મે 09, 2014

અભિનય સામ્રાજ્ઞી મીનાકુમારી





મીનાકુમારીના વ્યક્તિત્વનો જાદૂ કહો કે એમના અભિનયની તાકાત કહો કે પછી એમના જીવનમાં વણાયેલા દર્દ, ત્રાસ, પીડાનું રહસ્ય કહો.. ‘સાહબ, બીવી ઔર ગુલામ’ ની ‘છોટી બહુ’ના પાત્રને મીનાકુમારીએ જે રીતે ઉભાર્યું છે... મિત્રોને યાદ હશે જ કે ’૬૨નાં ફિલ્મફેર પુરસ્કાર માટે મીનાકુમારીની જ ત્રણ ફિલ્મો એકસાથે નામાંકિત થયેલી.. ‘સાહબ, બીવી ઔર ગુલામ’, ‘મૈ ચૂપ રહૂંગી’ અને ‘આરતી’. પુરસ્કાર ‘સાહબ, બીવી ઔર ગુલામ’ ને મળ્યો હતો. આમ તો ‘સાહબ, બીવી ઔર ગુલામ’માં અનેક અવિસ્મરણીય પાત્રો છે. ફિલ્મના નાના નાના પાત્રો પણ યાદ રહી જાય એવા છે. ફિલ્મની અન્ય અભિનેત્રી જેબા એટલે કે વહીદા રહેમાનનું પાત્ર પણ મહત્વપૂર્ણ છે. ગુરુ દત્તની આ ફિલ્મમાં નિર્દેશક તરીકે ભલે અબરાર અલવીનું નામ અપાયું હોય. પરંતુ ફિલ્મની એક એક ફ્રેમમાં ગુરુ દત્તનો કલાત્મક સ્પર્શ આજે પણ અનુભવી શકાય છે. ગુરુ દત્તની જ અન્ય બે ચર્ચાસ્પદ ફિલ્મો ‘કાગઝ કે ફૂલ’ અને ‘પ્યાસા’માં પોતાની આગવી ઓળખ ઉભી કરનાર વહીદા રહેમાન આ ફિલ્મમાં પણ પોતાની આગવી છાપ છોડવામાં બેશક સફળ રહ્યા છે.


પણ ફિલ્મના અંતે બધા જ પાત્રો ભૂલાઈ જવાય છે અને ‘છોટી બહુ’ મીનાકુમારીનું પાત્ર જ યાદ રહી જાય છે. ફિલ્મમાં મીનાકુમારીનો પ્રવેશ ખાસ્સા પોણા કલાક બાદ થાય છે. પણ દર્શકો તો ફિલ્મની શરૂઆતમાં જ ખંડેરમાં ભટકતી ‘છોટી બહુ’ના દર્દભર્યા અવાજની ગહેરાઇમાં ખોવાઈ જાય છે. શું છે આ ‘છોટી બહુ’ નું દર્દ? એક મધ્યમવર્ગીય, પૂજાપાઠ કરનારી સુંદર સ્ત્રી કે જેના લગ્ન એક ઉચ્ચ કુટુંબમાં થાય છે, જ્યાં તેનો પતિ આખી રાત ગણિકાગૃહે વિતાવે છે... નાચગાન જુએ છે... ચિક્કાર શરાબ પીવે છે અને ઘરે આવીને આખો દિવસ ઊંઘે છે. એણે લગ્ન તો કર્યા છે પણ પત્ની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ એને રાખવો નથી. કારણ કે એને મન ગણિકાને ત્યાં જઈને રાત વિતાવવામાં જ મર્દાનગી છે. ‘છોટી બહુ’ હવેલીની ચાર દીવાલોમાં કેદ રહીને મરવા નથી માંગતી. એની બસ એક જ ખ્વાહીશ છે, પોતાના પતિને પોતાના વશમાં કરવાની. અને એટલે જ એ ભૂતનાથ એટલે કે ગુરુ દત્તને રાતના અંધારામાં પોતાના કમરામાં બોલાવે છે. ‘છોટી બહુ’ને ખ્યાલ છે કે ભૂતનાથ, મોહિની સિંદૂર બનાવતી કંપનીમાં કામ કરે છે. આ કંપનીનો દાવો હોય છે કે આ સિંદૂરનો ઉપયોગ કરનારી સ્ત્રી પોતાના પતિને પોતાના વશમાં રાખી શકે છે.

માત્ર ચાર થી પાંચ મીનીટના આ દ્રશ્યમાં નિર્દેશકની કલ્પના શક્તિનો નિખાર જુઓ. જેવો ભૂતનાથ નતમસ્તક થઈને ‘છોટી બહુ’ના કમરામાં પ્રવેશે છે કે દર્શકને મીનાકુમારીનો અવાજ સંભળાય છે, ત્યારબાદ એના મેંદી મુકેલા પગ દેખાય છે. મીનાકુમારી એને આવકારે છે, બેસવા કહે છે અને નામ પૂછે છે. ભૂતનાથ પોતાનું નામ કહે છે. અહીં સુધી દર્શકને માત્ર મીનાકુમારીનો અવાજ જ સંભળાય છે. એવો અવાજ કે જેમાં માર્દવતાની સાથોસાથ ભારોભાર પીડા છે. ભૂતનાથનું નામ સાંભળીને મીનાકુમારી કહે છે.. ‘બડા સુંદર નામ હૈ....’ આશ્ચર્યચકિત થઇ ગયેલો ભૂતનાથ સડક થઈને ઊંચું જુએ છે. એના વિચિત્ર અને મજાકિયા નામને સુંદર કહેનારી આ પહેલી સ્ત્રી હશે. અને અહી જ દ્રશ્યની ખૂબી છે. જેવી મીનાકુમારી કહે છે કે ‘બડા હી સુંદર નામ હૈ’, તો કેમેરો એકઝાટકે મીનાકુમારીના ચહેરા પર આવી જાય છે.. અને આ અભિભૂત કરી દે તેવા સૌંદર્યને જોઇને દર્શકો મંત્રમુગ્ધ થઇ જાય છે કે ફરી કેમેરો બાઘા જેવા થઇ ગયેલા ગુરુ દત્તના ચહેરા પર આવી જાય છે. ગુરુ દત્તના ચહેરા પર બે પ્રકારે આશ્ચર્યના ભાવ આવે છે, એક તો, પોતાના નામની આગળ સુંદર વિશેષણ લાગેલું સાંભળીને અને બીજું, આવું કહેનારી સ્ત્રીનું અનુપમ લાવણ્ય જોઇને.. મીના કુમારીના વ્યક્તિત્વમાં આંખો, હોઠ અને અવાજનું અદકેરું મહત્વ હતું. આ ત્રણેયનો સમન્વય થઈને મીનાકુમારીના વ્યક્તિત્વને રૂપેરી પડદે એક અદભૂત રીતે નિખાર મળતો. મીનાકુમારી એ પાછળથી ‘પાકીઝા’, ‘ચિત્રલેખા’, ‘ફૂલ ઔર પથ્થર’ જેવી રંગીન ફિલ્મોમાં અવિસ્મરણીય અભિનય કર્યો. પણ બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મોમાં જે રીતે એમનું વ્યક્તિત્વ નિખર્યું એ સાચે જ બેમિસાલ છે.


ચાર વર્ષની ઉમરે કેમેરા સામે આવી જનારી મીનાકુમારીની ચાલીસ વર્ષની જિંદગી એક ફિલ્મની સશક્ત પટકથા બની શકે એમ છે. એમનું બાળપણ, ગરીબી, સફળતા, કમાલ અમરોહી સાથેના લગ્ન, એમના પુરુષ મિત્રો, શરાબનું વ્યસન, બીમારી અને અકાળ અંત... જે રીતે મારાથી અભિનેત્રી હંસા વાડકરનાં જીવન પર શ્યામ બેનેગલે સ્મિતા પાટીલને લઈને ભૂમિકા જેવી ઉત્કૃષ્ટ ફિલ્મ બનાવેલી, એ રીતે મીનાકુમારીના જીવન પર પણ એક ફિલ્મ બનવી જોઈએ. પણ સવાલ એ થાય છે કે સ્મિતા પાટીલે જે રીતે હંસા વાડકરને પોતાના અદભૂત અભિનયથી પડદા પર આબેહૂબ જીવંત કરી હતી, શું કોઈ એવી અભિનેત્રી આજના સમયમાં છે કે જે મીનાકુમારીનો જાદૂ પડદા પર તાદ્રશ્ય કરી શકે?



http://www.youtube.com/watch?v=UmI2iqs6G4Y



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો