મે 16, 2014

એક હસીન શામ કો....





એક હસીન શામ કો...દિલ મેરા ખો ગયા....

કો’ સલૂણી સાંજે એકલા બેઠા બેઠા રફીસાહેબના અવાજમાં ફિલ્મ ‘દુલ્હન એક રાત કી’નું આ ગીત સાંભળો ત્યારે ચોક્કસ તમારું દિલ કોઈ જૂની યાદોની સફરે ના ઉપડી જાય તો જ નવાઈ! મદનમોહનજીનાં સંગીતની જાદુઈ કરામત ગીતની શરૂઆતથી જ આપણને એક અનોખા ભાવ જગતમાં લઇ જાય છે. એમાયે મોહમ્મદ રફી સાહેબના મખમલી અવાજનો જાદૂ અને તેમના અવાજમાં રેલાતી મસ્તી શ્રોતાઓના કાનમાં અદભૂત મીઠાશ ઘોળે છે. પરંતુ આ ગીતના જાદુનું એક અનોખું કારણ છે એના શબ્દો.


આ સુંદર ગીતના ગીતકાર છે રાજા મેંહદી અલી ખાન... અવિભાજ્ય ભારતના જેલમમાં એક જમીનદાર પરિવારમાં જન્મેલા રાજાસાહેબના માતા હેબે સાહેબા પણ પોતાના સમયમાં ઉર્દૂના પ્રખ્યાત શાયરા હતા. નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવનાર રાજાસાહેબ, તેમના કૌટુંબિક મિત્ર અને પ્રખ્યાત શાયર ડો. અલ્લામા ઇકબાલ સાહેબની પ્રેરણાથી શાયરી તરફ વળ્યા. ચાળીસનાં દશકમાં જ્યારે આકાશવાણીનાં દિલ્હી કેન્દ્ર પર કામ કરતા હતા ત્યારે તેમને તેમના મિત્ર એવા પ્રખ્યાત ઉર્દૂ લેખક સહાદત હસન મન્ટોએ મુંબઈ આવવા આમંત્રણ આપ્યું. મન્ટો એ સમયે હિન્દી ફિલ્મોમાં પટકથાલેખનનું કામ કરતા હતા. શાયર રાજા સાહેબે ફિલ્મી કારકિર્દીની શરૂઆત પટકથા લેખક તરીકે કરી, એટલું જ નહીં, એક ફિલ્મમાં નાનકડો રોલ પણ કર્યો. પણ આ બે માંથી એકેય કળા એમને માફક ન આવી. આખરે ૧૯૪૬માં ફિલમ ‘દો ભાઈ’ માટે રાજા સાહેબને ગીતો લખવાનો મોકો મળ્યો. બર્મન દાનાં સંગીતમાં આ ફિલ્મના ગીતો પૈકી ‘મેરા સુંદર સપના બીત ગયા’ અને ‘યાદ કરોગે’ એ ગીત ખૂબ જ પ્રસિદ્ધ થયા. થોડા જ સમયમાં દેશના વિભાજન સમયે ફાટી નીકળેલા હિંદુ મુસ્લિમ કોમી રમખાણોથી જરા પણ વિચલિત થયા વિના તેમણે ભારતમાં જ રહેવાનું પસંદ કર્યું. દેશ માટેનો તેમનો પ્રેમ, ૧૯૫૦માં રજૂ થયેલી દિલીપ કુમાર-કામિની કૌશલ અભિનીત ફિલ્મ ‘શહીદ’નાં ગીત ‘વતન કી રાહ મેં વતન કે નૌજવાં શહીદ હો...’ ગીતમાં છલોછલ વ્યક્ત થાય છે.



’૫૦નો દાયકો રાજા સાહેબની કારકિર્દીનો સુવર્ણકાળ હતો. આ સમયની શરૂઆતમાં તેમણે સંગીતકાર મદનમોહનજી સાથે ફિલ્મ ‘આંખે’(૧૯૫૦)માં જોડી જમાવી.. જે અદા, મદહોશ, જાગીર, અનપઢ, આપ કી પરછાઈયાં, મેરા સાયા, વો કૌન થી, નીલા આકાશ, દુલ્હન એક રાત કી, જબ યાદ કિસી કી આતી હૈ અને સિરાજ ઉદ્દ દૌલા જેવી ફિલ્મો સાથે સફળતાના નવા નવા શિખરો સર કરતી રહી.

રાજા સાહેબ જ કદાચ એવા પહેલા ગીતકાર છે, જેમણે હિન્દી ફિલ્મી ગીતોમાં ‘આપ’ શબ્દનો ઉપયોગ પ્રચલિત કર્યો. ‘આપ કી નઝરો ને સમજા, પ્યાર કે કાબિલ મુજે...’(અનપઢ), ‘જો હમને દાસ્તાં અપની સુનાયી, આપ કયું રોયે...’(વો કૌન થી), ‘આપ ને અપના બનાયા, મેહરબાની આપ કી...(દુલ્હન એક રાત કી), ‘આપ કે પહેલુ મેં આકાર રો દિયે....’(મેરા સાયા), ‘આપ યું હી અગર હમ સે મિલતે રહે, દેખિયે એક દિન પ્યાર હો જાયેગા...’(એક મુસાફિર, એક હસીના) વગેરે જેવા ગીતો આના સુંદર ઉદાહરણો છે. રાજા સાહેબનું લખેલું ફિલ્મ ‘વો કૌન થી’નું સદાબહાર ગીત “લગ જા ગલે કે ફિર યે હસીં રાત હો ન હો...’ ક્યારેય ન ગણગણ્યું હોય એવા સંગીત રસિયાઓ ભાગ્યે જ મળે!

મદન મોહનજી ઉપરાંત રાજા સાહેબે ખેમચંદ પ્રકાશ, બુલો સી રાની, એસ. એન. ત્રિપાઠી, શ્યામ સુંદર, ગુલામ હૈદર, એસ. ડી. બર્મન, રવિ, રોશન જેવા ખ્યાતનામ સંગીતકારો સાથે પણ કામ કર્યું. સંગીતકાર સી. રામચંદ્ર (મેરે પિયા ગયે રંગૂન) અને ઓ. પી. નૈયર (મૈ પ્યાર કા રાહી હૂં) જેવા સંગીતકારો સાથે પણ તેમણે કેટલીક અવિસ્મરણીય રચનાઓ આપી. સાઠના દશકના મધ્યમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે તેમણે કરેલી ફિલ્મો ‘અનીતા’ અને ‘જાલ’ એ એમની કારકીર્દીની અંતિમ ફિલ્મો હતી. ૧૯૯૬નાં જુલાઈમાં રાજા સાહેબે આ ફાની દુનિયા છોડી દીધી. પણ એમના લખેલા ગીતો આજે પણ દુનિયાભરમાં રહેતા સંગીત રસિકોના દિલોમાં ગૂંજે છે.

1 ટિપ્પણી:

  1. He was one of the most talented lyricists. Advantage to him, & other great lyricists like Sahir, Shakeel, Shailendra was that they got great Music creators like C.Ramchandra, SJ,Ravi, Salil Chaudhuri,S.D. Burman R.D., L.P., K.A etc. & voices of Lata, Rafi, Manna De, Mukesh, Talat, Hemant Kumar. All of them made music one of the most unforgettable & memorable experiences.

    જવાબ આપોકાઢી નાખો