જુલાઈ 15, 2014

દેખો રુઠા ના કરો.....

Mount Fuji

“ઓહ.. તું છો....!!!” બેડ સાઈડ લેમ્પના ઝાંખા અજવાળામાં અર્ધમીંચી અધખુલ્લી ઊંઘરેટી આંખે એની સામું જોતા એ બોલી...

“તો રાતના અઢી વાગ્યે બેડરૂમમાં બીજું કોણ હોઈ શકે મારા સિવાય? એય...તું કોને એક્સ્પેક્ટ કરે છે????” કૈક ચીડાયેલા અવાજે એ બોલ્યો..

“રણબીર કપૂરને...” અડધી ઊંઘમાં પણ એ મજાક કરી શકી એનું પોતાને જ આશ્ચર્ય થયું!

“જેનો પતિ રાતે મોડે સુધી ઓફિસમાં કામ કરીને ઘરે આવતો હોય એને પત્નીની નારાજગીનો કેટલો ડર લાગતો હોય... મારી ઓફિસમાં બોસને પણ કલાક મોડું થાય તો ઘરે જઈને શું જવાબ આપવો એનું ટેન્શન એના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતું હોય છે.... પણ તારું હું શું કરું? તું તો કોઈ ચાન્સ જ નથી આપતી, યાર!” ઢીલી કરેલી ટાઈનો ગાળિયો છોડીને એણે શર્ટના બટન ખોલ્યા.

“શું યાર... તું મને કેટલી પ્રાયવસી આપે છે? કેટલી નસીબદાર છું હું. અને તું તો પુરુષ થઈને પણ જરાય પઝેસીવ નથી. એટલે જ સ્તો સવારનો દસ વાગ્યાનો ગયો છે તો રાતના અઢી વાગ્યે ઘરે આવે છે ને વચ્ચે એક ફોન પણ નથી કરતો!! આઈ રીઅલી લવ યુ, જાનૂ.”

“શું યાર તું યે ગુગલી પર ગુગલી ફેંકે છે. બૌ જ કામ હતું ઓફિસમાં. રીઅલી. આ એક અઠવાડિયું  કામ છે. બસ, પછી એક અઠવાડિયાની રજા મૂકીને ક્યાંક બહાર ફરવા જઈશું. ગોવા, કેરાલા... તું કહે ત્યાં...”

“અરે ના જાનમ, તારી સાથે સમય વિતાવવા માટે દુનિયાનું શ્રેષ્ઠ સ્થળ હોય તો તે છે આપણું ઘર. સાચું કહું તો મને ક્યાંય જવાનું મન જ નથી થતું. ખબર નહીં, લોકોને શું મળી જતું હોય છે શિમલા, નૈનીતાલ, કુલુ-મનાલીમાં. અને હમણાં જ તો ગયા હતા આપણે સાપુતારા. બે વરસ પહેલા.” એ હસતા હસતા બોલી.

“આજે મેડમ ફૂલ મૂડમાં છે. એક એક કરીને વાર કરી રહી છે ને દરેક વાર આગલા કરતા તેજ.” મનોમન હસતા એ બોલ્યો.

“બાય ધ વે. આ મેણા જે તું મને મારી રહી છો એ તારા ખુદના છે કે બપોરે વાંચેલી કોઈ નોવેલનાં લેખકના ભેજાની આ નીપજ છે? તારા ખુદના હોય તો જસ્ટ સુપર્બ!!!” બાથરૂમમાંથી ટુવાલ લપેટીને નીકળતા આછું હસતાં એ બોલ્યો.

“ઓહ કમ ઓન. હું તારા વખાણ કરું છું ને તને એ મેણા લાગે છે! ભગવાનનો આભાર માન કે હું તને મળી છું. મારા જેવી પત્ની નસીબદારને જ મળે છે.”

એની જબાન અવિરત ચાલતી રહેત પણ એના હોઠ પર આંગળી મૂકી, આંખોમાં આંખો પરોવી એ બોલ્યો “જાનેમન, પ્લીઝ તું મારા આટલા બધા વખાણ ન કર. મારું સુગર લેવલ આમેય હાઈ છે ને તારી આ મધમીઠ્ઠી વાતો મારો જીવ લઇ લેશે એક દિવસ!” 

“એય જાન, કહે ને કે તું મને મિસ કરતી હતી આખો દિવસ.” એસીનું થર્મોસ્ટેટ થોડું ઘટાડીને સુંવાળું કમ્ફર્ટર શરીર પર અર્ધે સુધી ખેંચી લઈને એણે મોબાઈલમાં અલાર્મ સેટ કરતા કહ્યું 

“હું ને તને મિસ કરું? જરાય નહીં. જાનમ, હું તો તારા પ્રેમમાં એટલી તો પાગલ છું કે તું આઠ-આઠ દિવસ ઘરે ન હોય, ટૂર પર ગયો હોય તો યે મને તારી કમી જરા પણ નથી વર્તાતી. મને લાગે જ નહીં કે તું મારી પાસે નથી. તું એવો છવાયો છે મારા દિલોદિમાગ પર.” જાતને સંકોરીને સાવ એના પડખામાં લપાઈને એ બોલી. પણ એના મોં પર છવાયેલું મજાકીયું સ્મિત એ જોઈ શક્યો નહિ.

“હં! વાત સાંભળ. કાલ સાંજની ફ્લાઈટ છે, ટોકિયોની. એક અઠવાડિયું લાગી જશે. પ્લીઝ, બેગ પેક કરી દેજે." હજુ યે એના હાથ મોબાઈલના ટચ સ્ક્રીન પર કશુક ટાઈપ કરી રહ્યા હતા.

“વોટ? ચાર દિવસ પછી આપણી મેરેજ એનીવર્સરી છે. તું નહીં હોય મારી જોડે? આઈ હેઈટ યુ.” કહીને એ મોં ફુલાવીને પડખું ફેરવીને સૂઈ ગઈ. ન ચાહવા છતાંયે એની આંખો ભીની થઈ ગઈ.

“સ્વીટહાર્ટ. પેકિંગ બંને જણનું કરવાનું છે. કામ તો બે જ દિવસનું છે, એનીવર્સરીના દિવસની સવારે કાવાગુચી સરોવરના તટ પરની હોટેલ ફૂજીના બાથ ટબમાંથી માઉન્ટ ફૂજીના હિમાચ્છાદિત શિખરને સાથે નિહાળતા હોઈશું." આછું હસતા એણે ઉભા થઈને એરલાઈન્સની બે ટીકીટો એના હાથમાં મૂકી દીધી. બે નાજુક હાથની કેદમાં જકડાયેલા એણે પોતાના બંને હાથ પણ એ નાજુક વેલ ફરતે વીંટી દીધા. ખરેખર વાગી રહ્યું હતું કે નહિ એ તો ખબર નહિ પણ એના કાનમાં તો એ ગીત ગુંજી રહ્યું.......


“દેખો રુઠા ના કરો......”

3 ટિપ્પણીઓ: