મે 31, 2014

વનરાજ ભાટિયા



થોડા સમય અગાઉ જ જેમને 'પદ્મશ્રી' ઇલ્કાબ નવાજિત થયો એવા, વિજ્ઞાપન જિંગલ્સના બેતાજ બાદશાહ વનરાજ ભાટિયાનો આજે જન્મદિવસ છે.(૩૧ મે, ૧૯૨૭).


૧૯૪૯માં મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાંથી એમ.એ. (ઇંગ્લીશ ઓનર્સ)ની ડીગ્રી લઈને તેમણે લંડનની રોયલ એકેડેમી ઓફ મ્યુઝિકમાં જઈને કમ્પોઝીશનના પાઠ શીખ્યા. જો કે, તેમના પિતાજી તેમણે વકીલ બનાવવા ઈચ્છતા હતા, પરંતુ સંગીત પ્રત્યેની દીકરાની રુચિને ધ્યાનમાં લઈને તેમણે છ મહિનાનો સમય આપ્યો. જેથી તેઓ યુરોપમાં સ્કોલરશિપની વ્યવસ્થા કરી શકે. અન્યથા સ્વદેશ પરત આવીને વકીલાત શરુ કરે.. પરંતુ ભાટિયાજીએ છ મહિનાની અંદર એક નહિ પરંતુ બે બે સ્કોલરશિપ મેળવી લીધી. સંગીતશિક્ષણ માટે વિશ્વપ્રસિદ્ધ એવી રોયલ એકેડેમી ઓફ મ્યુઝિક અને ત્યારબાદ પેરિસમાં રોશર ફેલો ફાઉન્ડેશન- આ બંને સંસ્થામાંથી સ્કોલરશિપ મેળવીને લગાતાર ૧૧ વર્ષ યુરોપમાં જ રહીને તેમણે વેસ્ટર્ન ક્લાસિકલ આત્મસાત્ કર્યું. ત્યારબાદ ઈ. સ. ૧૯૫૧માં ભારત આવીને દિલ્હીના ‘સર શંકરલાલ ઇન્સ્ટીટયુટ ઓફ મ્યુઝિક’માં  'રીડર ઇન મ્યુઝિકોલોજી' તરીકે છ વર્ષ સેવા આપી. ત્યારબાદ તેમનો પરિચય શ્યામ બેનેગલ સાથે થયો, જેમની સાથે જન્મભૂમિ મુંબઈ પરત આવીને વિજ્ઞાપનની દુનિયામાં પદાર્પણ કર્યું અને સાત હજારથી યે વધુ કર્ણપ્રિય જિંગલ્સ તૈયાર કર્યા. ઘણા સંગીતકારો એમના જિંગલ્સ માંથી 'પ્રેરણા' લઈને સુમધુર ગીતો રચવાનું 'શ્રેય' મેળવી ચૂક્યાં છે. જો કે આને માત્ર 'ક્રોસ ઈન્ફલુઅન્સ' તરીકે લેખતા ભાટિયાજીના સંગીત પર, કોલકાતાના ન્યુ થિયેટર્સમાંથી આવેલા આર. સી. બોરાલ, કે. સી. ડે અને સચિનદેવ બર્મનની અસર છે, તેવું તેઓ જાતે જ સ્વીકારે છે.

વિજ્ઞાપન જિંગલ્સ ઉપરાંત ભાટિયાજી એ શ્યામ બેનેગલ, ગોવિંદ નિહલાની જેવા સર્જકો સાથે 'જરા હટકે' કહી શકાય એવું સંગીત આપ્યું છે. ‘ભૂમિકા’, ‘મોહરે’, ‘મંથન’, ‘નિશાંત’, ‘ઝુનૂન’, ‘સરદારી બેગમ’, ‘મંડી’, ‘મમ્મો’, ‘તરંગ’, ‘હિપ હિપ હુર્રે’, ‘સુર્ખિયા’ જેવી ગંભીર ફિલ્મોને પોતાના અર્થપૂર્ણ સંગીત વડે સજાવનાર વનરાજ ભાટિયાને સમાંતર સિનેમાના સ્તંભરૂપ સંગીતકાર કહી શકાય. 


http://www.youtube.com/watch?v=bDpS1NqUapg



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો