સપ્ટેમ્બર 28, 2017

સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર


સ્વરસામ્રાજ્ઞી લતા મંગેશકર. આજે એમના જન્મદિવસે, એમના વિશે વાત કરતા ખૂબ જ ભાવુક થઈ જવાય છે. કારણ, આજે જેમની વાત કરવી છે એ ગાયિકા લતા મંગેશકરની વાત નથી. એ છે એક દીકરી લતા મંગેશકરની વાત.

લતા એટલે પિતા દીનાનાથ મંગેશકરનું ઈશ્વરીય વરદાન સમું સંતાન. દીનાનાથજીનો પણ શું જમાનો હતો! ૧૯૩૦ની આસપાસ, મરાઠી રંગભૂમિના બેતાજ બાદશાહ ગણાતા દીનાનાથજીની માસિક આવક હતી રૂ. ૧૬, ૦૦૦. તે સિવાય બીજા રોકડ પુરસ્કાર, ભેટ-સોગાદ, ઈનામ-અકરામ તો જુદા. તેઓ કહેતા કે 'આ જ રીતે ઉપરવાળાની મહેરબાની રહી તો એક દિવસ આખું ગોવા ખરીદી લઈશ!'

પણ ભાવિના ગર્ભમાં શું છૂપાયું છે એ કોને ખબર છે? ગાયક દીનાનાથ મંગેશકર અને એમની નાટક મંડળી આખાયે મહારાષ્ટ્રમાં ધૂમ મચાવી રહી હતી. એક પછી એક સફળતા એમના કદમ ચૂમી રહી હતી, ત્યારે દીનાનાથજીને નાટક મંડળી છોડીને ફિલ્મ બનાવવાનું મન થયું. અને એમાં એમને ઉપરાછાપરી નિષ્ફળતાઓ સાંપડી... આ આઘાત તેઓ સહન ન કરી શક્યાં અને માત્ર ૪૨ વર્ષની અલ્પ આયુમાં તેમનું નિધન થઈ ગયું.

આ સમયે, માત્ર ૧૩ વર્ષની ઉમરે લતાજીને રેડિયો પર કામ મળવાનું શરૂ થઈ ગયેલું. મૃત્યુશૈયા પર પડેલા દીનાનાથજીએ રેડિયો પર દીકરી લતાનો અવાજ સાંભળીને કહેલું, ''અબ મેં ચૈન સે અંતિમ સાંસ લે સકતા હૂં...'' લતાજીના માથા પર હાથ ફેરવતા ફેરવતા તેમણે કહેલું, ''મૈને અપને જીવનમેં બહુત ધન કમાયા ઔર ગંવાયા ભી, લેકિન મેં તુમ લોગોં કે લિયે કુછ ભી છોડ કર નહીં જા રહા, સિવાય મેરી ધુનોં, એક તાનપૂરે ઔર ઢેરોં આશીર્વાદ કે અલાવા.... તુમ એક દિન બહુત નામ કમાઓગી....''   

માત્ર તેર વર્ષની નાની ઉમરે મા, બે બહેનો અને ભાઈ સહિતના પરિવારની જવાબદારી લતાજી પર આવી પડી. જો કે એમણે હિંમત હાર્યા વિના પોતાનામાં રહેલી ઈશ્વરદત્ત પ્રતિભાના જોરે અને સ્વર્ગસ્થ પિતાના આશીર્વાદના સથવારે જીવનસંઘર્ષ શરૂ કર્યો અને આજીવન અપરિણિત રહીને ન કેવળ પરિવારની જવાબદારી પણ નિભાવી, બલ્કિ પોતાની પોતાની જિંદગીમાં પણ એવાં એવાં ઉચ્ચતમ શિખરો સર કર્યાં, જે ન કેવળ એક ગાયિકા માટે પરંતુ સમગ્ર સ્ત્રી જાતિ માટે ગૌરવ સમાન ગણાય.

એક સમારંભ દરમિયાન લતાજી પોતાના સંઘર્ષકાળને યાદ કરતા કહે છે કે,  "બાબા ગયા, એને ૭૦ વર્ષ વીત્યાં. તેમના અવસાનના પાંચમા મહિને મેં ચિત્રપટ સૃષ્ટિમાં પ્રવેશ કર્યો. પ્રથમ ભૂમિકા મુખ્ય અભિનેત્રી (હિરોઈન)ની બહેનની મળી. તેમાં સાથે સાથે ગીતો પણ ગાવાનાં હતા. મેકઅપ કરવો, શૂટિંગ માટે ગરમીમાં તરસ્યા ઊભા રહેવું મને ગમતું નહોતું. પણ હું કામ કરતી હતી. કોઈ ઉપાય નહોતો. વર્ષ ૧૯૪૭ સુધી મેં અભિનય-ગાયન કર્યા, ત્યાર પછી ખરા અર્થમાં પાર્શ્વગાયન શરૂ કર્યું. પહેલું ગીત 'આયેગા આનેવાલા' ગાયું અને પછી ઘણાં ગીતો ગાવા મળ્યાં. આ સંઘર્ષના કાળમાં હંમેશાં પિતા નજીક હોય એવું લાગતું હતું. સ્વપ્નમાં પણ દેખાતા હતા. વર્ષ ૧૯૪૩માં મુંબઈમાં યોજાયેલા નાટ્ય મહોત્સવમાં સૌના આગ્રહથી મેં ગાવાનું નક્કી કર્યું. એ માટેના રિયાઝ દરમિયાન કાકાએ 'તું મારા ભાઈનું નાક કાપવાની છે.' એવું મહેણું માર્યું. એ મહેણું મને હાડોહાડ લાગ્યું. હું ખૂબ રડી. એ રાતે સ્વપ્નમાં મેં બાબાને 'સંગીત માનાપમાન'નું ગીત ગાતા જોયા. એ સ્વપ્ન શુકનિયાળ નીવડ્યું. એ નાટ્ય સંગીતના કાર્યક્રમમાં મારા ગાયનથી  સૌ ખુશ થયા. લલિતા પવાર એટલાં ખુશ થયાં કે સોનાની કાનની બુટ્ટીઓ અને એવા સાહેબ પેંડસેએ ૨૫ રૂપિયાની બક્ષિસ આપી હતી. મને હંમેશા એવું લાગે છે કે બાબા ક્ષણે ક્ષણે મારી જોડે હોય છે."

એક આનુવંશિક તથ્ય છે કે દીકરીઓ પિતાને અધિક વહાલી હોય છે, જ્યારે દીકરાઓ મા ને... લતાજી-દીનાનાથજીના આ દિવ્ય પ્રેમને અનુભવવો હોય તો ફિલ્મ 'આશીર્વાદ'નું આ ગીત એક વાર ધ્યાનથી સાંભળો. ગુલઝારસાહેબની તમામ અમૂલ્ય રચનાઓ પૈકી સૌથી અનોખી કહી શકાય એવી આ રચનાને સંગીતકાર વસંત દેસાઈએ રાગ ગુજરી તોડી પર આધારિત બંદિશમાં  સ્વરબદ્ધ કરી છે. ગુલઝારસાહેબના લખેલા ખૂબ જ સરળ શબ્દોમાં લતાજી જાણે કે પોતાની સ્મૃતિમાં વસેલા પિતાને યાદ કરીને આ ગીત ગાઈ રહ્યાં હોય! સંયોગ પણ જુઓ! ફિલ્મમાં અભિનેત્રી સુનિતા સાન્યાલને આ ગીત, ગાયિકાના રૂપમાં રેડિયો પર ગાતાં દર્શાવાયા છે. ત્રીજા અંતરામાં લતાજી ગાય છે, "મેરે હોઠોં પર ઉનકી આવાઝ ભી હૈ...." ત્યારે ગુલઝારના શબ્દોમાં છલકાતી એક પુત્રીના હ્રદયની આરત, પિતા પ્રત્યેનો અનન્ય ભકિતભાવ, સાંભળનારના અંતરના ઉંડાણ સુધી પહોંચે છે. એક પિતાનો પુત્રીને અપાયેલો આશીર્વાદ, ન જાણે કેટલાયે હ્રદયના કોમળ ભાવોને વ્યક્ત થવામાં નિમિત બનવાનો હશે!

http://www.youtube.com/watch?v=-Kt60ZFdxOM