જુલાઈ 25, 2014

એક ગુમનામ ગાયક...




ગઈકાલે મેં પ્રખ્યાત નિર્દેશિકા સાંઈ પરાંજપેની અદ્ભૂત ફિલ્મ 'સાઝ'ના વરસાદી ગીત 'બાદલ ઘુમડ આયે' વિશેની પોસ્ટ મૂકી હતી. આ ફિલ્મ, આમ તો, સંગીતના ક્ષેત્રે એકબીજાને ટક્કર મારે એવી બે પ્રતિભાવંત બહેનોની કથા છે. સહજ છે કે, પહેલી નજરે આ કથા, પ્રખ્યાત મંગેશકર બહેનોની વાર્તા હોય એમ લાગે. પરંતુ ફિલ્મ જોઈને, ખાસ તો, 'બાદલ ઘુમડ આયે' ગીત અને રઘુવીર યાદવનું પાત્રાલેખન જોઈને ચોંકી જવાયું.

ફિલ્મમાં રઘુવીર યાદવનો એક સુખી પરિવાર છે- પત્ની અને બે દીકરીઓ. એ જાતે સંગીતકાર છે અને નાટક કંપનીમાં કામ કરે છે. બંને દીકરીઓ સંગીતમાં રસ ધરાવે છે.
પરંતુ નાની થોડી અદેખી લાગે છે. રઘુવીરની પત્નીને દીકરો જન્મે છે પરંતુ જન્મતાં જ મરી જાય છે અને થોડા વખતમાં પત્ની પણ મૃત્યુ પામે છે. પત્નીના મોત પહેલા દારૂ પીવાનું શરુ કરનાર રઘુવીર પત્નીના મોત બાદ તદ્દન દારૂડિયો બની જાય છે. દારૂની લતને કારણે નાટક મંડળીનું કામ પણ ગુમાવે છે. ત્યારે દારૂના નશામાં પડોસી પાસે દારૂના પૈસા માંગે છે. પડોસી એને દારૂ માટે ભીખ માંગે છે એમ ટોણો મારે છે ત્યારે એ કહે છે કે હું ભીખ નથી માંગતો. અને એમ કહી ને 'બાદલ ઘુમડ આયે...' ગીત ગાય છે.

 આ ફિલ્મ રજૂ થઈ હતી ૧૯૯૮માં.. પણ ૨૦૦૯ના એક છાપામાં આવેલા ખબર જુઓ:

'કુમાર ગાંધર્વનો પુત્ર ભોપાલની સડકો પર ભીખ માગે છે.........

''નાની વયે ખયાલ ગાયકીમાં કાઠું કાઢનારા મુકુલ શિવપુત્ર ગુમનામ જિંદગી જીવી રહ્યા છે. મહાન શાસ્ત્રીય સંગીતકાર સ્વ. કુમાર ગાંધર્વનો પુત્ર અને પ્રસદ્ધિ શાસ્ત્રીય ગાયક મુકુલ શિવપુત્ર આજકાલ ભોપાલની શેરીઓમાં બે-બે રૂપિયાની ભીખ માગી રહ્યા છે. ખયાલ ગાયકીમાં નાની ઉમરે મોટું નામ કમાનારા આ કલાકાર આજકાલ ભિખારી જેવી ગુમનામ જિંદગી જીવી રહ્યા છે. આજકાલ શાસ્ત્રીય નગરનું સાંઇ બાબાનું મંદિર અને જવાહર ચોક વિસ્તારમાં આવેલી દેશી દારૂની દુકાન મુકુલ શિવપુત્રનું મુખ્ય બેઠક કેન્દ્ર બની ગયું છે. શાસ્ત્રીય ગાયકીના માંધાતા મુકુલ શિવપુત્ર મંદિરમાં આવતા-જતા લોકો પાસે બે-બે રૂપિયાની ભીખ માગે છે. ભીખમાં મળેલી રકમ દારૂની કિંમત જેટલી થઇ જાય ત્યારે તેઓ દારૂના અડ્ડા પર પહોંચી જાય છે. અહીં થોડોક સમય વિતાવ્યા બાદ તે પાછા શિવમંદિરે આવીને ભીખ માગવાની શરૂઆત કરી દે છે. બુધવારે રાતે તેઓ અહીંના બાંકડા પર બેભાન હાલતમાં મળી આવ્યા હતા. તેમના પરિચય અંગે પૂછતાં તેઓ બે હાથ જોડીને કહે છે હા, હું ગાયક છું. સાહેબ હું સંગીતકાર છું. પોતાની રીતે જીવનારા મુકુલ શિવપુત્ર અત્યારે પાઇ-પાઇ માટે મોહતાજ છે."

આવા સમાચાર વાંચીને સંગીતપ્રેમીઓના દિલ થડકી ન ઉઠે તો જ નવાઈ...

હવે સંયોગ જુઓ....ફિલ્મ 'સાઝ'ની  વાર્તા અને મુકુલ શિવપુત્રની કરમકહાણી વચ્ચે અજબ સામ્યતા છે!

શાસ્ત્રીય સંગીતની દુનિયામાં પં. કુમાર ગંધર્વ અને પં. મુકુલ શિવપુત્રના નામથી અપરિચિત હોય એવું કોઈ ભાગ્યે જ હશે. ૨૫ માર્ચ, ૧૯૫૬માં જન્મેલા મુકુલે નાનપણથી જ શાસ્ત્રીય સંગીતની તાલીમ પિતા પાસેથી મેળવી. ખયાલ ગાયકીના ગુરુ પણ પિતા જ બન્યાં. ધ્રુપદ અને ધમાર તેમ જ કર્ણાટકી સંગીતના બેતાજ બાદશાહ એવા મુકુલને કંઠે નિર્ગુણ ભજન, ઠુમરી અને લોકગીતો સાંભળવા એ એક લહાવો છે! ગંધર્વ સંગીત મહોત્સવોમાં  તેમણે ખુદ સ્વરબધ્ધ કરેલી કેટલીયે સંસ્કૃત રચનાઓ ગાઈને શ્રોતાઓના મન મોહી લીધા છે. જાણકારો એમ કહે છે કે અન્ય ગાયકો રાગ જસવંતી આલાપ અને તાન વડે જ રજૂ કરે છે જ્યારે મુકુલ તો આ રાગને તેના મૂળ સ્વરૂપમાં રજૂ કરે છે. પંડિત ભીમસેન જોષી બાદ જો કોઈએ રાગ ભૈરવી ને અત્યંત ખૂબસુરત રીતે ગાયો હોય તો તે છે મુકુલ!

કહે છે કે, પત્નીના અકાળ અવસાન બાદ પોતાના એકમાત્ર પુત્રને પરિવાર પાસે છોડીને તેઓએ નર્મદા કિનારે આવેલા સિદ્ધનાથ મંદિરે વસવાટ શરૂ કર્યો. મુકુલ કે જેની રગોમાં સંગીત લોહી બનીને વહી રહ્યું છે,  તેને પોતાની સંગીત પ્રતિભાના જોરે કોઈ મંજિલ હાસિલ કરવામાં કોઈ જ રસ નથી. સનકી કહેવાય એવા મુકુલ ની આ વિરક્તિ તેમને ફકીરની કક્ષામાં મૂકે છે. દેશના ગણ્યાં-ગાંઠ્યા શાસ્ત્રીય ગાયકો પૈકી એક એવા આ લીજેન્ડરી ગાયકે, પોતાને મળેલા કલાવારસાને જો શિસ્તબદ્ધ રીતે આગળ વધાર્યો હોત, તો કદાચ પોતાના પિતા કરતા યે વહેલી ઉમરમાં તેમનાથી યે વધુ પ્રસિદ્ધ થઈ શક્યાં હોત અને નામ-દામ, ઈનામ-અકરામનો તો કોઈ તોટો ન રહ્યો હોત!

''આખિર યહ તન છાર મિલેગા,
કહાં ફિરત મગરૂરી મેં....
મન લાગા યાર ફકીરી મેં....

* એક મિત્રના જણાવ્યાનુસાર "છેલ્લી જાણકારી મુજબ પં. મુકુલ શિવપુત્ર ઇન્દોરમાં વ્યસનમુક્તિના સફળ ઈલાજ બાદ હાલ પુણેમાં સામાન્ય જીવન જીવે છે."

પં. મુકુલ શિવપુત્રનાં કંઠે નિર્ગુણ ભજન સાંભળવા અહી ક્લિક કરો..

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો