મે 15, 2014

એક હતો રસૂલ....


રસૂલ... રસૂલ લંગડો... એક પગે જરા ખોડંગાઈને ચાલતો એટલે સૌ એને લંગડો કહેતા. ગેબનશા પીરની દરગાહ પાસેની ફૂટપાથ પર એનો અડ્ડો... આખો દિવસ ફૂટપાથ પર પડી રહેવું ને દરગાહે આવતા શ્રદ્ધાળુઓએ ફેંકેલા પૈસા ભેગા કરીને ચરસની બીડી ફૂંક્યા કરવી એ જ એનું કામ. આમ તો એના જેવા કેટલાયે ભિખારીઓ દરગાહની આસપાસ બેસી રહેતા પણ રસૂલ જેવી બાદશાહી કોઈના બાપની યે નહીં. મેલીઘેલી કાળી કફની અને રંગ ઉડી ગયેલી ચોકડાવાળી લૂંગી.. ગળામાં રંગબેરંગી પથ્થરની માળા. કફનીની બાંયો હંમેશા ચડાવેલી જ હોય. માથે કાળો રૂમાલ અને ડાબા બાવડે કાળા દોરામાં પરોવેલું તાવીજ.

રસૂલ કહેવાને તો અનાથ હતો પણ દરગાહની આસપાસ ઘૂમતા મોટાભાગના ભિખારીઓ જોડે એને  ચાચા, મામા કે ભાઈ, ભતીજાનો સંબંધ હતો. એક ઓર હતી રેશમા.. એક મેઘલી રાતે વરસતા વરસાદમાં ક્યાંકથી ભીંજાતી ભીંજાતી આવી ચડેલી રેશમાને રસૂલે પોતાની પાસેની તૂટેલીફૂટેલી છત્રી આપીને ખુદ આખી રાત પલળતા રહીને પસાર કરેલી. સવાર પડી અને કુણા તડકાએ, આ બધા જીવોના મોડી રાત સુધી પલળીને ઠરીને ઠીકરું થઇ ગયેલા શરીરોને હુંફ આપીને જગાડવા માંડ્યા ત્યારે બધાએ શું જોયું? એક અકેલી જાન એવા રસૂલ મિયાં, હવે ત્રણ જણાનું કુટુંબ ધરાવતા થઇ ગયેલા... એક તો એ પોતે, બીજી રેશમા અને ત્રીજો રેશમાનો પાંચ વર્ષનો પોલીઓગ્રસ્ત મુન્નો.

થોડા દિવસો બધું ઠીક ચાલ્યું. પણ એક દિવસ અર્ધી રાત્રે આ જોડી વચ્ચે જોરદાર ઝઘડો થયો. દરગાહ પાસેની સાંકડી ગલીમાં રેશમાના વાળ પકડીને રસૂલે એને જમીન પર પછાડીને ઢોરમાર માર્યો. કારણમાં બીજું કંઈ નહીં, પણ રસૂલની ચરસની પડીકી રેશમાએ ધૂળમાં નાખીને પગ વડે કચરી નાખી હતી. નશો ન કરવાને લીધે બેચેન રસૂલ ભયંકર ગુસ્સે થયો હતો.

“તું સાલી હોતી કૌન હૈ, મુઝે ચરસ પીને સે રોકને વાલી...”

બેફામ ગાળો બોલતી રેશમાને મારતો પીટતો રસૂલ એક જ વાક્ય બોલ્યે જતો હતો. માર ખાઈ ખાઈને અધમુઈ થઈને જમીન પર પડેલી રેશમા હવે ગાળો નહોતી બોલતી. એના મોમાંથી લોહી નીકળીને ધૂળમાં મળવા માંડ્યું. રસૂલનું ચાલતે તો કદાચ એનો જીવ જ લઇ લેત પણ કોઈએ એને વાર્યો. એ બુઝુર્ગ કે જેને રસૂલ ચાચા કહેતો હતો એ એનો હાથ પકડીને ખેંચીને લઇ ગયો. પોતાની પાસે પડીકી છે, એ આપવાનું કહીને. એ જતો હતો ને સહસા જમીન પર મડદાની જેમ પડેલી રેશમા ઉભી થઇ ગઈ.

“સાલા તું જી ભર કે નશા કરીયો... મેં કૌન હોતી હું તુમ્હે રોકને વાલી... પર ઇત્તા તો બતાતે જાઓ... મેં અગર તુમ્હારી કોઈ નહિ લગતી તો મુન્નેકો જબ બુખાર આયા થા તો અસ્પતાલ મેં દાખિલ કરતે વક્ત અપને આપ કો ઉસકા બાપ કયું બોલા...? સાલે ચરસી.. અગર તું મેરે મુન્ને કા બાપ લગતા હૈ તો મેરા ક્યા હુઆ? મેં તુમ્હારી ક્યા લગતી હું.... બતા તો સહી...!! સાલે તું અલ્લાહ કી નમાઝ પઢતા હૈ.... ઉસકે નામ પે ભીખ માંગતા હૈ ઔર નશા સૈતાન કા કરતા હૈ......!!”

ચરસની પડીકીને પોતાની સૌતન સમજતી રેશમા ક્યાંય લગી બબડાટ કરતી રહી. અને થાકી હારીને ફૂટપાથ પર સુતેલા મુન્નાની પડખે જઈને સુઈ ગઈ.

બીજે દિવસે સાંજે મુન્ના જોડે બેસીને એને પાંઉરોટી ખવરાવી રહેલા રસૂલે મોં ચડાવીને બેઠેલી રેશમા સામે જોઇને પોતાના કાન પર હાથ મૂકીને માફી માંગવાની ચેષ્ટા કરી.

“તું આદમી અચ્છા હૈ રસૂલ... પર તેરી યે ચરસ ફૂંકને કી આદત મુઝે અચ્છી નહીં લગતી... ખાંસ ખાંસ કે મરેગા સાલા...”  -રસૂલની લાલઘૂમ આંખોમાં આંખો પરોવીને એ એટલું જ બોલીને ત્યાંથી દૂર ખસી ગઈ.

દરગાહથી થોડે જ દૂર આવેલી શાલીમાર હોટલની સામે સવારના નવ વાગ્યાથી ભિખારીઓ એક કતારમાં આવીને બેસી જતા. રસૂલ ગમે ત્યારે આવીને સૌની પહેલા ગોઠવાઈ જતો. દસ વાગ્યાથી હોટલમાં જમવાનું પીરસવાનું શરૂ થઇ જતું. હોટલમાં જમવા આવનારા લોકો પોતાની મરજીથી જમ્યા બાદ અમુક રકમ હોટલના ગલ્લા પર મુકતા. ચોક્કસ રકમ જમા થાય એટલે ગલ્લા પર બેઠેલો માણસ રસૂલની સામે જોઇને ઈશારો કરતો. રસૂલ ઊભો થઇને ગલ્લા પાસે પહોંચી જતો. પેલો માણસ એના હાથમાં પ્લાસ્ટિકના ટોકન મૂકતો. રસૂલ એ ટોકનના હિસાબે કતારમાં બેઠેલા ભિખારીઓ પૈકી અમુકને ઉભા કરીને એમના હાથમાં ટોકન આપીને હોટલની બાજુની ગલીમાં મોકલી દેતો. ત્યાંથી એ લોકોને, એક નાની બારીમાંથી ટોકન લઈને બે રોટી અને એક વાડકી દાળ કે શાક આપવામાં આવતા. દિવસના અલગ અલગ સમયે આવતા લોકોમાંથી કોઈ ને કોઈ, પોતાની કોઈ મુરાદ બર આવવાની ખુશીમાં, યા તો બસ એમ જ રાજીખુશીથી હોટલવાળાને અમુક પૈસા આપ્યા કરતા અને દિવસભર આ ભિખારીઓને ખાવાનું મળ્યા કરતુ. કોઈને વહેલું તો કોઈને મોડું. પણ વારા મુજબ સહુને ખાવાનું મળતું. રસૂલ કોઈ બુઝુર્ગ કે બીમાર ભિખારીને પહેલા ટોકન આપી દેતો, પણ આ બાબતે કોઈ રસૂલ મિયાંની સામે ચૂં કે ચા ન કરી શકતું.

ક્યારેક એવું પણ બનતું કે કોઈ પોતાની સફળતા માટે અલ્લાહનો આભાર માનવા ભિખારીઓની આખી જમાતને ખાવાનું ખવડાવતું. ગમે ત્યારે ગમે ત્યાંથી કોઈક ને કોઈક આવી ચડતું. એક દિવસ મોડી રાત્રે એક મોટર આવીને દરગાહની સામે રસ્તાની ધારે ઉભી રહી. ડ્રાઈવરની બાજુની સીટ પરથી સફારી સૂટ પહેરેલો એક માણસ ઉતરીને ગાડી પાસે ઊભો રહ્યો. પાછલી સીટ પર બેઠેલા માણસે ગાડીનો કાચ ઉતાર્યો. ફૂટપાથ પર સૂતેલા જીવોમાં સળવળાટ થઇ ગયો. બધા બેઠા થઇ જઈને ગાડી તરફ જોઈ રહ્યાં પણ કોઈ ઉભું ન થયું.

રસૂલ ઊભો થઈને ખોડંગાતો ખોડંગાતો ગાડી પાસે પહોંચ્યો અને ગાડીની અંદર બેઠેલા શખ્સ સામું જોઇને સલામ આલેકુમ કરીને ઊભો રહ્યો. પેલા સફારી પહેરેલા માણસે રસૂલ સામે જોઇને કહેવા માંડ્યું.

“સાહબ બડે સરકારી અફસર હૈ.. ઉનકે વહા બેટે કા જનમ હુઆ હૈ.. ઇસી ખુશીમેં તુમ સબ કો ખાના ખીલાને આયે હૈ.... જીતને ભી હૈ, સબ કો બુલા લો ઔર લાઈન મેં ઢંગ સે બિઠા દો...”

ત્યાં સુધીમાં ડ્રાઈવરે ડીકીનો દરવાજો ખોલી નાખ્યો. અને બે હાથે મોટી દેગ નીચે ઉતારી. દેગને ઉતરતી જોઇને રસૂલ બોલ્યો..

“ઢંગ સે તો બાદ મેં સબ કો બિઠાયેંગે, પહેલે યે બતાઓ, ખાને મેં ક્યા લાયે હો?”

પેલા સેક્રેટરી જેવા લાગતા માણસે ડોક જરા ટટ્ટાર કરીને શાનથી કહ્યું...

”ચીકન બિરયાની હૈ... અસલી ઘી મેં પકી હુઈ...”

ત્યાં સુધીમાં ડ્રાઈવરે દેગનું ઢાંકણ ખોલી નાખ્યું. શુદ્ધ ઘીમાં પકાવેલી ચીકન બિરયાનીની સોડમથી વાતાવરણ તર થઇ ગયું. ખુશ્બૂ તો એવી આવી રહી હતી કે ભરપેટ ખાઈને બેઠેલાં માણસની પણ ભૂખ ઉઘડી જાય! પણ રસૂલના મોં પર એકેય રેખા ન બદલી. મોઢામાં કશું યે ન હોવા છતાં એક તરફ થૂંકીને એણે ઠંડે કલેજે મોટરની બારીમાંથી અંદર જોયું.

“સા’બ.. બિરયાની બહુત હો ચૂકી... અબ તો પેટ મેં સિર્ફ મીઠે કી ગુન્જાયીશ હૈ... કુછ મીઠા બિઠા લાયે હો તો બોલો...”

અંદર બેઠેલા માણસના ચહેરા પર અણગમો સ્પષ્ટ તરી આવ્યો. ગુસ્સાથી તમતમતા ચહેરે એ બોલ્યો.

“ક્યા બકતે હો? દેગ ભર કે બિરયાની હૈ.... કૌન ખાએગા?”

એના બોલવાની જરાયે અસર ન થઇ હોય એમ રસૂલ ગાડીના ખુલ્લા કાચમાંથી અંદરની તરફ ઓર ઝૂક્યો અને પોતાની લાલઘૂમ આંખો પહોળી કરીને બોલ્યો..

“સા’બ... આપ કી મન્નત કા ખાના હૈ... ઔર હમેં તો યહીં પર રોજ હાથ ફૈલાના હૈ... ક્યા કરે.. હમારી ભી મજબૂરી હૈ...”

આટલું કહીને એ એક તરફ જઈને શાંતિથી ઊભો રહી ગયો. ગાડીમાં બેઠેલા માણસે પેલા સફારી પહેરેલા, સેક્રેટરી જેવા દેખાતા માણસને અંગ્રેજીમાં ધમકાવવા માંડ્યો. એ બિચારો પણ શું કરે? સાહેબ પોતે નાસ્તિક.. કશાયમાં ન માને પણ લગ્નના પંદર વરસ વીત્યા પછી ઘરે દીકરાનો જન્મ થયો તો પત્ની અને મા, બંનેની સામે એમનું કશું ન ચાલ્યું અને જ્યાં જ્યાં એમણે કહ્યું ત્યાં માનતાના ચડાવા કરવા લાગ્યા. બીજે બધે તો બધું સમુસૂતરું ઉતર્યું પણ અહીં જરા મુસીબત થઇ પડી.

ડ્રાઈવરે પેલા સેક્રેટરીને જરા દૂર બોલાવીને કાનમાં કશું કહ્યું. સેક્રેટરીએ સાહેબના કાનમાં ફૂંક મારી. બંને વચ્ચે કશીક મસલત થઇ અને સેક્રેટરીએ રસૂલને જરા દૂર બોલાવીને વાત કરી. ખિસ્સામાંથી પાંચસોની નોટો કાઢીને અમુક નોટ રસૂલના ગજવામાં સરકાવી. રસૂલે ગાડી નજીક આવીને, દૂર બેઠેલા પેલા ભૂખ્યા જનો સામે જોઇને આંગળીથી ઈશારો કર્યો. પળવારમાં સૌ સામસામી બે કતારમાં ગોઠવાઈ ગયા. ગાડીમાં બેઠેલા સાહેબ સહુને બિરયાની પર તૂટી પડતા જોઈ રહ્યાં. સમજાયું નહીં કે એમણે આ લોકોને ખાવાનું આપીને એમના પર અહેસાન કર્યો હતો કે આ લોકોએ ખાવાનું ખાઈને સાહેબ પર અહેસાન કર્યો હતો... અને રસૂલ...? એ તો કોઈનું ધ્યાન ન પડે એમ ત્યાંથી ચૂપચાપ ત્યાંથી સરકી ગયેલો.... ચરસની અંધારી ગલીમાં....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો