ફેબ્રુઆરી 27, 2018

અભરામ ભગત



આજથી નવ દાયકા પહેલાની આ વાત. સૌરાષ્ટ્રના જેતપુર નજીક આવેલા ખોબા જેવડા ગામ નવાગઢમાં એક ગરીબ મુસ્લિમ પરિવારમાં જન્મેલા બાળકને નામ મળ્યું ઈબ્રાહીમ કરીમ સુમરા. પોલીસખાતામાં મામૂલી નોકરી કરતા પિતાની ટૂંકી આવકમાં પરિવારનું ભરણપોષણ કરવું ય શક્ય ન હતું તો બાળકોને શિક્ષણ ક્યાંથી મળી શકે? માંડ એક ચોપડી સુધીનો અભ્યાસ કરીને ઈબ્રાહીમને શાળા છોડી દેવી પડી. થોડા વર્ષો બાદ કિશોર વયના ઈબ્રાહીમે મિલમજૂરની નોકરી કરવા માંડી. પણ તકદીરને એ ય મંજૂર ન હતું. એક દિવસ અકસ્માતે ઈબ્રાહીમનો પગ મશીનમાં આવી ગયો! તાત્કાલિક તેને જેતપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. પણ ઘાનું ઝેર પગમાં ફેલાઈ ચૂક્યું હતું. પરિણામે આખો પગ કાપી નાખવો પડ્યો.

ગરીબી, નિરક્ષરતા, બેકારી અને ઉપરથી કાયમી પંગુતા... આવી હાલતમાં કોઈ શું કરી શકે? સંજોગોના ખેલ સામે લાચાર થઈ ચૂકેલા ઈબ્રાહીમને તેના કાકા પોતાને ઘેર નજીકના ખીરસરા ગામે લઈ આવ્યા. ત્યારે ખુદ તકદીરને પણ ક્યાં ખબર હતી કે ઈબ્રાહીમના જીવનમાં એ કેવો જબરજસ્ત વળાંક લેવાની છે! એવું તે શું થયું કે જમીન પર ચાલવાને અસમર્થ ઈબ્રાહીમનો સિતારો દેશ દુનિયાના ફલક પર બુલંદ થઈને ચમક્યો!

થયું એવું કે કાકાના ગામમાં દર પૂનમે આખી રાત ભજનનો કાર્યક્રમ થતો. ઈબ્રાહીમ ત્યાં જતો ને મંજીરા વગાડતો. ધીરે ધીરે નિયમિત રીતે સાંભળેલા ભજન તેને કંઠસ્થ થતા ગયા. હવે ક્યારેક ક્યારેક તેને ગાવાનો મોકો પણ મળવા લાગ્યો. મીઠી હલકથી કૃષ્ણ ભજન ગાતા ઈબ્રાહીમના અવાજની ખ્યાતિ ધૂપસળીની સુવાસની માફક આખાયે પંથકમાં પ્રસરી ગઈ. શિવરાત્રિએ ગિરનારની તળેટીમાં યોજાતા ભવનાથના પ્રસિદ્ધ મેળામાં ભજન ગાવા માટે ઈબ્રાહીમને આમંત્રણ આપવામાં આવ્યું. ત્યાં એકત્ર થયેલા હજારો લોકોની ભીડ આ નવોદિત ગાયકને સાંભળીને અભિભૂત થઈ ગઈ! ભવનાથની તળેટીમાંથી વહેતી થયેલી ભજનગંગાની આ  સરવાણી ધીરે ધીરે સૌરાષ્ટ્રના નાના મોટા ગામોમાં વહેતી થઈ!

પોતાના અલગારી સ્વભાવને કારણે 'ભગત' તરીકે ઓળખાતા  ઈબ્રાહીમના નામનો ઉચ્ચાર ગામઠી બોલીમાં લોકો 'અભરામ' તરીકે કરતા. આ રીતે ઈબ્રાહીમનું નવું નામકરણ થયું 'અભરામ ભગત'. ટૂંક સમયમાં જ ભજન ગાયક તરીકે અભરામ ભગતની કીર્તિ ચારેકોર પ્રસરી ગઈ. જેતપુર નજીકના વડિયા ગામના દરબાર ભગતના ખરા કદરદાન નીકળ્યા! તેમણે આપેલી જમીન પર મકાન બાંધીને ભગતે એક તરફ પત્ની હલીમાબાનુ સાથે  પોતાનો સંસાર વસાવ્યો, તો બીજી તરફ કૃષ્ણ ભજનો થકી વૈષ્ણવ સમાજમાં આગવી ઓળખ મેળવી. એટલું જ નહીં, યશવંત ભટ્ટ, મોહનલાલ રૈયાણી, કનુભાઈ બારોટ, દુલા ભગત જેવા એ સમયના ગુજરાતના  ખ્યાતનામ ભજન ગાયકોની વચ્ચે લોકચાહનાની દ્રષ્ટિએ
અગ્રીમ સ્થાન મેળવ્યું.

ભજન ઉપરાંત અભરામ ભગત 'આખ્યાન'ની કળામાં પણ માહેર હતા. નરસિંહ મહેતાનું  'કુંવરબાઈનું મામેરું' આખ્યાન તેમના કંઠે સાંભળવું એ અનેરો લ્હાવો ગણાતો. આખ્યાન ઉપરાંત કાવ્યપ્રકારની દ્રષ્ટિએ અલગ અલગ રીતે ગવાતી એવી  આરાધ, કટારી, પ્રભાતિયા, રામગરી જેવી ભજનની અનેકવિધ ગાયકીમાં તેમણે મહારત હાંસલ કરી હતી. જોતજોતામાં તેમની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. સૌરાષ્ટ્ર ગુજરાતના નાનામોટા શહેરોમાં તો ઠીક, મુંબઈમાં પણ તેમના શો હાઉસફુલ થવા લાગ્યા. કોલંબિયા અને એચએમવી જેવી નામી રેકોર્ડ કંપનીઓએ બહાર પાડેલી  તેમના ગાયેલા ગુજરાતી તેમજ હિંદી ભજનોની એલપી રેકર્ડ વિક્રમજનક સંખ્યામાં ચપોચપ વેચાઈ જવા લાગી!  તેમણે હિંદીમાં ગાયેલા સાંઈબાબા ભજનોની શ્રેણી એટલી પ્રખ્યાત થઈ કે લોકો એ જ હોટલમાં જવાનું પસંદ કરતાં કે જયાં તેમના ગાયેલા ભજનોની રેકર્ડ વાગતી હોય!

આપણને જાણીને નવાઈ લાગે કે અભરામ ભગતના અગણિત ચાહકોની યાદીમાં એક નોંધપાત્ર નામ મહાત્મા ગાંધીનું પણ હતું! પૂ. બાપુએ વ્યક્તિગત રીતે તેમને કાગળ લખીને પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો! એટલું જ નહીં, 1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પોતાની સઘળી આવક પ્રધાનમંત્રી રાહત ફંડમાં દાન આપી દેનાર આ અલગારી ભગતને તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ ખાસ આમંત્રણ આપીને દિલ્હી તેડાવ્યા હતા. ત્યાં તેમણે રજૂ કરેલા ભજન સાંભળીને પોતે અભિભૂત થઈ ગયા હતા એવું ખુદ શાસ્ત્રીજીએ તેમને લખેલા પત્રમાં જણાવ્યું હતું!

એક પગે અપંગ એવા અભરામ ભગત પ્રસિદ્ધિના એક પછી એક વણસ્પર્શ્યા  શિખર સર કર્યે જતા હતા.દેશવિદેશમાંથી તેમને ભજન ગાવા માટે આમંત્રણ મળી રહ્યા હતા.  એ 1973ની સાલ હતી. ભગતને 'અમેરિકન સોસાયટી ફોર ઇસ્ટર્ન આર્ટ્સ', 'સેન્ટર ફોર ઇન્ટરનેશનલ પ્રોગ્રેસ એન્ડ સર્વિસ' જેવી સંસ્થાઓ તેમજ 'ન્યુયોર્ક સ્ટેટ યુનિવર્સીટી' ના શિક્ષણ વિભાગ તરફથી આમંત્રણ આપવામાં આવ્યું. આખુંયે વર્ષ ચાલેલી આ યાત્રામાં ન્યુયોર્ક, વોશિંગ્ટન, શિકાગો સહિત અમેરિકાના વિવિધ શહેરોમાં યોજાયેલા તેમના કાર્યક્રમોમાં શ્રોતાઓએ  ભરચક હાજરી આપી. અમેરિકા ઉપરાંત તેમણે કેનેડા, યુકે તેમજ પૂર્વ આફ્રિકા અને યુરોપના અનેક દેશોનો પ્રવાસ પણ કર્યો. મજાની વાત એ હતી કે અક્ષરજ્ઞાનની દ્રષ્ટિએ તદ્દન અભણ એવા ભગતની આ સઘળી વિદેશયાત્રાઓ દરમિયાન ગુજરાત સરકાર તરફથી એમના દુભાષીયા તરીકે માહિતી  ખાતાના અધિકારી શ્રી પી. એલ. સાધુની નિમણૂંક કરાઈ હતી! નસીબની બલિહારી જુઓ! માંડ એક ચોપડી સુધી શાળાએ જઈ શકેલા ભગતે પોતાના પુત્ર માહિરને, એક સમયે જ્યાં રાજવી પરિવારના સંતાનોને જ પ્રવેશ અપાતો એવી રાજકોટની પ્રખ્યાત 'રાજકુમાર કોલેજ' માં ભણવા મૂકેલો!

નાણાંની અવિરત રેલમછેલ વચ્ચે પણ સાદું, સંયમિત જીવન જીવતા અભરામ ભગતે આજના જ દિવસે એટલે કે 27 ફેબ્રુઆરી, 1988ના રોજ  કોઈ જાતની બીમારી વિના જ શાંતિથી આ જગતમાંથી વિદાય લીધી. એ સમયે બધા જ અખબારોએ તેમના દેહાવસાનની નોંધ લીધી હતી. "તાનપૂરાનો એક તાર તૂટી ગયો!"- આવી અદભૂત ભાવાંજલિ અખબારો દ્વારા તેમને આપવામાં આવેલી!

અભરામ ભગત આજે સ્થૂળ દેહે ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ તેમણે આપણને વારસામાં આપેલો ભજન સરવાણીનો અણમોલ ખજાનો સદાયે તેમની યાદ જીવંત રાખશે. તેમણે ગાયેલું એક અતિ પ્રાચીન લોકગીત કુંતા અભિમન્યુને બાંધે રાખડી રે લોલ.....  અહીં   માણો.. 

17 ટિપ્પણીઓ:

  1. તેમને રૂબરૂ સાંભળવાનો લ્હાવો ખૂબ મળ્યો છે... પ્રણામ.

    જવાબ આપોકાઢી નાખો
  2. જો આપના બ્લોગમાં રિબ્લોગની સગવડ હોત તો આ આર્ટિકલ મારા બ્લોગમાં રિબ્લોગ કરત. હું તો પચાસ વર્ષથી દેશ બહાર છું. મારે માટે તો નવું જ નામ.

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. આભાર શાસ્ત્રીજી. બ્લોગરમાં આ સવલત ઉપલબ્ધ છે કે કેમ એ વિશે મને ખ્યાલ નથી. આપ આ પોસ્ટનો થોડોક ભાગ કોપી કરીને એની સાથે બ્લોગની લિંક મૂકીને આપના બ્લોગ પર શેર કરી શકો. ધન્યવાદ. 🙏🙏

      કાઢી નાખો
  3. lagabhag70 varas pahelaaanaare gher bhaavnagarmaa bhajano gaavaaa aavelaa. 'paap tyaaru parakaash gaayele evu zankhu smaraN chhe. ek unchaadarajjaana kalakaar naa parichay saathe ek sunder blog paN jaaNvaa maLyo,Aabhar Saumya ben !

    જવાબ આપોકાઢી નાખો
  4. સૌરાષ્ટ્રમાં ૧૯૫૦થી ૧૯૫૯ના વસવાટ દ્વારા તેમને અનેક વખત સાંભળ્યા છે. તેમની સાથે બેસી વાતો કરવાની પણ એક વખત તક મળી હતી. લાલબહાદુર શાસ્ત્રીજીએ રેલ્વે મીનીસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું એ પછી તુર્તમાં જ ધર્મેન્દ્રસિંહ કોલેજના વિશાલ મેદાનમાં તેમનું પ્રવચન રાખેલ ત્યારે અભરામ ભગતે તેમના બુલંદ છતાં મધુર કંઠે ભજનો ગાયા હતા. તેમની એલ પી ઘરે ઘરે ગ્રામોફોનમાં વાગતી.

    જવાબ આપોકાઢી નાખો
  5. mane temnaa bhajno saabhlvaano laahvo malyo chhe ane aape yaad taaji kraavi aapno khub khub aabhaar

    જવાબ આપોકાઢી નાખો
  6. મને તેમના ભજનો સાંભળવાનો લ્હાવો મળ્યો છે અને આપે અભરામ ભગત ની યાદ તાજી કરાવી આપનો ખુબ ખુબ આભાર

    જવાબ આપોકાઢી નાખો
  7. "પંગુમ લંઘયતે ગિરિમ" ને યથાર્થ કરતી કહાણી વાંચી બહુ જ આનંદ અને એક ગુજરાતી તરીકે ગર્વ થયો.વળી ધર્મ અને નાત-જાતના 'વાડા' ઓળંગેલા એક વ્યક્તિત્વનાં દર્શન થયાં...

    જવાબ આપોકાઢી નાખો
  8. અત્યંત સરપ્રદ લખાણ છે. ભજન-ગીતનો શોખ છે, એટલે નામ અજાણ્યુ નથી. પરંતુ એમના વિશે જાણકારી ઓછી હતી. તમે સરસ માહિતી આપી છે. અભિનંદન

    જવાબ આપોકાઢી નાખો