જુલાઈ 03, 2014

મુઝે તુમ યાદ આતે હો.....



શેખરે સાતમી વખત મીનાક્ષીનો ફોન ટ્રાય કર્યો... આજે શેખર ખૂબ જ ખુશ હતો અને આ ખુશાલી મીનાક્ષી સાથે ‘શેર’ કરવા તે ખૂબ જ આતુર હતો. પણ મીનાક્ષીનો ફોન સતત ‘એન્ગેજ’ જ આવ્યા કરતો હતો. આઠમી...નવમી...દસમી વખત શેખરે ફોન લગાડ્યો.   

“હાશ”..... ખાસ્સી અર્ધી કલાક ‘એન્ગેજ’ ટોન સાંભળ્યા પછી રીંગ વાગતી સાંભળીને શેખરે રાહતનો શ્વાસ લીધો. ખુશીના માર્યા જોર જોરથી ધડકી રહેલા પોતાના દિલ પર એક હાથ રાખીને ઉભેલા શેખરથી આ વિલંબ લેશ પણ સહન થતો ન હતો. સામે છેડે ફોનની રીંગ વાગતી રહી પણ કોઈ ફોન ઉપાડતું ન હતું.

“મીનાક્ષી....પ્લીઝ ફોન ઊપાડ..... ફરી ફોન લગાડીને ઉશ્કેરાટમાં શેખર બોલી ઉઠ્યો. એના મોં પર લાલી ધસી આવી. ધીરે ધીરે આ લાલ રંગ સોનેરી બનીને એની આંખોમાં છવાઈ ગયો......

..........કમર સુધીના લાંબા વાળ છુટ્ટા મૂકીને મીનાક્ષી એની અડોઅડ અગાસીની પાળીએ બેઠી હતી. બંનેની પીઠ પછવાડે આથમી રહેલા સૂરજના આછેરા અજવાળામાં મીનાક્ષીના મુલાયમ વાળ સોનલવર્ણા થઈને ચમકી રહ્યાં હતા. સાંજ પોતાનો પૂરો અસબાબ સમેટીને એના વાળની ચમકમાં ખોવાયે જતી હતી. એના ચહેરા પર વારંવાર ઊડી આવતી લટોને સરખી કરતો શેખર જાણે કે સાંજને અલવિદા કરી રહ્યો હતો........

“શેખર...... આપણે કાયમ આમ જ જીવીશું.... આખી જિંદગી....”

હવામાં ઉડી રહેલા સ્કર્ટના ‘ફોલ’ને બંને હાથે સંકોરતી મીનાક્ષી કહેતી હતી. શરારત ભર્યું સ્મિત કરતા શેખરે માત્ર હોઠ ફફડાવીને એને કાનમાં કશું કહ્યું. શરમથી લાલ થઇ ગયેલા ચહેરે અગાસીના બીજે છેડે જઈને ઊભી રહી ગયેલી મીનાક્ષી  શેખરથી રિસાઈ ગઈ હોય એમ બોલી..... “તું બહુ જ બદમાશ છે. મારે તારી જોડે નથી બોલવું... જા...”

આવું તો કેટલીયે વાર થતું. નાની અમથી વાતમાં એ રિસાઈ જતી પણ શેખર એને મનાવી જ લેતો. બારમાં ધોરણમાં ભણતી મીનાક્ષી અને કોલેજનું પગથીયું ચડેલો શેખર – બંને વચ્ચે નાનપણથી જ અતૂટ મૈત્રી હતી. અભ્યાસમાં ખાસ રૂચિ ન ધરાવતા શેખરને હૈયે કવિતાઓ રમતી. એ કોઈ પણ વિષય પર ગમે ત્યારે શીઘ્ર કવિતાઓ લખી શકતો. પણ એની કવિતાઓ સાંભળવાનું સૌભાગ્ય માત્ર અને માત્ર મીનાક્ષીને જ મળતું. રોજ સાંજે મીનાક્ષી જોડે બેસીને એના આખા દિવસનો અહેવાલ સાંભળતો અને પછી પોતાની નવી લખેલી કવિતા એને સંભળાવતો. એમાંયે જ્યારે કોઈ કવિતા મીનાક્ષીને ખાસ ગમી જતી તે દિવસે શેખરના બંને ગાલ રતુમડા થઇ જતા!

“શેખર.. મારે મોટી થઈને લગ્ન કરીને બે-ત્રણ છોકરાની મા નથી બનવું. દિવસરાત ઘરનું કામ કરું અને બપોરના સમયે ફાલતુ ટીવી સિરિયલો જોઇને સમય પસાર કરું. ચાલીસીએ પહોંચું ત્યાં મારું શરીર કોથળા જેવું થઇ જાય અને તું કવિતા સંભળાવે તો હું બગાસાં ખાઉં- મારે આવી જિંદગી નથી જીવવી.” ક્યારેક એ શેખરને આવું કહેતી. શેખર એને પ્રેમથી જોઈ રહેતો અને પછી શાંતિથી કહેતો..
“જો, વાત સાંભળ.. તારી વાત સમજુ છું. પણ તું જેમ ક્હે છે તેમ દુનિયા નથી ચાલતી. દરેક છોકરી લગ્ન કરીને પોતાનો સંસાર વસાવે છે અને ઘર, પતિ, બાળકોની જવાબદારી સંભાળે છે. આમ જ દુનિયા ચાલે છે...”

“જે હોય તે. આપણી દુનિયામાં તું અને હું બે જ હોઈશું. તું કવિતા લખશે અને હું તને સાંભળ્યા કરીશ. બસ...”

સમય વિતતો ગયો. કોલેજ પૂરી કરીને નોકરી માટે ચક્કર કાપતો શેખર આખો દિવસ ન જાણે ક્યા ગૂમ રહેતો. હા, સાંજ પડ્યે થોડી પળો મીનાક્ષીની જોડે વિતાવવાનો સિલસિલો યથાવત જ રહ્યો.

આજે છોકરાવાળા મને જોવા આવ્યા હતા.” એક દિવસ મીનાક્ષીએ વાતની શરૂઆતમાં જ કહ્યું.

“પછી?”  

“જોઇને ચાલ્યા ગયા.” મોંમાં નાખેલી ચ્યુઇંગ ગમનો ફુગ્ગો ફુલાવતા એ બોલી.

“તને કેટલીવાર ના કહી છે કે મારી સામે આમ ફુગ્ગા ન ફુલાવ.”

અકારણ જ શેખરનો અવાજ એકદમ ઊંચો થઇ ગયો. અચાનક જ બંને વચ્ચે એક ન સમજાય એવી ચૂપકીદી છવાઈ ગઈ.

બગીચાના એ સૂમસાન ખૂણે આવેલા બાંકડે બેઠા બેઠા બંને જાણે એકબીજાને ઓળખતા ન હોય એમ એકબીજાની નજરનો સામનો કરવાનું ટાળી રહ્યા..

“એ હા કહેશે તો પણ હું તો ના જ કહીશ..” મીનાક્ષીએ ધીમા પણ મક્કમ અવાજે જણાવ્યું.

“સારું” શેખર કશું બોલી ન શક્યો.

એ પછીના દિવસોમાં અનેકવાર મહેમાન આવ્યા, મીનાક્ષીને જોવા માટે.
બેકાર શેખર સાથે પોતે પરણવા માંગે છે એવું મીનાક્ષી કહે પણ કોને? કોણ એની વાત સાંભળવાનું હતું? ને શેખર પાસે પણ કોઈ જ ઉપાય ન હતો.

ન ચાહવા છતાંયે મીનાક્ષીના લગ્ન મુંબઈના એક ધનાઢય અને વિશાળ કુટુંબના નબીરા જોડે થઇ ગયા. મીનાક્ષીના રૂપ પર મોહી ગયેલા, સાધારણ દેખાવના, કૌટુંબિક વ્યવસાય સંભાળતા દીપકને મીનાક્ષી જેવી રૂપાળી છોકરી જોઈતી હતી. મીનાક્ષી માટે શેખરને ભૂલીને દીપક સાથે નવી જિંદગી શરૂ કરવી આસાન ન હતી. જો કે, દીપક માટે એની જરૂરીયાત અમુક સંદર્ભો પૂરતી જ રહેતી. સંયુક્ત કુટુંબમાં રહેતા સૌ મુંબઈની હવા ખાઈ ચુકેલા હતા. અહીં કોઈ કોઈની બાબતમાં ખાસ માથું મારતું ન હતું. થોડા જ સમયમાં મીનાક્ષીને આ વાતનો ખ્યાલ આવી ગયેલો. બપોરના સમયે ફોન કરીને એ શેખર જોડે ગપસપ કરી લેતી.

“આ ઠીક નથી. તારા વરને ખબર પડશે તો તને તકલીફ થશે.”

શેખર હંમેશા એને ટોકતો. એ હસીને વાત બદલી નાખતી. શરુ શરૂમાં શેખરની લખેલી કવિતાઓ અને જૂના દિવસોની વાતો એ અવારનવાર કર્યા કરતી. સમય વીતતો ગયો. હવે એની વાતોમાં ‘અમે અહીં ગયેલા... આમ કર્યું, આ શોપિંગ કર્યું.. અમારે ત્યાં આમ જોઈએ ને આમ ન ચાલે...’ એવો સૂર રહેતો.. પણ શેખર માટે એની વાતો સાંભળવી પહેલા જેટલી જ રસપ્રદ રહેતી.

દિવસો વિતતા ચાલ્યા. હવે ક્યારેક એ નણંદો જોડે ફિલ્મ જોવા ચાલી જતી તો ક્યારેક શોપિંગ કરવા... શેખર કલાકો સુધી એના ફોનની રાહ જોઇને બેસી રહેતો. મીનાક્ષીનો માસૂમ ચહેરો યાદ કરી કરીને કવિતાઓ લખ્યે રાખતો. કંટાળીને પછી પાનના ગલ્લે જઈને એકાદી સિગારેટ ફૂંકી નાખતો.  

એક દિવસ અચાનક, સાંજના સમયે શેખર માટે ફોન આવ્યો..
“દોસ્ત... તું કાલે ને કાલે મુંબઈ આવી જા... તારે માટે અહી કામ છે.....”

શેખરનો મિત્ર રવિ કોમ્પ્યુટર એનિમેશનનું ભણીને મુંબઈ જઈને ફિલ્મલાઈનમાં ગોઠવાઈ ગયેલો. એક પ્રયોગશીલ દિગ્દર્શકને પોતાની આગામી ફિલ્મમાં બધું જ નવું જોઈતું હતું. રવિની ભલામણથી શેખરની નવા ગીતકાર તરીકે પસંદગી થઇ ગઈ.

“તને ખબર નથી કે તું કેટલી સરસ કવિતાઓ લખે છે. તારો આ ખજાનો દુનિયાની સામે મુકવામાં તને શો વાંધો છે?” મીનાક્ષી હંમેશા એને કહેતી.

“કંઈ જરૂર નથી. મારી કવિતા તારા માટે જ છે, બીજા કોઈને એ વંચાવવાની જરૂર નથી.” એ કહેતો.

એના થોડા જક્કી સ્વભાવથી પરિચિત મીનાક્ષી ત્યારે ચૂપ થઇ જતી. આજે જ્યારે એની કવિતાઓ દુનિયા સમક્ષ આવી રહી હતી ત્યારે મીનાક્ષીને આ ખુશખબર આપવા એ તલપાપડ થઇ રહ્યો હતો. પણ મીનાક્ષીનો ફોન પહેલા સતત એન્ગેજ આવતો હતો અને હવે સામે છેડે રીંગ વાગ્યા કરતી હતી પણ કોઈ ફોન ઉઠાવતું ન હતું.

‘હેલો!” માંડ અર્ધા કલાકે ફોન ઊંચકાયો અને મીનાક્ષીનો અવાજ એના કાને અથડાયો.

“હેલો! હું... હું..... શેખર બોલું છું. મારે તને એક વાત કહેવી છે.”  

“હા બોલ ને... શું હતું? તારી તબિયત તો બરાબર છે ને..”

“હા મારી વ્હાલી.. હું એકદમ મજામાં છું અને મારી પાસે એક સારા સમાચાર છે તને આપવા માટે...”

“ઓહ... નવી કવિતા લખી છે? ના શેખર... અત્યારે નહીં... મને જરાય ફુરસદ નથી... તું અત્યારે ફોન મૂક, મારે કામ છે.... ” શેખર કશું બોલે એ પહેલા જ ધડામ દઈને સામે છેડેથી ફોન મૂકાઈ ગયો.

ફોનનું રિસીવર એમ જ હાથમાં ઝાલીને ઉભેલા શેખરની આંખોમાં નર્યો અંધકાર ઊતરી આવ્યો. 

20 ટિપ્પણીઓ:

  1. મિત્રો... મારા આ પ્રયાસ પર આપનાં મંતવ્યો આવકાર્ય છે..

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. બહુ ભાગ્યે જ વાંચું છું ... રસપ્રદ ના લાગે તો અધવચ્ચે છોડી દઉં વાત પૂરી....

      ભાગ્યેજ ઘટતી ઘટના ઘટી કે વાર્તા સડસડાટ વંચાઈ ગઈ...!

      અને છેલ્લે શું થયું કહું ... ! ફોનનું રિસીવર એમ જ હાથમાં ઝાલીને ઉભેલા શેખરની આંખોમાં નર્યો અંધકાર ઊતરી આવ્યો. ..

      kujnaj સાચું જ કહેતી હતી..... :)

      કાઢી નાખો
  2. જવાબો
    1. જી... જીવનમાં ડગલે ને પગલે સમાધાનો કરવા પડતા હોય છે...

      કાઢી નાખો
  3. જવાબો
    1. આપને આગળ વાંચવું ગમશે તે જાણીને આનંદ થયો... કોશિશ કરીશ...

      કાઢી નાખો
  4. બહુ સરસ વાર્તા .... અધુરી પ્રેમકથા ...અધૂરા સંવાદો ...કેટલીક ચીજો આમ અધુરી રહેવા જ સર્જાય હોય છે

    જવાબ આપોકાઢી નાખો
  5. મેં એક સ્ટેટસ લખ્યું .. " જયારે કોઈ માર્ગ ન મળે ત્યારે સમયને માર્ગ આપો !" ... વિટંબણાની ગુંચ સમય સાથે ઉકેલાઈ જાય છે .મને નથી લાગતું આથી આગળ વાર્તા લંબાવાય ...દુવિધાના ગુણાકાર જ થાય !

    જવાબ આપોકાઢી નાખો
  6. એક અધુરી પ્રેમ કહાની , સમય જતાં પ્રેમ પણ વિસારે પડી જાય છે એનું ઉત્કૃષ્ટ ઉદાહરણ

    જવાબ આપોકાઢી નાખો