મે 16, 2014

કાલી ઘોડી દ્વાર ખડી.....




'કાલી ઘોડી દ્વાર ખડી...'  પ્રેમની અનુભૂતિ વ્યક્ત કરતું સુંદર ગીત....

'૬૦ ના અને '૭૦ના દશકની કંઈ કેટલીયે ફિલ્મગીતોમાં રાગમાલાનો ઉપયોગ ઉલ્લેખનીય રીતે થયેલો જોવા મળે છે. અગાઉ આપણે ૧૯૮૧ની ફિલ્મ 'ઉમરાવજાન'ના રાગમાલા ગીત વિશે વાત કરી ચૂક્યા છીએ. આજે ૧૯૮૧માં જ રિલીઝ થયેલી ફિલ્મ 'ચશ્મેબદદૂર'ના એક સરસ મજાના ગીત વિશે વાત કરીએ.
આ ગીતનું મુખડું અને પહેલા અંતરામાં રાગ કાફીના સ્વરોને સુંદર રીતે પ્રયોજવામાં આવ્યા છે, તો ગીતના બીજા અંતરામાં રાગ માલકૌંસ અને ત્રીજા અંતરામાં રાગ ભૈરવીના સ્વરોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

સામાન્ય રીતે, રાગમાલા ગીતોમાં, દિવસ કે રાત્રિના પ્રહરના ક્રમાનુસાર કે ઋતુ પરિવર્તનના ક્રમાનુસાર રાગોની પસંદગી કરવામાં આવે છે. જોકે, આ ગીતમાં રાગોની પસંદગી ફિલ્મના પ્રસંગો મુજબ કરવામાં આવી છે. ઘરથી દૂર, છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતા ત્રણ યુવાનોની આસપાસ ઘુમરાતી કથાવસ્તુ ધરાવતી આ કોમેડી ફિલ્મનું નિર્દેશન કર્યું હતું જાણીતા દિગ્દર્શિકા સઈ પરાંજપેએ.

ગીતની શરૂઆત થાય છે 'સરગમ સંગીત વિદ્યાલય'માં ગુરૂજી (વિનોદ નાગપાલ) પાસે સંગીત શીખી રહેલી નાયિકા (દીપ્તિ નવલ) વચ્ચેના દ્રશ્યથી. કવિયત્રી ઈન્દુ જૈને બહુ સૂચક રીતે લખેલા ગીતના શબ્દો 'કાલી ઘોડી દ્વાર ખડી...' માં કાલી ઘોડી એ નાયક ફારૂક શેખના કાળા રંગના મોટરબાઈકનું પ્રતિક છે. 'કાલી ઘોડી દ્વાર ખડી...' આ પંક્તિનો અર્થ એમ છે કે નાયક અને નાયિકા હવે નિકટ આવી ચૂક્યા છે. બીજા અંતરાની શરૂઆતમાં પહેલા સરગમ અને ત્યારબાદ 'કાલી ઘોડી પે ગોરા સૈંયા ચમકે....' માં રાગ માલકૌંસના સ્વરો પ્રયોજાયા છે. ફિલ્મના દ્રશ્ય અનુસાર નાયિકા સડક પર બસની રાહ જોઈને ઊભેલી છે અને ત્યારે નાયક પોતાની 'કાલી ઘોડી' એટલે કે બાઈક લઈને ત્યાં આવે છે અને નાયિકાને બાઈક પર બેસાડીને લઈ જાય છે. તો છેલ્લા અંતરામાં 'લાગી ચુનરિયા ઊડ ઊડ જાયે...' આ સુમધુર શબ્દો રાગ ભૈરવીની બંદિશમાં નાયક અને નાયિકાના પ્રગાઢ પ્રેમને સુંદર રીતે રજૂ કરે છે.

આમ, સંગીતકાર રાજકમલજીએ પ્રસંગને અનુરૂપ ક્રમશ: વિકસતા પ્રેમની અનુભૂતિ કરાવવા માટે કાફી, માલકૌંસ અને ભૈરવી જેવા રાગો પસંદ કરીને એક બહેતરીન રાગમાલા ગીત આપણને આપ્યું છે. બે શબ્દો રાજકમલજી વિશે અહીં લખ્યા વિના રહી નથી શકાતું.

રાજશ્રી પ્રોડક્શનની ફિલ્મોમાં પોતાના ઉચ્ચસ્તરીય સંગીતથી જાણીતા એવા સંગીતકાર રાજકમલજી પોતાના વિદ્યાર્થીજીવન દરમિયાન અચ્છા તબલાવાદક હતા. એ ઉપરાંત લોકસંગીતનો પણ તેમણે ગહન અભ્યાસ કર્યો હતો. 'દોસ્ત ઔર દુશ્મન'(૧૯૭૧)થી પોતાની ફિલ્મીસંગીત સફરનો પ્રારંભ કરનાર રાજકમલજીને પહેલી ભવ્ય સફળતા મળી, રાજશ્રી પ્રોડકશનની ફિલ્મ 'સાવન કો આને દો'(૧૯૭૯) ફિલ્મથી. શાસ્ત્રીય રાગોને સરળ રીતે ફિલ્મી સંગીતમાં તેમણે બખૂબી પ્રયોજ્યા છે.

યેસુદાસ અને હેમંતી શુક્લાએ ગાયેલા આ સુમધુર ગીતને નીચેની લિંક પર માણો.

http://www.youtube.com/watch?v=yw4oWvCB19A

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો