માર્ચ 08, 2018

મૈં પલ દો પલ કા શાયર હૂં'



''ઔરતને જનમ દિયા મરદોં કો, મરદોંને ઉસે બાઝાર દિયા...
જબ જી ચાહા, મસલા-કૂચલા... જબ જી ચાહા ધૂતકાર દિયા...''

દર વર્ષે આઠ માર્ચે ઊજવાતા ''વુમન્સ ડે'' નિમિત્તે ફેસબુક, વોટ્સ અપ જેવી સોશ્યલ સાઈટ્સ પર ઠલવાતા ઢગલોએક શુભેચ્છા સંદેશાઓ વચ્ચે 1958ની ફિલ્મ 'સાધના'ના એક ગીતની આ પંકિતઓ થોડી અપ્રસ્તુત લાગે પણ આજના સમયના સંદર્ભમાં પણ ક્યાંક ને ક્યાંક આ પંકિતઓ કોઈક ને કોઈક સ્વરૂપે સાચી પડતી હોય એવું નથી લાગતું? સંયોગની વાત જુઓ કે સામાજિક મુદ્દા પર આવી અનોખી રચના આપનાર શાયર સાહિર લુધિયાનવીનો જન્મદિવસ પણ આ જ દિવસે આવે છે. આજે આ અનોખા શાયર-ગીતકાર વિશે થોડી વાતો કરીએ.

8 માર્ચ, 1921ના રોજ લુધિયાનાના એક અત્યંત ધનાઢય જમીનદાર પરિવારમાં જન્મેલા સાહિરનું મૂળ નામ અબ્દુલ હયી હતું. બાર પત્નિઓ હોવા છતાં અય્યાશ જીવન જીવતા પતિની અય્યાશી અને વિચિત્ર સ્વભાવથી  કંટાળી જઈને અબ્દુલની માતા સરદાર બેગમે એ જમાનામાં ક્રાંતિકારી કહેવાય એવો, એક મુસ્લિમ મહિલા તરીકે  સામેથી પોતાના પતિ  પાસેથી તલાક લેવાનો નિર્ણય કર્યો.મામલો કોર્ટમાં પહોંચ્યો. ચાર વર્ષના માસૂમ અબ્દુલે ભરી કચેરીમાં માતાની સાથે રહેવાની ઈચ્છા વ્યકત કરી. દોલતમંદ અય્યાશ પિતાની સાથે રહીને અભણ ને  ગમાર બને તેના કરતા ગરીબ છતાં ખુદ્દાર માતાની પાસે રહીને ભણીગણીને એક સમજદાર નાગરિક બને એ માટે નામદાર જજસાહેબે બાળ અબ્દુલનો કબજો તેની માતાને આપ્યો. અને ત્યાંથી શરૂ થયેલી કાંટાળી સફરનો આખરી પડાવ મોહમયી મુંબઈની જાદૂભરી સિનેસૃષ્ટિ હશે, એવી ત્યારે કોઈને કયાં ખબર હતી?

મોસાળ જાલંધરમાં મા અને મામાની સતત દેખરેખ નીચે ઉછરી રહેલા  અબ્દુલની માતાને સતત એ ડર રહેતો કે કયાંક અબ્દુલના પિતા તેને ઉઠાવી ન જાય. ચોવીસ કલાક કોઈને કોઈ અબ્દુલની સાથે ને સાથે જ રહેતું. અસલામતીના વાતાવરણમાં ઉછરતા બાળકનો વિકાસ કુંઠિત થઈ જાય એ સ્વાભાવિક હતું. જો કે, પરિવારના એક હિતેચ્છુની સમજાવટથી અબ્દુલને શાળામાં દાખલ કરવામાં આવ્યો. એ સમયે ન તો અબ્દુલને  પોતાના મુસ્લિમ હોવા વિશે સમજ હતી કે ન તો ઈસ્લામનું કોઈ જ્ઞાન એમને આપવામાં આવેલું. શાળામાં અને ત્યારબાદ કૉલેજમાં પણ મોટાભાગે શીખ અને હિંદુ સહાધ્યાયીઓ સાથે તેમની ગાઢ દોસ્તી હતી. ("અલ્લાહ તેરો નામ, ઈશ્વર તેરો નામ..." જેવી રચના તેમની કલમે પ્રસવી તેનું બીજ કદાચ અહીં જ રોપાયુ હશે!)

દીકરાને ભણાવીગણાવીને જજ કે સિવિલ સર્જન બનાવવાના સ્વપ્ન જોતી માતાને જો કે, એવો અણસાર સુદ્ધાં  નહોતો કે દીકરો મોટો થઈને નામી શાયર બનશે. શાળામાં  અબ્દુલને ઉર્દુ અને ફારસી ભણાવનાર શિક્ષકે તેમની સાહિત્ય પ્રત્યેની  રૂચિ પારખીને શાયરી કરવા માટે પ્રોત્સાહન   આપ્યું એટલું જ નહીં, એ સમયના નામી શાયરોની રચનાઓનો રસાસ્વાદ પણ કરાવ્યો. મેટ્રિકની પરીક્ષા આવતા સુધીમાં તો અબ્દુલના મનમાં કોળાયેલા શાયરીના બીજ પર કૂંપળો ફૂટવા માંડેલી.

અબ્દુલ હયીનું 'સાહિર લુધિયાનવી'માં કઈ રીતે રૂપાંતર થયું? મેટ્રિકની પરીક્ષાની તૈયારી કરી રહેલા અબ્દુલનું ધ્યાન,  પાઠ્યપુસ્તકમાં છપાયેલી સુપ્રસિદ્ધ શાયર ઈકબાલની એક નજમ પર પડયું, જે તેમણે ઓગણીસમી સદીના મહાન શાયર દાગ દહેલવીની પ્રશંસામાં લખેલી. તેમાંનો એક શબ્દ 'સાહિર' કે જેનો શાબ્દિક અર્થ થાય છે 'જાદુગર', તે અબ્દુલને પોતાના ઉપનામ તરીકે ખૂબ જ ગમી ગયો. શાયરીમાં પોતાના પ્રેરણાસ્રોત એવા મઝાઝ લખનવી, જોશ મલિહાબાદી તેમજ શાયરીની શિક્ષા આપનાર શિક્ષક ફૈયાઝ હરિયાનવી - આ બધા નામોથી પ્રેરાઈને અબ્દુલે  'સાહિર' સાથે જન્મસ્થળ લુધિયાનાનું નામ જોડી દઈને 'સાહિર લુધિયાનવી' તરીકે પોતાનું  નવું નામકરણ કર્યું. અને આ સાથે જ જાણે કે એક નવા જ વ્યક્તિત્વનો તેમનામાં આવિર્ભાવ થયો. તેજાબી કલમના આ શાયરે ડર, અપમાન અને અવહેલનામાં વીતેલા પોતાના બાળપણની પીડાને બંડખોર, ઉગ્ર શબ્દોનું રૂપ આપ્યું. મૂડીવાદી સામંતશાહી સમાજ દ્વારા, ગરીબ અને લાચાર લોકો પર થતા અત્યાચાર પર સાહિરની શાયરીના શબ્દોરૂપી કોરડા ધડાધડ વીંઝાવા લાગ્યા.

કોલેજમાં દર્શનશાસ્ત્ર અને ઇતિહાસનો અભ્યાસ કરતા કરતા સાહિરની રૂચિ રાજનીતિ તેમજ અર્થશાસ્ત્ર જેવા વિષયો પરત્વે વધવા માંડી. ક્રાંતિકારી વિચારો ધરાવતા આ જલદતેજાબી શાયરની કલમના પરચા અંગ્રેજ સરકારને પણ મળવા લાગ્યા. રાજનીતિક પ્રવૃત્તિઓમાં નિર્ણયાત્મક ભાગ ભજવવા બદલ કોલેજમાં એમને છેલ્લા વર્ષની પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નહીં. માતાની લાખ ઈચ્છા હોવા છતાં સાહિર ગ્રેજ્યુએટ થઈ શકયા નહીં. જો કે, માત્ર ત્રેવીસ વર્ષની ઉમરે તેમની શાયરીનું સંકલન  'તલ્ખિયાં' પ્રસિદ્ધ થઈ ચૂકેલું, એ કોઈ નાનીસૂની સિદ્ધિ ન હતી. સાહિરના જીવનકાળ દરમિયાન જ 'તલ્ખિયાં'ની પચ્ચીસ આવૃતિ બહાર પડેલી! એ સમયે એવું કહેવાતું કે કોઈ પણ નવું પ્રકાશન ગૃહ શરૂ થાય તો એ પહેલવહેલા 'તલ્ખિયાં' છાપે, પછી બીજા પુસ્તકો બહાર પાડે! જો કે પ્રસિદ્ધિથી પેટ કયાં ભરાય છે? એકાદ સાહિત્યિક પત્રિકાના સંપાદન માટે ચાલીસ રૂપિયાના પગારે કામ કરતા સાહિરે આખરે 1946માં મુંબઈની વાટ પકડી અને ફિલ્મગીતલેખન ક્ષેત્રે પા પા પગલી માંડી.

એક તરફ એમની કલમે કંઈ કેટલાય ગીતોમાં રોમાન્સના રંગ ભર્યા, તો સામાજિક મુદ્દાઓ પર પણ એમની કલમ જોરશોરથી ચાલી.. હિન્દી ફિલ્મોના માળખામાં આવું જવલ્લે જ બને છે. એક રોમેન્ટિક શાયર તરીકે સાહિરના ગીતોના બે-ચાર ઉદાહરણ જોઈએ તો, 'છૂ લેને દો નાઝુક હોંઠોં કો...', 'યે ઝુલ્ફ અગર ખૂલ કે બિખર જાયે તો અચ્છા.....' જેવા 'કાજલ'ના ગીતો હોય કે પછી 'પ્યાસા' નું યાદગાર ગીત 'આજ સજન મોહે અંગ લગા લે...' કે પછી ફિલ્મ 'શગુન'નું 'તુમ અપના રંજો ગમ, અપની પરેશાની મુઝે દે દો....' કે પછી 'બહુરાની'નું અત્યંત પ્રેમભર્યુ ગીત 'ઉમ્ર હૂઈ તુમસે મિલે, ફિર ભી જાને ક્યૂં ઐસા લગતા હૈ, જૈસે પહેલી બાર મિલે હૈ...'

સાહિરમાં છૂપાયેલા એક અત્યંત સંવેદનશીલ પ્રેમીને દુનિયા સમક્ષ રજૂ કરી દેતા આ બધા ગીતો ની સામે, 'ફિર સુબહ હોગી'નું ગીત 'રહેને કો ઘર નહીં હે, સારા જહાં હમારા...' હોય કે 'પ્યાસા'નું જ ઓર એક ગીત 'યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હે?' હોય કે પછી કોમી રમખાણો પર આધારિત ફિલ્મ 'ધર્મપુત્ર'ના ગીતો 'યે કિસ કા લહુ હૈ, કૌન મરા...' અને 'યે મસ્જિદ હૈ વો બુતખાના' હોય. તો અન્ય એક કિસ્સામાં,   સામાજિક બુરાઈઓ પર કોરડા વિંઝતી એમની તેજાબી કલમ 'ધૂલ કા ફૂલ'માં અત્યંત મર્મસ્પર્શી શબ્દોમાં લખે...'તુ હિંદુ બનેગા ન મુસલમાન બનેગા, ઈન્સાન કી ઔલાદ હૈ, ઈન્સાન બનેગા....'

સાહિરની એક યાદગાર નજમ 'કભી કભી મેરે દિલમેં ખયાલ આતા હૈ, કિ ઝિંદગી તેરી ઝૂલ્ફોં કે નર્મ સાયે મેં ગુઝર જાતી તો શાદાબ હો સક્તી થી...' નો ઉપયોગ થોડા ફેરફાર સાથે ફિલ્મ 'કભી કભી'ના ટાઈટલ સોંગમાં કરવામાં આવેલો. આ જ ફિલ્મનું ઓર એક ગીત 'મૈં પલ દો પલ કા શાયર હૂં' એ સાહિરની ખુદની જિંદગીનું બયાન છે. આ બંને રચનાઓ 'તલ્ખિયાં'માંથી લેવામાં આવી હતી.

માનવીય સંબંધોની નાજુક અભિવ્યક્તિની સંવેદનશીલ રજૂઆત કરતા અનેક ગીતો હિન્દી ફિલ્મોને આપનાર શાયર સાહિર લુધિયાનવીને જન્મજયંતિએ શત શત નમન સહ સ્મરણાંજલિ..

5 ટિપ્પણીઓ:

  1. Just superb. Sahil is my most favorite lyricist. What a prolific poet!!!Saumya, thanks for writing such informative character sketch of one & only Sahil Ludhianvi

    જવાબ આપોકાઢી નાખો
  2. સાહિર લુધિયાનવી વિષેની ખૂબ જ સુંદર અને સરસ રજૂઆત માટે અભિનંદન...આજે એમની જન્મજયંતિ ના દિવસે આપે આ પોસ્ટ મુકીને સુંદર સ્મરણાંજલિ અર્પણ કરી. ધન્યવાદ સૌમ્યાજી.

    જવાબ આપોકાઢી નાખો
  3. સાહિર લુધિયાનવીનો જાવેદ અખ્તરને આપેલા 200 રૂપિયાનો કર્જનો એક કિસ્સો બહુ જાણવા જેવો છે. આપને ખબર જ હશે. છતાં અહીં લિંક શેર કરું છું....ઉચિત જણાય તો કહેજો...અનુચિત લાગે તો પણ ટકોરનું સ્વાગત રહેશે!!

    http://myshabd-samput.blogspot.com/2018/02/blog-post_19.html?m=1

    જવાબ આપોકાઢી નાખો