મે 14, 2014

'પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયાં ચલી....'






કન્યાવિદાય જેવા પ્રસંગને લઈને આપણે ત્યાં અનેક સુંદર કાવ્યો લખાયા છે. તો ફિલ્મોમાં પણ આ પ્રસંગને એટલી અસરકારક રીતે રજૂ કરવામાં આવેલો હોય છે કે મોટાભાગના દર્શકોની સંવેદના ઝંકૃત થઈ ઊઠે. પિતાનું ઘર છોડીને પિયુ સંગ સાસરવાસે સીધાવી  રહેલી  કન્યાના મનમાં હર્ષ અને શોકના મિશ્ર ભાવોનું  દ્વંદ્વ ચાલી રહ્યું હોય એ સમયના તેના મનોભાવને વ્યક્ત કરતું એક સરસ ગીત એટલે ફિલ્મ 'મધર ઈન્ડિયા'નું શમશાદ બેગમે ગાયેલું ગીત, 'પી કે ઘર આજ પ્યારી દુલ્હનિયાં ચલી....'


મહેબૂબ સાહેબ હિંદી ફિલ્મ જગતમાં 'લેન્ડમાર્ક' કહી શકાય એવી ફિલ્મ 'મધર ઈન્ડિયા' બનાવવા જઈ  રહ્યાં હતા. ઉપરોક્ત ગીત માટે તેઓ ફિલ્મના સંગીતકાર નૌશાદ સાહેબને મળ્યા અને ગીતની સિચ્યુએશન સમજાવી..... એક ગરીબ ખેડૂતની પુત્રી કે જેને બહુજ ઓછો કરિયાવર મળ્યો છે તે બળદગાડામાં બેસીને શ્વસુર ગૃહે વિદાય થઈ રહી છે. પણ આ કન્યાના મનમાં ભાવ એવો છે કે એના માબાપે જાણે એને કરિયાવરમાં બધું જ આપી દીધું છે.....

આ સાંભળીને નૌશાદસાહેબને અમીર ખુસરોની એક રચના યાદ આવી. 'સુંદર સારી મોરી મૈકે મેં મૈલ ભઈ કા લે કે જી હો ગોનવા હાય રામ.....' તેમણે ગીતકાર શકીલ બદાયૂનીને અમીર ખુસરોની આ રચના પરથી પ્રેરણા લઈને ઉપરોક્ત સિચ્યુએશન મુજબ ગીત લખવા કહ્યું. અને શકીલ સાહેબે શું ગીતના શબ્દો લખ્યાં.... ''મૈયા બાબાને સુખ મોહે સારે દિયે, મેરે ગોનેમેં ચાંદ ઔર સિતારેં દિયે... સાથ લેકર મેં સારા ગગનવા ચલી.... '' ગીતના બોલ સાંભળીને ઝૂમી ઊઠેલા મહેબૂબખાને, ગીતના ચિત્રીકરણ વેળાએ, ગીતના આ બોલને જીવંત કરી બતાવ્યા. અસ્તાચળે ડૂબી ગયેલા સૂરજના આછા અજવાળામાં ટમટમતા તારલાઓ અને વાદળોની આડે લપાતા છૂપાતા ચાંદની સાક્ષીએ ગાડામાં બેસીને વિદાય થઈ રહેલી કન્યા...... અદભૂત!

અત્યંત સંવેદનાસભર એવું આ ગીત રેકોર્ડ કરતી વખતે પણ અત્યંત લાગણીસભર દ્રષ્યો રચાયા. ગીત રેકોર્ડ થતું હતું અને અચાનક મુખ્ય ગાયિકા શમશાદ બેગમ અને કોરસની છોકરીઓના અવાજ બંધ થઈ ગયા. ત્યાં હાજર સૌ સમજ્યા કે મશીનમાં કંઈક ગરબડ થઈ. પણ જ્યારે રેકોર્ડિંગ કેબિન તરફ ધ્યાન ગયું તો ખ્યાલ આવ્યો કે બધી જ ગાયિકાઓ રોઈ રહી હતી. શમશાદ બેગમ પોતાની યુવાન અને લગ્નવાંચ્છુક પુત્રીની વિદાયના ખ્યાલે રડી રહ્યાં હતા. તો કોરસમાંની લગભગ તમામ યુવાન અને કુંવારી ગાયિકાઓ, પોતાના જીવનમાં પણ આવનારી આ ઘડીની કલ્પના કરીને ભાવુક થઈને રડી પડેલી. આ હાલતમાં રેકોર્ડીંગ કેમ કરવું, એમ વિચારીને નૌશાદસાહેબે બીજા દિવસે ગીત પૂરું કરવાનું સૂચવ્યું. પરંતુ શમશાદ બેગમે તે જ દિવસે ગીતનું રેકોર્ડીંગ પૂરું કરાવ્યું. તેમનો મત એવો હતો કે આ ગીત ગાતી વેળાએ અવાજમાં જેવો ભાવ જોઈએ એવી જ મનોસ્થિતિ અત્યારે બધી ગાયિકાઓની છે અને આ જ શ્રેષ્ઠ સમય છે ગીતને રેકોર્ડ કરવાનો. અને આ રીતે આ અમર ગીત રેકોર્ડ થયું.  

http://m.youtube.com/watch?v=OcXrwFSnEzY&hl=en&gl=IN&guid=&client=mv-google

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો