મે 02, 2014

હવામે ઉડતા જાયે મેરા લાલ દુપટ્ટા......



હિંદી ફિલ્મસંગીત ક્ષેત્રે અનેક નામાંકીત ગીતકારોની સાથોસાથ કેટલાક એવા ગીતકારો પણ થઈ ગયા કે જેમના ગીતો તેમના પ્રત્યેના કોઈ ઋણભાવ વગર તો ઠીક પણ તેમના નામ જાણવાની પણ દરકાર કર્યા વગર આપણે ગણગણ્યા કરીએ છીએ અને ક્યારેક તો માત્ર સંગીત અને વાદ્યરચનાના વખાણ કર્યા કરીએ છીએ. પણ અનેક ગીતો તો તેમના સંગીતને કારણે નહિં પણ તેના શબ્દોને કારણે આપણને આપણા અતીતની સ્મૃતિઓના એકાંત અડાબીડમાં લઈ જાય છે અને ઘણીવાર તો આપણને આપણી અંતરતમ પીડા સાથે સમાધાન પણ સાધી આપે છે, તો ક્યારેક વર્તમાનમાંથી હળવે હાથે ઉંચકીને ભૂતકાળના હુંફાળા દિવસો અને રંગીન રાત્રીઓની મદહોશ મનોમય સફરે ઉપાડી જાય છે. એ પંક્તિઓના રચયિતાઓના નામ જાણવાની ઉત્કંઠા આપણને કેમ ક્યારેય જાગતી નથી? ખરેખર આ એક વૈચિત્ર્ય છે.


આવા એક-બે નહિં બલકે અનેક ગીતકારો છે કે જેમણે થોડા પણ અવિસ્મરણીય ગીતો આપણને આપ્યાં છે. 'રામરાજ્ય' (૧૯૪૩)ના ગીતોના રચનારા કવિ રમેશ ગુપ્તા પણ પોતે બનાવેલી ફિલ્મ 'મતલબી દુનિયા' (૧૯૬૧)ના મુકેશના સુમધુર કંઠે ગવાયેલા “હૈ મતલબકી દુનિયા સારી”  જેવા ગીત છતાં અને “ઓ નીલ ગગનના પંખેરુ” અને “મારા ભોળા દિલનો હાય રે શિકાર કરીને” જેવા બેમિસાલ ગીતો આપવા છતાં વિસરાઈ ગયા. ફિલ્મ 'નરસી ભગત' (૧૯૫૭)નું ગીત “દરશન દો ઘનશ્યામ આજ મોરી અંખિયા પ્યાસી રે' ગોપાલસિંહ નેપાલીએ રચ્યું હતું. ઓસ્કાર વિજેતા ફિલ્મ 'સ્લમડૉગ મિલીયોનેર'ના ક્વીઝના દ્રશ્યમાં સ્પર્ધકોને એ ગીતના રચયિતા તરીકે તુલસીદાસ, મીરાબાઇ, સુરદાસ, અને કબીર એમ ચાર વિકલ્પો આપવામાં આવેલા. જ્યારે ગોપાલસિંહ નેપાળી સાચો ઉત્તર હોવો જોઈતો હતો. કરોડો દર્શકો સમક્ષ ગોપાલસિંહજીની હસ્તીને મીટાવી દેવામાં આવી, એ કેટલો મોટો અન્યાય!


આવા વણઓળખાયેલા, અણપ્રિછ્યા ગીતકારોના સંદર્ભમાં વાચકો માટે તદ્દન તદ્દન અજાણી રહી ગયેલી એવી એક વાત કરીએ. હિંદી ફિલ્મજગતના સુવર્ણયુગના ગીતકારોમાં કોઈ મૂળ ગુજરાતી કવિ/ગીતકારનું નામ યાદ આવે છે? ના, એની ખબર ના હોય તો એ દોષ આપણો નથી, એમની બદકિસ્મતીનો છે. એ ગીતકારનું નામ - ડૉ રમેશ શાસ્ત્રી,


રાજકપૂરે પોતાની બીજી ફિલ્મ 'બરસાત'(૧૯૪૯)માં ગીતો લખવા માટે જે જાહેરાત આપેલી તેના જવાબમાં એ વખતે બનારસ રહેતા રમેશ શાસ્ત્રીએ પોતાની જે રચનાઓ તેમને બતાવી. આ પૈકીની એક રચના પસંદ થઈ અને પછી એમાથી જે અજરામર અમર રચના બની, તે ગીત એટલે, ફિલ્મ ‘બરસાત’નું પ્રસિદ્ધ ગીત “હવામેં ઉડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલ કા” એ પછી તો એમના બીજા અનેક ગીતો ફિલ્મોમાં પ્રસિધ્ધ થયા. ફિલ્મ 'હર હર મહાદેવ'( ૧૯૫૦) નું ગીતા દત્તના કંઠે ગવાયેલું “કંકર કંકર સે મૈં પૂછું શંકર મેરા કહાં હૈ” પણ એમણે જ લખેલું ગીત છે. જો કે ‘બરસાત’ પછી તો મોટે ભાગે એમણે પૌરાણિક ફિલ્મોમાં જ ગીતો લખ્યા. રેડિયો સિલોન પરથી “રામશરણ” ના ઉપનામથી જે સુંદર ભજનો આવતા તે પણ એમના જ.


મૂળ ભાવનગર જિલ્લાના તળાજા પાસે આવેલા દીયોર ગામના રમેશજીનો જન્મ ૧૯૩૫ની ૨જી ઑગષ્ટે. પિતાનું નામ યમુનાવલ્લભ નરભેરામ શાસ્ત્રી. પોતાની નાની વયે થયેલા પિતાના અવસાન પછી ભાભીના કડક સ્વભાવના કારણે એમણે ગૃહત્યાગ કરીને બનારસ જઇને સંસ્કૃત સાહિત્યમાં વિશારદની પદવી મેળવી અને ગુજરાત પરત આવ્યા અને શ્રી સરયુદાસજીના આશ્રમમાં રહીને વિદ્યાર્થીઓને ભણાવવા સાથે સેન્ટ ઝેવીયર્સ કોલેજમાં અભ્યાસ પણ જારી રાખ્યો અને આગળ જતાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સંસ્કૃત સાહિત્યના પ્રથમ પીએચ.ડી. થયા. એ પછી સરકારી આયુર્વેદ કોલેજોમાં ભાવનગર, વડોદરા અને અમદાવાદમાં સેવાઓ આપી, છેક ૧૯૯૦માં નિવૃત્ત થયા અને એ પછી પણ વિદ્યાર્થીઓને સંસ્કૃતનું જ્ઞાન આપતા રહ્યા. એ અલગ વાત છે કે . શિઘ્રકવિત્વ એ તો તેમને મળેલી કુદરતની દેણ હતી.


ફિલ્મ સંગીત ક્ષેત્રે આગળ જવાની મહત્વાકાંક્ષાના અભાવને કારણે અને શુધ્ધ સનાતની વિચારોને લીધે, રાજકપૂરના વારંવારના તેડાં છતાં એમણે મુંબઇનો વસવાટ કદિ ના સ્વિકાર્યો. અને માત્ર સંસ્કૃત સાહિત્યના અધ્યયન અને અધ્યાપનમાં જ જિંદગી ગુજારી. પરંતુ તેમનું અંગત જીવન પુષ્કળ અને તિવ્ર ચઢાવ-ઉતારવાળું રહ્યું, પત્ની ઇશબાળાથી એમને બે સંતાનો થયાં, જે થયાં તો અત્યંત તેજસ્વી પરંતુ એમાંથી મિકેનિકલ એન્જીનીયર એવો પુત્ર કપિલદેવ ડિપ્રેશનનો શિકાર બન્યો અને રમેશ શાસ્ત્રીને ખુદને,  કેન્સરગ્રસ્ત પત્નીના અવસાન પછી સ્ટ્રોક આવ્યો અને બે મહિના સુધી તેઓ હોસ્પિટલમાં રહ્યા અને ત્યારબાદ પછી થોડા સમયમાં સેરીબ્રલ પાલ્સીનો ભોગ બન્યા અને પૂરા દસ વર્ષ એ અપંગાવસ્થામાં જ પથારીવશ રહ્યા.


“હવામેં ઉડતા જાયે મોરા લાલ દુપટ્ટા મલમલ કા...” ના ગીતકાર એવા કવિ રમેશ શાસ્ત્રીએ અમદાવાદમાં જ ગુમનામ અવસ્થામાં ૨૦૧૦ના એપ્રિલની ૩૦મીએ હંમેશાને માટે આંખો મીંચી દીધી. આજે પણ આવા કર્ણ અને શ્રુતિમધુર ગીતો સાંભળતી વેળા જેમની કલમમાંથી એની પંક્તિઓ સરી એ ગીતકારોને યાદ કરીએ અને આ અનોખા ગીતકારની સ્મૃતિને એમનું આ અમર ગીત સાંભળીને તાજી કરીએ.....

http://www.youtube.com/watch?v=TqBeoXxtc1E

*માહિતી સૌજન્ય: શ્રી રજનીકુમાર પંડ્યા

http://saujany.blogspot.ca/2014/05/blog-post.html

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો