મે 14, 2014

રાગમાલા... ઉમરાવજાન...




ભારતીય શાસ્ત્રીય સંગીત પરંપરામાં, જ્યારે કોઈ એક ગીતમાં, એક કરતાં વધુ રાગનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને દરેક રાગ પોતાના મૂળભૂત સ્વરૂપમાં હોય તો આવી રચનાને 'રાગમાલા' કહે છે. જોકે, સંગીત વિષયક ગ્રંથોમાં રાગમાલાની પરંપરા વિશે કશો ઉલ્લેખ જોવા મળતો નથી. પરંતુ એમ કહી શકાય કે, રાજદરબારોમાં, સંગીતકલા વડે  રાજવીઓને રીઝવવાનું ચલન વધ્યું હશે, ત્યારે કદાચ રાગમાલાનો પ્રયોગ કરવામાં આવ્યો હશે. એક રાગમાંથી બીજા રાગમાં પલટાતી ગાયકી રજૂ કરીને સંગીતમાં કશુંક નાવિન્ય લાવવાની આ યુક્તિ, આજે પણ શ્રોતાઓને મંત્રમુગ્ધ કરે છે.


હિન્દી ફિલ્મસંગીતમાં પણ રાગમાલાના કંઈ કેટલાય આકર્ષક પ્રયોગો કરવામાં આવ્યાં છે. આનું એક સુંદર ઉદાહરણ ફિલ્મ 'ઉમરાવજાન'(1981)માં જોવા મળે છે. ઓગણીસમી સદીના મધ્યભાગમાં, જ્યારે અવધના નવાબની છત્રછાયામાં શાસ્ત્રીય સંગીત અને નૃત્યકલાને ઉત્તેજન અપાતું હતું, તે સમયની મશહૂર ગાયિકા, નર્તકી અને શાયરા એવી ઉમરાવજાન પર આધારિત મુઝફ્ફર અલીના સુંદર નિર્દેશનમાં બનેલી આ અદ્ભૂત ફિલ્મના જે ગીતની આપણે વાત કરી રહ્યાં છીએ, એ ગીતનો પ્રારંભ, બાળ ઉમરવજાનની સંગીતશિક્ષા-દીક્ષા સાથે થાય છે. ફિલ્મમાં ઉસ્તાદજી એટલે કે ભારતભૂષણ, ૧૦-૧૧ વર્ષની ઉમરાવને કંઠી બાંધીને સૂર્યોદય સમયના રાગથી સંગીતશિક્ષાનો પ્રારંભ કરે છે. જેમ જેમ દિવસ ચડતો જાય, તેમ તેમ રાગ બદલાતા રહે છે. ગીતનો અંતિમ રાગ ભૈરવી ગવાય છે, ત્યારે બાળ ઉમરાવ, પૂર્ણવયસ્ક ઉમરાવજાનમાં બદલાયેલી જોવા મળે છે.

સંગીતકાર ખૈયામના અદભૂત સંગીતનિર્દેશનમાં, આ અનોખા ગીતમાં, ઉસ્તાદજી માટે સુપ્રસિદ્ધ ગાયક ઉસ્તાદ ગુલામ મુસ્તુફાખાન સાહેબે પોતાનો સ્વર આપ્યો છે, જ્યારે શિષ્યાઓ માટે શાહિદા ખાન અને રુના પ્રસાદે પાર્શ્વગાયન કરેલું છે.

ગીતનો પ્રારંભ થાય છે, રાગ રામકલીની એક બંદિશ, ''પ્રથમ ધર ધ્યાન દિનેશ....'' થી. ત્યારબાદ બીજા પ્રહરના રાગ તોડી ની રચના ''અબ મોરી નૈયા પાર કરો તુમ.....'' અને ત્યારબાદ ત્રીજા પ્રહરના રાગ શુદ્ધ સારંગની બંદિશની સ્થાઈ, ''સગુન વિચારો બમ્હના...'' ગવાય છે. ત્યારબાદ, ચોથા પ્રહરના રાગ ભીમપલાસી માં એક અદ્ભૂત હોળી ગીત, ''બિરજમેં ધૂમ મચાયે કાન્હા.....'' તો પાંચમા પ્રહરના રાગ યમનકલ્યાણ પર આધારિત રચના, ''દરશન દો શંકર મહાદેવ.....'' અને મધ્યરાત્રિના રાગ માલકૌંસની રચના ''પકરત બૈંયાં મોરી બનવારી......'' અને છેલ્લે રાગ ભૈરવીની મધુર રચના ''બાંસુરી બાજ રહી ધૂન મધુર....''થી ગીતનું સમાપન થાય છે. એક પછી એક સાત રાગોના અદ્ભૂત સંયોજનથી બનેલું આ અદ્ભૂત ગીત, શ્રોતાના કાનમાં અનેરી મીઠાશ ઘોળે છે. ફરી ફરીને સાંભળવાનું મન થાય એવી આ અદ્ભૂત રચના નીચેની લિંક પર માણી શકશો.

http://www.youtube.com/watch?hl=en&gl=IN&client=mv-google&v=uLdMUHwzZV0&nomobile=1

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો