મે 13, 2014

પ્રિયા રાજવંશ







પ્રિયા રાજવંશ...

હકીકત, હીર રાંઝા, હિન્દુસ્તાન કી કસમ, હંસતે ઝખ્મ, સાહેબ બહાદૂર, કુદરત અને હાથોં કી લકીરેં જેવી ગણીગાંઠી ફિલ્મોની નાયિકા..

શિમલામાં જન્મેલી પ્રિયાનું મૂળ નામ વીરા હતું. નાનપણથી જ બેહદ ખૂબસૂરત એવી વીરાએ શિમલામાં જ સ્કૂલ-કોલેજનો અભ્યાસ પૂર્ણ કર્યો. કોલેજનાં અભ્યાસ દરમિયાન તેણે કેટલાયે અંગ્રેજી નાટકોમાં ભાગ લીધો. સુંદર નાક્નકશો અને લાંબા વાળ ધરાવતી વીરાને જોઇને હોલિવૂડ અભિનેત્રી ગ્રેટા ગાર્બોની યાદ આવી જાય. વનવિભાગમાં કાર્યરત એવા વીરાના પિતા સુંદરસિંહને યુનો તરફથી બ્રિટન મોકલવામાં આવ્યા, તો તેમની સાથે જ ગયેલી પ્રિયાએ લંડનની પ્રતિષ્ઠિત સંસ્થા રોયલ એકેડેમી ઓફ ડ્રામેટિક આર્ટમાં પ્રવેશ લીધો. લંડનના જ કોઈ ફોટોગ્રાફરે લીધેલી વીરાની તસ્વીર કોઈક રીતે ભારત પહોંચી અને નિર્માતા નિર્દેશક ચેતન આનંદ કે જે એ સમયે ’૬૨ની સાલના ભારત-ચીન  યુદ્ધની પૃષ્ઠભૂમિકા પર ફિલ્મ ‘હકીકત’નું નિર્માણ કરી રહ્યા હતા તેમણે પ્રિયાને પોતાની ફિલ્મમાં કામ કરવાની તક આપી. વીરાનું ફિલ્મી નામ પ્રિયા રાજવંશ પણ તેમણે જ આપેલું.

‘હકીકત’ તો, સૌ જાણે છે તેમ, યુદ્ધવિષયક ફિલ્મોમાં એક સીમાચિહ્નરૂપ ફિલ્મ બની રહી. પ્રિયાએ ન કેવળ આ ફિલ્મમાં અભિનય જ કર્યો, પરંતુ નિર્માણના દરેક તબક્કે ચેતન આનંદની મદદ કરી. પછી એ સંવાદલેખન હોય કે પટકથાલેખન હોય કે નિર્દેશન, અભિનય કે પછી સંપાદન.... એ સમય દરમિયાન જ પત્નીથી છૂટા થયેલા ચેતન આનંદ માટે પ્રિયાનું મહત્વ જિંદગીમાં એટલું વધી ગયું કે બંને એ સાથે રહેવાનો નિર્ણય કરી લીધો. ચેતન આનંદ કરતા પ્રિયા ઉમરમાં બાવીસ વર્ષ નાની હતી, પરંતુ ઉમરનો આ તફાવત ક્યારેય તેમના સંબંધની આડે આવ્યો નહીં. બંને એ લગ્ન નહોતા કર્યા. તેમ છતાં જિંદગીની ગાડી પૂરપાટ દોડતી રહી.

‘હકીકત’ બાદ આવી ફિલ્મ હીર રાંઝા. પદ્યમાં બોલાયેલા સંવાદોવાળી આ ફિલ્મનાં ગીતો અને સંવાદો કૈફી આઝમીએ લખેલા. ફિલ્મમાં ‘જાની’ રાજકુમાર સામે પ્રિયાએ અવ્વલ ટક્કર લીધી. ફિલ્મના કર્ણપ્રિય ગીતો લોકોની જબાન પર રમવા લાગ્યા. ‘હીર રાંઝા’ બાદ પ્રિયા સામે અનેક ફિલ્મોની ઓફરો આવી. પણ ચેતન આનંદની જ ફિલ્મોમાં કામ કરવું એવો નિશ્ચય કરી ચૂકેલી પ્રિયાએ અન્ય કોઈની ફિલ્મ ક્યારેય ન સ્વીકારી. કહેવાય છે કે સત્યજીત રે અને રાજ કપૂરની ઓફરો પણ પ્રિયાએ ઠુકરાવી દીધેલી. પતિપત્નીની જેમ જ સાથે રહેતાં ચેતન આનંદ અને પ્રિયા વચ્ચે અણબનાવ, ઝઘડા અને અંતે સમાધાન પણ સહજ રીતે થતા રહ્યા. શરૂઆતના સમયમાં ચેતન આનંદના બંગલે જ રહેતી પ્રિયા, પાછળથી પોતાના અલગ નિવાસસ્થાને રહેવા લાગી. દિવસમાં બે વાર જમવાના સમયે એ ચેતન આનંદને મળવા જતી. ૧૯૯૭મા ચેતન આનંદનું અવસાન થયું ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહ્યો.

ચેતન આનંદના અવસાન બાદ એકલી પડી ગયેલી પ્રિયા માટે ચેતન આનંદનો બંગલો જ તેના મોતનું કારણ બન્યો. ચેતન આનંદે પોતાના બંને પુત્રો કેતન અને વિવેકની સાથે પ્રિયાનો પણ પોતાના બંગલામાં ભાગ રાખેલો. કહેવાય છે કે બંને ભાઈઓએ લાલચમાં આવીને પોતાના નોકરોની મદદથી ૨૭ માર્ચ, ૨૦૦૦ના દિવસે પ્રિયાનું ક્રૂરતાપૂર્વક ખૂન કરી નાખ્યું. આમ એક સુંદર વ્યક્તિત્વનો આવો કરૂણ અંજામ આવ્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો