મે 16, 2014

કહ મુકરની... અમીર ખુશરો..





સૂફી  સંત અમીર ખુશરો ઈ.સ. ૧૨૫૩ થી ૧૩૨૫ દરમિયાનના સમયના કવિ, સંગીતકાર, સંશોધક, તત્વજ્ઞાની અને ભાષાશાસ્ત્રી ગણાય છે. સૂફી સંત હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય એવા ખુશરોને નામે બીજી અનેક સિદ્ધિઓ છે. ઉત્તર ભારતીય શાસ્ત્રીય સંગીતના ખયાલની રચનાની શરૂઆત કરવાનો યશ ખુશરોને ફાળે જાય છે. ભારતીય સૂફીઓનું ભક્તિસંગીત કહેવાય એવી કવ્વાલીના જનક પણ ખુશરો જ છે. ભારતીય તબલાંની શોધ પણ તેમણે કરી હોવાનું મનાય છે. મૂળભૂત રીતે ફારસી ભાષાના આ કવિએ વ્રજ, હરિયાણવી અને ખડી બોલીના શબ્દોનું ફારસી અને સંસ્કૃત શબ્દો સાથે સંયોજન કરીને એક નવી જ ભાષા કે જેને તેઓ ‘હિન્દવી’ તરીકે ઓળખાવતા, તેમાં ખૂબ જ સુંદર કોયડા(Riddles), દોહા(couplets)  અને ગીતોની રચના કરી છે.



ખુશરોએ શરુ કરેલી કાવ્યાત્મક અંદાજમાં કોયડા લખવાની પરંપરા પ્રાચીન સમયમાં ખૂબ જ પ્રચલિત હતી. ‘કહ મુકરની’ તરીકે જાણીતા એવા આ વિશિષ્ટ સાહિત્ય પ્રકારમાં, આમ તો બે સખીઓ વચ્ચેનો સંવાદને ચાર પંક્તિઓમાં રજૂ કરવામાં આવે છે. સરળ શબ્દોમાં, કહીને ફરી જવું એટલે ‘કહ મુકરની’. ૧૬-૧૬ અથવા તો ૧૫-૧૫ માત્રાઓના બનેલા ચાર ચરણના આ લઘુ કાવ્યના પહેલા ત્રણ ચરણમાં, એક સ્ત્રી પોતાની સખીને કોઈ એક વ્યક્તિને/વસ્તુને સંબંધિત વાત, સંકેતમાં કહે છે અને ચોથા ચરણના અર્ધભાગમાં, પેલી સખી આ કોયડાનો જવાબ આપે છે. જેના જવાબમાં, બાકીના અર્ધ ચરણમાં, પેલી સ્ત્રી ‘ના સખી’ એમ કહીને ઉપરોક્ત ત્રણ ચરણમાં કહેલ વાતોને સુસંગત, પણ પેલી સખીએ આપેલા જવાબ કરતા તદ્દન ભિન્ન એવો જવાબ આપે છે..

અમીર ખુશરોએ રચેલી કેટલીક ‘કહ મુકરની’ના ઉદાહરણ જોઈએ તો.....

૧.  જબ માંગુ તબ જલ ભરી લાવે/ મેરે મનકી તપન બુઝાવે / મન કા ભારી તન કા છોટા / એ સખી સાજન? ના સખી લોટા.

૨. વો આવૈ તો શાદી હોય /ઉસ બિન દૂજા ઔર ન કોય / મીઠે લાગે વા કે બોલ / એ સખી સાજન? ના સખી ઢોલ.

૩. ઊંચી અટારી પલંગ બીછાયો /મૈ સોઈ મેરે સિર પર આયો/ ખુલ ગયી અખિયાં ભયો આનંદ/ એ સખી સજન? ના સખી ચાંદ.

૪. પડી થી મૈ અચાનક ચડી આયો / જબ ઉતર્યો તો પસીના આયો/ સહમ ગઈ નહિ સકી પુકાર/ એ સખી સાજન? ના સખી બુખાર.

૫. સેજ પડી મોરી આંખો આયા/ ડાલ સેજ મોહિ મજા દિખાયા/કિસ સે કહું મેં અબ મજા અપના / એ સખી સાજન? ના સખી સપના.

આજે પણ આ વિદ્યા  એટલી જ પ્રસ્તુત છે. હિન્દી ફિલ્મ સંગીતમાં પણ તેનો કેટલો સરસ ઉપયોગ થઈ શકે છે તે ફિલ્મ ‘રાંઝણા’ના આ ગીતને સાંભળીએ તો ખ્યાલ આવે. ઈર્શાદ કામિલના લખેલા આ સુંદર ગીતને એ. આર. રહેમાને ખૂબ જ કર્ણપ્રિય તર્જમાં સંગીતબદ્ધ કર્યું છે. શાસ્ત્રીયતાના રંગોથી સુશોભિત એવા આ ગીતને પોતાના મનોહર સ્વરોથી ગાયું છે ચિન્મયી શ્રીપ્રદા અને મધુશ્રી જેવી દક્ષિણની નામાંકિત ગાયિકાઓએ. પોતાના સંગીતમાં વિશિષ્ટ પ્રયોગો કરવા માટે જાણીતા રહેમાને આ ગીતમાં દક્ષિણ ભારતીય વાદ્ય ‘ઘટમ’નો સરસ ઉપયોગ કર્યો છે. (માટીમાંથી બનતા આ ‘ઘટમ’ અને આપણા માણભટ્ટ જે વગાડતા એ માણ વચ્ચે કોઈ સંબંધ ખરો કે? એ કોઈ જાણકાર મિત્ર સમજાવે એના પર છોડું છું.)

http://www.youtube.com/watch?v=rEKEeNk5nB4

‘કહ મુકરની’ સંબંધે ઓર એક વાત... એંસીના દાયકામાં ‘એચએમવી’એ અમીર ખુશરો પર તૈયાર કરેલાં ગેરફિલ્મી આલ્બમ Great Works Of Amir Khushro’માં સંગીતકાર મુરલી મનોહર સ્વરૂપે વાણી જયરામ અને કૃષ્ણા જેવી ગાયિકાઓના સ્વરમાં કેટલીક ‘કહ મુકરની’ઓને સંગીતબદ્ધ કરી છે.

http://www.youtube.com/watch?v=OcIsC4myIhA

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો