મે 14, 2014

વક્તને કિયા ક્યા હંસી સિતમ...





અંગ્રેજીમાં એક ઉક્તિ પ્રચલિત છે:-

"To make simple thing complicated is commonplace. But, to make complicated things awesomely simple is Creativity."

અનોખી પ્રતિભાના માલિક એવા ગુરુદત્તના વ્યક્તિત્વને આ ઉક્તિ સંપૂર્ણપણે યથાયોગ્ય છે. સર્જનાત્મક અને કલાત્મક ફિલ્મો માટે જેને ચિરકાળ સુધી ફિલ્મરસિકો ભૂલી ન શકે એવા ગુરુદત્તે આપણને એક એકથી ચડે એવી, વૈશ્વિક સ્તરે 'Masterpiece' કહેવાય એવી ફિલ્મો આપી.
એટલું જ નહીં, ગીત-સંગીતની ચાસણીમાં ઝબકોળાયેલી, વાસ્તવિકતાથી એકદમ નજીક એવી, ખાટી-મીઠી કહાણીઓથી બનેલી ફિલ્મો આપી. જેના અત્યંત જીવંત લાગતા સીધાસાદા, સંવેદનશીલ પાત્રો સાથે આપણો મેળાપ કરાવ્યો, જેને આપણે રોજબરોજની જિંદગીમાં કોઈક ને કોઈક સ્વરૂપે જોતાં જ હોઈએ છીએ.

વિશ્વ સિનેમાનો ઈતિહાસ ગુરુદત્તના ઉલ્લેખ વિના અધૂરો છે, એમ કહીએ તો ખોટું નથી. આખીયે દુનિયામાં જ્યાં જ્યાં સિનેમાનું ટેકનિકલ શિક્ષણ આપતી સંસ્થાઓ છે, ત્યાં ત્યાં ગુરુદત્તની ત્રણ ફિલ્મો, 'પ્યાસા', 'કાગઝ કે ફૂલ' અને 'સાહેબ, બીબી ઔર ગુલામ'ને પાઠ્યપુસ્તક રૂપે ભણાવવામાં આવે છે!

ગુરુદત્તે પોતાની ફિલ્મી કારકિર્દી દરમિયાન કંઈ કેટલાયે નવા નવા પ્રયોગ કર્યા. જેમકે તેમણે ફિલ્મ 'બાઝી'માં બે બિલકુલ નવા જ પ્રયોગ કર્યાં......

એક, ૧૦૦ એમ. એમ. ના લેન્સનો ઉપયોગ, ક્લોઝ-અપ લેવા માટે સૌપ્રથમવાર કર્યો. (આખીયે ફિલ્મમાં લગભગ ચૌદ વાર). આ અગાઉ કલાકારોના ચહેરા પર કેમેરો આટલી નજીકથી ક્યારેય નહોતો મંડાયો. કલાકારો પણ આ નવતર અનુભવથી કંઈક અસ્વસ્થતા અનુભવતા હતા. આજે પણ આ રીતે ક્લોઝ અપ ઝડપવાની શૈલી, 'ગુરુદત્ત શોટ' તરીકે જાણીતી છે.

બીજું, કોઈપણ ફિલ્મમાં ગીતોનો ઉપયોગ, કહાણીને આગળ ધપાવવા માટે કરવાનું ચલણ 'બાઝી' ફિલ્મથી શરુ થયું.

આ જ રીતે જોઈએ તો ગુરુદત્તની 'કાગઝ કે ફૂલ' એ ભારતમાં સિનેમાસ્કોપમાં બનેલી પ્રથમ ફિલ્મ છે. (એ દિવસોમાં હોલિવૂડની ફિલ્મ કંપની 20th Century Fox, ભારતમાં કોઈ ફિલ્મનું શૂટિંગ કરી રહી હતી, જે ફિલ્મ સિનેમાસ્કોપમાં ફિલ્માવાઈ રહી હતી. શૂટિંગ પૂરું કરીને ફિલ્મનું યુનિટ તો પરત ફરી ગયું પણ પેલા સ્પેશિયલ લેન્સ કંપનીની મુંબઈસ્થિત ઓફિસમાં જ ભૂલાઈ ગયેલા. ગુરુદત્તને આ વાતની ખબર પડતાં જ તેઓ પોતાના સિનેમેટોગ્રાફર વી. કે. મૂર્તિ સાથે ત્યાં પહોંચ્યા. લેન્સ લાવ્યા અને કેટલાક પ્રયોગો કર્યાં. તેના 'રશીઝ' જોયા અને તે અનુકૂળ જણાતા ફિલ્મમાં આ ફોર્મેટનો ઉપયોગ કર્યો.)

પણ આ કોઈ ખાસ વાત નથી. હકીકતમાં, ગુરુદત્ત આ ફિલ્મમાં કંઈક અનોખું, હટ કે કહી શકાય એવું કશુંક કરવા માંગતા હતા, કે જે ભારતીય ફિલ્મ ઈતિહાસમાં પહેલા ક્યારેય ન થયું હોય. અને આ તેમણે કરી બતાવ્યું ફિલ્મના એક ગીતના દ્રશ્યમાં.....

વક્તને કિયા ક્યા હંસી સિતમ....

ગીતા દત્તના દર્દીલા અવાજે ગવાયેલું આ બેહદ ખૂબસુરત ગીત કે જે ફિલ્મના સ્ટુડિયોની પશ્ચાદ્ભૂમાં ફિલ્માવાયેલું. આ ગીતના ફિલ્માંકનમાં કરાયેલા પ્રકાશના અદ્ભૂત સંયોજને ગુરુદત્તને વિશ્વવિખ્યાત કરી દીધા.

ગુરુદત્ત આ ગીતમાં પ્રકાશના સંયોજન વડે રીલ લાઈફ અને રીઅલ લાઈફ વચ્ચેનો તફાવત વ્યક્ત કરવામાંગતા હતા. બ્લેક એન્ડ વ્હાઈટ આબે જ રંગોમાં હીરો અને હીરોઈનના મનોભાવો, તેમની અંતરનો ખાલીપો, કિર્તી અને કલદારના દમામની ક્ષણભંગુરતા - આ બધું જ કંઈક અલગજ અંદાજમાં ગુરુદત્ત ફિલ્માવવા માંગતા હતા.

જે દિવસે નટરાજ સ્ટુડિયોમાં આ ગીતનું શૂટિંગ શરુ થયું તો એમના સિનેમેટોગ્રાફર વી. કે. મૂર્તિએ તેમને વેન્ટિલેટરમાંથી આવતો સૂર્યકિરણનો એક તેજ લિસોટો બતાવ્યો. જેને જોઈને બેહદ રોમાંચિત થઈ ઊઠેલા ગુરુદત્તે આ 'ઈફેક્ટ'ને વાપરવાનું મનોમન નક્કી કરી નાંખ્યુ

તેમણે મૂર્તિને કહ્યું કે મારે આ જ ઈફેક્ટ જોઈએ છે અને એ પણ કુદરતી સૂર્યપ્રકાશની મદદથી જ. કારણ કે, જે પ્રભાવની હું કલ્પનાકરી રહ્યો છું એ મોટી મોટી આર્ક લાઈટ થી કે કેમેરાનું એપર્ચર સેટ કરવાથી નહીં આવે.

બસ, પછી તો શું... બે મોટા મોટા અરીસા સ્ટુડિયોની બહાર રાખવામાં આવ્યા અને ખૂબ મહેનતનેઅંતે એ રીતે સેટ કરવામાં આવ્યા કે જેથી ધાર્યા મુજબ પરિણામ મેળવી શકાય. અને પછી એ જગપ્રસિધ્ધ દ્રશ્યનું શૂટિંગ કરવામાં આવ્યું કે જેમાં ગુરુદત્ત અને વહીદા રહેમાનની વચ્ચે ચકાચૌંધ કરી મૂકે એવી તેજ રોશનીનો શેરડો ફેંકાય છે અને એ સમયે બંનેના ચહેરાના ક્લોઝ અપ્સમાં દેખાતી અનોખી અસરના વાતાવરણમાં દર્શકો અવાક્ બની જાય છે અને એ વાતાવરણની અસરમાં સ્થળ-કાળ-સમયનું પણ ભાન ભૂલી જાય છે. અને યાદ રહે છે તો ફક્ત એક જ વિચાર.... એક દાર્શનિક ખ્યાલ....

'વક્તને કિયા ક્યા હંસી સિતમ....'

http://www.youtube.com/watch?v=paAptFpHBm8

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો