જુલાઈ 20, 2014

ગીતા દત્ત...




ગીતા દત્ત - જન્મ: ૨૩ નવેમ્બર, ૧૯૩૦ - દેહવિલય: ૨૦ જુલાઈ, ૧૯૭૨

ગીતા દત્ત.... મસ્તીભર્યા તોફાની અંદાજમાં  ગાયેલા ગીતો વડે ભારતીય ફિલ્મસંગીતને પશ્ચિમી સૂરમાં ઢાળનારી આ ગાયિકા, લગભગ દરેક પ્રકારના ગીતો ગાવામાં કુશળ હતા. ભજન ગાયિકા તરીકે કારકિર્દીની શરુઆત કરનાર ગીતા દત્તે ફિલ્મ 'બાઝી'ના ગીતોમાં પોતાના માદક અવાજના કામણ વડે બાજી મારી લીધી અને રાતોરાત તે સમયની યુવા પેઢીની પ્રથમ પસંદગી બની ગઈ.

ચાહે ભજન હોય કે ક્લબ સોંગ, પ્રણયગીત હોય કે દર્દભરી રચના.... ગીતા દત્તના મદહોશ કરી દેનારા અવાજના જાદૂથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ જતા..... આજે પણ થઈ જવાય છે. ગીતા દત્તના અવાજમાં રહેલો બંગાળી લહેકો તેમની સમકાલીન એવી અન્ય ગાયિકાઓથી અલગ કરી દે છે. સચિન દા એ તેમની આ ખાસિયતનો ઉપયોગ, દેવદાસ અને પ્યાસા જેવી ફિલ્મોના ગીતમાં બખૂબી કર્યો છે. પ્યાસાનું ગીત 'આજ સજન મોહે અંગ લગા લો... જનમ સફલ હો જાયે.....' સાંભળતા જ આ વાત સુપેરે સમજાય છે.

કહેવાય છે કે, પતિ ગુરુ દત્ત જ નહીં, દુનિયાએ પણ આ પ્રતિભાશાળી ગાયિકા અને અભિનેત્રીને જીવતેજીવ ખૂબ જ અન્યાય કર્યા હતા. આ એક નમૂનો જુઓ. ફિલ્મ 'સુજાતા'નું આ ગીત, 'તુમ જીઓ હજારો સાલ, સાલ કે દિન હો પચાસ હજાર', સચિન દા એ આશા ભોંસલે અને ગીતા દત્ત એમ બંનેના અવાજમાં રેકોર્ડ કરેલું. છેલ્લી ઘડીએ ગીતા દત્તનો અવાજ ફાઈનલ થયો. પણ ગ્રામોફોન કંપનીના રેકોર્ડમાં આશા ભોંસલેનું નામ જતું રહેલું. કેટલાયે વર્ષો સુધી આ ગીત આશાજીના નામ સાથે જ સંભળાતું રહ્યું. આશરે સત્યાવીસ વર્ષ પછી એક વખત આશાજી જ્યારે અમેરિકાની ટૂર પર ગયેલા  ત્યારે ત્યાંના એક રેડિયો સ્ટેશન પર તેમનો ઈન્ટરવ્યૂ લેવાયો. એ સમયે અનાઉન્સરે તેમને આ ગીત સંભળાવીને ગાયિકાનું નામ પૂછ્યું. આશાજીએ જવાબ આપ્યો, 'ગીતા દત્ત'. (જો કે હજુ યે નેટ પર આ ગીત સર્ચ કરતા ગાયિકા તરીકે આશા જીનું નામ જ જોવા મળે છે.)

કૈસે કોઈ જીયે, ઝહર હૈ ઝીંદગી...(બાદબાન- ૧૯૫૪) જેવું  ગીત ગાનાર ગીતા દત્ત, ગુરુ દત્ત જેવા જીનીયસ સાથેના નિષ્ફળ લગ્નજીવન બાદ શરાબનું ઝેર રોજબરોજ ગળા નીચે ઉતારતી રહી અને આ જ કારણે માત્ર ૪૧ વર્ષની વયે આ ફાની દુનિયા છોડી ગઈ.

ગીતા દત્તે ગાયેલા મારી પસંદના કેટલાક સહાબહાર ગીતો:-

*ખયાલોં મેં કિસી કે, ઈસ તરહ આયા નહીં કરતે.. (બાવરે નૈન- ૧૯૫૦)
*સુનો ગજર ક્યા ગાયે (બાઝી- ૧૯૫૧)
*ન યે ચાંદ હોગા ન તારે રહેંગે મગર હમ હમેશા તુમ્હારે રહેંગે (શર્ત-૧૯૫૪)
*કૈસે કોઈ જીએ... ઝહર હૈ ઝિંદગી (બાદબાન-૧૯૫૪)
*જાને કહાં મેરા જિગર ગયા જી (મિ. એન્ડ મિસિસ૫૫-૧૯૫૫)
*જાતા કહાં હૈ દીવાને (સી આઈ ડી-૧૯૫૬)
*એ દિલ મુઝે બતા દે, તુ કિસ પે આ ગયા હૈ (ભાઈ ભાઈ- ૧૯૫૬)
*આજ સજન મોહે અંગ લગા લે... જનમ સફલ હો જાયે (પ્યાસા-૧૯૫૭)
*મેરા નામ ચિન ચિન ચૂ (હાવરા બ્રિજ-૧૯૫૮)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો