મે 13, 2014

વર્દરાજન....



.ઈ. સ. 1987ના મે મહિનાની વાત. વિખ્યાત ફિલ્મનિર્દેશક મણિરત્નમ્ ચેન્નાઈના એક સ્ટુડિયોમાં લાગેલા ઝૂંપડપટ્ટીના સેટ પર દ્રશ્યનું ફિલ્માંકન કરી રહ્યાં હતા. તે સમયે ગુંડા જેવા લાગતા ચાર-પાંચ માણસો સેટ પર આવીને ચૂપચાપ શૂટિંગ જોઈ રહ્યાં હતા. મણિરત્નમ્એ એક નજર તેમના સામે કરી અને ચૂપચાપ પોતાનું કામ કરવા લાગ્યા.

શૂટિંગના ચોથા દિવસે તેમનો ફોન રણક્યો. સામેથી સાંકેતિક ભાષામાં સંદેશો અપાયો. સંદેશો સાંભળીને ભયભીત બની ગયેલા રત્નમ્, જોખમ લઈને પણ, નિયત કરેલા સમયે અને સ્થળે પહોંચ્યા. શ્વેત ધોતિયું પહેરેલા, કપાળમાં તિલક કરેલા, નાના કદના પણ શક્તિશાળી માણસે તેમને આવકાર્યા.

એ માણસ એટલે બીજું કોઈ નહીં પણ રત્નમ જેના જીવન અને કુકર્મ પર આધારિત 'નાયકન' નામની ફિલ્મ બનાવી રહ્યાં હતા, એ વર્દરાજન મુદલિયાર ઉર્ફે 'વર્દાભાઈ' તરીકે કુખ્યાત મુંબઈનો ગુંડો સરદાર!

રત્નમ્ ના આશ્ચર્ય વચ્ચે, વર્દા તેમની ફિલ્મ વિશે, ફિલ્મના હીરો વિશે જાણવા ઉત્સુક હતો! વર્દાને એ જાણવું હતું  કે ફિલ્મનો હીરો પોતાની ગરદન પર લાલ રંગનો ખેસ વીંટાળે છે? તે લોકોને ફટકારે છે? કોર્ડલેસ ફોન પર હુકમ આપ્યા કરે છે? (એ સ્પષ્ટ હતું કે હિન્દી સિનેમામાં ખલનાયકના પાત્રને જેવું ચિતરવામાં આવે છે, તેનાથી વર્દા વાકેફ હતો.)

ફિલ્મમાં ગુંડા સરદાર કેવો હોવો જોઈએ એ અંગે રત્નમ્ ને જણાવતા વર્દાએ કહેલું :  “તમારી ફિલ્મ એકપક્ષી ન બની જાય તે સુનિશ્ચિત કરજો. કોઈપણ વ્યકિત, ગુંડા સરદાર સહિતની કોઈપણ વ્યક્તિ, તેને ચીતરવામાં આવે છે, એટલી ખરાબ નથી હોતી. તમારી માથે એકની એક બાબત થોપવામાં આવે તો તમે એના આદી બની જાઓ એ વાત ખરી છે, પરંતુ તમને જે દેખાડવામાં આવ્યું છે, તે જ સાચું હોય એવું જરૂરી નથી. સત્યનું પ્રભાવલય તો દ્રષ્ટિની પેલે પાર સુધી વિસ્તરેલું હોય છે. અંધારી આલમ હંમેશા પોલીસથી એક ડગલું આગળ શું કામ હોય છે, તમને ખબર છે? અમારી પાસે ભલે કોઈ સુવિધા નથી, ભલે ઢગલાબંધ માણસો નથી, પણ અમે બુદ્ધિશાળી છીએ, કૌશલ્યવંત છીએ......વગેરે વગેરે....”

જોકે, રત્નમ્ જેને ગર્ભિત ધમકી સમજતા એવી આ વાત અર્ધસત્ય જ હતી. એ સમયે વર્દા મુંબઈ પોલીસથી ડરીને ભાગતો ફરતો હતો. સામે એ વાત પણ એટલી જ સાચી હતી કે, જો વર્દા ધારે તો આખી ફિલ્મનું શૂટિંગ ખોરવી નાખે. પણ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ એ સ્પષ્ટ થતું ગયું કે વર્દાને પોતાના જીવન પર  આધારિત આ ફિલ્મ બને અને તેમાં પોતાના પાત્રનું વાસ્તવિક ચિત્રણ રજૂ થાય એમાં રસ હતો.

કુખ્યાત દાણચોર હાજી મસ્તાનના જીવન પર વિખ્યાત પટકથાલેખક જોડી સલીમ-જાવેદે લખેલી ફિલ્મ 'દીવાર'થી સ્ટાર સ્ટેટસ મેળવનાર અમિતાભ બચ્ચનની જેમ જ કમલ હાસને વર્દાભાઈની ભૂમિકામાં પ્રાણ રેડી દીધેલો. તે વર્દાને મળ્યો ત્યારે એક વાતોડિયા અને ઊર્જાભર્યા, ભારોભાર ચંચળ અને જોશભર્યા માણસ તરીકે પિછાણીને અવાચક બની ગયેલો!

વર્દાએ ફિલ્મમાં રસ દાખવ્યા બાદ રત્નમ્, વર્દા વિશે વધુ માહિતી મેળવવા મુંબઈ આવીને વર્દાના દીકરા મોહનને મળ્યાં અને એમની વાતચીતના આધારે ફિલ્મના અનેક દ્રશ્યો અત્યંત રોમાંચક બન્યાં. દા.ત., ફિલ્મમાં હીરોના નિવાસસ્થાનના દ્રશ્યો.
1987ના ઓક્ટોબર મહિનાની એક સાંજે, મણિરત્નમે તેમની આ મહત્વકાંક્ષી ફિલ્મ 'નાયકન'નો સ્પેશિયલ પ્રિવ્યૂ શો,ચેન્નાઈના ટી.નગર પ્રિવ્યૂ થિયેટરમાં યોજેલો. આગલી હરોળમાં ખુશખુશાલ વર્દરાજન મુદલિયાર તેમના પરિવાર અને મિત્રો સાથે બિરાજેલા હતા. એ પ્રિવ્યૂ પછીની સવારે વર્દાએ રત્નમને ફોન કર્યો અને કહ્યું,:  “હું શક્તિશાળી માણસ છું, પણ તમારી ફિલ્મે મને એ વાતનું ભાન કરાવ્યું છે કે હું વધુ સારો માણસ બની શક્યો હોત. ઘણું ઘણું વધારે સારું કામ કરી શક્યો હોત. તમે મને મદદ કરો. તમે કોઈને એવું ન કહેતા કે, આ ફિલ્મ મારા જીવન પર આધારિત છે. હું સખત મૂંઝવણ અનુભવું છું.”

રત્નમે આ ભડભાદર માણસની આખરી ઈચ્છાને માન આપ્યું. જી હા, આખરી ઈચ્છા. આ ઘટનાના ત્રણ મહિનાથી પણ ઓછા સમયમાં વર્દા હ્રદયરોગના હુમલાને લીધે મૃત્યુ પામ્યો....  2 જાન્યુઆરી, 1988ના દિવસે.

વર્દા ઈચ્છતો હતો કે તે શાંતિથી, ચૂપચાપ મરે, નહીં કે ફિલ્મના નાયકની જેમ હિંસક રીતે તેનું મોત થાય. તેને દિલથી ચાહતા લોકો દ્વારા તેના મોત બાદ કોઈ તંગદિલી ન સર્જાય એવી તેની ઈચ્છા પૂરી થઈ. વર્દાનો એક વેળાનો બોસ, દાણચોર હાજી મસ્તાન વર્દાના મૃતદેહને લેવા મુંબઈથી ચાર્ટર્ડ પ્લેનમાં ચેન્નઈ આવેલો. અંતિમયાત્રાના દિવસે. વર્દાના મૃત્યુનો શોક પાળતા હોય એમ આખા મુંબઈની બધી દુકાનોના શટર બંધ રહેલા. એકઠા થયેલા ઢગલાબંધ લોકોએ વર્દરાજનના મૃતદેહ પર પુષ્પવર્ષા કરી હતી.

* 'નાયકન'ને 1988ની શ્રેષ્ઠ વિદેશી ફિલ્મની કેટેગરીમાં એકેડેમી એવોર્ડ માટે નામાંકન પ્રાપ્ત થયેલું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો