મે 13, 2014

હાર્મોનીકા...






સુપરહીટ શોલે ફિલ્મનો એક યાદગાર સીન છે. વિધવા વહુ જયા ભાદુરી ઘરની બહારના ફાનસ ઓલવી રહી છે અને બહાર અમિતાભ બચ્ચન જે એને મનોમન ચાહવા લાગ્યો છે એ માઉથ ઓર્ગન (હાર્મોનીકા) પર એક સુંદર ટયુન વગાડે છે. ઘણા ઓછા લોકો ને ખબર છે કે આ ટયુન ખરેખર 'શોલે'ના સંગીત દિગ્દર્શક આર. ડી. બર્મને નહી પણ એમના સહાયક બસુદેવ ચક્રવર્તીએ રચ્યું હતું અને એને માઉથ ઓર્ગન પર વગાડનાર કલાકારનું નામ ભાનુ ગુપ્તા.

૧૯૩૨માં બર્મા (મ્યાનમાર) માં જન્મેલા ભાનુ ગુપ્તાએ ક્રિકેટર થવું હતું પણ ઉચ્ચતર અભ્યાસ માટે કલકત્તામાં નિવાસ દરમ્યાન સંગીત તરફ વળ્યા. કલકત્તામાં સ્ટેજ શોમાં સલીલ ચૌધરીના ગીતો માઉથ ઓર્ગન પર વગાડતા. અંતે સંગીતનો શોખ તેમને મુંબઈ ખેંચી લાવ્યો. અહી તેઓ ગીટાર વગાડતા શીખ્યા. એમને સૌથી પહેલો મોકો સી. રામચંદ્રજીએ 'પૈગામ'માં આપ્યો. રાહુલદેવ બર્મન સાથે એમની મુલાકાત માઉથ ઓર્ગનના એક વાદ્યસંગીતનું આલ્બમ બનાવવા માટે થઇ પરંતુ એની જગ્યાએ ભાનુજીને 'તીસરી મંઝીલ' માટે ગીટાર વગાડવાનું કામ મળ્યું. ત્યાર પછી એમનો આર. ડી. બર્મન સાથે ઘણો લાંબો સંબંધ રહ્યો અને ઘણા ચલચિત્રોમાં માઉથ ઓર્ગન અને ગીટાર વગાડવાનું કામ કર્યું. ભાનુ ગુપ્તાએ સલીલ ચૌધરી સાથે 'આનંદ'માં 'ના જીયા જાયે', ઓ. પી. નૈયર સાથે 'કશ્મીર કી કલી'માં ' કિસી ના કિસી સે', એસ. ડી. બર્મન સાથે 'આરાધના'માં 'મેરે સપનો કી રાની', મદન મોહન સાથે 'સંજોગ'માં 'ભૂલી હુઈ યાદોં' જેવા અસંખ્ય ગીતોમાં ગીટાર અને માઉથ ઓર્ગન વડે સાથ આપ્યો છે. છતાં 'શોલે'નું માઉથ ઓર્ગન નું આ ટયુન એમના દિલમાં એક ખાસ જગા રાખે છે.

http://www.youtube.com/watch?v=SU242kdnG8U

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો