એપ્રિલ 06, 2018

બાળપણ... વેકેશન... ધિંગામસ્તી... મોજમજા...




ઉનાળો આવે ને મને વેકેશન સાંભરે! મારું નાનપણ જામનગરમાં વીત્યું અને મોસાળ છેક સુરત. તે સમયે બસની સુવિધા અત્યારના જેટલી નહીં. એસટીની બસમાં રિઝર્વેશન ન હોય તો ઉભા રહેવાની પણ જગ્યા ન મળે. તેમ છતાં દર વર્ષે એકાદ મહિનો જેવું તો સુરત મોસાળે રહેવા જવાનું જ. ત્યાં એક મામાના ઘરથી બીજા મામાના ઘર વચ્ચે આવજા ચાલ્યા કરે. ક્યાંય કોઈ રોકટોક નહીં. બસ, સમયસર નહાઈ લેવાનું ને નાનાના ઓરડામાં કોઈ ચીજને અડકવાનું નહીં. નાના રિટાયર્ડ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હતા. એમના ઓરડામાં કાચના બે મોટા કબાટ ભરીને કાયદાના પુસ્તકો અને મસમોટું લાકડાનું ટેબલ જેના પર કેટલીયે ચીજો પડી રહેતી. ક્યારેક ચૂપકેથી એ ટેબલ પર પડેલી વસ્તુઓને નજીકથી જોતા હોય ત્યાં જો નાના આવી ચડે તો હળવેથી કહે, 'ભાણીબેન... એ બધી મારી કામની ચીજો છે હો! અડાય નહીં!' અને એ જ નાના પાછા છેક ભાગળ ને ચૌટાપુલ આંગળી પકડીને લઈ જાય. જે મન થાય તે ખવરાવે.

નાના મામા બહુ શોખીન. એમના કબાટમાં સુગંધી પાઉડર ને જાતજાતના અત્તરની બાટલીઓ પડી હોય. બાથરૂમમાં ય એમનો સાબુ અલગ, જેન્ટિલ સાબુ. નાની બિચારા તાકીદ કરે કે મામાના સાબુથી નહીં નહાવાનું હો! પણ મામા તો કોઈ દિવસ કશું ન કહે. એમની તો હું પહેલેથી ફેવરીટ ભાણી. સાઇકલ પર બેસાડીને બધે ફરવા લઈ જાય. અમારે ત્યાં આવે ત્યારે પણ વીરપુર જલારામબાપાના દર્શને જવાનું હોય કે બાલંભા દેવસ્થાને દર્શન કરવા, મને જોડે લઈ ગયા વિના એમને ન ગમે. એમને ફોટા પાડવાનો પણ ગજબનો શોખ! નાનપણમાં મારા કેટલાયે ફોટા એમણે પાડ્યા હશે!

બીજા મામાનું ઘર પણ નજીક જ. ત્યાં પણ બહુ આનંદ કર્યો છે. એમના ઘરે એક આખો ઓરડો સુગંધનો ભરીને રાખેલો હોય! મામા ખૂબ શ્રદ્ધાળુ. એમના એ ઓરડામાં એક તરફ આખી દીવાલ ભરાય એટલા ભગવાન હારબંધ બાજઠ પર બેસાડેલા! મામા રોજ સવારે નહાઈને દરેક ભગવાનની છબી સાફ કરે.ચાંદલા કરે, ફુલહાર ચડાવે ને ઘંટડી વગાડતા મોટી દીવીમાં દિવેટ ગોઠવીને આરતી કરે! એ જોવાની બહુ મઝા પડે! પૂજા પત્યા પછી મામા પ્રસાદ આપે. પ્રસાદ ખાઈને પછી રમવા જવાનું. આજુબાજુમાં પારસી લોકોના ઘર ઘણા. રોજ સવારમાં એમણે ઘરઆંગણે બીબાથી પાડેલી સફેદ રંગોળી જોવા જવાની ય બહુ મજા. બપોર પછી એક શીંગચણાવાળો આવે એટલે મામી એની પાસેથી એક પૂડી લઈને ખાવા આપે. રોજ રાત્રે ચૂરણ વેચવાવાળો આવે, રોજ એ ખાટુંમીઠું ચૂરણ પડીકીમાં લઈને ચપટી ભરીને ક્યાંય સુધી ખાધા કરીએ તો ય મન ન ભરાય!

સુરત મારું મોસાળ અને ધ્રોળ નજીક આવેલું જોડિયા બંદર એ મારા પપ્પાનું ગામ. દીવાળીના વેકેશનમાં તો મોટેભાગે જોડિયા જ જવાનું હોય. જોડિયાના પાદરમાં પગ મૂકીએ ને અંદરથી જીવ હરખના હિલ્લોળા લેવા માંડે! દાદાની ડેલીમાં નાનકડી ખડકીની ઠેસી ઊંચકાવીને અંદર ઘુસીએ ત્યાં જ બંને તરફ વાવેલા જુઈ, ગલગોટા, તુલસી ને અજમાની સુગંધ નાકમાં ફરી વળે. ત્રણેક પપૈયાના ઝાડ પણ હતા. નાનકડો દ્રાક્ષનો માંડવો પણ. ત્રણ કોરે મકાન ને વચમાં રેતી મઢયું આંગણું! ફળિયામાં સાંજ પડ્યે બે ખાટલા બિછાવી દેવામાં આવે. સાંજના સમયે ઘરે પાછા ફરતા કુંજડાઓના ટોળાને જોતા જોતા વચલા ઘરની પરસાળમાં બેઠા બેઠા પાંચિકે રમતા હોઈએ ત્યાં "જાવ છોકરાવ... આરતી કરવા જાવ... દિવાબત્તી ટાણું થયું..." એવું દાદી કહે ને અમે દોડીએ.

ઘરની સામે જ દેરાસર. સવાર સાંજ બેય ટાઈમ દર્શન કરવા જવાનું જ. દેરાસરની અગાસીમાં સાંજ પડ્યે કાયમ મોર આવીને બેસતા. દૂરથી, કશો અવાજ કર્યા વિના એ મોરને જોયા કરવાની મજા જ કંઈક ઓર હતી. એ જ મોર વહેલી સવારે અમારા ઘરના આંગણામાં ચણ ચણવા પણ આવી પહોંચતા. મોર, ચકલી, પોપટ, કાબરના કલશોરથી જ સવાર પડયાની ખબર પડી જતી! કદાચ એટલે જ, સવારની સ્કૂલમાં સમયસર પહોંચવા માટે કાયમ રીતસર ઢોલ વગાડીને(ક્યારેક તો ધોલ મારીને!!!) ઉઠાડતી મમ્મી અહીં કંઈ જ ન કહેતી તો યે વહેલી સવારે મોંસૂઝણું થતા જ ઊંઘ આપમેળે ઊડી જતી! લગભગ સરખી જ ઉંમરના પિતરાઈ કાકાઓ અને ફોઈઓનું આખું ટોળું અમારે ત્યાં જ ભેગું થતું. ચાલીસેક ફુટ લાંબી ઓસરીમાં હિંડોળા ખાટ બાંધેલી એમાં દસ-બાર જણા એકસાથે ગોઠવાયા હોઈએ. એક કાકા ધીરેથી પાટને હિંચોળે ને જેવો હિંડોળો વેગ પકડે કે સડપ દઈને કૂદીને ખાટ પર ચડી જાય! એટલો ઊંચે લગી હિંડોળાને ઝુલાવીએ કે છેક છત લગી હાથ અડકી જાય! પેલો કાકો તો છતમાં ભરાવેલો બલ્બ કાઢી લ્યે ને બીજા ફેરામાં પાછો ભરાવી ય દયે! અને અમે બાકીના બધા જે રિડીયારમણ કરતા! એવી થ્રિલ પછી ક્યારેય કોઈ એમ્યુઝમેન્ટ પાર્કની રાઈડમાં નથી આવી! ને આ બધી ધમાલ કરતા પહેલા ખાત્રી કરી લઈએ કે ઘરે કોઈ પુરુષવર્ગ હાજર નથી ને... પછી ઓસરીના તોતિંગ દરવાજા સાંકળ વાસીને બંધ કરી દઈને આ બધા કારસ્તાન કરીએ! બહુ દેકારા થાય એટલે દાદી કે ફૈબા દરવાજા ઠપકારે. મોટા કાકાઓ અને ફોઈઓ એમના લાંબા પગ ઘસડાવીને ફુલ સ્પીડે ચાલતો હિંડોળો પળવારમાં અટકાવી દયે ને દરવાજો ખોલીને બધા ચૂપચાપ બેસી જઈએ! ધીરે ધીરે સૌ સૌના ઘેર સરકવા માંડે! બા કે ફૈબા મારી સામું જોઈને કહે, "જા તારી મમ્મીને રસોડામાં કાંઈ જોઈતું કારવતું હોય તો પૂછી આવ!" બધું ત્યાં જ હોય, શું જોઈતું હોય?

"એને કાંઈ નથી જોઈતું..." કહેતાં આંખના પલકારામાં ફરી ઓસરીમાં ટહૂકીએ. બા ઓસરીમાંથી અંદરના ઓરડામાં જઈને ન જાણે શું આઘું પાછું કરતા હોય, કોને ખબર. પણ અમને તો એ ઓરડામાં રાખેલી જાતજાતની ચીજો જોવામાં બહુ રસ પડતો! એક તરફ અનાજ ભરવાની માટીની ત્રણેક કોઠીઓ ને બીજી તરફ પતરાનો બનાવેલો અનાજ ભરવાનો મોટો કોઠલો! બે કોઠીમાં બારેમાસ પક્ષીને ચણ નાખવા માટેની જાર ભરી રાખતા તો એક કોઠીમાં બાજરો. ઘરમાં બારે મહિના બાજરાનો રોટલો ખવાતો! એક તરફ પાંચ છ ફાનસ પડ્યા હોય તો બીજી તરફ મગ ભરડવાનો નાનો ઘંટૂલો! બીજા બેઠા ઘાટના ગોળ મોઢાવાળા પતરાના પીપડા, જેમાં બાર મહિના ચાલે તેટલી જુદી જુદી દાળ ભરી રખાતી. એક તરફ ગોળ ભરેલા બે માટલાં પણ પડ્યાં હોય ને તેલના ડબ્બાની એક આખી લાઇન હોય! અભરાઈ પર પિત્તળના થાળીવાટકાની એક હાર રહેતી. પણ સૌથી રોમાંચક ચીજ હોય તો તે હતી પટારો! મોટા હડૂસ જેવા એ પટારા ના તોતિંગ નકૂચામાં કાયમ તાળું મારેલું રહેતું! એમાં શું હશે તે જાણવાનું કૂતુહલ મારા બાળમાનસમાં કાયમ રહેતું! વર્ષો પછી ખબર પડેલી કે ઘરમાં કબાટ આવ્યા પહેલા ઘરેણાં ને કિંમતી કપડાંના પોટલાં રાખવા માટે વપરાતા એ પટારામાં કબાટ આવ્યા પછી મહેમાનો માટે વપરાતી રજાઈઓ સિવાય કશું રાખવામાં આવતું ન હતું. પણ વેકેશનમાં અમે બધી બચ્ચા પાર્ટી પટારો ખોલવા જઈએ ને કોઈની આંગળી આવી જાય કે પછી ખૂલ્લો મૂકી દઈએ ને અંદર ઉંદર ઘુસી જાય તો!? એ બીકે દાદી એ પટારાને તાળું મારી રાખતા!

ઓસરીની કોરે જ કોલસા ભરવાની ઓરડી હતી. આમ તો પહેલા એ રસોડું હતું પણ પછી એનો કોલસા ભરવામાં ને સગડી, કેરોસીનનો ડબ્બો, વધારાના સાવરણા, સાવરણી રાખવામાં ઉપયોગ થતો. એની દીવાલે જ જૂઈનો વેલો ચડાવેલો, જે છેક અગાસીથી ય ઊંચે જઈ ચડેલો! ન જાણે મને કેમ એ ઓરડીમાં જતા બીક લાગતી. કદાચ એ કારણે કે પેલા ખેપાની કાકાએ એકવાર ત્યાં ભૂત થાય છે એવી બીક બતાવીને થપ્પો રમતી વખતે એ જગ્યા અમ નાનડિયાઓ માટે સંતાવા માટે બ્લોક કરી દીધેલી! જો કે એવું તો કશું હતું જ નહીં પણ જૂઈના માંડવાને લીધે ક્યારેક એ ઓરડીમાં સાપ દેખાયાનું પણ સાંભરણમાં છે.

હજુ તો ઘણું બધું છે ને હાથ થાક્યા નથી પણ મન ફરી એ બાળપણની દુનિયામાં ખોવાઈ ગયું છે. શક્ય હશે તો વધુ નિરાંતે લખીશ. આજે આટલું જ.