મે 13, 2014

માંડવાની જૂઈ.... પુરુષોત્તમ ઉપાધ્યાય






ગુજરાતની આગવી ઓળખ એનું ગુજરાતી સુગમ સંગીત, ને ગુજરાતી સુગમ સંગીતની આગવી ઓળખ એટલે સંગીત શીરોમણી શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય.
એમના માટે એવું કહેવાય કે, પુરુષોત્તમ.... નરોત્તમ...... સ્વરોત્તમ !!  ત્રણ વર્ષની વયથી જેમણે ગુજરાતી સુગમ સંગીતનો હાથ ઝાલ્યો, તે પુરુષોત્તમ ઉપાધ્યાય આજે ગુજરાતી સાહિત્ય અને સંગીતનો આધાર સ્તંભ બનીને ઉભા છે. મહેશ દવેએ લખેલ 'એકવાર શ્યામ તારી મોરલી વગાડી દે' હોય, જવાહર બક્ષી રચિત 'દૂરતા કોઈ વખત મોંઘી પડી' હોય કે પછી મેઘબિંદુની રચના 'ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ' હોય, આ દરેકે દરેક રચનાને જેણે સંગીતબધ્ધ કરી છે, જેમણે લગભગ ૬૨ વર્ષની લાંબી કારકિર્દી દરમિયાન ૧૦,૦૦૦થી  વધુ કાર્યક્રમો આપ્યા છે તેમજ સુગમ સંગીત ક્ષેત્રે વિશ્વગુર્જરી એવોર્ડ મેળ્વ્યો છે તે સંગીતકાર અને ગાયક એટલે કે શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાય.

સંગીતકાર તરીકે પુરુષોત્તમભાઈએ અનેક અવિસ્મરણીય રચનાઓ આપી. જેની યાદી કરવા બેસીએ તો પાર ન આવે. પ્રસ્તુત ગીત 'માંડવાની જૂઈ''ની વાત કરીએ તો, લગભગ સાઠ વર્ષ પહેલા જ્યારે ગુજરાતી સુગમ સંગીત  ક્ષેત્રે અવિનાશ વ્યાસનો સૂર્ય મધ્યાહને તપતો હતો, એ સમયે પુરુષોત્તમભાઈને  સંગીતકાર તરીકે ખાસ કોઈ ઓળખતું ન હતું. ગાયક તરીકે તેમની થોડી ઘણી ઓળખાણ પ્રસ્થાપિત થઈ હતી. એ વખતે અવિનાશ વ્યાસના ગરબા ખૂબ પ્રચલિત હતા. આવા જ એક ગરબાના કાર્યક્રમમાં અવિનાશભાઈને સમય ન હોવાથી એમણે એક ગરબો કમ્પોઝ કરવાનું કામ પુરુષોત્તમભાઈને સોંપ્યું. પુરુષોત્તમભાઈ એ સમયે પોતાના ગુરુ નવરંગ નાગપુરકર પાસે શંકરા રાગ શીખી રહ્યાં હતાં અને પં. શિવકુમાર શુક્લનો રાગ હંસધ્વનિ તેમણે સાંભળેલો હતો. એક જ ઘાટના આ બંને રાગના સંયોજન દ્વારા તેમને સુંદર ધૂન સ્ફુરી અને અદ્ભૂત ગીત સર્જાયું, ''માંડવાની જૂઈ...'' સંગીતકાર તરીકે પુરુષોત્તભાઈનું આ પહેલવહેલું ખૂબસુરત સર્જન! જો કે, અવિનાશભાઈના એ ગરબાના કાર્યક્રમમાં આ નવોદિત સંગીતકારનું નામ પણ તે વખતે જાહેર થયું ન હતું. પણ પછીથી આ રચનાની લોકપ્રિયતા જોઈને  અવિનાશભાઈ પોતે જ પુરુષોત્તમભાઈનું નામ જાહેર કરવા લાગ્યા. અને ત્યારબાદ પુરુષોત્તમભાઈની સંગીતયાત્રાના આપણે સૌ સાક્ષી છીએ.

માંડવાની જૂઈ.... આ ગીતમાં ડો. જિતુભાઈ મહેતા હ્રદયસ્પર્શી શબ્દોમાં, જૂઈના રૂપકથી  એક કન્યાના અઘૂરા રહી ગયેલા અરમાનની વાત કરે છે. જૂઈ અમથી અમથી મૂઈ એવી વાતથી શરૂ થતું ગીત જૂઈના અકાળે કરમાઈ ગયેલા જીવનની વાત કરે છે. જૂઈનુ જીવન એટલે એક લાંબી તરસ. તડકામાં ઊછરેલી છતાં એ જીવનના તડકા – દુ:ખો – થી ડરી ગઈ એવી વાત નાજુકાઈથી આવે છે. એનો હાથ પકડનાર તો છેવટ સુધી આવ્યો જ નહીં. એના સનમની રાહમાં ને રાહમાં એ એક ક્ષણમાં ખરી ગઈ. જૂઈને જેની રાહ હતી એ પવન છેવટે આવ્યો, પણ જૂઈના મૃત્યુ બાદ જ. જૂઈને રોજ રમાડતો પવન, જેની રાહમાં જૂઈ ખરી  ગઈ, એ જૂઈના મોતનો મલાજો રાખે છે. એને ઝાકળમાં નવડાવી, ધૂળમાં પોઢાવી એના અગ્નિસંસ્કાર કરે છે. પોતાની માનીતી જૂઈને એ અગ્નિદેવતાને અંકે સોંપે છે.અધૂરા રહી ગયેલા પ્રેમનું આ ગીત સ્વરના ઉતારચડાવથી વધારે અર્થસભર બન્યું છે. એક વાર સાંભળ્યા પછી આ ગીત મનમાં લાંબા સમય સુધી વિષાદની લાગણી છોડી જાય છે.

http://rankaar.com/blog/category/poets/jitubhai-mehta

*પૂરક માહિતી: Nandini Trivedi

1 ટિપ્પણી:

  1. http://opinionmagazine.co.uk/details/251/%E0%AA%AA%E0%AB%81%E0%AA%B0%E0%AB%81%E0%AA%B7%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%AE-....-%E0%AA%A8%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%AE-......-%E0%AA%B8%E0%AB%8D%E0%AA%B5%E0%AA%B0%E0%AB%8B%E0%AA%A4%E0%AB%8D%E0%AA%A4%E0%AA%AE---

    જવાબ આપોકાઢી નાખો