મે 14, 2014

માલા સિન્હા... સુમધુર ગીતોની ખૂબસૂરત નાયિકા...






સોળ વરસની એક છોકરી, આકાશવાણીના કલકતા કેન્દ્ર પર ગીતો ગાતી હતી. કોઈ હિતેચ્છુએ તેને ગાયિકાને બદલે અભિનેત્રી બનવાની સલાહ આપી. અને તે પછીના બહુ જ ટૂંકા સમયમાં, બંગાળી ફિલ્મોના માધ્યમથી અભિનયની કેડી કંડારીને, નેપાળી નાક-નકશો ધરાવતી આ પ્રતિભાશાળી અભિનેત્રી હિંદી ફિલ્મ જગત પર છવાઈ ગઈ.
આ અભિનેત્રી એટલે માલા સિંહા. તેમની કારકિર્દીની શરૂઆતમાં એક તરફ, જ્યાં નરગીસ, મીનાકુમારી, મધુબાલા અને નૂતન જેવી ધરખમ અભિનેત્રીઓ કે જેઓ પહેલેથી જ ઈન્ડસ્ટ્રીમાં પોતપોતાના સિક્કા જમાવી ચૂકેલી હતી, તેમની સામે મેદાનમાં ઊતરવાનું હતું તો બીજી તરફ, વૈજયંતીમાલા અને વહીદા રહેમાન જેવી પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓ પણ સીધી સ્પર્ધામાં હતી. પોતાની મહેનત, લગન અને  અભિનયપ્રતિભાના જોરે માલા સિંહાએ હિંદી ફિલ્મ જગતમાં પોતાનું એક આગવું સ્થાન બનાવ્યું.

'50 અને '60ના દશકમાં, માલા સિંહાએ પ્યાસા, ધૂલ કા ફૂલ, પતંગા, હરિયાલી ઔર રાસ્તા, અનપઢ, ગુમરાહ, જહાં આરા, નીલા આકાશ, આંખે, ગીત, હિમાલય કી ગોદમેં, બહારે ફિર ભી આયેગી, મેરે હૂઝૂર, સંજોગ, 36 ઘંટે જેવી અનેક યાદગાર ફિલ્મોમાં કામ કર્યું. એ સમયના લગભગ દરેક નામી દિગ્દર્શકો સાથે માલા સિંહાએ કામ કર્યું. કેદાર શર્મા, બિમલ રોય, સોહરાબ મોદી, બી. આર. ચોપરા, યશ ચોપરા, અરવિંદ સેન, રામાનંદ સાગર, શક્તિ સામંત, ગુરુ દત્ત, વિજય ભટ્ટ, ઋષિકેશ મુખર્જી, સુબોધ મુખર્જી, સત્યેન બોઝ વિ. ના નિર્દેશનમાં માલા સિંહાએ વિવિધ ભૂમિકા માં પોતાની અભિનયક્ષમતાનો પરિચય આપ્યો. એક ઘરરખ્ખુ ભારતીય ગૃહિણીની ભૂમિકા ભજવવામાં અત્યંત કુશળ એવી આ અભિનેત્રીએ સામાન્ય છોકરીથી લઈને રાજકુમારીના પાત્રોને પડદા પર ચરિતાર્થ કર્યા.

માલા સિંહાની ઓર એક વિશિષ્ટતા એ રહી કે તેમની મોટાભાગની ફિલ્મોનું સંગીત અત્યંત કર્ણપ્રિય રહ્યું. એમાંયે લતાજીએ ગાયેલા એકલ ગીતોનો તો કોઈ જવાબ નથી. જરા એક નજર આ યાદી પર નાખી જુઓ. (આમ તો લતાજીએ માલા સિંહા માટે ગાયેલા બધા જ ગીતો અત્યંત સુમધુર છે. અને એમાંથી થોડા ગીતો આ યાદી માટે તારવવા એ જરા મુશ્કેલ કામ હતું. પરંતુ કેટલાક સદાબહાર ગીતો કે જે કાયમ દિલોદિમાગ પર છવાયેલા રહે છે, તેનો અહીં ઉલ્લેખ કર્યો છે.)

*કહે ઝૂમ ઝૂમ રાત યે સુહાની(લવ મેરેજ),
*રંગ દિલ કી ધડકન લાતી તો હોગી(પતંગ),
*જા રે, જા રે ઊડ જા રે પંછી(માયા),
*હૈ ઈસી મેં પ્યાર કી આબરૂ // આપ કી નજરોંને સમજા પ્યાર કે કાબિલ મુઝે(અનપઢ),
*મૈ જાગુ સારી રાત, સજન તુમ(બહુરાની),
*મેરી આંખો સે કોઈ(પૂજા કે ફૂલ),
*નીંદ કભી રહેતી થી આંખોમેં(આસરા),
*ગૈરોં પે કરમ, અપનો પે સિતમ//મિલતી હૈ જિંદગીમેં મહોબ્બત કભી કભી(આંખે),
*બોલ મેરી તકદીર મેં ક્યા હૈ(હરિયાલી ઔર રાસ્તા).

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો