મે 14, 2014

ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં......







ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્માં......

ફેસબુક પર એક મિત્રનો ચશ્માં પહેરીને પાડેલો ફોટોગ્રાફ જોઈને ઉપરના ગીતની યાદ આવી ગઈ. જ્યારે પણ આ ગીત સાંભળું ત્યારે મનમાં એમ થાય કે બિચારો હીરો આ ગીતમાં વખાણ કોના કરી રહ્યો છે? ચશ્માના કે પછી ફૂટડી, નમણી હીરોઈનના? એ જે હોય તે. પણ એક વાત તો ખરી જ... ચશ્માં પહેરવાથી માણસનું આખું યે વ્યક્તિત્વ બદલાઈ જાય, એ વાત તો નક્કી જ. પેલી જાહેરખબરમાં આવે છે એમ, 'એક આઈડિયા જો બદલ દે આપ કી દુનિયા' એમ 'એક ચશ્માં જે બદલી દે આપનું વ્યક્તિત્વ....' તમારી બાજુમાં બેઠેલો કોઈ માણસ અચાનક ખિસ્સામાંથી ચશ્માં કાઢીને આંખ પર લગાવી દે અને એવું યે બને કે તમે એને ઓળખી પણ ન શકો!


આપણે ત્યાં સામાન્યત: એવો ખ્યાલ છે કે ચશ્માં પહેરનારી વ્યક્તિ ખૂબ ભણેલી અને સમજદાર હશે! (તમે ચશ્માં પહેરતા હો કે ન પહેરતા હો, સામેવાળી વ્યક્તિના મનમાં આવો ખ્યાલ હોય અને તેની તમને ખબર પડી જાય તો ઝાઝો હરખ-શોક ન કરશો! કારણ કે તમારા પરિચયમાં આવનારી વ્યક્તિનો આ ખ્યાલ બહુ જલદી બદલાઈ શકે છે!) અમારા એક દૂરના વડીલ માજીનો, એમની દીકરીને કે કુટુંબની કોઈપણ દીકરીને 'જોવા' આવતા દરેક ચશ્માંધારી મુરતિયા માટે એવો ખ્યાલ રહેતો કે 'છોકરો બૌ ભણેલોગણેલો છે' ! એની સામે બીજી બધી રીતે લાયક એવી પણ ચશ્માંધારી હોય એવી કોઈપણ 'કન્યા' એમને એમના ઘણી બધી રીતે નાલાયક એવા દીકરા માટે 'લાયક' લાગતી નહીં !! આપણા સમાજમાં હજુ પણ લગ્નવાંચ્છુક કન્યા માટે આંખે ચશ્માં હોવા એ એક પ્રકારની ખોડ ગણાય છે. ચશ્માંધારી કન્યાઓને આજે પણ 'બેટરી', 'ફાનસ', 'ચશ્મિશ' જેવા લેબલ લગાડવામાં આવે છે. આજકાલ ચોમેર ફૂટી નીકળેલા 'ચશ્માંના નંબરથી કાયમી છૂટકારો અપાવતા' લેસર ક્લિનિકોમાં મોટાભાગના 'ગ્રાહકો', વીસથી પચીસ વર્ષની ઉમરની છોકરીઓ જ હશે, એમાં કોઈ બેમત નથી.          


ખેર, મજાની વાત એ છે કે ફક્ત દ્રષ્ટિની ખામી નિવારવા માટે પહેરાતા ચશ્માં આજે ફેશનનો પર્યાય બન્યાં છે. બદલાતા સમયની સાથે ચશ્માંની ફ્રેમમાં પણ અપાર વૈવિધ્ય જોઈ શકાય છે. અમિતાભ બચ્ચને મોટી ફ્રેમવાળા ચશ્માંની ફેશન પ્રચલિત કરી, તો 'કહો ના પ્યાર હૈ'થી રાતોરાત 'યુથ આઇકોન' બની ગયેલા હ્રતિક રોશને ફ્રેમ વિનાના, એકદમ સ્ટાઈલિશ લૂક આપતા ચશ્માંનો ટ્રેન્ડ શરૂ કર્યો. તો પ્રિતી ઝિન્ટાએ 'કલ હો ન હો'માં પહેરેલા અલગ જ પ્રકારના ચશ્માંએ ખાસ્સી ધૂમ મચાવી અને માર્કેટમાં 'પ્રિટી વુમન' બ્રાન્ડ ચશ્માંની કેટલાયે પ્રકારની વેરાયટી મળતી થઈ ગઈ! ચશ્માંની વાતો તો ભાઈ ચશ્માં જેટલી જ નિરાળી! મારી એક સહેલી પાસે જાત જાતના રંગ અને આકારના ચશ્માંનું જબરું કલેક્શન છે. નંબરના નહીં, શોખથી પહેરવાના ચશ્માં! દરેક ચશ્માંની સાથે જોડાયેલી અલગ અલગ વાર્તા! ક્યા ચશ્માં ક્યાંથી ખરીદેલા, કોણે ભેટમાં આપેલા કે કઈ ફિલ્મમાં ક્યા કલાકારે એવાં જ ચશ્માં પહેરેલા એની બધી યે વિગત એને મોઢે યાદ હોય! મજાની વાત તો એ કે દરેક પ્રકારના ચશ્માં એના સુંદર મજાના રૂપકડા ચહેરા પર શોભે ય ખરાં! ઠીક છે ભાઈ! કોઈ શોખથી ચશ્માં પહેરતું હોય અને એને ચશ્માં શોભતાં પણ હોય, પણ એવાં યે લોકો પાર વગરના મળી આવશે કે જેમને દ્રષ્ટિની ખામીને લઈને મજબૂરીથી ચશ્માં પહેરવા પડતાં હોય અને ચશ્માં પહેરવાથી આવા લોકોનો દેખાવ, કદાચ તેમની પોતાની નજરમાં જ સારો ન લાગતો હોવાને કારણે તેમના આત્મવિશ્વાસમાં પણ ખાસ્સો ઘટાડો જોવા મળતો હોય.

અહાહાહા! કોઈએ ચશ્માં પહેરીને પાડેલા ફોટા પર શું કમેન્ટ લખવી એ વિચારતા વિચારતા ખાસ્સું મોટું 'ચશ્માં પુરાણ' લખાઈ ગયું! પણ છેલ્લે કહેવાની એક જ વાત છે.... મિત્રો, આપણે પણ ક્યારેક રૂઢિવાદી સિધ્ધાંતોના, જડ માન્યતાઓના, સંકુચિત વિચારોના કાળા ચશ્માં મનની આંખે ચડાવીને બેસી જઈએ છીએ.  આ ચશ્માં ઊતારીને જોઈએ તો જ ખ્યાલ આવે કે, જિંદગીમાં એવું ઘણું બધું છે.... એકદમ જ રંગીન , બેહદ ખૂબસુરત અને અત્યંત સરળ, સહજ.... જે જીવવા માટેની જરૂરિયાત છે.... શાંતિથી, ચેનથી જીવવા માટેની જરૂરિયાત......

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો