મે 17, 2014

એક ગુલઝારિશી ગીત... મનોજ યાદવની કલમે...




બ્લોગ પર અલક મલકની નિતનવી વાતો શેર કરતા, વાંચતા, માણતા કેટલો સમય વીતી ગયો... ખ્યાલ જ ન રહ્યો..... બ્લોગની આ  દુનિયા મારે મન જાણે કે નિત્ય વહેતી વિશાળ જલધારા...... ને હું એ જલધારાના એક બૂંદ રૂપે આ પ્રવાહમાં વહી રહી છું......

ના ના... આ કોઈ પદ્યાત્મક ગદ્ય નથી લખી રહી....  તાજેતરમાં જ ધ્યાનમાં આવેલા  એક ગીતને ફરી ફરી સાંભળી રહી છું અને 'ગુલઝારિશી' મૂડમાં આ ગીત વિશે વાત કરી રહી છું!


'ટૂટિયા દિલ' - ખબર નહીં આ નામની કોઈ ફિલ્મ ક્યારે આવીને જતી રહી હશે. પણ આ જ ફિલ્મનું જે ગીત સાંભળી રહી છું એ જ્યારે પહેલીવાર કશી જ જાણકારી વિના સાંભળ્યું ત્યારે એમ જ થયું કે જાણે ગુલઝારની લખેલી કોઈ રચના સાંભળી રહી છું! નેટ પર ખાંખાખોળા કરતાં જાણવા મળ્યું કે ગીતકાર મનોજ યાદવ ખુદ પણ ગુલઝારના જબરજસ્ત ચાહક છે અને તેમણે સ્કૂલમાં ભણતા ભણતા જ ગુલઝારની મશહૂર રચના, ''ચડ્ડી પહન કે ફૂલ ખીલા હૈ...'' થી પ્રેરાઈને કવિતા લખવાની શરૂઆત કરી હતી. બાદમાં આગળ જતા મનોજનો પરિચય શંકર મહાદેવન સાથે થયો અને તેમણે મનોજને કેટલાક વિજ્ઞાપનો લખવાનું કામ અપાવ્યું. ત્યારબાદ મનોજે વિશ્વકપ ક્રિકેટ માટેનું મશહૂર ગીત 'દે ઘૂમા કે' પણ લખ્યું અને ફિલ્મો માટે ગીતો લખવાની પણ શરૂઆત કરી.

પ્રસ્તુત ગીતના યુવા સંગીતકાર ગુલરાજ સિંહ પણ એ. આર. રહેમાને આપેલા ફિલ્મ 'રોજા'ના સંગીતથી આકર્ષાઈને આ ક્ષેત્રે પ્રવેશ્યાં અને તેમની પ્રતિભા  શંકર અહેસાન લોયની ત્રિપુટીમાંના લોયે પારખી અને પોતાની ટીમમાં કી બોર્ડ પ્લેયર તરીકે કામ આપ્યું. જે અનુભવ તેમને સ્વતંત્ર સંગીતકાર તરીકે કામ અપાવવામાં નિમિત બન્યો.

મનોજ યાદવની આ મધુર રચનાને, મીનલ જૈન અને  જસવિંદર સિંઘ જેવા ગાયકોએ સ્વર આપ્યો છે. ટીવી શો 'ઈન્ડિયન આઈડોલ'ની  સાલ 2006ની સિઝનમાં ટોપ ટેનની યાદીમાં સ્થાન મેળવી ચૂકેલી મીનલના અવાજમાં, એની ઉંમરના પ્રમાણમાં ખાસ્સી પરિપકવતા જોવા મળે છે, એ સાચ્ચે જ પ્રશંસનીય છે. તો ગઝલ ગાયક તરીકે જાણીતા એવા જસવિંદર સિંઘ એટલે 'સાથ સાથ' અને 'અંકુશ' જેવી ફિલ્મોનું સંગીત તૈયાર કરનાર કુલદીપ સિંઘના પુત્ર,  જસવિંદર, મશહૂર શાયર કૈફી આઝમીના જીવન અને કવન પર આધારિત વિશિષ્ટ નાટક 'કૈફી ઔર મૈં' નાટકમાં તેમણે ગાયેલી કૈફી આઝમી સાહેબની ગઝલો માટે પણ જાણીતા છે.

http://www.youtube.com/watch?v=nA51qBwcgyM&desktop_uri=%2Fwatch%3Fv%3DnA51qBwcgyM&app=desktop

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો