીમાં શિરમોર રહી 1964ની ફિલ્મ 'દોસ્તી', જેના ગીત 'ચાહુંગા મૈં તુજે સાંજ સવેરે.... માટે તે વર્ષનો શ્રેષ્ઠ ગીતકાર તરીકેનો પહેલવહેલો અને એકમાત્ર  ફિલ્મફેર પુરસ્કાર મળ્યો.

કોઈપણ છંદમાં, કોઈ પણ 'મીટર'ને અનુરૂપ શીઘ્ર રચના લખી આપવામાં મજરૂહ બેજોડ હતા. 50 વર્ષની લાંબી કારકિર્દીમાં લોકપ્રિય અને કર્ણપ્રિય એવા અનેક ગીતોની રચના કરનારા મજરૂહે જ્યાં એક તરફ સંવેદનની ચાસણીમાં ઝબકોળાયેલાં મધુર પ્રણય ગીતો લખ્યાં તો બીજી તરફ સામાન્ય માનવીની મનોવ્યથા અને સામાજિક સમસ્યાઓના ઉકેલ સૂચવતી ગંભીર રચનાઓ પણ એમની કલમે અવતરી. ઉત્તરપ્રદેશના લોકગીતોને પોતાની રચનાઓમાં પ્રતિબિંબિત કરવાનું શ્રેય પણ મજરૂહના ભાગે જાય છે.

હાડોહાડ શાયર મજરૂહ ફિલ્મી ગીત લેખનને આજીવિકા રળવાનું એક સાધન માત્ર માનતા. બાકી તેમની રુચિ ગંભીર પ્રકારની શાયરીના સર્જન પરત્વે જ આસક્ત રહી. તેમ છતાં, તેમની મોટાભાગની  ફિલ્મી  રચનાઓ ઉત્તમ પ્રકારની રહી. હા, ફિલ્મની કહાણીની માંગ અનુસાર તેમણે કેટલીક રમતિયાળ અંદાઝ ધરાવતી રચનાઓ પણ લખી, જે ખાસ્સી લોકપ્રિય રહી. 1980માં 'ગાલિબ' એવોર્ડ અને 1992માં 'ઇકબાલ' એવોર્ડ જેવા ઉર્દૂ સાહિત્યના ઉચ્ચતમ પુરસ્કાર પ્રાપ્ત કર્યા બાદ ગીતકાર તરીકે 1994માં ફિલ્મજગતનું સર્વોચ્ચ સન્માન 'દાદાસાહેબ ફાળકે પુરસ્કાર' મેળવનાર એકમાત્ર શાયર મજરૂહ સુલ્તાનપુરી, જીવનના અંત સુધી ફિલ્મોમાં  શબ્દોની છાબ સજાવતા રહ્યાં. 24 મે, 2000ના રોજ તેમનો દેહવિલય થયો. તેમણે ફિલ્મ જગતને આપેલા નાયાબ ગીતરત્નો પૈકી કેટલાક મારી પસંદના ગીતો આ મુજબ છે....

રહે ના રહે હમ, મહેકા કરેંગે...(મમતા)
કભી તો મિલેગી, કહીં તો મિલેગી...(આરતી)
જલતે હૈ જીસકે લિયે તેરી આંખો કે દીયે.. (સુજાતા)
છૂપને વાલે સામને આ...(તુમ સા નહીં દેખા)
તેરી આંખો કે સિવા દુનિયા મેં રખ્ખા કયા હૈ... (સુજાતા)
ચુરા લિયા હૈ તુમને જો દિલ કો.. (યાદો કી બારાત)