માર્ચ 20, 2018

મોહિની... માધુરી...


"એક... દો... તીન..... ચાર..પાંચ..છહ..સાત..આઠ..નૌ..દસ..ગ્યારહ..બારા..તેરા... "

વર્ષો અગાઉ, સંગીતકાર રવિએ તેમની પ્રથમ ફિલ્મ 'વચન'ના એક ગીત, 'ચંદામામા દૂર કે, પુએ પકાએ બુર કે....'ની ધૂન બનાવતી વખતે ઇન્ટરલ્યૂડમાં, મહારાષ્ટ્રના  તહેવાર ગણેશોત્સવની ઉજવણી વખતે સાર્વજનિક રીતે વગાડવામાં આવતી એક લોકપ્રિય ધૂનનો ઉપયોગ કર્યો હતો. એ ગીત વિશે આજની પેઢી કદાચ સાવ અજાણ હોય એવું બને, પરંતુ વર્ષો પછી સંગીતકાર બેલડી  લક્ષ્મીકાન્ત-પ્યારેલાલે એ જ સુમધુર ધૂનનો ઉપયોગ કરીને એક ગીત રચ્યું, જે હિંદી ફિલ્મજગતમાં સ્વયં એક ઇતિહાસ બની ગયું! ગીત વિશે વાત કરીએ એ પહેલા થોડીક રસપ્રદ વાત, એ ગીત કઈ રીતે બન્યું એ વિશે કરીએ. 

ફિલ્મજગતમાં સામાન્ય શિરસ્તો એ છે કે કોઈ પણ ગીતની ધૂન પહેલા તૈયાર કરી લેવામાં આવે છે. ત્યારબાદ ગીતકાર-સંગીતકાર એકસાથે બેસીને ફિલ્મની વાર્તાની માંગ મુજબ એ ધૂન પર કેવા શબ્દો બંધબેસતા થશે એની ચર્ચા કરે છે અને ત્યારબાદ ગીતકાર પોતાની કલ્પનાના રંગો ભરીને આખુંયે ગીત તૈયાર કરે છે. વાત છે 1988ની. યુવા નિર્દેશક એન. ચંદ્રાની ફિલ્મ માટે એલપી એટલે કે લક્ષ્મીકાન્ત-પ્યારેલાલ સંગીત તૈયાર કરી રહ્યાં હતા. ફિલ્મના ગીતકાર જાવેદ અખ્તરને એલપીએ એક ધૂન સંભળાવી. એક, દો, તીન.... લા..લા...લા...

તૈયાર ધૂન પર બેસાડેલા આવા 'ડમી' શબ્દોને પકડીને ગીતકાર જાવેદે મથામણ આદરી. એક... દો.... તીન... ચાર.... પાંચ.... છે.... સાત.... ગીતની ધૂન ડમી શબ્દો વડે ગણગણતા જાવેદ અખ્તરને અચાનક શું સૂઝયું તો આ ગણતરી આગળને આગળ વધારી. એક મહિનાના ત્રીસ દિવસ અને આ ત્રીસ દિવસમાંથી કેટલાયે દિવસો નાયિકા, નાયકની પ્રતીક્ષામાં વીતાવે છે. એ વિચારને પકડીને એક જબરજસ્ત ગીત જાવેદ અખ્તરની કલમે અક્ષરદેહ ધારણ કરી ચૂક્યું. ધૂન તો અફલાતૂન હતી જ. એ સમયની નવીસવી ગાયિકા અલકા યાગ્નિકના તાજગીભર્યા સ્વરમાં આ ગીત રેકોર્ડ થયું. હવે બધો દારોમદાર નૃત્યનિર્દેશક અને અભિનેત્રી પર હતો. ફિલ્મની વાર્તા મુજબ, નાયિકા આ ગીતમાં  સ્ટેજ પર ઉત્તેજક નૃત્ય કરે છે. કોરિયોગ્રાફર સરોજખાનને શંકા હતી કે કથ્થક નૃત્યમાં નિપુણ એવી આ નવીસવી  "છોકરી" બોલીવુડ સ્ટાઇલમાં લટકાઝટકા કરી શકશે કે કેમ.

કારણ કે, આ નવીસવી છોકરીની એન. ચંદ્રાની આ ફિલ્મમાં એન્ટ્રી થઇ એ અગાઉ કોઈ ખાસ ઓળખ ન હતી. બન્યું એવું કે 1984ની સાલમાં રાજશ્રી પ્રોડક્શનના નેજા હેઠળ નવોદિત કલાકારોને લઈને બનેલી અને સરિયામ નિષ્ફળ રહેલી એવી ફિલ્મ  'અબોધ'માં  ભલીભોળી, અત્યંત માસૂમ દેખાતી આ નવીસવી છોકરીએ ફિલ્મજગતના ઘણા લોકોનું  ધ્યાન પોતાના  તરફ  ખેંચ્યું હતું. 'અબોધ' બાદ બે ચાર ફિલ્મોમાં કામ પણ કર્યું પણ સફળતાનો સ્વાદ હજુ ચાખવા મળ્યો ન હતો. સંઘર્ષના એ દિવસોમાં, 'અંકુશ' અને 'પ્રતિઘાત' જેવી ફિલ્મો થકી પોતાની આગવી ઓળખ ઊભી કરનારા નિર્માતા-નિર્દેશક એન.ચંદ્રાને પોતાની આગામી ફિલ્મ 'તેઝાબ'માં મુખ્ય અભિનેત્રીની ભૂમિકા ભજવવા માટે એક નવા, તાજગીભર્યા ચહેરાની તલાશ હતી  મનમોહક સ્મિત અને સહજ સુંદરતાના બળે અભિનયની દુનિયામાં પા પા પગલી ભરતી બબલી એટલે કે માધુરી દીક્ષિત એમની આંખોમાં વસી ગઈ! 

ખેર...  લગાતાર રિહર્સલો અને દિવસરાતની મહેનત પછી જે પરિણામ આવ્યું તે આભૂતપૂર્વ હતું! ફિલ્મ રજૂ થયાના પહેલા જ દિવસથી ટિકિટબારી પર ટંકશાળ પડી! 'એક, દો, તીન, ચાર...'ગીતમાં મુક્તમને નાચતી ફિલ્મની નાયિકા 'મોહિની' માધુરી દીક્ષિતની લોકપ્રિયતાનો જુવાળ એવો તો ઉમટયો કે આબાલવૃધ્ધ સૌ કોઈ તેના દિવાના બની ગયા! આ ગીત અને આ ફિલ્મે માધુરી માટે પાયાના પથ્થરનું કામ કર્યું, જેના પર એક સુદીર્ઘ, સફળ, ઝાકઝમાળ ભરી કારકિર્દીની એવી એક મજબૂત ઇમારત ખડી થઈ કે જેણે હિંદી ફિલ્મ જગતના ઇતિહાસમાં એક નવા જ યુગનો પ્રારંભ કર્યો.

(પૂરા ઓગણત્રીસ વર્ષ બાદ ફરી એક વાર ફિલ્મ "તેઝાબ'નું આ સુપરડુપર ગીત નવા રૂપરંગ સાથે ધમાલ મચાવવા આવી રહ્યું છે. ફિલ્મ બાગી 2 માટે શ્રીલંકન સુંદરી જેક્વેલીન ફર્નાન્ડીઝ પર ફિલ્માવાયેલા આ ગીતમાં લગભગ બધું જ મૂળ ગીતની કોપી જેવું છે. હા, મૂળ ગીતની મઝા છે કે નહીં એ સૌની અલગ પસંદગીનો વિષય છે.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો