મે 14, 2014

પિયાનો....





એક સમયે સંગીતકાર નૌશાદ અલીને, તેમના  નિવાસસ્થાને એક ખૂણામાં પડેલા વિશાળ પિયાનો જોઈને પૂછ્યું હતું કે આપ તો હિન્દુસ્તાની સંગીતના ચુસ્ત પુરસ્કર્તા છો, તો પછી આ પિયાનો અહીં શા માટે રાખ્યો છે? સવાલનું મહત્વ સમજીને નૌશાદસાહેબે સ્પષ્ટતા કરી:  "આપકો શાયદ જાનકારી નહીં હોગી, લેકિન પિયાનો મેરા બહોત હી અઝીઝ સાઝ હૈ. વો જિતના મઘરીબી હૈ ઉતના હી હિન્દુસ્તાની ભી."


તે પછી નૌશાદસાહેબે જે કહ્યું તેનાથી હરકોઈ સંગીત ચાહકની ઉત્સુકતા ઉત્તેજનામાં પરિવર્તિત થઇ જાય! પિયાનો પાછળની ખુરશી તરફ ઇશારો કરતાં તેમણે કહ્યું: "વહાં બેઠકર રફીસા'બને 'મેરે મહેબૂબ' કે ઉસ નગમે કી રિહર્સલ કી થી......." મેરે મહેબૂબ ફિલ્મમાં સાધનાના સૌંદર્યથી મોહિત રાજેન્દ્રકુમાર માટે રફીએ  "એ હુસ્ન જરા જાગ તુજે ઇશ્ક જગાયે" ગીતનું રિહર્સલ આ જગ્યાએ કર્યું હતું.

અન્ય કેટલાંક ગીતોમાં પણ પશ્ચિમી પિયાનોનો ઉપયોગ હિન્દુસ્તાની સંગીતરચનાઓ માટે નૌશાદસાહેબે કુશળતાથી કર્યો હતો. તે ગીતોમાં લતા મંગેશકરે ગાયેલા "યે કૌન આયા રોશન હો ગઇ મહેફિલ જીસકે નામ સે" (સાથી) અને  ''કલ કે સપને આજ ભી આના" (આદમી) ઉલ્લેખનીય છે. રફી-મહેન્દ્ર કપૂર અને રફી-તલત મહેમૂદે ગાયેલાં "કૈસી હસીન આજ બહારોં કી રાત હૈ" ગીતમાં પણ પડદા પર દિલીપકુમાર પિયાનો બજાવતા દેખાયા હતા. સંગીતકાર ઓ. પી. નૈયરે પણ ફિલ્મ ગીતોમાં પિયાનોનો ઉપયોગ જાદુઇ અસર નિપજાવવા માટે કર્યો હતો. રફીએ ગાયેલા "આપ કે હસીન રૂખ પે આજ નયા નૂર હૈ" ગીતમાં પડદા પર  પડછંદ ધર્મેન્દ્ર  અત્યંત સોહામણા  લાગતા હતા. ગુરુદત્તની "બહારેં ફિર ભી આયેંગી" ફિલ્મની આ સૌમ્ય સ્વરરચનાને રફીએ પોતાનો રેશમી અવાજ આપ્યો હતો. આ ગીત આજે પણ સૂચક પિયાનો ગીત બની રહ્યું છે.

પિયાનોનો પ્રભાવ કેવો જાદુઇ છે તે સમજવા માટે શંકર-જયકિશન દ્વારા સંગીતબદ્ધ ફિલ્મ"સંગમ" નિહાળવી પડે. "દોસ્ત દોસ્ત ના રહા, પ્યાર પ્યાર ના રહા" ગીતમાં મુકેશના સ્વરમાંથી છલકાતો તીવ્ર સંતાપ મહદઅંશે પિયાનોના કુશળતાપૂર્ણ ઉપયોગને આભારી હતો. ખુદ શંકરે આ ગીતમાં પિયાનો વગાડેલો.

"મેં વોહી હું" નામની ઓછી જાણીતી એક ફિલ્મમાં રફીએ ગાયેલું "બહુત હસીન હો બહુત જવાન હો" ગીત પણ પિયાનો આધારિત હતું. . સંગીતકાર ઉષા ખન્ના તેમની આ સંગીતરચના માટે આજે પણ ગર્વ અનુભવે છે.

હિંદી ફિલ્મી સંગીતમાં પિયાનોનો ઉપયોગ સૌપ્રથમવાર શ્રી પન્નાલાલ ઘોષે 1942ની ફિલ્મ 'બસંત'માં કરેલો. બાળકલાકાર તરીકે મધુબાલા પર આ ગીતનું ફિલ્માંકન થયેલું. ત્યારથી લઈને આજ સુધી લગભગ બધાજ સંગીતકારોએ આ અદ્ભૂત વાદ્યનો ઉપયોગ કરીને કેટલીયે અવિસ્મરણીય રચનાઓ આપી છે.

જેમાં પિયાનોનો ઉપયોગ થયો હોય એવા આપના મનપસંદ ગીતો વિષે જણાવશો તો આનંદ થશે!

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો