મે 18, 2014

ગુલઝાર




ફિલ્મ જગતમાં કિશોરકુમાર પછી જો કોઈ ગીતસંગીત સાથે વિભિન્ન અને સફળ પ્રયોગો કરવા માટે પ્રખ્યાત હોય તો તે છે ગુલઝાર સાહેબ... પોતાની કારકિર્દીની શરૂઆતથી જ અમૂલ્ય ગીતો લખતા આ શાયરે પોતાની રચનાસફરમાં અસંખ્ય પ્રખ્યાત ગીતો આપ્યાં છે. સરળ શબ્દોમાં ગહન વાતોને અત્યંત ઋજુતાથી રજૂ કરતા સંવેદનશીલ શાયર એટલે ગુલઝાર!


આલ્બમ 'ઉદાસ પાની'ની એક રચનામાં ગુલઝાર લખે છે....

''મૈ જબ છાંવ છાંવ ચલા થા અપના બદન બચાકર..
કિ રૂહ કો ઈક ખૂબસુરત જિસ્મ દે દૂં
ન કોઈ સિલવટ, ન દાગ કોઈ..
ન ધૂપ ઝૂલસે, ન ચોટ ખાયે...
ન ઝખ્મ છૂએ, ન દર્દ પહુંચે....
બસ એક કોરી કંવારી સુબહ કા જિસ્મ પહના દૂં રૂહ કો મૈં...

મગર તપી જબ દોપહર દર્દોં કી
દર્દ કી ધૂપ સે જો ગુઝરા...
તો રૂહ કો છાંવ મિલ ગઈ હૈ
અજીબ હૈ દર્દ ઔર તસ્કીં કા સાંઝા રિશ્તા...
મિલેગી છાંવ તો બસ કહીં ધૂપ મેં મિલેગી...

અજબ છે આ શખ્સ ગુલઝાર... જેને જીંદગીની કઠિનાઈમાં પણ શાંતિના દર્શન થાય છે! હ્રદયસોંસરવી ઊતરી જાય એવી હોય તેમની એક એક રચનાઓ,  સવારની તાજગી હોય કે રાતની ચાંદની, ઝિલમિલાતી સાંજ હોય કે ધોમધખતો તાપ- અત્યંત સહજ રીતે સરળ શબ્દોમાં કોઈપણ વિષયને ગહન રીતે રજૂ કરવાની કલાકારી તો બસ, ગુલઝાર સાહેબની જ! એમની રચનાઓમાં શબ્દોના નવા નવા પ્રયોગો જોવા મળે છે. વાત ચાહે કોઈ પણ હો, એમની કલમના સ્પર્શે શબ્દો કંઈક અલગ જ રંગમાં નિખરે છે. માનવ મનની બધી જ લાગણીઓને ગુલઝારસાહેબ  પોતાની રચનાઓમાં એટલી સહજતાથી વર્ણવે છે કે સાંભળનારને ક્યાંક ને ક્યાંક એમ જ લાગે છે કે પોતાના જ અંતરમનની વણકહી વાત અહીં શાબ્દિક રૂપે કહેવાઈ ગઈ છે..

ગુલઝાર સાહેબના ગીતો ધ્યાનપૂર્વક સાંભળીએ તો ખ્યાલ આવે કે આપણને આશ્ચર્યચકિત કરી દે તે રીતે શબ્દોના પ્રયોગ તેઓ પોતાના ગીતોમાં કરે છે. બે અલગ અલગ શબ્દો કે જેમનો ઉચ્ચાર લગભગ એકસરખો થતો હોય અને એનો પ્રયોગ પણ એ રીતે કરવામાં આવે કે કોઈપણ શબ્દ મૂકો તો યે અર્થ લગભગ સરખા જ નીકળે..આને તમે ગુલઝારની કલમનો જાદૂ કહી શકો. આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, આલ્બમ 'મરાસિમ'ની એક ગઝલ, ''હાથ છૂટે ભી તો રિશ્તે નહીં તોડા કરતે...''

ન જાણે કેટલાય લોકોના જીવનમાં પાછળ છૂટી ગયેલા કે અચાનક જ કરમાઈ ગયેલા લીલાંછમ સંબંધોની વેદનાને વ્યક્ત કરતી આ ગઝલમાં ગુલઝાર કહે છે...

''શહદ જીને કા મિલા કરતા હૈ થોડા થોડા...
જાને વાલોં કે લિયે દિલ નહીં થોડા કરતે.... ''

કેટલું સહજ છે, બીજી પંક્તિમાં 'થોડા'ને બદલે 'તોડા' સંભળાવુ! અને બંને શબ્દોનો અર્થ પણ એકદમ બંધબેસતો આવે છે.

ફિલ્મ 'થોડી સી બેવફાઈ'નું એક ગીત યાદ આવે છે.. 'આજ બિછડે હૈ, કલ કા ડર ભી નહીં....' આ ગીતના બીજા અંતરામાં ગુલઝાર કહે છે...

'કહનેવાલોં કા કુછ નહીં જાતા, સહનેવાલેં કમાલ કરતે હૈ...
કૌન ઢૂંઢે જવાબ દર્દોં કે, લોગ તો બસ સવાલ કરતે હૈ...

કોઈની વેરાન, સૂની જીંદગીની વેદનાને અત્યંત સૂક્ષ્મ રીતે અહીં રજૂ કરવામાં આવી છે. આવી જ ઓર એક રચના છે, 'શામ સે આંખ મેં નમીં સી હૈ...'' સૌપ્રથમ આશાજી એ આલ્બમ 'દિલ પડોસી હૈ' માટે અને ત્યારબાદ જગજીતસિંહજી એ આલ્બમ 'મરાસિમ' માટે આ ગઝલને સુંદર રીતે ગાઈ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો