મે 10, 2014

हीरे मोती मैं ना चाहूँ....





हीरे मोती मैं ना चाहूँ.....
मैं तो चाहूँ संगम तेरा....
मैं तो तेरी सैयाँ....
तू है मेरा....
सैयाँ.... सैयाँ....

પ્રેમમાં પોતાના પ્રિયતમને સંપૂર્ણપણે સમર્પિત એવી પ્રિયતમાનાં હૃદયનું પ્રણયભીનું નિવેદન રજૂ કરતું આ ગીત, બંધ આખે એકધ્યાન થઈને સાંભળો તો એમ લાગે કે કોઈ સ્ત્રી એના પ્રણયનો એકરાર નથી કરી રહી, પરંતુ કોઈ વૈરાગી આત્મા, પરમતત્વ સુધી પોતાના હૃદયની વાત, સૂરોના માધ્યમથી પહોંચાડી રહ્યો છે. આવી અનુભૂતિ થવી સ્વાભાવિક છે. કારણ, ગાયક કૈલાસ ખેર કે જેની ગાયકી પર નાનપણમાં જ પડેલા સંસ્કારોની અસર છે. નાનપણથી જ ધાર્મિક વાતાવરણ અને ધાર્મિક પરિવેશ વાળા ગ્રામીણ પરિવારમાં ઉછરેલા કૈલાસ ખેરનાં ઘરમાં પહેલેથી જ સૂફી સંતો, ફકીરોની આવનજાવન રહેતી. એકતારા પર તેમને ગાતા સાંભળીને, તેમાનો ભાવાર્થ ના સમજવા છતાં બાળ કૈલાસ સાથે સાથે ગાવા લાગતો. પિતાના  અધ્યાત્મ પ્રેમનો વારસો કૈલાસની ગાયકીમાં, રચનાઓમાં સાંગોપાંગ ઉતર્યો છે. કૈલાસના અવાજમાં જીવન અને પ્રકૃતિના સત્યો અને તથ્યો સુપેરે ઝળકે છે અને કદાચ એટલે જ તેમના ગીતો મનને શાંતિ આપનારા બની રહે છે.

પ્રસ્તુત ગીતનું જમા પાસું છે તેનું સંગીત. કૈલાસ ખેરે પોતે લખેલા આ ગીતની ધૂન, પોતાના જ બેન્ડના સભ્યો પરેશ કામથ અને નરેશ કામથ સાથે મળીને તૈયાર કરી છે. ગીતનું ઓર એક જમા પાસું એટલે અંતરાની વચ્ચે સે'તાર નામના વાદ્યનો મધુર પ્રયોગ. સે'તાર એ ઈરાનીયન તંતુવાદ્ય છે. ફારસી ભાષામાં 'સેહ' એટલે ત્રણ (૩) અને 'તાર' એટલે ગુજરાતીમાં પણ જેને તાર કહે છે એજ! ટૂંકમાં ત્રણ તારનું તંતુવાદ્ય એટલે સે'તાર. (જોકે આધુનિક સે'તારમાં હવે ચાર તાર હોય છે.) આ એ જ વાદ્ય છે જેના પરથી આપણી ભારતીય સિતારની ખોજ થઈ હોવાનું મનાય છે. આ ગીતમાં સે'તાર વગાડવા માટે કૈલાસે ઈરાની સેતારવાદક તેહમુરેઝને ખાસ આમંત્રણ આપ્યું હતું.


http://www.youtube.com/watch?v=9K4TgdPDt2o

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો